Daheshat - 1 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | દહેશત - 1

Featured Books
Categories
Share

દહેશત - 1

01

‘ના મૈં જાનું..., ના તુ જાને...,

કિસ ઘડી મેં..., હોના હૈ કયા...?

જિંદગી કે..., ઈસ જુએ મેં...,

પાના કયા હૈ ? ખોના હૈ કયા...?’

કાજલ બાથરૂમમાંથી નીકળીને બેડરૂમમાં આવી અને તેના કાનમાં આ ફિલ્મી ગીત ઘોળાયું. તેણે બેડરૂમમાં નજર ફેરવી. તેની નજર બેડના સાઈડ ટેબલ પર મુકાયેલા તેના મોબાઈલ ફોન પર અટકી. તેના મોબાઈલ ફોનમાંથી આ ફિલ્મી ગીતવાળું રિંગટોન-રિંગ ગૂંજી રહી હતી. ‘આ મોટીબેન પણ જબરી છે !’ કાજલ બબડી : ‘એણે વળી પાછો મારા મોબાઈલનો રિંગટોન બદલી નાંખ્યો !’ ને તે ટેબલ નજીક પહોંચી. એ જ પળે મોબાઈલની રિંગ ગૂંજતી બંધ થઈ.

તેણે મોબાઈલ ફોન હાથમાં લીધો અને એના સ્ક્રીન પર જોયું.

-મિસ્ડ્‌ કૉલ હતો ! મિસ્ડ્‌ કૉલ તેના કોઈ ઓળખીતાનો નહોતો ! એ મિસ્ડ્‌ કૉલ જે નંબર પરથી આવ્યો હતો એ મોબાઈલ નંબર તેના માટે અજાણ્યો હતો !

કાજલ મોબાઈલ પાછો ટેબલ પર મૂકવા ગઈ, ત્યાં જ ફરી મોબાઈલમાંથી ‘ના મૈં જાનું.., ના તુ જાને.., કિસ ઘડી મેં..., હોના હૈ કયા...?’વાળી રિંગ વાગી ઊઠી. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો આ વખતે પણ એ અજાણ્યા નંબર પરથી જ કૉલ હતો. તે વાત કરવા માટે મોબાઈલનું બટન દબાવવા ગઈ, ત્યાં જ મોબાઈલની રીંગ વાગતી બંધ થઈ ગઈ અને મોબાઈલના સ્ક્રીન પર મિસ્ડ્‌ કૉલનો મેસેજ ઝળકી ઊઠયો.

‘કોણ છે, જે વારેઘડીએ તેને મોબાઈલ કરી રહ્યું છે ? !’ વિચારતાં કાજલે એ અજાણ્યા નંબર પર કૉલ લગાવ્યો. ‘હૅલ્લો...,’ કાજલ કાન પર મોબાઈલ મૂકતાં બોલી : ‘તમે હમણાં મારા નંબર પર મિસ્ડ્‌ કૉલ કર્યો હતો ? ! ?’

ઘર્‌ર્‌ર્‌ર્‌ર્‌્‌...! પહેલાં મોબાઈલમાં સામેથી ઘરઘરાટી સંભળાઈ અને પછી સામેથી ધીમો અવાજ સંભળાયો : ‘હા ! મેં મિસ્ડ્‌ કોલ કર્યો હતો !’

સામેનો એ અવાજ એવો હતો કે, એ સ્ત્રીનો અવાજ હતો કે, પુરુષનો, એ કાજલ પામી શકી નહિ. ‘કોણ...,’ કાજલે પૂછયું : ‘કોણ બોલો છો, તમે ? !’

‘તારું મોત !’ મોબાઈલમાં-સામેથી અવાજ સંભળાયો.

‘વ્હો...ટ્‌ ?’ કાજલને પોતાના કાન પર વિશ્વાસ બેઠો નહિ.

