Daheshat - 10 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | દહેશત - 10

Featured Books
Categories
Share

દહેશત - 10

10

સોફિયા ટેબલ ઉપર પડેલા તેના અને રીચાના મોબાઈલ ફોન તેમજ એ બન્ને મોબાઈલની બાજુમાં પડેલી બન્ને મોબાઈલની બેટરીઓ તરફ જોઈ રહી હતી. કાજલ, આનંદ, તેજલ અને માનવના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરીને, એમને એમના મોતનો સમય આપીને, પછી એ જ સમયે એમને મોતને ઘાટ ઊતારી નાંખનાર વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ રીચાના મોબાઈલ ફોન પર પણ આવ્યો હતો. રીચા ખૂબ જ ડરી ગઈ હતી. એનો ડર દૂર કરવા, તેમ જ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિથી પીછો છોડાવવા માટે સોફિયાએ રીચાના તેમજ તેના પોતાના મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી નાંખી હતી અને એ વાતની નિરાંત સાથે ઊંઘી ગઈ હતી કે, હવે એ વ્યક્તિનો કૉલ નહિ આવે. પણ અત્યારે અડધી રાતના મોબાઈલના રિંગ ટોન-રિંગના અવાજથી તેની આંખો ખુલી ગઈ હતી. તેણે જોયું હતું, તો તેણે બન્ને મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી નાંખી હતી, છતાં પણ બન્નેમાંથી કોઈ એક મોબાઈલ ફોનમાંથી ફિલ્મી ગીતવાળો રિંગ ટોન-આ રિંગનો અવાજ ગૂંજી રહ્યો હતો. બેટરી કાઢી નાંખી હોવા છતાં આ રિંગ ટોન મોબાઈલ ફોનમાંથી કેવી રીતના ગુંજી રહ્યો હતો ? અને અત્યારે તેના કે, રીચાના, બન્નેના મોબાઈલ ફોનમાંથી કોના મોબાઈલ ફોનમાંથી આ રિંગ ટોન ગુંજી રહ્યો હતો ! ? એ પણ એક સવાલ હતો. અને સોફિયા આ બન્ને સવાલો સાથે-ગભરાટભરી નજરે સામે ટેબલ પર પડેલા એ બન્ને મોબાઈલ ફોન તરફ તાકી રહી હતી, અને એ બન્નેમાંથી કોઈ એક મોબાઈલમાંંથી અત્યારે હજુ પણ એ રિંગ ટોન-રિંગ ગુંજી રહી હતી-

‘ના મૈં જાનું..., ના તું જાને...,

કિસ ઘડી મેં..., હોના હૈ ક્યા...?

જિંદગી કે..., ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ? ખોના હૈ ક્યા...? ?’

‘સોફિયા !’ સોફિયાના કાને આ અવાજ પડયો અને તે ચોંકી ઊઠી. તેણે ચહેરો ફરેવીને બાજુમાં જોયું, તો રીચા પણ ઊંઘમાંથી જાગીને તેની પાસે આવીને ઊભી હતી. રીચાના ચહેરા પર ભય છવાયેલો હતો : ‘સોફિયા ! એ વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, ત્યારે આજ રિંગ ટોન વાગ્યો હતો ! મેં મોબાઈલમાં આ રિંગ ટોન સેટ કર્યો નહોતો છતાં ! ! !’

સોફિયાએ રીચાના ચહેરા પરથી નજર હટાવીને મોબાઈલ તરફ જોયું, અને એ જ પળે મોબાઈલની રિંગ ગૂંજવાની બંધ થઈ ગઈ. વાતવારણમાં કાતિલ શાંતિ છવાઈ ગઈ.

સોફિયા ટેબલ તરફ આગળ વધી. રીચા પણ કંપતા પગલે સોફિયા સાથે ચાલી.

સોફિયા ટેબલ નજીક પહોંચી. રીચા પણ સોફિયાની સાથે-સાથે જ ટેબલ નજીક પહોંચી.

ટેબલ પર પડેલા મોબાઈલ ફોનમાંથી એ ફિલ્મી ગીતવાળો રિંગ ટોન ગૂંજતો બંધ થઈ ગયો હતો, એટલે તેના કે, રીચાના બન્નેના મોબાઈલ ફોનમાંથી કોના મોબાઈલ ફોન પર એ મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો ? એ જોવા માટે સોફિયાએ ટેબલ પર પડેલા મોબાઈલ તરફ હાથ આગળ વધાર્યો.

