Fear - 7 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | દહેશત - 7

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

દહેશત - 7

07

થોડી વાર પહેલાં સોફિયા પર તેજલનો મોબાઈલ ફોન આવ્યો હતો કે, ‘‘એ સુરતથી પાછી ફરી હતી ને રેલ્વે સ્ટેશન પરથી ચાલતી ઘર તરફ આગળ વધી રહી હતી, ત્યારે એની સાથે ભયાનક ઘટનાઓ બની રહી હતી,’’ અને એટલે સોફિયા ટૅકસીમાં અહીં દોડી આવી હતી. પણ હજુ તો સોફિયા ટૅકસીમાંથી બહાર નીકળી હતી, ત્યાં જ સોફિયાને ત્રીજા માળ પરના તેજલના ફલેટ તરફથી તેજલનો ‘નહિ...નહિ..!’ એવો અવાજ સંભળાયો હતો, અને સોફિયાએ ત્રીજા માળ પરના તેજલના ફલેટ તરફ જોયું, ત્યાં જ તેજલ ઉપરથી નીચે આવી પડતી દેખાઈ હતી.

તેજલ પળ-બે-પળ તરફડીને શાંત થઈ ગઈ હતી. તેજલનો જીવ નીકળી ગયો હોય એમ એની આંખો પહોળી ને કીકીઓ સ્થિર થઈ ગઈ હતી.

અને આની બીજી જ પળે તેજલનો જમણો હાથ સળવળ્યો હતો. તેજલનું બાકીનું આખું શરીર, તેેની ફાટેલી આંખોની કીકીઓ વગેરે લાશની જેમ જ સ્થિર રહ્યાં હતાં, પણ ફકત એના જમણા હાથમાં જીવ બાકી રહ્યો હોય એમ એના જમણા હાથે પોતાની પકડમાં પકડાયેલા મોબાઈલ ફોનનું બટન અંગૂઠાથી દબાવ્યું હતું ! તેજલના જમણા હાથે એ મોબાઈલ ફોન પરથી તેજલના કૉલેજ ફ્રેન્ડ માનવના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો, અને પછી જાણે એ હાથમાંનો બાકી રહેલો જીવ પણ ચાલ્યો ગયો હોય એમ એ હાથ સ્થિર થઈ ગયો હતો !

જોકે, તેજલ તરફડીને શાંત થઈ ગઈ એ પછી તેજલના જમણા હાથે, એની પકડમાં રહેલા મોબાઈલ ફોન પરથી એક મિસ્ડ્‌ કૉલ લગાવ્યો હતો, એ ગજબનાક હકીકત તરફ સોફિયાનું ધ્યાન ગયું નહોતું. સોફિયા તો જાણે તેેનામાં જીવ જ ન રહ્યો હોય એમ તેજલની લાશના ચહેરાને તાકતી બેઠી હતી.

‘આ બેન તો મરી ગયાં !’ જે ટૅકસીમાં સોફિયા અહીં આવી હતી, એ ટૅકસીવાળાનો અવાજ કાને પડયો, એટલે સોફિયામાં જાણે નવો જીવ આવ્યો હોય એમ તે હલબલી.

તેજલ મરી ચૂકી છે, એ જોઈ લઈને ટેકસીવાળો નજીકમાં આવીને ઊભેલા તેજલના ફલેટના ચોકીદાર તરફ આગળ વધી ગયો.

સોફિયા પરાણે ઊભી થઈ, ત્યાં જ તેને તેજલની લાશની પેલી બાજુની ફૂટપાથ પર એક સ્ત્રી ઊભેલી દેખાઈ.

-આ એ જ સ્ત્રી હતી જે થોડી વાર પહેલાં તેજલને બસ સ્ટેન્ડ પર ઊભેલી દેખાઈ હતી અને એની સામે સળગીને ગાયબ થઈ ગઈ હતી !

અત્યારે ફરી સાજી-સારી થઈને એ સ્ત્રી સોફિયાની નજર સામે આવીને ઊભી હતી !

સોફિયાની નજર એ સ્ત્રી પર પડી, એની બીજી પળે, અત્યારે એ સ્ત્રીના શરીર પર આગ ભડકી અને એ સ્ત્રી સળગી ઊઠી.

સોફિયાએ થોડેક દૂર ઊભેલા ટૅકસીવાળા અને ચોકીદાર સામે જોયું. ચોકીદાર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. ‘ભાઈ, જુઓ ! આ સામે એક સ્ત્રી સળગી રહી છે !’ સોફિયાની જીભે શબ્દો આવ્યા, પણ તે બોલી શકી નહિ. તેણે ફરી પાછું તેજલની લાશની પેલી બાજુની ફૂટપાથ તરફ જોયું.

