Daheshat - 3 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | દહેશત - 3

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

દહેશત - 3

03

‘આજે બપોરના કાજલના મોબાઈલ ફોન પર કૉલ આવ્યો હતો કે, ‘‘સાંજના સાત વાગ્યે એનું મોત થઈ જશે.’’ અને મોબાઈલમાંની વ્યક્તિના કહેવા પ્રમાણે કાજલનું બરાબર સાત વાગ્યે મોત થઈ ગયું હતું. હવે.., હવે આનંદનું કહેવું હતું કે, ‘‘એણે કાજલ સાથે આવી કોઈ મજાક કરી નહોતી,’’ અને ઊલટાનું આનંદનું કહેવું હતું કે, ‘‘સાંજના કાજલના મોબાઈલ પરથી એને મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો, અને એણે સામે કૉલ કર્યો તો સહેજ ઘરઘરાટીવાળા અવાજમાં કાજલેે એને કહ્યું હતું કે, ‘‘કાલ બપોરના બાર વાગ્યે એનું મોત થઈ જશે !’’ આવા વિચાર સાથે જ અત્યારે સોફિયાનું હૃદય ફફડી ઊઠયું, ‘તો...તો શું આજ સાંજના કાજલ સાથે જે બન્યું હતું એવું જ કાલ બપોરના આનંદ સાથે પણ બનશે ? ! ? કાજલને આવેલા મિસ્ડ્‌ કૉલ પ્રમાણે જ કાજલનું સાંજના બરાબર સાત વાગ્યે મોત થયું હતું, તો શું આનંદને આવેલા મિસ્ડ્‌ કૉલ પ્રમાણે જ એનું કાલ બપોરના બરાબર બાર વાગ્યે મોત થઈ જશે ? !’ અને....

...અને હજુ તો સોફિયાના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં તો સોફિયાને લાગ્યું કે, કોઈ તેની પીઠ પાછળ ઊભું છે. તેણે એકદમથી જ પાછળ ફરીને જોયું.

-તેની પાછળ એક વ્યક્તિ ઊભી રહી શકે એટલી જગ્યા હતી અને પછી દીવાલ હતી, પણ ત્યાં કોઈ ઊભું નહોતું.

‘શું થયું ? !’ આનંદનો સવાલ સોફિયાના કાને પડયો, એટલે ‘કંઈ નહિ !’ કહેતાં સોફિયાએ આનંદ તરફ ફરીને જોયું તો તેને નવાઈ લાગી. ‘‘તેને શું થયું ? !’’ એવો સવાલ કરનાર આનંદ પોતે જ તેની પીઠ પાછળ ભયભરી નજરે તાકી રહ્યો હતો !

સોફિયાએ ફરી પાછા પાછળ ફરીને જોયું.

-પાછળ કોઈ નહોતું ! કંઈ નહોતું ! !

સોફિયાએ ફરી આનંદ સામે જોયું.

આનંદ એજ રીતના તેની પીઠ પાછળની દીવાલ તરફ ભયભરી નજરે જોઈ રહ્યો હતો.

સોફિયાને તેની પીઠ પાછળ કંઈ દેખાતું નહોતું, પણ આનંદને..., આનંદને અત્યારે સોફિયાની પીઠ પાછળની દીવાલ પર વીંછી દેખાઈ રહ્યા હતા !

વીંછી ? ! ? ! ?

હા, વીંછી ! ! અને એ પણ બે નહિ, ત્રણ નહિ, પણ ઘણાં-બધાં વીંછી ! ! અને એ બધાં વીંછી દીવાલ પર ફરી રહ્યાં હતાં, ઘૂમી રહ્યાં હતાં !

‘આનંદ !’ આનંદનો ખભો હલબલી જવાની સાથે જ તેના કાને સોફિયાનો અવાજ પડયો, એટલે દીવાલ પરના વીંછીઓ પર ચોંટેલી આનંદની નજર ખેંચાઈને સોફિયાના ચહેરા તરફ આવી.

સોફિયા તેને ચિંતાભર્યા ચહેરે પૂછી રહી હતી : ‘શું થયું ? ! આમ મારી પાછળ કોઈ ભૂત-પ્રેત ઊભું હોય એમ ડરીને જોઈ શું રહ્યો છે ? !’

આનંદે સોફિયાને જવાબ આપ્યા વિના જ ફરી સોફિયાની પીઠ પાછળની દીવાલ તરફ જોયું.

