ગતાંકમાં આપણે જોયું કે, સ્વીટી અને વિકી બંને સાથે મિલીના ઘરે પાર્ટીમાં પહોંચે છે. ત્યાં વિકી ગુલાબ આપીને સ્વીટીને પોતાના હૃદયની વાત કેમ કરીને કહેવી એની મથામણ અનુભવતો હોય છે. ત્યાં જ મિલી અને સાહિલના પૂછવાથી એ પોતાના મનની વાત જણાવે છે. મિલી તરત જ સ્વીટીને ત્યાં વિકી સામે લાવીને ઊભી કરી દે છે. વિકી મુંઝવણ અનુભવે છે અને કાંઈ બોલી શકતો નથી.
હવે આગળ.................
"અરે!!! તું આ રીતે ગુસ્સામાં અને ઉતાવળી થઈને પૂછીશ તો એ ક્યાંથી બોલી શકવાનો??? ગભરાઈ ગયો બિચારો જો!!!" મિલીએ થોડા કઠોર અવાજે સ્વીટીને કહ્યું.
"અરે !!! તને ન સમજાય અમે કાયમ મળીએ અને વાત પણ કરીએ પણ તો પછી કંઈપણ વાત કહેવામાં આટલો સંકોચ કે ડર શા માટે ??? આવું વર્તન તો આજે પેહલીવાર આ કરી રહ્યો છે, માટે મને ગુસ્સો આવે છે." સ્વીટી ગુસ્સામાં મારી તરફ જોતાં બોલી.
"સ્વીટી!!! તું આટલું જાણે જ છે તો પછી તારે જ સમજવાનું હોય ને કે, એ શા માટે આવું કરે છે??? અને પેહલાં એને શાંતિથી પોતાની વાત કેહવાનો મોકો તો આપ!!! આટલી ઉતાવળ શા માટે કરે છે?? મિલી થોડો ગુસ્સામાં બોલી.
મિલીની આ સમજણ ભરેલી વાતો સાંભળીને એ શાંત થઈ અને લાંબો શ્વાસ લેતાં ત્યાં સામે ચેર પર બેઠી.
"હા!! બોલ શું કેહવાનું છે તારે??? પણ, તું પેહલાં આ ગુલાબ મને આપી દે ને અહીં બેસ !!! પછી જણાવ તારે જે પણ કેહવું હોય." બાજુની ચેરમાં બેસવાનો ઈશારો કરતાં એ બોલી.
બીજા મિત્રોએ પણ જાણે મારા હાથમાં ગુલાબ અને મારા ચહેરાની વ્યાકુળતા જોઈને કંઈક અંશે મારા મનના ભાવ કળી લીધા હોય એમ એ બધા અમારી પાસે આવીને અમારી ચેરની આસપાસ એકબીજાની સામે જોતાં ઊભાં થઈ ગયાં. હું તો જાણે વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો. આ બધા સામે કેમ કરીને હું બોલીશ!!! એ સમજાતું નહોતું.
એના આ શાંતિ પૂર્ણ શબ્દો કોઈ થાકેલા રાહદારીને મળેલ શીતળ છાયા સમાન ભાસતા હતાં. મને હવે લાગ્યું કે હું મારા મનની, હૃદયની વાત એને કહીને હળવો થઈ જાઉં,અને મારા જીવનમાં એના સાથથી વસંત ઋતુ જેવી માદકતા અને સુંદરતા ખીલી ઉઠે. હું વિચારોમાં એટલે કે મારી સ્વપ્નસૃષ્ટિમાં ખોવાઈ ગયો.
"ક્યાં ખોવાયેલો છે???" મારા હાથ પર હાથ રાખીને એ બોલી.
એના સ્પર્શથી મારામાં એક રોમાંચ પેદા થઈ ગયો. મેં હિંમત એકઠી કરીને ડરતાં એના સામે ગુલાબ ધર્યા. મને લાગ્યું જાણે એ એની જ રાહ જોઈ રહી હોય એમ જરા પણ વાર લગાડ્યા વગર હું કંઈ બોલું એ પેહલાં જ ઝડપથી એણે ફૂલ લઈ લીધા. મને તો મનની અને હૈયાંની વાત કેહવા માટે આ ગુલાબનો સાથ હતો એ પણ હું કંઈ કહું એ પેહલાં જ એણે લઈ લીધા.
મેં એની સામે લાલ ગુલાબ ધર્યા એ જોતાં જ બાકીના બધા મિત્રો પણ અમારી આસપાસ આવીને ઊભાં થઈ ગયા, હું તો જાણે શરમમાં જ મુકાઈ ગયો.
હૃદયમાં એના માટે હિલોળા લેતો પ્રેમ મને મારી વાત કેહવા હિંમત આપી રહ્યો હતો. "સ્વીટી!!! હું જાણું છું કે, તું મને ઘણું સમજવા લાગી છે, આપણે ઘણો સારો સમય અને ઘણો સમય સાથે પસાર કર્યો છે. હું અત્યારે કે મળ્યા ત્યાર પછી નહીં પણ એ પહેલાંથી હું તારા માટે............."
