આગળ જોયું કે મયુર સાગરને સગાઈની ભેટ માટે ઇનોવા ગાડી અને પચાસ હજાર રૂપિયા ભેટમાં આપે છે. આ ભેટની જાણ કરતા જ સાગરના પપ્પા તેને આવી ભેટ નહિ સ્વીકારવાની સૂચના આપે છે
હવે આગળ
* * * * * * * * * * * *
સાગરને એવું લાગ્યું કે તેના મમ્મી પપ્પા આ ભેટ બાબતે ઝગડો કરવા લાગશે માટે તેણે વાતને બદલાવવા બંનેને કહ્યું કે "તમે જે છોકરીનો ફોટો મોકલ્યો હતો એ છોકરી ક્યાં રહે છે અને આપણે ત્યાં ક્યારે જવાનું છે."
"તે છોકરી અમદાવાદમાં જ રહે છે અને આપણે તેને ત્યાં કાલે જ જવાનું છે." સાગરના પપ્પાએ કહ્યું.
"ચાલો જમવાનું બની ગયું છે પહેલા જમીલો પછી વાતો કરજો." સાગરના મમ્મી પાણીના ગ્લાસને ટ્રે માં લઈને રસોડામાં જતા કહ્યું.
"ઓહો.... મમ્મી... શું વાત છે આજે તો તે મારા ફેવરીટ ઢોકળા બનાવ્યા છે. આજે તો જમવાની મજા આવી જશે.." સાગર ડાઇનિંગ ટેબલ પર ઢોકળાની ડિશ જોતા જ એના મમ્મીને ખુશ થતા કહ્યું.
"આજે તું કેટલા દિવસ પછી આવ્યો છે એટલે તારું ભાવતું ભોજન જ બનાવ્યું છે."
"તો તો આજે પેટ ભરીને જમવા મળશે."
"હા, બેટા નિરાંતે જમી લે."
બધા એ એકસાથે ડાઇનિંગ ટેબલ પર સાથે ભોજન લીધું. અને રાત્રે મમ્મી પપ્પા સાથે મોડે સુધી વાતો કરી. જેમાં સાગરે સૌથી વધુ મયુરની વાત કરી. મયુરની સાથે પસાર કરેલો કોલેજેનો સમય, મયુરના પરિવાર સાથે ઘટેલી દુર્ઘટના, મયુરનો અજ્ઞાત વાસ, મયુરે શરૂ કરેલી ફૂલોની ખેતી, મયુરના અનાથાશ્રમમાં થયેલા લગ્ન, લગ્નમાં આપેલી કિંમતી ભેટો, પોતાને અને હેનીશને તેને ત્યાં નોકરી પર રાખ્યા અને ધંધામાં સફળતા મળતા શરૂ કરેલા સેવાકીય કાર્યો વિશે સાગરે તેના વિશે વિગતે ચર્ચા કરી. ત્યારે તેના મમ્મી પપ્પા મયુર પર ગર્વ મહેસૂસ કરવા લાગ્યા.
સવારે બધા વહેલા ઊઠીને તૈયાર થઈને ઇનોવા ગાડી લઈને છોકરી જોવા નીકળી ગયા. આજે સાગર વાદળી કલરના ડેનિમ જિન્સ અને બ્લુ કલરના શર્ટ અને ગોગલ્સમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. કસરતથી કસાયેલું શરીર હોવાથી છાતીનો ભાગ અને મસલ્સ શર્ટ પહેરેલો હોવા છતાં ઉપસેલા ભાગ બહાર ઉભરી આવતા હતા. તેના ગાલ પર પડતાં ખંજર, હલકી દાઢી, મોહક સ્માઈલ અને પર્સનાલિટી તો એવી જાણે કોઈ સપનાનો રાજકુમાર જ જોઈલો. તેના કોલેજના દિવસો માં પણ ઘણી છોકરીઓ સાગરનો સાથ માણવા માટે મથતી પરંતુ સાગર જેવો સંસ્કારી છોકરો ક્યારેય પણ કોઈ છોકરી સામે નજર ઉચી કરીને ના જોતો.
થોડી જ વારમાં બધા છોકરીના ઘરે પહોંચી જાય છે.