ત્યાં થોડી વાર પહેલાં આનંદને ઘણાં-બધાં વીંછી દેખાયા હતા ને, એમાંનો અત્યારે એકેય વીંછી નહોતો ! દીવાલ ખાલી હતી ! !

‘આનંદ ! તું મને કઈં કહીશ પણ ખરો કે, પછી આમ પૂતળાની જેમ જ ઊભો રહીશ ? ! ?’ સોફિયાની આ વાત કાને અફળાઈ, એટલે આનંદે સોફિયા સામે જોયું : ‘સોફિયા ! મારી તબિયત સારી નથી લાગતી.’ કહીને આનંદ સોફિયાનો વળતો જવાબ સાંભળવા કે, પાછું વળીને જોવા રોકાયા વિના જ રૂમના દરવાજા તરફ પગલાં ભરી ગયો અને રૂમની બહાર નીકળી ગયો.

સોફિયા પલંગ પર બેસી પડી.

સોફિયાને પહેલાં તેની પીઠ પાછળ કોઈ ઊભું હોય એવું લાગ્યું હતું, પણ તેને કંઈ જોવા મળ્યું નહોતું. પણ જાણે આનંદને તેની પીઠ પાછળ કંઈક ભયાનક., કંઈક ડરામણું દેખાયું હોય એમ એ ડરભર્યા ચહેરે જોઈ રહ્યો હતો અને પછી આ વિશે તેને કંઈ પણ કહ્યા વિના એ ચાલ્યો ગયો હતો.

સોફિયાએ ફરી તે થોડીક પળો પહેલાં જ્યાં ઊભી હતી, એ તરફ જોયું.

-ત્યાં પહેલાંની જેમ જ કંઈ જ નહોતું !

‘સોફિયા !’ સોફિયાના કાને અવાજ પડયો, એટલે સોફિયાએ રૂમના દરવાજા તરફ જોયું.

રૂમના દરવાજાની સહેજ અંદર આવીને ઊભેલી તેજલે તેને આગળ કહ્યું : ‘બહાર કિન્નરીનું રડવાનું રોકાતું જ નથી. તું બહાર આવીને એને શાંત કરને !’

‘હં !’ કહેતાં સોફિયા ઊભી થઈ અને તેજલ સાથે ડ્રોઈંગરૂમમાં કિન્નરી પાસે પહોંચી. તે પાસ-પાડોશીઓ વચ્ચે ચોધાર આંસુએ રડતી બેઠેલી કિન્નરીને શાંત કરવા માંડી. જોકે, તેને ખબર હતી કે, પોતાની લાડકવાયી નાની બહેન કાજલના મોત પર આંસુ સારી રહેલી કિન્નરીના આંસુ કંઈ એમ રોકાય એમ નહોતા. તે પોતે તો કાજલની સહેલી હતી અને એના આ અચાનક મોતના આંસુ ખાળી શકતી નહોતી, તો કાજલની મોટીબેન કિન્નરીના આંસુ તો તે કયાં રોકાવી શકવાની હતી ? !

૦ ૦ ૦

ફટાક્‌ !

આ અવાજે ઊંઘી રહેલા આનંદને જગાડી દીધો. આનંદે પલંગ પર સફાળા બેઠા થઈ જતાં રૂમમાં નજર દોડાવી.

ફટાક્‌ !

આનંદે જોયું, જમણી બાજુની બારી બહારથી રેલાઈ આવતા પવનને કારણે બારી ખુલ-બંધ થવાની સાથે જ ફટાક્‌-ફટાક્‌ અવાજ કરી રહી હતી.

તે બારી બંધ કરવા માટે ઊભો થયો, ત્યાં જ તેને બારી પર કંઈક સળવળતું હોય એવું દેખાયું. તેણે આંખો ઝીણી કરીને ધ્યાનથી જોયું અને તેનો જીવ ગળે આવી ગયો.

-એ વીંછી હતો !

-વીંછી ! ! તેના હાથના પંજા જેવડો મોટો-પહોળો વીંછી ! ! ! જોતાં જ શરીરમાંથી કંપારી પસાર થઈ જાય એવો ભયાનક વીંછી ! ! ! !

-એ વીંછી બારી બહારથી અંદર આવી ચૂકયો હતો અને અત્યારે હવે બારીની દીવાલ પર ચાલતો નીચે-રૂમની જમીન તરફ ઊતરી રહ્યો હતો.

