Punjanm - 22 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 22

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

પુનર્જન્મ - 22

પુનર્જન્મ 22


સ્નેહાના હાથ પર મહેંદી હતી. કલાકો સુધી બેસીને એ મહેંદી મુકાવતી. અને અનિકેત ને આવી ને પૂછતી ' કેવી છે ? '
અનિકેતને મસ્તી સુજતી હતી. એ કહેતો :' તું તો મસ્ત જ છે ને , કોઈ પણ પસંદ કરે એવી. '
એ ગુસ્સે થતી. ' હું મહેંદીનું પૂછું છું. '
અનિકેત કહેતો ' તારા ચહેરા પરથી નજર જ નથી હટતી તો મહેંદી શું જોવું. '
એ ચિડાતી અને કહેતી ' જો બહુ ચીડવશો , તો ક્યાંક દૂર ચાલી જઈશ. '
અને સાચે જ એ દૂર ચાલી ગઈ. પણ આ વખતે અનિકેતે મઝાક નહોતી કરી..
અનિકેતને ઉંઘ આવતી હતી. આંખો બંધ થતી હતી. પણ મગજમાં વિચારોના ઘોડા તોફાન કરતા હતા. ઈશ્વરે શરીરની અજબ રચના કરી છે. ક્યારેક ઉંઘ નથી આવતી. ક્યારેક હજારો વિચારોને દોડતા રાખી શરીર સુઈ જાય છે.

અને અનિકેત સુઈ ગયો.... હજારો વિચારોના ઘોડાને આમથી તેમ દોડતા મૂકી ને...

******************************

દિવાળીના ગરબા ચાલતા હતા. મોનિકા આવવાની હતી માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. આજુબાજુના ગામવાળા પણ આવ્યા હતા. ગામના લોકો અને બહાર સ્થાઇ થયેલા વેપારીઓ અને નોકરિયાતો એ ખૂબ ફાળો આપ્યો હતો. સરસ લાઇટિંગ કરવામાં આવ્યું હતું...
મોનિકાના કારણે સ્થાનિક પોલીસે બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી. અનિકેતની આ ગરબામાં જવાની કોઈ ઈચ્છા ન હતી. પણ મોનિકાની ગાડી સીધી જ અનિકેતના ઘરે આવીને ઉભી રહી.
મોનિકાની સાથે એની સેક્રેટરી અને બીજી ગાડીમાં ચાર સિક્યુરિટી ગાર્ડ હતા. સુધીર અને સચદેવા આવ્યા ન હતા.
અનિકેતની લાખ મના છતાં મોનિકા એને સાથે લઈ ગઈ. મોનિકાનું ગામના સરપંચ , વેપારીઓ , સ્કૂલના આચાર્ય , ટ્રસ્ટીઓ અને સ્થાનિક પોલીસ ઓફિસરે સ્વાગત કર્યું. મોનિકા અનિકેતને લઈને સ્ટેજ ઉપર ગઈ. મોનિકાને સ્ટેજ પર સ્થાન મળ્યું. મોનિકાએ અનિકેતને પોતાની બાજુમાં બેસાડ્યો.
ગામના લોકોમાં કંઈક ગુસપુસ ચાલુ થઈ ગઈ. ગરબા ચાલુ થઈ ગયા હતા. એક ખૂણામાં થોડા લોકો કંઇક ગુસપુસ કરતાં હતાં. આખરે છ સાત માણસો સ્ટેજ પર આવ્યા. એમણે અનિકેત સામે જોયા વગર અનિકેત વિશે મોનિકાને જાણકારી આપી. અનિકેતનો ભૂતકાળ મરચા મીઠા સાથે મોનિકા સામે રજૂ કરવામાં આવ્યો. કેટલાક શબ્દો અનિકેતના કાને પડી રહ્યા હતા . અનિકેતનો ચહેરો ફિક્કો પડી ગયો હતો . મોનિકાનો ચહેરો આશ્ચર્ય અને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એ ગુસ્સાથી ધ્રૂજતી હતી.
ગરબા અટકી ગયા હતા...
' તમારે મને આવા વ્યક્તિ વિશે પહેલાં જાણકારી આપવી જોઈતી હતી. ' અને એ ગુસ્સાથી અનિકેત તરફ ફરી...
' હાઉ ડેર યુ ટુ મીટ એન્ડ સીટ નીયર મી. '
એ આયોજકો તરફ ફરી અને ગુસ્સામાં બોલી: ' કાંતો આ વ્યક્તિ સ્ટેજ પર બેસશે અથવા હું સ્ટેજ પર બેસીશ. '
પેલા લોકો આટલી જ રાહ જોતા હતા. એ લોકો આગળ વધ્યા. અનિકેત જાતે જ સ્ટેજ પરથી નીચે ઉતરવા માંગતો હતો છતાં પણ એ લોકો એ અનિકેતને ધક્કા મારી સ્ટેજ પરથી નીચે ઉતાર્યો. અપમાનિત થયેલા અનિકેતે હવે ત્યાં ઉભા રહેવા જેવું રહ્યું ન હતું. એ સીધો જ ઘર તરફ ચાલ્યો. લોકો અનિકેતનો હુરિયો બોલાવતા હતા. આયોજકો પબ્લીકને શાંત કરી ગરબા ચાલુ કરાવવા લોકોને શાંતિ રાખવા અપીલ કરી રહ્યા હતા.