રીચા વધુ ઝડપે ધબકવા માંડેલા હૃદય સાથે જોઈ રહી.

સોફિયાએ તેનો મોબાઈલ ફોન ઉઠાવ્યો. તેના હૃદયના ધબકારા પણ વધી ગયા. તેણે મોબાઈલનું બટન દબાવ્યું, અને મોબાઈલના સ્ક્રીન પર જોયું ! ! !

તેના મોબાઈલમાં અત્યારે કોઈ મિસ્ડ્‌ કૉલ નહોતો. તેણે બાજુમાં ઊભેલી રીચા સામે જોયું.

રીચાના ચહેરા પરનો ભય બેવડાઈ ગયો : ‘હે ભગવાન ! આનો મતલબ.., આનો મતલબ એ કે, મારા મોબાઈલ પર જ મિસ્ડ કૉલ હતો !’

સોફિયાએ જાણે રીચાને હિંમત રાખવાનું કહેતી હોય એમ રીચાનો ખભો દબાવ્યો.

રીચાએ એક ઊંડો શ્વાસ લીધો અને ટેબલ પર પડેલા પોતાના મોબાઈલ ફોન તરફ હાથ આગળ વધાર્યો. તેણે ટેબલ પરથી પોતાનો મોબાઈલ ફોન ઉઠાવ્યો. તેનો હાથ કંપ્યોે. તેણે બટન દબાવ્યું અને મોબાઈલના સ્ક્રીન પર જોયું.

-હા ! તેના મોબાઈલ ફોન પર જ મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો.

મિસ્ડ્‌ કૉલનો સમય અત્યારનો, બરાબર એક વાગ્યાનો બતાવી રહ્યો હતો. મિસ્ડ્‌ કૉલ જે મોબાઈલ નંબર પરથી આવ્યો હતો, એ નંબરની જગ્યાએ, મોબાઈલ નંબરના આંકડા જેટલી જ માનવીની ખોપરીઓ દેખાઈ રહી હતી.

‘રીચા !’ સોફિયાએ કહ્યું : ‘આ મિસ્ડ્‌ કૉલ પર કૉલ લગાવીને વાત કર !’

રીચા સોફિયા સામે જોઈ રહી. તેની સામેથી એ વ્યક્તિને કૉલ કરીને વાત કરવાની હિંમત થતી નહોતી.

‘રીચા ! આપણે હિંમત રાખવી પડશે.’ સોફિયાએ કહ્યું : ‘પહેલી વાર એ વ્યક્તિનો કૉલ આવ્યો ત્યારે એણે તને કહ્યું કે, ‘‘રીચા ! મરવા માટે તૈયાર થઈ જા. તારે તારા ફ્રેન્ડ્‌સ માનવ, તેજલ, આનંદ અને કાજલ પાસે જવાનું છે.’’ એટલે તેં મોબાઈલ બાજુ પર મૂકી દીધો હતો. એ વ્યક્તિ સાથેની તારી વાત અધૂરી રહી ગઈ હતી. અત્યારે એને સામેથી કૉલ લગાવ. એ શું કહે છે, એ સાંભળ ! આનાથી આપણને એ શું કરવા માંગે છે એનો આઈડિયા આવશે તો આપણે એનાથી બચવા માટે કંઈક કરી શકીશું.’

‘પણ..,’ રીચા બોલી : ‘આમાં મોબાઈલ નંબરની જગ્યાએ તો માનવીની ખોપરીઓ છે ? ! એને કૉલ લાગશે કેવી રીતના ? !’

‘તું કૉલ લગાવી તો જો !’

રીચાએ એ ખોપરીઓવાળા નંબર પર કૉલ લગાવ્યો અને પછી સામેવાળી વ્યક્તિની વાતચીત સોફિયા પણ સાંભળી શકે એ માટે તેણે બટન દબાવ્યું.

મોબાઈલ ફોનમાંથી સામેના નંબરની રિંગ નહિ-કૉલર ટયૂન નહિ, પણ ઘરઘરાટી ગૂંજવા લાગી.

સોફિયા અને રીચા બન્નેએ એકબીજા સામે જોયું, ત્યાં જ રીચાના હાથમાં રહેલા મોબાઈલ ફોનમાંથી પેલી જ વ્યક્તિનો ધીમો પણ કાતિલ અવાજ ગૂંજ્યો : ‘હેલ્લો ! રીચા !’

અને રીચાના હાથમાંથી મોબાઈલ છટકીને ટેબલ પર પડયો.