‘...તેં બિલકુલ બરાબર જ સાંભળ્યું છે, કાજલ !’ મોબાઈલ ફોનમાં, સામેથી અવાજ આવ્યો : ‘હું તારું મોત જ બોલી રહ્યો છું.’

‘મજાક બંધ કર !’ કાજલ બોલી : ‘તું..તું કોણ..., આનંદ બોલી રહ્યો છે, ને ? !’

‘ના, હું આનંદ નથી.’ મોબાઈલમાંથી અવાજ આવ્યો.

‘તું આનંદ નથી તો જે હોય તે ! તું જા, જહન્નમમાં.’ અને કાજલે મોબાઈલનું બટન દબાવ્યું ને મોબાઈલ ટેબલ પર મૂકી દીધો.

‘આ આનંદ પણ જબરો છે !’ કાજલ પલંગ પર લેટી, ‘આજે સવારે પણ એણે કેવું કરેલું ? ! ‘‘કાજલ, તારી પાછળ છીપકલી છે !’’ એવું એ અચાનક બોલ્યો હતો અને તે ડરીને ઊછળી હતી અને આનંદને વળગી પડી હતી.

‘થોડીવારે તે આનંદથી છૂટી પડી, ત્યારે આનંદ પેટ પકડીને હસવા લાગ્યો હતો અને ત્યારે જ તેને ઝબકારો થયો હતો. ‘‘આનંદ ! તેં...તેં મારી સાથે મજાક કરી હતી ને ? !’’ તેણે આનંદને પૂછયું હતું : ‘‘મારી પાછળ છીપકલી નહોતી ને ? !’’

‘‘ના, નહોતી !’’ આનંદે તેની આંખોમાં આંખો પરોવતાં કહ્યું હતું, ‘‘મેં મજાક કરી હતી.’’

‘‘આનંદ ! હું તને મારી નાંખીશ !’’ ચિલ્લાતાં તે હાથમાં સેન્ડલ લઈને આનંદ પાછળ દોડી હતી. આનંદ તેના હાથમાં આવ્યો નહોતો. એ મોટરસાઈકલ પર સવાર થઈને ભાગી છુટયો હતો.

‘હજુ આ સવારના કૉલેજ છૂટી ત્યારની વાત હતી ને અત્યારે ફરી આનંદ આવી મજાકે ચઢી ગયો.

‘લાવ ! હું આનંદ સાથે મજાક કરું !’ કાજલે વિચાર્યું, ‘આનંદને મોબાઈલ કરીને કહું કે, ‘‘મારી મોટીબેન મને કૉલેજ છોડાવીને એની એક બેનપણીના દીકરા સાથે મને પરણાવી દેવા માંગે છે.’’ અને કાજલના ચહેરા પર મલકાટ આવ્યો. તેણે મોબાઈલ હાથમાં લીધો તો હજુ પણ પેલો કૉલ ચાલુ બતાવી રહ્યો હતો. તેણે મોબાઈલ કાને મૂકયો ને ‘હૅલ્લો !’ બોલી, ત્યાં જ સામેથી પેલો જ અજાણ્યો અવાજ સંભળાયો : ‘કાજલ ! તેં એકવાર મારા મિસ્ડ્‌ કૉલ પર સામેથી કૉલ કરી દીધો પછી હવે તું મારી સાથેનો આ કૉલ કટ્‌ કરી શકીશ નહિ ! હવે હું ઈચ્છું તો જ આ કૉલ કટ્‌ થઈ શકે !’

કાજલે ત્રણ-ચાર વાર કૉલ કટ્‌ કરવાનું બટન દબાવ્યું, પણ કૉલ કટ્‌ થયો નહિ. ‘તું...? !’ કાજલે મોબાઈલ કાન પર મૂકીને સામેવાળાને પૂછયું : ‘...કોણ છે, તું ? ! શા માટે તું મને પરેશાન...’