છોકરીના માતા પિતા ખૂબ આદર પૂર્વક સાગર તથા તેના માતા પિતાનું સ્વાગત સત્કાર કરે છે. સાગરના પિતા છોકરીના માતા પિતા સાથે તેનો પરિચય કરાવે છે. છોકરીના પિતા સાગરને તેના કામ વિશે પૂછે છે એટલા માં છોકરી પણ હાથમાં પાણીની ટ્રે લઈને બહાર આવે છે. છોકરી બધાને પાણી આપવા જતા સાગર તરફ નજર પડે છે ને બંનેની નજર મળે છે. સાગરને તો છોકરી ફોટોમાં જોતા જ ગમી ગઈ હતી પરંતુ તે છોકરી પણ સાગરની પર્સનાલિટ જોઈને અવાહક થઈ ગઈ. સાગરે તેની સામે જોઇને હળવું સ્મિત કર્યું તેના ગાલમાં પડતાં ખંજર તે છોકરીના દિલમાં ઉતરી ગયા.
થોડીવાર આડા અવળી વાતો કરીને છોકરીની માતા એ કહ્યું કે " બેટા સાગર તમારે જો મારી દીકરીને એકલા માં કંઇક પૂછવું હોય તો તમે બંને અગાસી પર જઈને વાતો કરી શકો છો હું અગાસી પણ ખુરશી મુકાવી દવ છું ને તમારા બંને માટે ચા નાસ્તો પણ ત્યાં જ મોકલાવી દઈશ."
સાગરના માતા પિતાએ પણ સાગર સામે પ્રશ્નાર્થ નજર જોયું. પરંતુ સાગર પહેલેથી જ શરમાળ સ્વભાવનો હતો એટલે સાગરે કોઈ ઉત્તર ના આપ્યો. પછી તરત જ સાગરની માતા એ કહ્યું કે" હા બહેન તમારી વાત સાચી છે બંને એ આપસમાં એક વાર વાત કરી લેવી જોઈએ. આખી જિંદગી એ લોકો ને સાથે વિતાવવાની છે આપણો તો હવે શું ભરોસો! એ બન્ને ને એક બીજા સાથે અનુકૂળ આવવું જોઈએ. જો એ બંને એકાબીજાને પસંદ કરતા હોય તો આ સગાઈ અમને તો મંજૂર જ છે."
" હા બહેન, તમારી વાત સાચી છે ચાલો તો હું અગાશીમાં ખુરશી અને ચા નાસ્તા ની વ્યવસ્થા કરી દવ છું થોડીવાર માં તમે જ બંને ને લઈને ઉપર આવજો પછી આપણે તે લોકોને એકલા મૂકી નીચે આવી જઈશુ." એટલું કહેતાં છોકરી ની માતા રસોડામાં ચા નાસ્તા ની વ્યવસ્થા કરવા ગયા..
થોડી જ વારમાં છોકરીની મમ્મીએ અગાશી પર બધી વ્યવસ્થા કરી દીધી. સાગરના મમ્મી પણ બંને ને લઈને અગાશી પર ગયા. જ્યાં છોકરીની માતા એ લોકોની રાહ જ જોઈ રહી હતી. એ લોકોને આવતા જોઈને છોકરીની માતા બોલ્યાં" આવો આવો તમે બંને અહીંયા એકાંતમાં બેસીને વાતો કરો. એક બીજા ને જે પણ પૂછવું હોય એ પૂછી શકો છો" આટલું કહેતા બંનેની માતાઓ હળવી સ્મિત કરતાં નીચે જતી રહી..
આ પહેલા સાગરે આવી રીતે કોઈ છોકરી સાથે વાત પણ નોહતી કરી એટલે સાગર થોડો મૂંઝવણ અનુભવતો હતો કે તે શું પૂછે. સાગર તો તે છોકરીને ફોટામાં જોઈને મોહિત થઈ ગયો હતો એને ખરેખર તેના માતા પિતાની પસંદ પર ગર્વ થતો હતો. થોડીવાર વાર તો બોલવાની પહેલ કોણ કરે? એ રાહ માં જ થોડી પળો નીકળી ગઈ. બંને વચ્ચે ભયંકર મૌન છવાઈ ગયું હતું. અગાશી પર સૂસવાટા ભેર પવન ફુંકાઈ રહ્યો હતો. સાગરની મુઝવણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. અંતે છોકરીએ મૌન તોડતા કહ્યું " તમે મુંઝાશો નહિ તમારે જે પણ પૂછવું હોય એ પૂછી શકો છું. છોકરીએ સાગરની મુંઝવણ પારખતા વાતની શરૂઆત કરવા માટે કહ્યું.