આનંદ રૂમની બહાર દોડી જવા ગયો, પણ આ શું ? ! તે પોતાની જગ્યા પરથી ટસનો મસ થઈ શકયો નહિ ! જાણે તેના પગ જમીન સાથે ચોંટી ગયા હોય એમ તે પોતાની જગ્યા પરથી જરાય હલી-હટી શકયો નહિ !

અને આટલી વારમાં તો એ વીંછી બારી નીચેની દીવાલ પરથી રૂમની જમીન પર પહોંચી ગયો અને હવે એ વીંછી તેની તરફ આવવા લાગ્યો !

‘મમ્મી-ડેડી ! જલ્દી આવો ! મારા રૂમમાં એક ભયાનક વીંછી આવ્યો છેે !’ આનંદ બોલી ગયો. પણ...પણ તેને આંચકો લાગ્યો. તે આવું બોલી તો ગયો હતો, પણ તેનો અવાજ તો તેના મોઢામાંથી બહાર નીકળ્યો જ નહોતો ! !

તેણે જમીન તરફ જોયું !

જમીન પર ચાલતો આવી રહેલો એ વીંછી હવે તેનાથી માંડ ત્રણ-ચાર પગલાં જ દૂર હતો, ને દરેક પળે એ વીંછી તેની વધુને વધુ નજીક આવી રહ્યો હતો !

‘ડેડી ! મને બચાવો, ડેડી ! નહિંતર આ વીંછી મને ડંખ મારી દેશે.’ આ શબ્દો આનંદની જીભ પર સળવળ્યા, તેના હોઠ પણ ફફડયા, પણ તેનો અવાજ બહાર નીકળ્યો નહોતો. જાણે તે મૂંગો બની ગયો હતો !

ભયથી-ગભરાટથી-લાચારીથી તેની આંખોમાં આંસુ ઊભરાવા માંડ્યાં. તેણે ભીની આંખે જોયું. જમીન પર ચાલતો આવી રહેલો એ વીંછી હવે તેનાથી ફકત બે પગલાં દૂર હતો !

ભયથી આનંદની આંખો ફાટી. તેણે બૂમ પાડવા માટે-બહાર દોડી જવા માટે ફરી ભરસક પ્રયત્ન કર્યો. પણ તેના મોઢામાંથી અવાજ નીકળ્યો નહિ, તો જમીન પર ચોંટેલા તેના પગ ઊખડ્યા નહિ-ઊપડ્યા નહિ, અને...

...અને તેની બિલકુલ પાસે આવી પહોંચેલા એ વીંછીએ તેના પગે ડંખ માર્યો.

આનંદનો જીવ ગળે આવી ગયો ! તેના મોઢાંમાંથી ફીણ નીકળ્યાં ! તેને ચકકર આવવા લાગ્યાં ! તેની આંખે અંધારાં છવાયાં ને બીજી પળે તે જમીન પર પટકાયો. ધબ્‌ ! અને...

...અને એ સાથે જ આનંદની ઊંઘ ઊડી ગઈ. તે જાગી ગયો. તેની આંખો ખૂલી ગઈ. તે બેઠો થઈ ગયો અને તેણે સીધું જ બારી તરફ જોયું.

-બારી બંધ હતી.

તેણે જમીન પર જોયું.

-જમીન પર વીંછી નહોતો.

તેને ખ્યાલ આવી ગયો. બારી બહારથી વીંછી આવીને તેને ડંખ મારી રહ્યો હતો, એવું તેને ભયાનક સપનું આવ્યું હતું.

તેણે સવારના સાત વગાડી રહેલી સામેની દીવાલ પરની ઘડિયાળ પર નજર નાંખતાં ચહેરા પરનો પરસેવો લૂંછયો. તેણે પલંગના સાઈડ ટેબલ પર પડેલી પાણીની બૉટલ ઊઠાવી. તેણે પાણી પીને બૉટલ સાઈડ ટેબલ પર મૂકી, ત્યાં જ તેના કાનના પડદા સાથે ગીત અફળાયું,

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના કયા હૈ ?

ખોના હૈ કયા...?’

તેની નજર ડાબી બાજુના સાઈડ ટેબલ પર પડેલા મોબાઈલ તરફ વળી. એ મોબાઈલ ફોનમાંથી આ રિંગટોન-આ રિંગ ગૂંજી રહી હતી.