‘‘મેં તને પહેલાં પણ તો કહ્યું કે, ‘‘હું તારું મોત બોલી રહ્યો છું !’’ મોબાઈલમાં સામેથી અવાજ આવ્યો : ‘અત્યારે બપોરના બે વાગ્યા છે. પાંચ કલાક પછી, સાંજના બરાબર સાત વાગ્યે તું મારા હાથે મોતને ભેટી જઈશ ! તું મરી જઈશ ! !’

‘સ...સારું !’ કાજલ બોલી : ‘બીજું બોલ !’

‘બીજું..,’ સામેથી અવાજ સંભળાયો : ‘...તારું મોત કેવી રીતના થશે એ તારે જાણવું છે ?’

‘ના, નથી જાણવું !’ બોલી જતાં કાજલે મોબાઈલ પલંગ પર ફેંકયો, ત્યાં જ તેના કાને તેની મોટીબહેન કિન્નરીની બૂમ સંભળાઈ : ‘કાજલ ! ચાલ, જમવાનું તૈયાર છે.’

‘હા, આવી !’ કહેતાં કાજલ બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગઈ. તેણે જે મિસ્ડ્‌ કૉલ પર ફોન કર્યો હતો અને તેને સામેથી જે રીતની વાતો સંભળાઈ હતી એનાથી તે ડરી નહોતી, પણ પરેશાન તો જરૂર થઈ હતી.

જોકે, તેનું મન કહી રહ્યું હતું કે, ‘‘આનંદે જ તેની સાથે આવી મજાક કરી હશે.’’

તે તેની મોટીબહેન કિન્નરી સાથે ડાઈનિંગ ટેબલ પર બેઠી. તેે જમવામાં તેમજ કિન્નરી સાથેની વાતોમાં ‘મિસ્ડ્‌ કૉલ’વાળી વાત વિસરી ગઈ !

૦ ૦ ૦

કાજલ જમીને પાછી બેડરુમમાં આવી, ત્યાં જ તેની નજર પલંગ પર પડેલા મોબાઈલ ફોન પર પડી. ‘શું હજુય એ અજાણ્યા માણસનો મોબાઈલ ચાલુ હશે ?’ આવા સવાલ સાથે કાજલે મોબાઈલ હાથમાં લીધો અને એના સ્ક્રીન પર જોયું, તો કૉલ કટ્‌ થઈ ચૂકયો હતો.

કાજલે નિરાંત અનુભવી. તેણે બપોરના સાડા ત્રણથી સાડા છ વાગ્યાના શૉ માં સોફિયા, તેજલ અને રીચા સાથે ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તે મોબાઈલ ફોન મૂકીને તૈયાર થવા માંડી.

૦ ૦ ૦

બપોરના સવા ત્રણ વાગ્યા હતા. કાજલ મલ્ટીપ્લેક્ષ થિયેટર સિનેસાઈનના વેઈટિંગ એરિયામાં પોતાની સહેલી સોફિયા સાથે ગપાટાં હાંકતી ઊભી હતી.

‘તું સાચું કહે..,’ સોફિયાએ કાજલને પૂછયું : ‘...સવારના આનંદે તારી પાછળ ગરોળી હોવાનું કહ્યું, ત્યારે તું ખરેખર ડરી ગઈ હતી કે, પછી આ બહાને તેં આનંદને વળગી પડવાનો ગોલ્ડન ચાન્સ મેળવી લીધો હતો !’

‘છટ્‌, ચીબાવલી ? !’

‘સાચું કહે, તું આનંદને વળગી ત્યારે તને કેવું...’

‘....આનંદને પણ મારે શું કહેવુ ? !’ કાજલ બોલી : ‘આજ સવારે કૉલેજમાં તો એણે મારી મશ્કરી કરી તે કરી, પણ ઘરે પણ એણે મને એક મિસ્ડ્‌ કૉલ કરીને ગભરાઈ જવાય એવી મજાક કરી.’