" ના ના એવું નથી પણ આ પહેલા ક્યારેય કોઈ છોકરી સાથે આમ એકલા વાત કરી જ નથી એટલે જરા મુંઝવણમાં માં મુકાઈ ગયો હતો. By the way તમે હાલ શું કરો છો?"
" મે હમણાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અને હવે મમ્મીને ઘરના કામમાં મદદ કરું છુ મને વિવિધ પ્રકારની રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે"
" ખૂબ સરસ તમને તમારા જીવન સાથી પ્રત્યે શું અપેક્ષા છે?" સાગરે કહ્યું..
" ખાસ વધુ નહિ પણ એક એવો સાથી કે જે મને સમજે, મારી લાગણીઓને પારખે અને લગ્ન પછી પણ પત્નીના દરજ્જા કરતા એક સાચા દોસ્ત તરીકે સમજે એવી જ અપેક્ષા છે."
સાગર તો છોકરીના જવાબ થી મોહક થઈ ગયો બંનેના વિચારો પણ મળતા આવતા હતા. સાગર બે ઘડી સ્તબ્ધ થઈને છોકરીને જોતો જ રહ્યો ફરી એકવાર બંને વચ્ચે મૌન છવાઈ ગયું. ફરી છોકરીએ મૌન તોડતા કહ્યું કે" તમારી શું આપેક્ષા છે તમારા જીવનસાથી પ્રત્યે?
" હું પણ તમે સાચું કહો છું હું પણ એવું વિચારું છું કે જીવન ભર સાથે રહેવા માટે એક બીજા ને સજવવું ખૂબ જરૂરી છે અને એક દોસ્તથી વધારે આપને કોઈ સમજી ના શકે અને જો જીવનસાથી જ દોસ્ત બનીને સાથ આપે તો જીવન ખૂબ સુંદર અને આસન લાગે. પણ હા મારી એક અપેક્ષા એ પણ છે તે મારા માતા પિતાને મારાથી પણ વધુ સાચવે અને એટલો જ પ્રેમ આપે."
"માં બાપ ભગવાનનું રૂપ છે જો આપણે એ ભગવાનને જ નિરાશ કરીશું તો આપણે પણ સુખી નહિ થઈ શકીએ. હું માનું છું ત્યાં સુધી જો આપણો સબંધ આગળ વધશે તો એ ફરિયાદનો મોકો ક્યારેય નહી મળે એ બાબતે તમે નિશ્ચિંત રહેશો અને આ બાબતે મારી દાદી હંમેશા મને સમજાવતા આવ્યા છે કે કોઈ પણ વડીલનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દિલ ના દુભાવવું જોઈએ માટે તમે કોઈ ચિંતા ના કરતા એની તાલીમ અમને નાનપણથી જ સંસ્કારના રૂપમાં આપવામાં આવી છે."
"જો એ જ બાબત હોય તો મને આ સગાઈ મંજૂર છે. જો તમારે મારા વિશે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો."
"તમે તમારા માતા પિતા વિશેની એક જ અપેક્ષા મને કહી એ જોતાં જ તમારું આખું વ્યક્તિત્વ હું સમજી શકું છું આથી વિશેષ તમારા વ્યક્તિત્વ વિશે જાણવા બીજા પ્રશ્નો હોય પણ ના શકે. તમને નાપસંદ કરવા જેવી કોઈ વાત જ નથી પરંતુ મારા મમ્મી પપ્પા જેમ કહેશે એ પ્રમાણે હું આગળ વધીશ."
બંને વચ્ચે ફરી મૌન છવાય ગયું. હવે આગળ કોઈ પ્રશ્નો હતા જ નહિ. બંનેએ થોડા પ્રશ્નોમાં જ એકાબીજાને ઓળખી લીધા હતા હવે આગળનો મામલો વડીલના હાથમાં હતો. બંને ઊભા થઈ અગાસી પરથી નીચેના બેઠક રૂમમાં આવતા રહ્યા. નીચે આવતા જ સાગરના મમ્મી પપ્પાએ આંખોના ઇશારાથી જ સાગરને છોકરી કેવી લાગી તે પૂછ્યું જેના જવાબમાં સાગરે હકારમાં માથું હલાવી જવાબ આપ્યો. સાગરના મમ્મી પપ્પા સાગરના જવાબ થી ખુશ થઈ ગયા.
ક્રમશ:
પ્રમોદ સોલંકી
શું છોકરી સાગરને પસંદ કરશે?
શું છોકરીના માતા પિતા આ સગાઈ માટે રાજી થશે?
જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"
વધુ આવતા અંકે........
આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