Punjanm - 24 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 24

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 24

પુનર્જન્મ 24

અનિકેત સવારે ઉઠ્યો. આંખમાં થોડો ઉજાગરો હતો. મન કહેતું હતું થોડા દિવસ ક્યાંક જતો રહું. કદાચ સ્વપ્ન સાચું પડે. ના , હવે નહિ. ગામવાળા કે કોઈને હાથે અપમાનિત થવાની હવે હામ ન હતી. આ ખોરડું , બાપાની ઈજ્જતના ગામ વચ્ચે લીરેલીરા ઉડ્યા છે. હવે નહિ. પણ એક મન કહેતું હતું ક્યાં સુધી ભાગીશ. એક દિવસ તો સામનો કરવાનો જ છે. તો આજે શા માટે નહિ...

એણે મોનિકાનું કાર્ડ હાથ માં લીધું. કાર્ડ માંથી સુગંધ આવતી હતી. મન કચવાતું હતું. પણ જે થાય એ. એમ નક્કી કરી એણે ફોન લગાવ્યો. સામે થી એ જ સુમધુર અવાજ આવ્યો.
' હેલો... '
' હેલો... આઈ એમ અનિકેત. '
' ઓહ.. બોલ અનિકેત. આજે સવાર સવાર માં મને યાદ કરી. '
' મારે તમને મળવું હતું. '
' શ્યોર , વ્હાય નોટ. પણ દિવાળીના ગરબા માટે તારે મળવું હોય તો, આઈ પ્રોમિસ. હું આવીશ. તું જરાય ચિંતા ના કરીશ. '
' યસ , પણ બીજું પણ એક કામ છે. '
' શ્યોર.. ક્યારે આવે છે ? '
' તમે કહો ત્યારે. '
' ટાઈમ લઈને આવ તો વાતો કરીશું. સાંજે પાંચ વાગે. '
' ઓકે.. '

******************************

અનિકેતે ટાઈમ જોયો. પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી. ફાર્મ હાઉસના દરવાજે જઇ અનિકેતે હોર્ન વગાડ્યું. એક નાનો દરવાજો ખુલ્યો. એક માણસ બહાર આવ્યો. અનિકેતે એને ઓળખાણ આપી.
' આઇ એમ અનિકેત. એન્ડ આઈ હેવ એ એપોઈમેન્ટ ફોર મોનિકા મેમ. '
' યસ.. કમ. મેડમ આપની રાહ જુએ છે. '
એ માણસ ગયો અને ફાર્મ હાઉસના વિશાળ દરવાજા ખુલ્યા. એક ચોકીદાર યુનિફોર્મમાં ગન સાથે એલર્ટ અવસ્થામાં સાઈડમાં બનાવેલ કેબિનમાં તૈયાર હતો.
અનિકેત આખા ફાર્મ હાઉસની ભૂગોળથી વાકેફ હતો. પરંતુ એ જાણતો હતો કે આજે અજાણ્યા બનવાનું હતું. નહિ તો પોતે શંકાના દાયરામાં આવી જશે. ગેટ પાસે એણે જીપ ઉભી રાખી અને રસ્તા વિશે સહજ પૃચ્છા કરી. એ માણસે અનિકેતને રસ્તો બતાવ્યો.

એ જ જોયેલા રસ્તા પર એણે જીપ આગળ વધારી અને વિશાળ બંગલાની બાજુમાં પાર્કિંગ એરિયામાં એણે જીપ પાર્ક કરી.
ગ્રે કલરના પેન્ટ પર વ્હાઇટ શર્ટ પર ડાર્ક બ્લ્યુ બ્લેઝર એને સોહામણો બનાવતું હતું. પણ સુધીર જેવા હેન્ડસમ પતિની સુંદર પત્નીને મળવા જતાં એ કંઈક લઘુતાગ્રંથિથી પીડાતો હતો. એમાં આજે જે વાત કરવાની હતી એ પછી શું થશે? અંતર જવાબ આપતું હતું, થવાનું શું હતું? એ જ અપમાન અને ધિક્કાર લઈને એક ચેપ્ટર અહીં બંધ કરીને જવાનું હતું.