અત્યારે હવે એ ફૂટપાથ પર પેલી સળગતી સ્ત્રી દેખાઈ નહિ.

સોફિયાએ આસપાસમાં નજર દોડાવી, પણ એ સળગતી સ્ત્રી દેખાઈ નહિ. એ સ્ત્રી ગણતરીની પળોમાં જ અદૃશ્ય થઈ ગઈ હતી.

ઝુઉઉઉઉઉ....! ત્યાં જ સોફિયાની પીઠ પાછળથી જાણે કોઈ ઝડપભેર પસાર થઈ ગયું હોય એવું લાગ્યું.

સોફિયાએ પાછળ ફરીને જોયું.

પાછળ કોઈ નહોતું.

તેણે ફરી તેજલની લાશ તરફ જોયું.

પાછલા ત્રણ દિવસમાં તે પોતાની આ ત્રીજી કૉલેજ ફ્રેન્ડની લાશ જોઈ રહી હતી.

પહેલાં કાજલનું ઍમ્બ્યુલન્સની ટકકરમાં મોત થયું હતું. એ પછી આનંદનું મોત થયું હતું, અને અત્યારે હવે તેજલ ત્રીજા માળ પરથી ફેંકાઈને મરણ પામી હતી.

એ ત્રણેયના મોત પાછળ એક હકીકત કૉમન હતી ! એ ત્રણેયના મોબાઈલ ફોન પર એક મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો. ત્રણેયએ એ મિસ્ડ્‌ કૉલ પર કૉલ કર્યો હતો, તો સામેથી તેમને કોઈ અજાણી વ્યકિતએ તેમના મોતનો મેસેજ આપ્યો હતો-તેમને તેમના મોતનો ચોકકસ સમય કહ્યો હતો. અને એ વ્યકિતએ કહેલા સમયે જ એ ત્રણેયના મોત થયા હતા !

આ હકીકત ભેદી ને ભયાનક હતી.

ચીંઈંઈંઈંઈંઈંઈં !

સોફિયાના કાનના પડદા સાથે કોઈ વાહનની બ્રેકની ચિચિયારી સંભળાઈ, એટલે સોફિયાએ ચહેરો ફેરવીને જોયું. તેની નજીકમાં જ પોલીસની જીપ આવીને ઊભી રહી ચૂકી હતી અને એમાંથી લૅડી સબ ઈન્સ્પેકટર આરોહીની સાથે બે પોલીસ કૉન્સ્ટેબલ નીચે ઊતરી રહ્યા હતા.

ફલેટનો ચોકીદાર અને ટૅકસીવાળો નજીક દોડી આવ્યા.

‘શું થયું ? !’ લૅડી ઈન્સ્પેકટર આરોહીએ ચોકીદારને પૂછયું : ‘આણે ત્રીજા માળ પરથી પડતું મૂકયું ! આપઘાત કર્યો ? !’

‘ના, મેડમ !’ ચોકીદાર કોઈ જવાબ આપે એ પહેલાં જ સોફિયા બોલી ઊઠી : ‘કોઈએ આને ઉપરથી ધકકો માર્યો !’

‘તેં ધકકો મારનારને જોયો હતો ? !’

‘ના !’ સોફિયા ઉતાવળા અવાજે બોલી : ‘આ મારી ફ્રેન્ડ તેજલ છે. તેજલને કોઈ વ્યકિતએ અત્યારે બાર વાગ્યે એનું મોત થશે, એવું મોબાઈલમાં કહ્યું હતું. એટલે તેજલ ખૂબ જ ડરેલી હતી. તેજલે મને મોબાઈલ કરીને આ વાત કરી, ત્યારે હું આ ભાઈની ટૅકસીમાં અહીં દોડી આવી. પણ હું ટૅકસીમાંથી બહાર નીકળી ત્યાં જ મને તેજલની ચીસ સંભળાઈ અને મેં એના ફલેટ તરફ જોયું તો એ મને જમીન પર આવી પડતી દેખાઈ હતી.’

‘એ વખતે તને બાલ્કનીમાં કોઈ વ્યકિત દેખાઈ નહોતી ? !’

‘ના !’ સોફિયા બોલી : ‘પણ જો એ વ્યક્તિ અત્યાર સુધીમાં અહીંથી ભાગી જવામાં સફળ થઈ નહિ હોય તો એ હજુ તેજલના ફલેટમાં, કે પછી આ બિલ્ડીંગમાં જ કયાંક ભરાયેલી હોઈ શકે !’