"અરે...!! આગળ બોલ!!! અટકી કેમ ગયો??? પેહલે થી તું મારા માટે ..... !!! શું મારા માટે ??? બો... લ.. આગળ !!!" કહેતા આશ્ચર્ય સાથે એ મારી સામે જોઈ રહી.
"તું ચૂપ રહે, એને બોલવા દે." મિલીએ એને આગળ બોલતાં રોકી. મને સાથ આપ્યો. મને થોડી હાશ થઈ કે, હવે આ મારી વાત હું કહી શકીશ.
"મેં આને ચૂપ તો કરાવી, હવે તું જે પણ કેહવું હોય એ જલદીથી બોલ!!!" મિલી થોડી નારાજગી સાથે બોલી. બીજા મિત્રો પણ મને જોઈ રહ્યાં હતાં. હવે રાહ ન જ જોવાય.
મેં પ્રેમથી સ્વીટીની આંખોમાં જોયું, ચેરમાંથી ઊભાં થઈ હું એના પગ પાસે નીચે બેસી ગયો, મેં એની સામે હાથ લાંબો કરીને એની આંખોમાં આંખો પરોવીને મારા હાથમાં એનો હાથ માંગ્યો. મારા હૃદયના ધબકાર તેજ હતા. મારા પ્રેમ પ્રસ્તાવને સ્વીકારતા શબ્દો સાંભળવાની એક ઉત્સુકતા હતી.
એ આશ્ચર્યમાં ગરકાવ થઈને, સ્તબ્ધ બનીને મને જોઈ રહી હતી.
"સ્વીટી!!! જ્યારે ત્યારી સ્કૂટીનો અકસ્માત થયો હતો એ દિવસે આપણે પેહલીવાર મળ્યા હતાં અને પહેલીવાર મેં તને જોઈ પણ હું એ દિવસે તારી સ્કૂટીનો પીછો જ કરતો હતો એક કોઈ ખેંચાણ હતું જે મને તારી તરફ ખેંચી રહ્યું હતું. એ પહેલાં પણ મેં તને ઘણીવાર જોઈ ત્યારબાદ એ દિવસે તો તારો ચહેરો જોવાની મારી અદમ્ય ઈચ્છાને હું રોકી ન શક્યો. હું તારો ચહેરો જોવા માંગતો હતો એ સમયે એવું કેમ હતું એ હું સમજી ન શક્યો પણ હું તારો ચહેરો જોઉં એ પેહલાં જ તારો અકસ્માત થયો.
એ આપણી પેહલી મુલાકાતના સમયે તને ઇજા પામેલી જોઈને હું અસહ્ય વેદના અનુભવતો હતો. એ દિવસે હું એટલુ તો સમજ્યો હતો કે હું તને તકલીફમાં ન જોઈ શકું. જેમ સમય ગયો આપણે વધુ મળ્યા અને હું તારી વધુ નજીક આવ્યો હોય એમ લાગવા માંડ્યું.
હવે હું તને દૂર કરવા નથી માંગતો મારા જીવનમાં તારો સાથ અને તારા પ્રેમની છાયા માંગુ છું. હું જીવનભર તારું જતન કરીશ, તને ખુશ રાખવાના બનતાં બધા પ્રયાશ કરીશ.
હું જાણું છું કે, તારું મન અને હૃદય પણ મારા તરફ ક્યાંક ને ક્યાંક થોડું તો ઢળ્યા છે. હું તને નહીં હું તારા પ્રેમ, તારા સાથ, તારી હૂંફને ઝંખું છું.
ચાલ આજે જ આપણે એકબીજાના થવાનું વચન, જીવનભર સાથ નિભવવાનું, અઢળક પ્રેમવર્ષાની હેલીમાં જીવનભર ભીંજવાનું વચન આપીએ.
"હું તને ખૂબ પ્રેમ કરું છું" તું મારા જીવનનો આધાર બનીશ? તું મારો હુંફાળો સાથ બનીશ? તું તારા પ્રેમને મારા નામ કરીશ? બોલ સ્વીટી!!! સ્વીટી!!!
બધા મિત્રોની મસ્તીભરી બુમો અને તાળીઓથી હોલ ગુંજી રહ્યો હતો. એ સ્થિર નજરે મારી સામે જોઈ રહી હતી એની આંખોના ખૂણાએ આંસુના ટીપાં હતા.
એણે ગુસ્સાભેર મારા હાથમાંથી એનો હાથ પાછો ખેંચી લીધો અને ગુલાબના ફૂલ ગુસ્સામાં મારા તરફ ફેંકીને દોટ મૂકીને હોલની બહાર નીકળી ગઈ.
આગળની સ્ટોરી આવતા ભાગમાં.......