અનિકેત એની ખડકી સુધી પહોંચ્યો ત્યારે માઇકમાં મોનિકા બધા )ને પોતાની સાથે ગરબામાં જોડાવા આમંત્રણ આપતી હતી. અનિકેત ખડકી બંધ કરી ખાટલામાં ઢળી પડ્યો.
હજાર વાર મન ના પાડતું હતું. છતાં પોતે ગયો. શા માટે ? પોતાની જાત પર એને ગુસ્સો આવતો હતો. નજર સમક્ષ પિતાની છબી આવી ગઈ. જે પિતા ગામમાં પૂજાતા હતા એમના પુત્રના આ હાલ.
આખું ગામ એ પૂજનીય વ્યક્તિના ખોરડા પર હસતું હતું. ધીમે ધીમે લોકો એ હાસ્યમાં જોડાતા ગયા. એમનું હાસ્ય ધીમે ધીમે અટહાસ્યમાં બદલાતું ગયું.
એ અટહાસ્યના પડઘા એના કાનોમાં ઘુમરાતા હતા. એ પડઘા ધીમે ધીમે અસહ્ય બનતા ગયા. એ બુમો પાડીને એ હાસ્યને બંધ કરવા ચિલ્લાતો રહ્યો.

એની આંખ ખુલી ગઈ. આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. એને બે મિનિટ તો એ સમજવામાં ગઈ કે એ ક્યાં છે? અને શું ચાલી રહ્યું હતું?
મોબાઈલમાં સમય જોયો. રાતના બે વાગ્યા હતા. એ ઉભો થયો અને પાણી પીને પાછો ખાટલામાં આડો પડ્યો. આકાશમાં રચાતી તારાઓની ડિઝાઇન એ જોઈ રહ્યો. એની ઉંઘ ઉડી ગઈ હતી. દિવાળીની રાત આવશે. મોનિકા પણ કદાચ આવશે. પણ પછી... પછી... ના. કોઈ કફોડી હાલતમાં એ મુકાવા નહોતો માંગતો. એના કરતાં થોડા દિવસ ક્યાંક જતો રહું. હા.. એ જ રસ્તો સારો છે....

*****************************

હવે એ નાના નહોતા. કોલેજમાં હતા. એક જ કોલેજ અને એક જ કલાસ. કોલેજમાં એમના ત્રણ વર્ગ હતા. સ્નેહાનું નામ અલગ વર્ગ લમાં હતું. કેટલીય મથામણ કરી એ અનિકેતના વર્ગમાં આવી હતી.

