Daheshat - 8 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | દહેશત - 8

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

દહેશત - 8

08

માનવના મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલા શબ્દો સોફિયાના કાનમાં પડવા માંડયા, અને એની સાથે-સાથે જ સોફિયાના ચહેરા પર ભય અને બેચેનીના ભાવ ઊપસવા માંડયા હતા !

અત્યારે હવે સોફિયાના કાન પર મુકાયેલા મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલાં શબ્દો સંભળાવાના બંધ થયા એટલે સોફિયાએ તેની સામે ઊભેલા અને તેને તાકી રહેલા માનવ સામે જોયું અને જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ બેઠો ન હોય એમ તેણે મોબાઈલનું બટન દબાવીને પાછો મોબાઈલ ફોન કાન પર મૂકયો, એટલે એમાંથી ફરી વાર એ જ શબ્દો ગૂંજવા લાગ્યા : ‘....તો તું મારું મોત બોલી રહ્યો છે, એમ ને !’ મોબાઈલ ફોનમાંથી માનવનો અવાજ સંભળાયો.

અને માનવના આ સવાલના જવાબમાં તુરત જ મોબાઈલમાંથી કોઈક અજાણી વ્યક્તિનો ધીમો અવાજ સંભળાયો : ‘હા, માનવ ! હું તારું મોત બોલી રહ્યો છું ! શું તારે એ જાણવું છે કે, તારું મોત કયારે ? કેટલા વાગ્યે થશે ? ! ?’

‘હા !’ મોબાઈલ ફોનમાંથી માનવનો અવાજ સંભળાયો.

‘તારું મોત ગુરૂવારની સવારના, બરાબર પોણા અગિયાર વાગ્યે થશે !’ મોબાઈલમાંથી એ વ્યક્તિનો અવાજ સંભળાયો.

‘ઠીક છે !’ માનવનો અવાજ સંભળાયો : ‘બીજું ? !’

‘બીજું..,’ મોબાઈલ ફોનમાંથી એ અજાણી વ્યક્તિનો અવાજ સંભળાયો : ‘...શું તારે એ જાણવું છે કે, તારું મોત કેવી રીતના થશે ? ! તારો જીવ કેવી રીતના જશે ? !’

માનવનો હસવાનો અવાજ સંભળાયો અને પછી માનવનો અવાજ સંભળાયો : ‘જો તારે કહેવું જ હોય તો કહી દે. તને એ અફસોસ ન રહી જાય કે, તારી બકવાસ મેં પુરી સાંભળી નહિ.’

અને મોબાઈલમાંથી એ વ્યક્તિનો હસવાનો અવાજ સંભળાયો અને પછી એનો આગળ અવાજ સંભળાયો : ‘આ મારી કોઈ બકવાસ છે, એવી ગેરસમજમાં ન રહેતો. ગુરૂવારની સવારના પોણા અગિયાર વાગ્યે તારું મોત નકકી છે ! તને ઈલેકટ્રીકનો કરંટ લાગશે અને તારો જીવ નીકળી જશે ! તારી લાશ ઢળી પડશે !’

પળવારની શાંતિ પછી માનવનો અવાજ સંભળાયો : ‘મેં તારી બકવાસ સાંભળી લીધી. હવે બોલ, તારે બીજું કંઈ કહેવાનું બાકી છે ? !’

‘બસ એટલું જ કે, ગુરૂવારના સવારના પોણા અગિયાર વાગ્યા પહેલાં તારે પતાવવા જેવા જરૂરી કામ પતાવી લેજે !’ મોબાઈલમાંથી એ વ્યક્તિનો અવાજ સંભળાયો : ‘બાય !’

અને આ સાથે જ એ વ્યક્તિ અને માનવની વાતચીત પૂરી થઈ ગઈ.

સોફિયાએ તેના કાન પરથી મોબાઈલ ફોન હટાવ્યો અને માનવ સામે જોયું.

‘સોફિયા !’ માનવે સોફિયા સામે જોઈ રહેતાં કહ્યું : ‘સોમવારની રાતના તેજલના મોબાઈલ ફોન પરથી મારા મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ આવ્યો. અને એટલે પછી મેં તેજલના મોબાઈલ નંબર પર કૉલ લગાવ્યો, તો સામેથી મને એ અજાણી વ્યક્તિનો અવાજ સંભળાયો. એણે મારા મોત વિશેની બકવાસ કરી એટલે પછી મેં જાણી જોઈને એની સાથેની વાત લંબાવી અને એની સાથેની આ વાતચીત-આ બકવાસ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી !’