આજે વિશાળ બંગલાના દરવાજે પણ એક ચોકીદાર હતો. અનિકેત જીપ માંથી ઉતરીને દરવાજે પહોંચ્યો ત્યાં દરવાજામાં એક સુંદર છોકરી આવી. એ જ હતી જે મોનિકા સાથે એના ઘરે આવી હતી. એણે હસી ને અનિકેત તરફ હાથ લાંબો કર્યો.
' હેલો , આઈ એમ ફાલ્ગુની , સેક્રેટરી ઓફ મોનિકા મેમ , આઇ ગ્લેડ ટુ મીટ યુ... '
અનિકેતે હસીને હાથ મિલાવ્યો. એ અનિકેતને ઉપરના મોનિકાના રૂમમાં લઇ ગઈ.
મોનિકા સિસમના વિશાળ બેડ પર આછી ગુલાબી નાઇટી પહેરીને કોઈ નોવેલ વાંચતી હતી. ફાલ્ગુનીએ દરવાજે ઉભા રહી નોક કર્યું. મોનિકાએ દરવાજા તરફ જોયું અને એનો ચહેરો આનન્દથી ખીલી ઉઠ્યો.
' અરે અનિકેત, આવ... હું તારી જ રાહ જોતી હતી. '
અનિકેત અને ફાલ્ગુની કમરામાં આવ્યા. અનિકેતને એક ચેર ઓફર કરવામાં આવી. અનિકેત ચેરમાં બેઠો. ફાલ્ગુની ઉભી રહી. ફાલ્ગુનીને આશ્ચર્ય થતું હતું કે એની અભિમાની અને ગુમાની માલકણ આને કેમ આટલો ભાવ આપતી હતી. એકવાર કોઈ અકસ્માતમાંથી બચાવનારને આટલું માન મળે ? કાશ એ દિવસે પોતે ત્યાં હોત અને મોનિકાને બચાવત તો પોતાના નસીબ ખુલી જાત.
' ફાલ્ગુની આજે કોઈ કામ નથી. કાલે મોનિકા એક્સપોર્ટ લી. નો વાર્ષિક રિપોર્ટ લઈને દસ વાગે આવી જજે. હવે તું જઇ શકે છે. '
' ઓ.કે.મેમ. '
ફાલ્ગુનીને બહાર નીકળી મનમાં આ મેમ પર ગુસ્સો આવતો હતો.. ' તું હવે જઇ શકે છે.. માય ફૂટ.. '

*******************************

કેરટેકર પાણી સર્વ કરી ગયો. મોનિકા ઉભી થઇ. મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી.
' અનિકેત કેવા ગીત તને ગમશે ? '
' કોઈ પણ. લાઈટ સોંગ વધારે ગમશે. '
મોનિકા એ લાઈટ સોંગની સી.ડી. ભરાવી. સુમધુર સંગીત કમરામાં ફેલાઈ રહ્યું.
' અનિકેત થેન્ક્સ અગેઇન. '
' મોનિકાજી હવે થેન્ક્સ કહેશો નહિ.પ્લિઝ... '
' ઓ.કે. બોલ શું કામ હતું? '
' ગામ વાળા તમને દિવાળીના ગરબામાં બોલાવવા ઈચ્છે છે.'
' નો પ્રોબ્લેમ. હું આવીશ. '
કેર ટેકર ચ્હા, કોફી અને નાસ્તો મૂકી ગઈ. મોનિકા એ કોફી અને બિસ્કીટ લીધા.
' તમે આવશો.મારા કારણે? '
' હા, તારા કારણે. ફક્ત તારા કારણે. બાકી હું આવી રીતે ક્યાંય જતી નથી. '
અનિકેત ફર્શ તરફ જોઈ રહ્યો હતો. મન મક્કમ કર્યું અને એ બોલ્યો.
' મારા કારણે આવતાં પહેલા અને મારી સાથે સબંધ રાખતા પહેલાં તમારે મારા વિશે, મારા ભૂતકાળ વિશે જાણી લેવું જોઈએ.'
' હું તારા વિશે બધું જ જાણું છું. '
' શું જાણો છો ? '
' એ જ કે તું સાત વર્ષે થોડા સમય પહેલાં જ જેલ માંથી છૂટ્યો છે.'
અનિકેત સ્તબ્ધ થઈ ગયો. એની મોનિકા સામે જોવાની હિંમત ન હતી. બે પળ રૂમમાં સન્નાટો છવાઈ રહ્યો. આખરે અનિકેત બોલ્યો.
' મારું જેલમાં જવાનું કારણ જાણો છો ? '
' હા. સ્નેહા... '
અનિકેતે હવે કાંઈ બોલવા જેવું રહ્યું ન હતું. છતાં અનિકેત બોલ્યો.
' છતાં પણ તમે આવશો ? '
' હા , છતાં પણ હું આવીશ. કેમકે હું જાણું છું કે તું નિર્દોષ છે. '
અનિકેતના માથે જાણે બૉમ્બ પડ્યો. એ મોનિકાને જોઈ રહ્યો.
' શું કહ્યું તમે ? '
' એ જ કે હું જાણું છું કે તું નિર્દોષ છે. '
પોતે ચીસો પાડી પાડીને કહેતો હતો કે પોતે નિર્દોષ છે. પણ કોઈ સાંભળવા તૈયાર નહતું. જે શબ્દ સાંભળવા એ તડપતો હતો. એ શબ્દ આજે સાંભળવા મળ્યો. નિર્દોષ..
' પણ તમે કેવી રીતે મને નિર્દોષ માનો છો. '
મોનિકા અનિકેતના ચહેરા સામે જોઈ કોફી પી રહી હતી....

( ક્રમશ : )
8 સપ્ટેમ્બર 2020