અનિકેતે એની ખૂબ મઝાક કરી.
' કેમ બીજા વર્ગમાં ના ફાવ્યું ? '
' ના.. કેમ તમને વાંધો છે કંઈ ? '
અનિકેત મુશ્કુરાઈ ને બોલ્યો ' વાંધો હોય તોય હું કરી શું શકવાનો હતો. '
' શું વાંધો હતો તમને ? '
' વાંધો તો કંઇ ન હતો. પણ કોઈ છોકરી સામે જોઈને મુશ્કુરાવું હોય તોય હવે ના મુશ્કુરાવાય. હવે ચોકીદાર આવી ગઈ છે ને. '
સ્નેહાનો ચહેરો અચાનક ઉતરી ગયો. એ અનિકેત સામે અમીનેષ નયને જોઈ રહી. અનિકેતને લાગ્યું કે રોજની મજાક કરતાં આજની મજાક કદાચ અલગ થઈ ગઈ. એ બોલ્યો,
' સ્નેહા , મઝાક કરું છું. '
પણ એ આંખમાં આંસુ લઈને ચાલી ગઈ. સાત દિવસ થઈ ગયા. એક પણ મેસેજ નહિ. એક પણ કોલ નહિ અને એક પણ વાર નેત્ર મિલન નહિ.
અનિકેતના હદયને એક આઘાત લાગ્યો. કોલેજ જતાં સુધી ગામના એક બે છોકરા છોકરીઓ હતા એટલે વાત કરવી મુશ્કેલ હતી. અનિકેત સ્નેહાની નજર માટે તરસતો રહ્યો. સાત દિવસમાં સાતસો મેસેજ સ્નેહાના પ્રાઇવેટ મોબાઈલમાં વંચાયા વગરના પડી રહ્યા હતા.
અનિકેત હારી ગયો. એની ધીરજે જવાબ આપી દીધો. કોલેજના દરવાજે એના પગ અટકી ગયા. બધા વિદ્યાર્થીઓ કોલેજમાં જતા રહ્યા હતા. અનિકેત કોલેજના દરવાજેથી થોડી વાર રાહ જોઈ પાછો વળી ગયો. એ રોજ ભેગા થતાં હતાં એ પાર્કમાં ગયો. એક બાંકડા પર એ બેઠો. એ પોતાની જાત સાથે વાત કરતો રહ્યો. બસ. એક મઝાક તો કરી હતી. પણ હવે ? એ હવે બોલે એવું લાગતું નથી. એના વગર જીવાશે. કદાચ ના...

****************************

સ્નેહા વગર જોયે અનિકેતની હાજરીને અનુભવી શકતી હતી. આજે એને કંઇક ખૂટતું હોય એવું લાગ્યું. કલાસ ચાલુ થઈ ગયો હતો. એણે નજર નાંખી. અનિકેત એની જગ્યા પર ન હતો. એના હદયમાં ફાળ પડી. આખા કલાસમાં એની નજર ફરી વળી. અનિકેત ક્યાંય ન હતો. એક અમંગળ કલ્પના એના મનમાં આવી.

એણે એના મન ને ઠપકાર્યું. એના માટે આવો અશુભ વિચાર આવ્યો જ કેવી રીતે ? એને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. એણે પર્સમાં હાથ નાંખી પ્રાઇવેટ મોબાઈલ ઓન કર્યો. અનિકેતના સાતસો મેસેજ હતા.
' સોરી સ્નેહા , માફ કરી દે. એ એક મજાક માત્ર હતી. '

સ્નેહાને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. આટલા દિવસ પોતે એને દુઃખ કેવી રીતે આપી શકી. એ કલાસ પૂરો થવાની રાહ જોતી રહી. આજે કલાસનો સમય એને ખૂબ લાંબો લાગ્યો. આખરે કલાસ પૂરો થયો. પ્રોફેસર બહાર ગયા અને સ્નેહાએ અનિકેત ને ફોન લગાવ્યો.

અનિકેતનો ફોન સ્વિચ ઓફ આવતો હતો...

( ક્રમશ : )

3 સપ્ટેમ્બર 2020