રીચાએ ફરી મોબાઈલ હાથમાં લીધો નહિ. તે અને સોફિયા બન્ને જણીઓ એ મોબાઈલ ફોનને જોઈ રહી, એમાંથી ગૂંજી રહેલા એ વ્યક્તિના અવાજને સાંભળી રહી.

‘ગઈકાલે તેં મારી સાથે વાત કરવાનું ટાળ્યું, પણ એમાં નુકસાન મારું નહિ, તારું જ છે.’ ટેબલ પર પડેલા રીચાના મોબાઈલ ફોનમાંથી એ વ્યક્તિનો અવાજ ગૂંજ્યો : ‘કમસે કમ તને તારા મોતનો સમય પહેલાંથી ખબર હોય તો તું મરતાં પહેલાં તારા કેટલાંક જરૂરી કામકાજ તો પતાવી શકે ને !’

હવે રીચાની હિંમત જવાબ આપી ગઈ. તે સોફા પર ફસડાઈ પડી.

સોફિયા પણ રીચાની બાજુમાં સોફા પર બેસી ગઈ.

‘રીચા !’ ટેબલ પર પડેલા મોબાઈલ ફોનમાંથી એ વ્યક્તિનો અવાજ ગૂંજ્યો : ‘તારું મોત કાલે એટલે કે, શનિવારની રાતના, બરાબર દસ વાગ્યા ને દસ મિનિટે થશે !’

રીચાની આંખોમાંથી આંસુ ઊભરાવા માંડયા. આ તે શું સાંભળી રહી હતી ? તેની સાથે આ શું બની રહ્યું હતું ? ! ! તે...તે કાલ રાતના દસ વાગ્યા ને દસ મિનિટે મરી જશે ? !

‘અને રીચા...,’ ટેબલ પર પડેલા રીચાના મોબાઈલ ફોનમાંથી એ વ્યક્તિનો અવાજ ગૂંજ્યો : ‘...તારે એ જાણવું છે કે, તારું મોત કેવી રીતના થશે ? ! !’

રીચાએ સોફિયા સામે જોયું. સોફિયાની આંખોમાંથી હવે ચોધાર આંસુ વહેવા માંડયાં હતાં.

‘...એને હા કહે !’ સોફિયાએ ઈશારાથી જ રીચાને કહ્યું.

‘હા..,’ રીચા બોલી, પણ જાણે તેનો અવાજ ઊંડી ખાઈમાંથી આવતો હોય એવો ધીમો હતો : ‘...મારે એ જાણવું છે !’

મોબાઈલ ફોનમાંથી પહેલાં એ વ્યક્તિનો હસવાનો અવાજ ગૂંજ્યો, અને પછી આગળ અવાજ ગૂંજ્યો : ‘તારું મોત તારા ફ્રેન્ડ્‌સ કાજલ, આનંદ, તેજલ અને માનવ કરતાં બિલકુલ અલગ રીતે થશે ! કાચથી તારી બન્ને આંખો ફૂટી જશે અને બીજી જ પળે તારા હૃદયમાં પણ કાચ ખૂંપી જશે અને તારો જીવ નીકળી જશે !’

રીચાની હાલત કફોડી થઈ ગઈ.

સોફિયાને પણ શું કરવું એ કંઈ સમજ પડતી નહોતી.

‘ઓ. કે. રીચા !’ ટેબલ પર પડેલા રીચાના મોબાઈલ ફોનમાંથી એ વ્યક્તિનો અવાજ ગૂંજ્યો : ‘ગુડનાઈટ એન્ડ ગુડબાય !’ અને આ સાથે જ મોબાઈલ ફોનમાંથી ઘરઘરાટી સંભળાવા લાગી અને પછી એ ઘરઘરાટી પણ સંભળાવાની બંધ થઈ ગઈ.

રીચા બન્ને હાથમાં ચહેરો છુપાવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

સોફિયા રીચાની પીઠ પર હાથ પસવારી રહી. તેની આંખો પણ ભીની થઈ ગઈ. રીચાને બચાવવા માટે શું કરવું ? ! એ તેની સમજમાં કંઈ જ આવતું નહોતું !

રીચાએ પોતાના ચહેરા આગળથી હાથ હટાવ્યા અને આંસુ ભરી આંખે સોફિયા તરફ જોયું.