‘આ બકવાસ નથી, માનવ !’ સોફિયાએ કહીને પૂછયું : ‘તને તેજલના મોબાઈલ ફોન પરથી સોમવારની રાતના એક્‌ઝેટ કેટલા વાગ્યે મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો ?’

‘રાતના બાર વાગ્યાની આસપાસ !’ માનવે કહ્યું : ‘તારે મોબાઈલમાં એના મિસ્ડ કૉલનો ટાઈમ જોવો હોય તો જોઈ લે.’

સોફિયાએ માનવના મોબાઈલ ફોનનું બટન દબાવીને, મોબાઈલના સ્ક્રીન પર તેજલના મિસ્ડ્‌ કૉલનો સમય જોયો.

એમાં સોમવારની રાતના બાર વાગ્યા ને ઉપર ત્રીસ સેકન્ડનો સમય નોંધાયેલો હતો !

સોફિયા એ સમયને તાકી રહી.

‘સોફિયા !’ માનવે પૂછયું : ‘શું વિચારમાં પડી ગઈ ? !’

‘માનવ ! તેજલ એના ફલેટ પરથી નીચે પડી અને એનું મોત થયું એ પળે હું ત્યાં હાજર હતી.’ સોફિયા એક નિશ્વાસ નાંખતાં બોલી : ‘તેજલનું મોત બરાબર બાર વાગ્યે થયું હતું ! એને મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ એને એના મોતનો જે સમય આપ્યો હતો બરાબર એ જ સમયે !’ સોફિયાએ આગળ કહ્યું : ‘અને તેજલને એ મિસ્ડ કૉલ આનંદના મોબાઈલ ફોન પરથી આવ્યો હતો ! તેજલે મને મોબાઈલ પર આ વાત કરી ત્યારે એને જે મોતનો સમય મળ્યો હતો એમાં ગણતરીની મિનિટોની જ વાર હતી. એ સુરતથી પાછી ફરી હતી અને સ્ટેશન પરથી ઘર તરફ ચાલતી જઈ રહી હતી. એ વખતે એની સાથે બધું વિચિત્ર અને ભયાનક બની રહ્યું હતું, અને એ ખૂબ જ ડરી ગઈ હતી. હું ટૅકસી પકડીને એના ઘર તરફ ધસી ગઈ હતી, પણ હું એના ફલેટ નીચે પહોંચી, એ જ વખતે એ એના ફલેટ પરથી નીચે આવી પડી હતી.’

‘સોફિયા !’ માનવ બોલ્યો : ‘મારા મોબાઈલ પર એ મિસ્ડ્‌ કૉલ આવ્યો એ પછી મને પણ ઘણું-બધું ભયાનક-ભયાનક દેખાઈ રહ્યું છે.’

‘....એટલે...? !’ સોફિયાએ પૂછયું.

‘...એટલે હમણાં થોડીક વાર પહેલાંની જ વાત કરું તો આપણે ઉપર તેજલના રૂમમાં હતાં ત્યારે રીચા ઊભી હતી એની પાછળના કબાટ પર મને બે ભયંકર વીંછી દેખાયા હતાં !’

‘વીંછી !’

‘હા ! વીંછી ! એ બન્ને વીંછી જાણે મને ડરાવવા જ આવ્યા હોય એમ મારી નજરે પડયાં હતાં અને પછી કબાટની તિરાડોમાં ઘૂસી ગયાં હતા ને દેખાતાં બંધ થઈ ગયા હતા.’

સોફિયાએ શું બોલવું એ કંઈ સમજાયું નહિ, એટલે તે ચુપચાપ માનવ સામે જોઈ રહી.

‘તું અને રીચા ભલે એમ માનતા હો કે, આ બધાં પાછળ ભૂત-પ્રેતનો હાથ છે, પણ હું ભૂત-પ્રેતમાં માનતો નથી.’ માનવ ધૂંધવાટભેર બોલ્યો, ત્યાં જ તેની નજર તેની પાસેથી પસાર થઈ ગયેલી અને આગળ વધી ગયેલી એક મોટર સાઈકલ પર પડી.