‘ગભરાઈ જવાય એવી મજાક કરી હતી ? !’ સોફિયાએ પૂછયું : ‘એવી તો વળી આનંદે શું મજાક કરી હતી ?’

અને કાજલે સવારના તેની સાથે મિસ્ડ્‌ કૉલવાળી જે ઘટના બની હતી, એ કહી સંભળાવી.

‘આ આનંદ પણ જબરો છે.’ સોફિયા બોલી : ‘એનેય કેવી-કેવી મજાકો સૂઝે છે.’

‘હા, એ મારી પાછળ હાથ ધોઈને પડયો છે !’

‘આનંદ હાથ ધોઈને નહિ, પણ હાથમાં પોતાનું લવલી દિલ લઈને તારી પાછળ પડયો છે !’ સોફિયા આંખ નચાવતાં બોલી અને કાજલ હસી પડી, ત્યાં જ તેજલ અને રીચા આવી પહોંચી, અને એ જ પળે સિનેમા હોલનો દરવાજો ખુલ્યો.

ઑડિયન્સ ખાસ નહોતું.

કાજલ સોફિયા, તેજલ અને રીચા સાથે હોલમાં દાખલ થઈ અને પોતાની સીટ પર ગોઠવાઈ.

ફિલ્મ શરૂ થઈ. કાજલ ફિલ્મ જોવામાં ખોવાઈ ગઈ. થોડી વાર થઈ, ત્યાં જ તેને લાગ્યું કે, તેના મોબાઈલ પર કોઈકનો ફોન આવી રહ્યો છે. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું તો આનંદનો મોબાઈલ નંબર ઝળકી રહ્યો હતો. તેણે બટન દબાવ્યું અને મોબાઈલ કાને મૂકીને વાત કરી, ‘બોલ, આનંદ !’

‘તું કયાં છે, કાજલ ? !’ મોબાઈલમાં સામેથી આનંદનો સવાલ સંભળાયો.

કાજલ આનંદને જવાબ આપવા ગઈ, ત્યાં જ બાજુમાં બેઠેલી સોફિયાએ પૂછયું : ‘કોનો ફોન છે ? ! આનંદનો છે ? !’

‘હા !’

‘લાવ, મને આપ તો !’ કહેતાં સોફિયાએ કાજલના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો ને ધીમેથી પણ ઝડપથી મોબાઈલમાં બોલી ગઈ : ‘આઈ લવ યુ, આનંદ !’

‘આ તું શું કરી રહી છે ? !’ કાજલ મોટેથી બોલી ગઈ.

‘એય, છોકરીઓ ! તમારે વાતો જ કરવી હોય તો બહાર જાવ !’ કાજલની પાછળની સીટ પર બેઠેલા કાકા છંછેડાઈ ઊઠયા.

કાજલે સોફિયાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને બોલી : ‘આનંદ ! હમણાં તેં જે સાંભળ્યું ને, એ..એ હું નહોતી બોલી, પણ સોફિયા બોલી હતી !’

‘તું સોફિયાને મોબાઈલ આપ તો,’ સામેથી આનંદનો અવાજ આવ્યો : ‘મારે એને પૂછવું છે કે, એણે મને ‘‘આઈ લવ યુ !’’ એના પોતાના તરફથી કહ્યું કે, પછી એ તારા વતી બોલી હતી ? !’

‘તું મને મળ, પછી જો હું તારી કેવી ખબર લઉં છું...?’

‘વેલ, મારે તને મળવું જ છે, કાજલ !’ મોબાઈલમાં સામેથી આનંદનો અવાજ સંભળાયો : ‘બોલ, કયાં આવું ? !’