‘રીચા..,’ સોફિયા આગળ બોલવા ગઈ, ત્યાં જ રીચાએ ટેબલ પર પડેલો તેનો મોબાઈલ ફોન ઉઠાવ્યો અને જોશભેર જમીન પર પછાડયો. મોબાઈલના બે ટુકડાં થઈ ગયાં. છતાં રીચાને આનાથી સંતોષ ન થયો હોય એમ તેેણે બાજુમાં પડેલી પિત્તળની ફૂલદાની ઉઠાવી અને મોબાઈલના એ બન્ને ભાગને ફૂલદાનીથી છૂંદવા માંડયા.

મોબાઈલ કોઈ કામનો ન રહ્યો-સાવ નકામો થઈ ગયો, એટલે રીચાએ સોફિયા સામે જોયું.

‘આ તેં ખૂબ જ સારું કર્યું.’ સોફિયાના ચહેરા પર હળવાશ આવી ગઈ : ‘હવે તો એ વ્યક્તિનો આમાં કૉલ આવવાનો સવાલ જ નથી.’

‘હા.’ કહેતાં રીચાએ મોબાઈલના ટુકડાં સમેટયાં : ‘હું આને ગટરમાં વહાવી આવું છું.’

અને રીચાએ બાથરૂમમાં-કમોડમાં મોબાઈલના ટુકડા વહાવી દીધાં. તેણે બાથરૂમના દરવાજે ઊભેલી સોફિયા સામે જોયું.

તેના અને સોફિયા, બન્નેના ચહેરા પર જાણે મિસ્ડ્‌ કૉલ કરનારી એ વ્યક્તિથી પીછો છૂટી ગયો હોય એવી હળવાશ અને રાહત આવી ગઈ.

૦ ૦ ૦

શનિવારની સવાર પડી. સોફિયા રીચાને લઈને કૉલેજમાં પહોંચી.

કૉલેજમાં રીચા અને સોફિયાની, તેમની ફ્રેન્ડ અલીશાની સાથોસાથ કલાસના બીજા ફ્રેન્ડ્‌સ સાથે પણ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિની વાત થઈ.

ગઈકાલે રાતના મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ રીચાના મોબાઈલ ફોન પર વાત કરી હતી અને એણે ‘‘આજે રાતના દસ વાગ્યા ને ઉપર દસ મિનિટે કાચથી રીચાની આંખો ફૂટશે અને હૃદયમાં કાચ ખૂંપશે અને તેનું મોત થશે એ જણાવ્યું હતું,’’ એ વિશેની વાતચીત પણ થઈ.

આ સાંભળીને અલીશા તેમજ બીજા અમુક ફ્રેન્ડ્‌સ ચિંતામાં પડી ગયાં, તો અમુક ફ્રેન્ડ્‌સના ગળે આ વાત ઊતરી નહિ.

ગમે તેમ પણ કૉલેજ છૂટી એટલે સોફિયા, રીચા અને અલીશા કૉલેજની બહાર નીકળી.

રીચા એના ઘરે જવા માંગતી હતી, પણ સોફિયા એને પોતાની સાથે જ પોતાના ઘરે લઈ આવી.

તે મિસ કૉલવાળી વ્યક્તિએ રીચાના મોતનો, આજ રાતનો, દસ વાગ્યા ને ઉપર દસ મિનિટનો જે સમય આપ્યો હતો, એ સમય હેમખેમ પસાર ન થઈ જાય ત્યાં સુધી રીચાને તેની નજર સામેથી દૂર થવા દેવા માંગતી હતી.

સાંજના ચાર વાગ્યા અને સોફિયાએ ચા-નાસ્તો તૈયાર કર્યો, ત્યાર સુધીમાં રીચા થોડી વધુ હળવી થઈ ગઈ હતી, અને ટી. વી. પર ફિલ્મ જોવા બેસી ગઈ હતી.

સોફિયાએ રીચા સામે ચા-નાસ્તાની ટ્રે મૂકી, ત્યાં જ ડોરબેલ વાગી.

‘અત્યારે કોણ હશે ? !’ એવા સવાલ સાથે સોફિયાએ દરવાજો ખોલ્યો, તો સામે એક પંચાવન-છપ્પન વરસનો સૂટ-બૂટ પહેરેલો માણસ ઊભો હતો. ‘તારું નામ રીચા છે ? !’ એ માણસે પૂછયું.

‘ના !’ સોફિયાએ સામું પૂછયું : ‘તમે કોણ ? !’

અને એ માણસ જવાબ આપે એ પહેલાં જ ‘...કોણ છે ?’ પૂછતાં રીચા નજીક આવીને ઊભી રહી. ‘મારું નામ રીચા છે !’ રીચાએ એ માણસ સામે જોતાં પૂછયું : ‘બોલો, શું હતું ? !’