સબ ઈન્સ્પેકટર આરોહીએ ચોકીદાર સામે જોયું. તે ચોકીદારને કોઈ સવાલ પૂછે એ પહેલાં જ ચોકીદારે કહ્યું : ‘ના ! મેં કોઈ વ્યક્તિને ભાગી જતાં જોઈ નથી. હું બાથરૂમમાંથી પાછો ફર્યો ત્યારે મને તેજલમૅમ જમીન પર પડતાં દેખાયાં, અને એટલે મેં તુરત તમને મોબાઈલ કરીને બોલાવ્યાં.’

‘ચાલ !’ આરોહીએ કહ્યું : ‘મને તેજલના ફલેટમાં લઈ જા.’

ચોકીદાર આગળ થયો. આરોહી પોતાના બે સાથી કૉન્સ્ટેબલ સાથે આગળ વધી.

સોફિયા ત્યાં જ બેસી રહી.

તેણે ભલે લૅડી સબ ઈન્સ્પેકટર આરોહીને તેજલના ફલેટમાં જોવા મોકલી, પણ તેને ખાતરી હતી, આ બધી ઘટના પાછળ જે વ્યકિત હતી, એ આરોહીને મળવાની નહોતી. એ વ્યક્તિ ખૂબ જ ખતરનાક-ભયાનક અને ભેદી હતી. એ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી ! એ વ્યક્તિ પોતાના શિકારના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરતી હતી. શિકાર એના એ મિસ્ડ્‌ કૉલ પર કૉલ લગાવે એટલે એને એ મોતનો મેસેજ આપતી હતી-ચોક્કસ કયા દિવસે અને કેટલા વાગ્યે એનું મોત થશે એ કહેતી હતી ! અને પછી એ વ્યકિત એના શિકારની નજર સામે વિચિત્ર ને ભયાનક દૃશ્યો ખડા કરતી હતી અને પછી એ વ્યક્તિએ આપેલા સમયે જ, શિકારનું મોત થઈ જતું હતું ! અને એ પણ શિકારનું કોઈએ ખૂન કરી નાંખ્યું હોય એવી રીતના નહિ, પણ અકસ્માત થયો હોય કે, કુદરતી મોત થયું હોય એવી રીતના !

કાજલનું ઍમ્બ્યુલન્સની ટકકરથી મોત થયું હતું ! આનંદનું હાર્ટ એટેકથી મોત થયું હતું ! અને અત્યારે તેજલનું ત્રીજા માળ પરથી નીચે પડી જવાથી મોત થયું હતું.

કાજલની જે ઍમ્બ્યુલન્સ સાથેની ટકકરથી મોત થયું હતું, એના ડ્રાઈવર સોમુનું કહેવું હતું કે, ‘‘અચાનક જ કોઈએ એની ઍમ્બ્યુલન્સનું સ્ટીઅરિંગ કાજલ તરફ વાળી દીધું હોય એવું બન્યું હતું, અને એણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બ્રેક લાગી નહોતી ને ઍમ્બ્યુલન્સ કાજલ સાથે ટકરાઈ ગઈ હતી !’’

જે દવાની દુકાનવાળા કાકાએ આનંદને મરતાં જોયો હતો, એનું કહેવું હતું કે, ‘‘આનંદે તેની પાછળ કોઈ ઊભું હોય એમ ખભા તરફ જોયું હતું, અને પછી એની આંખો ફાટી હતી અને પછી એ છાતી પર હાથ દબાવતાં જમીન પર પડી ગયો હતો.’’

તો હમણાં થોડીક વાર પહેલાં તે અહીં પહોંચી ત્યારે, તેજલના ત્રીજા માળના ફલેટ પરથી તેજલને કોઈ વ્યક્તિ ધકકો મારતી હોય એમ તેજલનો ‘નહિ..નહિ..!’નો અવાજ સંભળાયો હતો, અને તેણે બાલ્કની તરફ જોયુ હતું તો એ વ્યક્તિએ તેજલને જોરથી ધક્કો માર્યો હોય એમ તેજલ તેને નીચે જમીન પર આવી પડતી દેખાઈ હતી. જોકે, બાલ્કનીમાંથી તેજલને ધક્કો મારીને ફેંકનારી વ્યકિત તેની નજરે પડી નહોતી.

એક પછી એક મિસ્ડ કૉલ કરીને તેના કૉલેજ ફ્રેન્ડને મોતને ઘાટ ઊતારી રહેલી એ વ્યક્તિ કોઈની નજરે ચઢતી નહોતી ? !