આનંદેે મોબાઈલ ફોન હાથમાં લીધો. તેણે મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાને મૂકયો, ત્યાં જ મોબાઈલમાં સામેથી ઘરઘરાટીવાળો અવાજ સંભળાયો, ‘આનંદ ! તુંય જબરો છે ? ! તારા મોતને ફકત પાંચ કલાકની વાર છે અને તું હજુ પલંગ પર જ પડયો છે ? ! જિંદગીના છેલ્લા પાંચ કલાક આ રીતના પથારીમાં જ પડયો રહીશ કે...,’

‘તું...,’ આનંદ રોષથી-ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી ઊઠયો : ‘તું આમ મારી સાથે મોબાઈલમાં ડાયલૉગબાજી કર્યા કરે છે, તો તારામાં જો હિંમત ને તાકાત હોય તો મારી સામે આવીને વાત કર ને !’

‘...આવીશ, આનંદ !’ આનંદના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી અવાજ સંભળાયો : ‘હું આજે બપોરના બરાબર વાગ્યે તારી સામે આવીશ ! અને બસ, એ પળ તારી જિંદગીની છેલ્લી પળ હશે !’ અને મોબાઈલમાં સામેથી એ વ્યક્તિનો હસવાનો, કાનના પડદા ચિરાઈ જાય એવો હસવાનો અવાજ ગુંજવા માંડયો !

આનંદે કાન પરથી મોબાઈલ હટાવીને પલંગ પર ફેંકયો.

‘આ...’ તે પલંગ પરથી ઊભો થયો અને ધૂંધવાટભેર રૂમમાં આમથી તેમ આંટા મારવા માંડયો, ‘...આ મને મોબાઈલ કરીને મારી સાથે આવી બધી વાતો કરનારી એ વ્યક્તિ...’ અને હજુ તો આનંદના મગજનો આ વિચાર પૂરો થાય, એ પહેલાં જ તેના કાને મોબાઈલ ફોનની રિંગ પડી.

તેણે પલંગ પર પડેલા તેના મોબાઈલ ફોન તરફ જોયું.

તેના મોબાઈલ ફોનની જ રિંગ ગૂંજી રહી હતી !

તેણે મૂંઝવણ અનુભવી.

‘તેના મોબાઈલ ફોનમાં તેણે અગાઉ જે મ્યુઝિકનો રિંગટોન-રિંગ સેટ કરી હતી, અત્યારે એ જ રિંગ મોબાઈલમાંથી સંભળાઈ રહી હતી. પણ...પણ હમણાં થોડી વાર પહેલાં પેલી વ્યક્તિનો મોબાઈલ આવ્યો, ત્યારે તો ‘‘ના મૈં જાનું..., ના તુ જાને...,

કિસ ઘડી મેં.., હોના હૈ કયા..?’ વાળી રિંગટોન-રિંગ વાગી હતી અને અત્યારે પાછી તેણે અગાઉ મૂકેલી મ્યુઝિકવાળી રિંગ જ વાગી રહી હતી ! તેણે તો એ રિંગ બદલી નહોતી, છતાં આપમેળે રિંગ બદલાઈ કેવી રીતે ગઈ ?!’ મનમાં જાગેલા આ સવાલ સાથે આનંદેે પલંગ પરથી મોબાઈલ ફોન ઉઠાવ્યો અને બટન દબાવીને મોબાઈલ કાન પર મૂકયો. સામેથી પેલી જ વ્યક્તિનો અવાજ આવશે એવી આશંકાને કારણે તેની જીભેથી ‘હેલ્લો !’ પણ નીકળી શકયું નહિ, પણ ત્યાં જ સામેથી સોફિયાનો અવાજ સંભળાયો : ‘આનંદ !’

‘હા !’ આનંદે બોલવા માટે ગળું ખંખેરવું પડયું : ‘બોલ !’

‘પોસ્ટમોર્ટમમાંથી કાજલનું શબ આવી ગયું છે.’ મોબાઈલમાં સામેથી સોફિયાનો દુઃખી અવાજ સંભળાયો : ‘એને દસ વાગ્યે અંતિમસંસ્કાર માટે લઈ જવાશે.’

‘હું..,’ આનંદનો અવાજ ડુમાયો : ‘...હું ત્યાં આવું છું.’ ને આનંદે મોબાઈલ કટ્‌ કરી દીધો.

તે જાણે પરાણે પોતાની જાતને ઘસડીને લઈ જઈ રહ્યો હોય એમ બાથરૂમ તરફ આગળ વધ્યોે.

તેણે ગઈકાલે સવારે કૉલેજમાં કાજલ સાથે એની પીઠ પાછળ ગરોળી હોવાની મજાક કરી હતી, અને કાજલ ડરી-ગભરાઈને તેને વળગી પડી હતી. અને આજે-અત્યારે કાજલનું શબ કાજલના ઘરે પડયું હતું અને તે કાજલના અંતિમસંસ્કાર માટે જઈ રહ્યો હતો !