‘અત્યારે અમે ફિલ્મમાં છીએ.’ કાજલે કહ્યું : ‘છૂટીને મોબાઈલ કરું છું.’ અને કાજલે મોબાઈલ કટ્‌ કરી દીધો. તેણે સોફિયા તરફ જોયું : ‘સોફિયા ! તારે આનંદને એવું કહેવાની...’ કાજલ કહેવા ગઈ, ત્યાં જ તેની પાછળ બેઠેલા કાકા બોલી ઊઠયા : ‘એય, છોકરી ! તારે પિકચર ન જોવું હોય અને ગપાટાં જ હાંકવા હોય તો બહાર જઈને હાંક.’

‘સૉરી, અંકલ !’ કહીને કાજલ ફિલ્મના પડદા પર જોઈ રહી. જોકે, હવે તેનું ધ્યાન ફિલ્મ જોવામાં નહોતું. તે આટલા વખતથી આનંદને જે કહી શકી નહોતી, એ સોફિયા તેના વતી આનંદને કહી ગઈ હતી ! આ તેને ગમ્યું હતું, ખૂબ જ ગમ્યું હતું !

૦ ૦ ૦

ફિલ્મનો શૉ છૂટયો, ત્યારે સાંજના સવા છ વાગ્યા હતા.

કાજલ પોતે બસમાં આવી હતી. સોફિયાનું ઘર નજીકમાં જ હતું, એટલે એ ચાલીને આવી હતી. જ્યારે તેજલ પોતાના સ્કૂટર પર રીચાને એના ઘરેથી લઈને આવી હતી.

‘કાલે કૉલેજ પર મળીએ છીએ.’ એવી વાત સાથે તેજલ અને રીચા બન્ને જણીઓ કાજલ અને સોફિયાથી છૂટી પડી.

કાજલ સાથે સોફિયા બસ સ્ટેન્ડ સુધી આવી.

‘મેં આનંદને ‘આઈ લવ યુ’ કહ્યું તો એ શું કહેતો હતો ? !’ સોફિયાએ કાજલને પૂછયું.

કાજલ હસી : ‘એ પૂછતો હતો કે, તેં તારા તરફથી આવું કહ્યું હતું કે, પછી તેં મારા વતી આવું કહ્યું હતું ? !’

‘તો તેં શું કહ્યું !’

‘પેલા પાછલી સીટવાળા અંકલે વાત જ કયાં કરવા દીધી !’

‘ઘરે જઈને આનંદને ફોન કરીને કહી દેજે કે, મેં તારા વતી જ એને ‘‘આઈ લવ યુ !’’ કહ્યું હતું !’ અને સોફિયા હસી : ‘અને બને તો તારા મોઢે પણ એને ‘‘આઈ લવ યુ !’’ કહી દેજે.’

કાજલ કંઈ બોલવા ગઈ, ત્યાં જ તેની બસ આવી : ‘લે, મારી બસ આવી ગઈ !’ અને બસ નજીક આવીને ઊભી રહી, એટલે કાજલ સોફિયાને ‘બાય !’ કહીને બસમાં ચઢી ગઈ.

બસ ઊપડી. તે ખાલી સીટ પર બેસી ગઈ અને આનંદના પ્રેમભર્યા વિચારોમાં સરી ગઈ.

૦ ૦ ૦

કાજલ બસ સ્ટેન્ડ પર બસમાંથી ઊતરી. અહીંથી તેનું ઘર ડાબી બાજુની ત્રીજી ગલી પછીની સોસાયટીમાં આવેલું હતું. તે ઘર તરફ આગળ વધી, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રિંગ-રિંગટોન ગૂંજી ઊઠયો,

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના કયા હૈ ?

ખોના હૈ કયા...?’

‘આનંદનો મોબાઈલ હશે !’ વિચારતાં કાજલે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો તેને નવાઈ લાગી.

સામેવાળાના મોબાઈલ નંબરની જગ્યાએ, મોબાઈલના આંકડા જેટલી જ માનવીની ખોપરીઓ દેખાઈ રહી હતી !

કાજલે ચાલતાં-ચાલતાં જ મોબાઈલ ફોનનું બટન દબાવ્યું, અને મોબાઈલ કાને ધર્યો.