‘હું ટી. વી. સીરિયલ ‘દહેશત’નો પ્રોડયૂસર જોનાથન છું.’

‘હા !’ રીચા બોલી ઊઠી : ‘મેં એ સીરિયલના કેટલાંક એપિસોડ જોયા છે.’

‘સરસ !’ જોનાથન બોલ્યો : ‘અસલમાં મને મારી પાડોશમાં રહેતી, તારી કૉલેજ ફ્રેન્ડ અલીશા પાસેથી તારા મોબાઈલ ફોન પર આવેલા, તારા મોતના મેસેજવાળા મિસ્ડ્‌ કૉલની આખી વાત સાંભળવા મળી, એટલે હું અહીં તારી મદદ કરવા દોડી આવ્યો.’

‘મારી મદદ કરવા ? !’ રીચા બોલી ઊઠી : ‘કેવી મદદ ? !’

‘તેં મારી સીરિયલ ‘દહેશત’ જોઈ છે, એટલે તને ખ્યાલ હશે જ કે, આ સીરિયલ ભૂત-પ્રેત અને વળગાડને લગતી છે.’ જોનાથને કહ્યું : ‘અમે લોકો ભૂત-પ્રેતનો પરચો પામનાર વ્યક્તિ પર વળગાડ મુક્તિ માટેની ક્રિયા કરીએ છીએ અને વળગાડને હાંકી કાઢીએ છીએ. અમે તને પરેશાન કરી રહેલા પ્રેતને...’

‘ના !’ સોફિયા બોલી ઊઠી : ‘અમે આમાં પડવા માંગતા નથી.’

‘તું ચિંતા ન કર. પાછલા ત્રણ વરસથી અમારી આ સીરિયલ સફળતાપૂર્વક ચાલી રહી છે. અમે અનેક વળગાડ મુક્તિની ક્રિયાઓ કરી છે, અને એને ટી. વી. પર લાઈવ બતાવી છે.’ જોનાથને સોફિયાને કહીને પછી પાછું રીચા સામે જોયું : ‘રીચા ! તારા જે મોબાઈલ ફોન પર એ મિસ્ડ્‌ કૉલ આવે છે, એ મોબાઈલ ફોન મને બતાવીશ !’

‘એને તો મેં તોડીને ગટરમાં વહાવી દીધો.’

‘તેં ખોટું કર્યું, પણ ખેર !’ જોનાથને કહ્યું : ‘તું મારો આ મોબાઈલ રાખ.’ અને જોનાથને તેનો મોબાઈલ રીચાના હાથમાં પકડાવી દીધો.

‘તને પરેશાન કરી રહેલું મોબાઈલ ફોનવાળું પ્રેત...’ અને હજુ તો જોનાથન આગળ બોલે એ પહેલાં જ રીચાના હાથમાં રહેલા જોનાથનના મોબાઈલ ફોનમાંથી પેલી જ રિંગ-રિંગટોન ગૂંજી ઊઠયો-

‘ના મૈં જાનું...,

ના તું જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ ક્યા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?’

‘આ...!’ જોનાથન બોલી ઊઠયો : ‘મારા મોબાઈલનો રિંગ ટોન કેમ બદલાઈ ગયો ? ! !’

‘તમે ભલેને મોબાઈલ ફોનમાં કોઈ પણ રિંગ ટોન સેટ કર્યો હોય, પણ...,’ રીચા બોલી ઊઠી : ‘...એ વ્યક્તિનો કૉલ આવે છે ત્યારે મોબાઈલમાં આ રિંગ ટોન જ વાગે છે ! !’

અને રીચાના હાથમાં પકડાયેલા જોનાથનના મોબાઈલ ફોનમાંથી સંભળાઈ રહેલો એ રિંગ ટોન બંધ થઈ ગયો.

‘એ વ્યક્તિ તરફથી એમ. એમ. એસ. લાગે છે !’ રીચાએ મોબાઈલના સ્ક્રીન પર જોતાં કહ્યું, ને તેણે મોબાઈલનું બટન દબાવ્યું.

અને...,

...અને રીચાને મોબાઈલના સ્ક્રીન પર તેની પોતાની જ લાશ દેખાઈ !

-તેની લાશની ફૂટેલી આંખોમાંથી લોહીની ધાર નીકળી રહી હતી ! તેના હૃદયમાં એક કાચ ખૂંપેલો હતો અને એમાંથી પણ લોહીનો રેલો નીકળી રહ્યો હતો ! !

( વધુ આવતા અંકે )