૦ ૦ ૦

કાજલના અચાનક-અણધાર્યા અને આકસ્મિક મોતે એની મોટી બહેન કિન્નરી તેમજ એના ફ્રેન્ડ્‌સ આનંદ, સોફિયા, તેજલ, રીચા અને માનવ તેમજ બીજા ફ્રેન્ડ્‌સને દુઃખ-દર્દની ખાઈમાં ધકેલી દીધાં હતાં. જાણે એમના દિલો-દિમાગ કામ કરતા બંધ થઈ ગયા હતા.

કાજલની અંતિમયાત્રા નીકળી અને એનો અંતિમસંસ્કાર કરીને બધાં સ્મશાનની બહાર નીકળ્યાં, ત્યારેય વાતાવરણ ભારે હતું.

બધાં છુટા પડવા માંડયા, ત્યારે બપોરના પોણા બાર વાગવા આવ્યા હતા.

‘આનંદ ! આપણે પછી મળીએ છીએ.’ કહીને માનવ પોતાની કાર તરફ ચાલી ગયો.

આનંદ એક નિશ્વાસ નાંખતો પોતાની બાઈક પાસે પહોંચ્યો. તે બાઈક પર સવાર થયો અને એમ જ બેસી રહ્યો, ત્યાં જ તેના કાને માનવનો અવાજ પડયો : ‘આનંદ !’

આનંદે જોયું તો માનવ કાર તેની પાસે લાવીને, બારીમાંથી બહાર ડોકાઈને પૂછી રહ્યો હતો : ‘શું થયું ? ! કેમ આમ ઊભો છે ? તબિયત તો ઠીક છે ને ?’

‘હા !’ આનંદે બાઈકની કીક મારતાં કહ્યું : ‘હું નીકળું જ છું.’

‘...સાચવીને જજે !’ કહેતાં માનવેે કાર આગળ વધારી દીધી.

આનંદે બાઈક આગળ વધારી.

બાઈક થોડેક આગળ પહોંચી, ત્યાં જ એકદમથી બંધ થઈ ગઈ. બાઈક ઊભી રહી.

તેણે કીક મારી.

બાઈક ચાલુ થઈ નહિ.

તેણે પેટ્રોલ ચેક કર્યું.

પેટ્રોલ પણ હતું જ.

તે ફરી બાઈકની કીક મારવા ગયો, ત્યાં જ તેની પીઠ પાછળથી તેના ખભે કોઈકનો હાથ મુકાયો.

તેણે ચહેરો ફેરવીને તેના ખભા પર હાથ મૂકનાર તરફ જોયું, અને...

...અને તેની આંખો પહોળી થઈ ગઈ !

તેના ખભે હાથ મૂકનાર એ વ્યક્તિ હસી ! ભયાનક હસી ! !

આનંદે આઘાત, આંચકા અને ભયથી ચીસ પાડવા માટે પોતાનું મોઢું ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તે મોઢું ખોલી શકયો નહિ. તેના હૃદયમાં જાણે કોઈ ઝેરીલા મચ્છરે ડંખ માર્યો હોય એમ તેના હૃદયમાં સખત પીડા ઊપડી. તેને લાગ્યું કે, જાણે કોઈ તેનું હૃદય પોતાની મુઠ્ઠીમાં લઈને મસળી રહ્યું છે !

‘એય..., છોકરા ! જો.., સંભાળ...!’ તેના કાને કયાંક દૂરથી આવતો હોય એવો આ અવાજ પડયો, અને તે બાઈક સાથે જમીન પર પટકાયો !

‘આનંદ !’ એ વ્યક્તિ જમીન પર પડેલા આનંદ તરફ જોઈ રહેતાં કાતિલ અવાજે બોલી : ‘મેં તને ગઈકાલે કહેલું ને કે, તું આજે બપોરના બરાબર વાગ્યે મરી જઈશ ! !’

અને એ વ્યક્તિની આ વાત પૂરી થઈ, એ જ પળે આનંદના કાંડા પર બંધાયેલી ઘડિયાળમાં બરાબર બાર વાગ્યા અને આની સાથે જ સ્વિચ દબાય ને લાઈટ ગુલ થાય એમ આનંદના શરીરમાંથી જીવ નીકળી ગયો !

( વધુ આવતા અંકે )