મોબાઈલમાંથી ‘ઘર્‌ર્‌ર્‌ર્‌ર્‌‌...!’ એવો અવાજ સંભળાયો અને પછી, સવારના કાજલે જે મિસ્ડ્‌ કૉલ પર કૉલ લગાવ્યો હતો અને તેને જે અવાજ સાંભળવા મળ્યો હતો એ જ અવાજ અત્યારે સંભળાયો : ‘કાજલ ! મેં તને બપોરના કહ્યા પ્રમાણે, એક મિનિટ પછી, બરાબર સાત વાગ્યે તારી લાશ ઢળી જવાની છે !’

‘ક...ક કોણ છે, તું !’ કાજલ ઊભી રહી ગઈ : ‘...શું કામ તું મને પરેશાન કરી રહ્યો છે ? !’

‘હવે તું આ દુનિયામાં ફકત ત્રીસ સેકન્ડની મહેમાન છે !’ મોબાઈલમાંથી અવાજ સંભળાયો.

કાજલ બેચેન બની ઊઠી. ‘આ.., આ સામેવાળો જે કોઈ પણ હતો, તેને ડરાવી રહ્યો હતો-ગભરાવી રહ્યો હતો.’ તેણે ચાલવાની ઝડપ વધારી.

‘હવે તારી પાસે ફકત દસ સેકન્ડ બાકી છે.’ કાજલના કાને મુકાયેલા મોબાઈલમાં સામેથી અવાજ આવ્યો એટલે આ વખતે હવે કાજલે કાન પાસેથી મોબાઈલ હટાવી લીધો. મોબાઈલ ફેંકી દેવાની ઇચ્છાને તેણે પરાણે દબાવી અને લાંબા પગલાં ભરતાં તેણે કાંડા ઘડિયાળમાં જોયું.

સાત વાગવામાં ફકત છ સેકન્ડની જ વાર હતી.

કાજલની નજર કાંડા ઘડિયાળ પર હતી, ત્યાં જ કાજલના કાને ઍમ્બ્યુલન્સની સાઈરન સંભળાઈ.

કાજલે ચહેરો અધ્ધર કરીને જોયું. ગલીના સામેના છેડેથી એક ઍમ્બ્યુલન્સ વળીને આ તરફ આવી રહી હતી.

કાજલે ચાલવાની ઝડપ વધારી. તે ડાબી બાજુની ફૂટપાથ પર ચાલી રહી હતી અને ઍમ્બ્યુલન્સ જમણી બાજુના રસ્તા પર દોડતી આ તરફ આવી રહી હતી. અને....

...અને અચાનક જ એ ઍમ્બ્યુલન્સ કાજલ તરફ વળી ગઈ અને કાજલ પોતાના બચાવ માટે કંઈ કરે એ પહેલાં એ ઍમ્બ્યુલન્સ ફૂટપાથ પર ચઢી આવી અને કાજલ સાથે જોશભેર અથડાઈ !

કાજલ પીડાભરી ચીસ સાથે અદ્ધર-હવામાં ઉછળી અને ચોથી પળે જમીન પર પટકાઈ. તેનું માથું ફાટી ગયું. તે પળવાર તરફડી અને પછી શાંત થઈ ગઈ. તેનો જીવ નીકળી ગયો.

-એ મિસ્ડ્‌ કૉલ પરની વ્યક્તિએ કહ્યું હતું એ પ્રમાણે જ, કાજલનો જીવ નીકળ્યો ! કાજલ મરી ત્યારે એક્‌ઝેટ, હા ! બરાબર સાંજના સાત વાગ્યા હતા ! ! કાજલને મોત આવ્યાને સાત વાગવામાં એક સેકન્ડ વધુ પણ નહોતી થઈ કે, એક સેકન્ડ ઓછી પણ થઈ નહોતી ! ! ! ! ! ! !

( વધુ આવતા અંકે )