એ મોટર સાઈકલ પર એક યુવાન સવાર થયેલો હતો !

એ યુવાનના કપડાં તેણે અગાઉ જોયેલા હોય એવું લાગ્યું. એ યુવાનની મોટર સાઈકલ પર બેસવાની સ્ટાઈલ તેને જાણીતી લાગી. અને..અને બીજી પળે જ તેને યાદ આવી ગયું. ‘આવા કપડાં તો તેનો કૉલેજ ફ્રેન્ડ આનંદ પહેરતો હતો ! આવી સ્ટાઈલમાં તો આનંદ બાઈક ચલાવતો હતો ! ! પણ..પણ આનંદ તો મરી ચૂકયો હતો.’ અને માનવના મગજનો આ વિચાર પૂરો થયો એ જ પળે એ યુવાને મોટર સાઈકલ ઊભી રાખી દીધી.

એ યુવાન અત્યારે સોફિયાની પીઠ પાછળ, તેમનાથી સાત-આઠ પગલાં દૂર પોતાની મોટર સાઈકલ રોકીને ઊભો હતો.

માનવ એ યુવાન તરફ એકીટશે તાકી રહ્યો.

એ યુવાન જાણે માનવ માટે જ રોકાયો હોય એમ એણે ધીમે-ધીમે પોતાનો ચહેરો આ તરફ-માનવ તરફ ફેરવ્યો.

અને એ યુવાનનો ચહેરો જોતાં જ માનવ અવાચક્‌ બની ગયો.

-એ આનંદ હતો !

-એ જ આનંદ, જે ત્રણ-ચાર દિવસ પહેલાં મરી ચૂકયો હતો અને જેનો અંતિમ સંસ્કાર તેની નજર સામે થયો હતો અને જે સળગીને રાખ થઈ ગયો હતો !

માનવે નકારમાં માથું હલાવ્યું. ‘ના ! તેને જે દેખાઈ રહ્યું હતું, એ હકીકત નહોતી ! આ તેને ભ્રમ થઈ રહ્યો હતો !’ મનમાં આવા વિચાર સાથે માનવ મોટર સાઈકલ પર બેઠેલા અને ચહેરો ફેરવીને તેની તરફ જોઈ રહેલા આનંદ તરફ જોઈ રહ્યો.

આનંદ હસ્યો અને પછી એણે ત્યાંથી એકદમથી જ પૂરજોશમાં મોટર સાઈકલ દોડાવી મૂકી. આનંદની મોટર સાઈકલ માનવની નજર સામેથી ઓઝલ થઈ ગઈ.

માનવે સોફિયા તરફ જોયું.

સોફિયા હમણાં થોડીક પળો પહેલાં આનંદ જ્યાં ઊભો હતો એ તરફ જોઈ રહી હતી. ‘શું થયું ? ! ત્યાં શું જોઈ રહ્યો હતો ! ?’ સવાલ સાથે સોફિયાએ પોતાની નજર પાછી વાળીને માનવ સામે જોયું.

‘કંઈ નહિ. હું તને કહીશ, તો તું માનીશ નહિ ! હમણાં મને આનંદ દેખાયો હતો !’ આવું માનવ બોલવા ગયો, પણ ત્યાં જ તેની નજર થોડેક દૂરથી આ બાજુ આવી રહેલી મોટર સાઈકલ તરફ ગયું.

‘શું વળી પાછો આનંદ આવી રહ્યો છે કે, શું ? !’ એવા સવાલ સાથે માનવે આંખો ઝીણી કરીને જોયું, તો એ આનંદ નહોતો. એ મોટર સાઈકલ સવાર થોડેક દૂર આવેલા જમણી બાજુના રસ્તા તરફ વળી ગયો. માનવ ત્યાંથી પોતાની નજર પાછી ખેંચી લેવા ગયો, ત્યાં જ તેની નજર એ તરફથી સરકતી હોય એવી ચાલે આ તરફ આવી રહેલી એક દસેક વરસની છોકરી પર પડી.

એ છોકરી પોતાની મોટી-મોટી આંખોથી માનવને જ તાકી રહી હતી અને જાણે એ માનવ પાસે જ આવી રહી હતી.