તો બીજી તરફ તેને થોડીક પળો પહેલાં એક સળગતી સ્ત્રી દેખાઈ હતી અને પછી એ ગાયબ થઈ ગઈ હતી અને એ પછી તેને તેની પીઠ પાછળથી કોઈ દોડી ગયું હોય એવું લાગ્યું હતું ! પણ તેની પીઠ પાછળ કોઈ નહોતું.

તેની સામે આવું બધું શા માટે ને કેવી રીતના બન્યું હતું ? !

‘ઉપર તેજલના ફલેટમાં કે પછી બિલ્ડીંગમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ નથી.’ લૅડી ઈન્સ્પેકટર આરોહીનો અવાજ કાને પડયો, એટલે સોફિયાએ સવાલોના ઘેરામાંથી બહાર આવતાં જોયું, તો આરોહી પોતાના બે સાથી કૉન્સ્ટેબલ તેમજ ચોકીદાર સાથે નજીક આવી ચૂકી હતી.

આરોહીએ આગળ કહ્યું : ‘મને તો આ આપઘાતનો એક સિમ્પલ કેસ લાગે છે !’

‘મૅડમ !’ સોફિયા બોલી ઊઠી, ‘તેજલે આપઘાત કર્યો નથી !’

આરોહી સોફિયાને પળવાર જોઈ રહી, પછી એણે સોફિયાને પૂછયું : ‘તારું નામ શું છે ? !’

‘સોફિયા !’

‘હું તપાસ કરીશ, જે હશે તે સામે આવી જશે.’ આરોહીએ કહ્યું : ‘તું એક બાજુ બેસી જા.’

સોફિયા નજીકમાં જ, ફૂટપાથ પર બેસી ગઈ.

લેડી સબ ઈન્સ્પેકટર આરોહી તેજલની લાશ પાસે બેઠી અને એને ઝીણવટથી નીરખી રહી. પછી આરોહીએ તેજલની લાશના મોઢામાં બે આંગળી નાંખી.

સોફિયા ધ્યાનથી જોઈ રહી.

અરોહીએ પોતાની આંગળીઓ તેજલના મોઢામાંથી બહાર કાઢી.

-આરોહીની આંગળીઓમાં સફેદ વસ્તુ પકડાયેલી હતી !

‘આ તો ચ્યુઈંગગમ છે !’ આરોહી ચ્યુઈંગગમને જોઈ રહેતાં બોલી : ‘મને એમ કે, કયાંક તેજલે પોતાના આપઘાતનું કારણ લખીને કાગળ મોઢામાં દબાવી રાખ્યો નથી ને !’

‘મૅડમ ! મેં તમને કહ્યું તો ખરું કે, તેજલે આપઘાત કર્યો નથી.’ સોફિયાના મનમાં આ શબ્દો ગુંજ્યા, પણ તે બોલી શકી નહિ. એવામાં જ પોલીસ ફોટોગ્રાફર અને ફોરૅન્સિક ટીમ આવી પહોંચી ને એમણે તેજલની લાશને લગતી પોતાની કામગીરી શરૂ કરી.

સોફિયા તેજલની લાશને દુઃખ-દર્દભરી નજરે જોઈ રહી.

૦ ૦ ૦

ગુરૂવારની સવારના સવા દસ વાગ્યા હતા. તેજલના ઘરમાં, તેજલનું બેસણું ચાલી રહ્યું હતું. ટિપૉય પર તેજલનો ફોટો મુકાયેલો હતો. નજીકમાં જ તેજલની મમ્મી અનસુયા બેઠી હતી. બીજી તરફ તેજલના માસા બેઠા હતા.

લોકો આવીને-થોડી વાર બેસીને વિદાય લઈ રહ્યાં હતાં.

તેજલના રૂમમાં સોફિયા પલંગની કિનાર પર બેઠી હતી, જ્યારે નજીકમાં જ રીચા, માનવ, તેમજ તેજલના બીજા કેટલાંક કૉલેજ ફ્રેન્ડ્‌સ ઊભા હતાં ને એકબીજા સાથે ધીમા અવાજે વાત કરી રહ્યાં હતાં.