અચાનક માનવની નજર એ છોકરીની પાછળના રસ્તા પર પડી. એ છોકરીની પીઠ પાછળથી એક બસ ફૂલ સ્પીડમાં આવી રહી હતી. એ છોકરી રસ્તા વચ્ચે ચાલતી આવી રહી હતી અને એ બસ જાણે તેની પર જ ચઢી આવી રહી હતી.

માનવને એમ કે, છેલ્લી પળે એ છોકરી રસ્તાની એક બાજુ પર હટી જશે કે, પછી એ બસનો ડ્રાઈવર એ છોકરીની બાજુમાંથી બસને પસાર કરી દેશે, પણ માનવની નવાઈ ને આંચકા વચ્ચે એ બસ સીધી જ એ છોકરી પર ચઢી આવી, અને...,

...અને એ છોકરી એ બસ સાથે ટકારઈ નહિ-એ બસ નીચે કચડાઈ નહિ ! એ છોકરી જાણે હવાની બનેલી હોય એમ એ બસ એ છોકરીના શરીરની આરપાર પસાર થઈ ગઈ ને આગળ નીકળી ગઈ.

અને એ છોકરીએ પણ જાણે કંઈ બન્યું જ ન હોય એવી રીતના, ને એ જ રીતના માનવ તરફ તાકી રહેતાં માનવ તરફ આવવાનું ચાલુ રાખ્યું.

‘આ બધું...,’ માનવનું માથું ભમી ગયું, ‘..આ બધું તેની સાથેે શું બની રહ્યું હતું ? !’

એ છોકરી માનવની થોડીક વધુ નજીક આવી. એ છોકરી હવે તેનાથી માંડ પાંચેક પગલાં દૂર રહી, ત્યાં જ અચાનક જ એ છોકરીની આંખો ફૂટી ગઈ !

હવે માનવના ચહેરા પર ભયના ભાવ આવી ગયા.

એ છોકરી ફૂટેલી આંખે માનવને જોઈ રહી !

‘માનવ ! શું થયું માનવ !’ માનવના કાને સોફિયાનો અવાજ પડવાની સાથે જ હવે માનવે સોફિયા સામે જોયું.

સોફિયા પાછળના રસ્તા તરફ, જ્યાં માનવને એ છોકરી દેખાઈ હતી એ તરફ જોતાં પૂછી રહી હતી : ‘આમ તું એકદમથી ગભરાઈ કેમ ગયો ? !’

અને માનવે ફરી સોફિયાના પીઠ પાછળના રસ્તા તરફ જોયું.

આ વખતે એ છોકરી..., જેની આંખો ફૂટી ગઈ હતી એ છોકરી દેખાઈ નહિ !

માનવે આસપાસમાં અને બન્ને રસ્તા પર દૂર-દૂર સુધી નજર દોડાવી, પણ એ છોકરી દેખાઈ નહિ. એ છોકરી પલકવારમાં જ અદૃશ્ય થઈ ગઈ હતી.

‘માનવ ! તું કંઈ બોલતો કેમ નથી ?’ સોફિયાનો અવાજ કાને પડયો ને ફરી સોફિયાએ માનવને હલબલાવી નાંખ્યો, એટલે માનવે પાછું સોફિયા સામે જોયું.

‘કોઈ.., કોઈ મને ડરાવવા માંગે છે, પણ હું ડરીશ નહિ !’ કહેતાં માનવ તેની કારનો ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલવા ગયો, ત્યાં જ તેની નજર કારના આગળના વ્હીલ પર પડી. આગળના ટાયરમાં પંકચર હતું. માનવે ધૂંધવાટભેર વ્હીલને લાત મારી. ‘હું ટૅકસીમાં જાઉં છું.’

‘ના, અત્યારે તારે નથી જવાનું, માનવ !’ સોફિયા બોલી ઊઠી : ‘તું ચાલ ! આપણે તેજલના ફલેટમાં ચાલ્યા જઈએ.’

‘ના, હું ઘરે જ જાઉં છું.’

‘જો, માનવ !’ સોફિયાએ તેના હાથમાં રહેલો માનવનો મોબાઈલ બતાવતાં કહ્યું : ‘તેં આ મોબાઈલમાં એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિનું જે રેકોર્ડિંગ કર્યું છે, એમાં એ વ્યકિતએ તારું મોત ગુરૂવારની સવારના પોણા અગિયાર વાગ્યે થશે એવું કહ્યું છે. અને અત્યારે હવે પોણા અગિયાર વાગવામાં ફકત ત્રણ મિનિટની વાર છે !’

‘ના, સોફિયા !’ માનવ બેચેનીભર્યા અવાજે બોલ્યો : ‘હું આવી બધી વાતોમાં નથી માનતો. જાદુ-વાદુ, તંતર-મંતર ને ભૂત-પ્રેત એ લોકોના મગજની ઊપજ છે. લોકો જેવું વિચારે છે, એવું એમની સામે બન્યું હોવાનો ભ્રમ પેદા થાય છે. મારી સાથે પણ કંઈક એવું જ...’

‘...એટલે શું તને પણ ભૂત-પ્રેત જેવું કંઈ દખાયું ? !’ સોફિયાએ અધીરાઈ સાથે પૂછયું.

‘મેં કહ્યું ને આપણું મન-મગજ જે કંઈ વિચારે છે એ કયારેક આપણી નજર સામે ઊપસી આવ્યું હોય એવું લાગે છે !’

‘પણ તું મને કહે તો ખરો, આખરે તને દેખાય છે, શું ? !’ સોફિયાએ પૂછયું.

‘જવા દે, સોફિયા ! મારી જેમ તારું મગજ પણ ખરાબ થશે. તું જા, હું પણ જાઉં છું.’ અને આટલું કહેતાં જ માનવ રોડ ક્રોસ કરવા માટે સડક પર આગળ વધી ગયો.

અને એ જ પળે એક કાર માનવની એકદમ પાસેથી પસાર થઈ.

‘માનવ, સંભાળ.’ સોફિયાનો જીવ ઊંચો થઈ જવાની સાથે જ તેના મોઢેથી બૂમ નીકળી ગઈ.

માનવ એ કારની અડફેટમાં આવતાં સહેજમાં બચી ગયો હતો.

‘તું જા, સોફિયા !’ માનવ સોફિયા તરફ પાછું વળીને જોયા વિના જ કહીને રોડ ક્રોસ કરવા લાગ્યો.

ઝુઉઉઉઉઉઉ....! અને અચાનક જ સોફિયાને તેની પીઠ પાછળથી કોઈ સડસડાટ પસાર થઈ ગયું હોય એવું લાગ્યું.

સોફિયાએ એકદમથી પાછળ ફરીને જોયું.

-પાછળ કોઈ નહોતું.

તેણે આસપાસમાં ને દૂર સુધી નજર દોડાવી. પણ કોઈ નહોતું.

તેણે ફરી સામે જોયું.

માનવ સડક ક્રોસ કરીને સામેની ફૂટપાથ પર પહોંચી ચુકયો હતો. ત્યાં જ સોફિયાને ખ્યાલ આવ્યો કે, માનવનો મોબાઈલ ફોન તો તેની પાસે છે. ‘માનવ !’ તેણે બૂમ પાડી : ‘તારો મોબાઈલ !’ અને સોફિયાએ તેનો હાથ અધ્ધર કરીને માનવને મોબાઈલ બતાવ્યો.

માનવ પાછો વળ્યો અને રોડ ક્રોસ કરીને પાછો સોફિયાની નજીક આવવા લાગ્યો.

અને.., અને આ જ પળે, સામેની ફૂટપાથ અને આ બાજુની ફૂટપાથ પર ખોડાયેલા ઈલેકટ્રીકના બે થાંભલા પરના ઈલેકટ્રીકના જાડા વાયરમાં સ્પાર્ક થયો-તણખાં ઊડયાં. એ વાયર તૂટી ગયો ! તૂટેલા વાયરનો એક છેડો હવામાં લહેરાતો, સડક ક્રોસ કરી રહેલા માનવના શરીરને અડકયો ! અને એ સાથે જ માનવને જોરદાર કરંટ લાગ્યો ! માનવના શરીરે બે પળ આંચકા ખાધા અને ત્રીજી જ પળે માનવ જમીન પરથી ઊંચકાઈને, સોફિયાના પગ નજીક આવીને પટકાયો ! એ તરફડવા માંડયો. એને જાણે ઊબકો આવ્યો અને એ સાથે જ એના મોઢામાંથી એક સફેદ વસ્તુ બહાર નીકળી આવીને સોફિયાના પગ પાસે પડી ! ! !

( વધુ આવતા અંકે )