‘ના, તેજલનું મોત સામાન્ય નથી.’ રીચા પોતાની કૉલેજફ્રેન્ડ અલીશા સાથે ધીમા અવાજે વાત કરી રહી હતી : ‘તેજલના મોબાઈલ પર એક મિસ્ડ કૉલ આવ્યો હતો. તેજલે એ મિસ્ડ કૉલ પર કૉલ કર્યો તો સામેથી કોઈ વ્યકિતએ તેજલનું સોમવારની રાતના બાર વાગ્યે મોત થશે, એવું કહ્યું હતું, અને એ પછી તેજલ સામે વિચિત્ર અને ભયાનક ઘટનાઓ બનવા માંડી હતી. અને પછી એ વ્યકિતએ આપેલા સમયે જ તેજલનું મોત થયું.’ અને રીચા આગળ બોલી : ‘સાચું કહું ? ! મને તો આમાં કોઈ ભૂત-પ્રેતનો જ હાથ હોય એમ લાગે છે. એ પ્રેત મોબાઈલ ફોનમાં....’

‘....આ બધી બકવાસ છે !’ માનવ એકદમથી બોલી ઊઠયો.

સોફિયાની સાથે બીજા બધાંનું ધ્યાન પણ માનવ તરફ ખેંચાયું.

‘માનવ !’ રીચા ઝેંપાઈ ગઈ, ‘તેજલ સુરતથી પાછી ફરી રહી હતી ત્યારે એણે સોફિયાને મોબાઈલ ફોન પર જે કહ્યું હતું, એ જ વાત હું કરી રહી છું.’

માનવ કંઈક કહેવા ગયો, ત્યાં જ તેની નજર રીચાની પાછળ પડેલા લાકડાના કબાટ પર પડી. એ કબાટ પર બે મોટા વીંછી ફરી રહ્યા હતાં ! એ બન્ને વીંછી કબાટમાં પડેલી તિરાડોમાં ઘૂસી ગયાં ને દેખાતા બંધ થઈ ગયાં.

‘હા, માનવ ! મારે તેજલ સાથે આવી વાત થઈ હતી.’ સોફિયાનો અવાજ કાને પડયો, એટલે માનવેે સોફિયા સામે જોયું.

સોફિયાએ આગળ કહ્યું : ‘અને કાજલ તેમજ આનંદનું મોત થયું એ પહેલાં એમના મોબાઈલ ફોન પર પણ આવો જ મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો !’

‘હું...હું આવી બધી વાતોમાં માનતો નથી, અને હું આવી બધી વાતોથી જરાય ડરતો પણ નથી.’ અને આટલું કહેતાં માનવ રૂમના દરવાજા બહાર નીકળી ગયો.

‘આ..આ માનવને શું થયું છે ? !’ સોફિયાએ રીચાને પૂછયું.

‘ખબર નથી, પણ...’ રીચાએ કહ્યું : ‘મને તો એ, એના મોબાઈલ પર પણ આવો જ કોઈ મિસ્ડ્‌ કૉલ આવ્યો હોય એમ ધુંધવાયેલો ને બેચેન લાગે છે !’

અને રીચાની વાત સાંભળતાં જ સોફિયા આ અંગે માનવ સાથે વાત કરવા સરકી. તેણે ડ્રોઈંગ-રૂમમાં નજર દોડાવી.

માનવ નહોતો.

તે ફલેટની બહાર નીકળી. લિફટ્‌ નીચેની તરફ ચાલી ગઈ હતી. તે સડસડાટ સીડીના પગથિયાં ઊતરીને નીચે પહોંચી.

તેણે જોયું તો માનવ રોડ ક્રોસ કરી રહ્યો હતો.

‘એક મિનિટ, માનવ !’ બોલતાં સોફિયા દોડી.

માનવ રોડ ક્રોસ કરીને તેની કાર પાસે પહોંચીને ઊભો રહ્યો.

‘માનવ !’ સોફિયાએ માનવ પાસે પહોંચીને પૂછયું : ‘પ્લીઝ ! મને તું એ કહે, તું આટલો બધો અપસેટ કેમ છે ?’

માનવ પળ-બે પળ સોફિયા સામે તાકી રહ્યો, પછી તેણે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો. તેણે બટન દબાવીને મોબાઈલ ફોન સોફિયા તરફ ધર્યો : ‘લે, સાંભળ !’

સોફિયાએ માનવના હાથમાંથી મોબાઈલ ફોન લીધો અને પોતાના કાન પર મૂકયો.

માનવના મોબાઈલ ફોનમાંથી ગૂંજી રહેલા શબ્દો સોફિયાના કાનમાં પડવા માંડયા અને એની સાથે-સાથે જ સોફિયાના ચહેરા પર ભય અને બેચેનીના ભાવ ઊપસવા માંડયા !

( વધુ આવતા અંકે )