જીવણ બગીચામાં રહેલ બેંચ પર બેસવા જતો હતો ત્યાં જ એના મિત્રએ બૂમ પાડી, 'અલ્યા ત્યાં બેસતો નહીં હજી હમણાં જ બેંચ પર કલર કર્યો છે!' અને જીવણે આંગળી અડાડીને ચેક કરીને કહ્યું, 'હા લ્યા આ તો સાચે જ હજી કલર સુકાયો પણ નથી.'
એ જ રાતે જીવણ પોતાની ફૂલ જેવી દીકરીને ભૂવાજીના હવાલે કરી આવ્યો, ભુવાજીએ કહ્યું હતું કે રાતના એકાંતમાં વિધિ કરીશ તો જ તારી દીકરી સાજી થશે! અને જીવણને ભુવાજી પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો!
2. ટેલેન્ટ.
રમણલાલ શેઠ પોતાની ફેક્ટરીના મેનેજર સાથે ફોન પર વાત કરી રહ્યાં છે, "બે દિવસ પહેલા ઓફિસ વર્ક માટે જે નવો છોકરો રાખ્યો છે એણે B.sc. કરેલું છે આતો ગરીબી અને બેરોજગારીના લીધે એણે આ જોબ સ્વીકારી લીધી છે એને થોડા દિવસ લેબોરેટરી પર રાખી જોજો, સંતોષકારક કામગીરી જણાય તો એને ત્યાં જ રાખજો. કોઈનું ટેલેન્ટ એળે ના જવું જોઈએ." મેનેજર ને શેઠની ટેલેન્ટ પારખુ સમજણ અને ટેલેન્ટને તક આપવાની ભાવના માટે માન થયું.
શેઠે ફોન મુક્યો અને પોતાની પુત્રવધૂ ને બુમ પાડી," વહુ બેટા.. જરા ચા લાવજોને. " થોડી વારમાં અંદરથી એની MBBS થયેલી અને ઘરમાં હાઉસવાઇફ તરીકે ગોંધી રખાયેલી પુત્રવધૂ હાથમાં ચા નો કપ લઈને બહાર આવી!
3. નિર્દોસ સવાલ.
જય હજું લેશન કરવા બેઠો જ હતો ત્યાં બાજુના મંદિરમાં લાઉડસ્પીકર પર વાગી રહેલા ભજનો અને ગીતોના કાન ફાડી નાખે એવા જોરદાર અવાજો આવવાના ચાલુ થઈ ગયા!
કંટાળીને જયે એના પપ્પાને કહ્યું, "ઘરે હોય ત્યારે મંદિરનો દેકારો અને સ્કુલે હોય ત્યારે બાજુની મસ્જિદનો દેકારો, આ લોકો આટલા બધા લાઉડસ્પીકર શા માટે રાખતા હશે? આમાં અમારે ભણવું કઈ રીતે?"
"જો બેટા ધાર્મિક બાબતો વિશે આવું ના બોલાય, એ લોકો ધર્મના પ્રચાર-પ્રસાર માટે લાઉડસ્પીકર રાખે છે, જેથી બધા લોકો સુધી એનો અવાજ પહોચી શકે."
જયે નિર્દોષ ભાવે કહ્યું, "તો શિક્ષણ ના પ્રચાર માટે પણ સ્કુલમાં લાઉડસ્પીકરો રાખવા જોઈએ ને? જેથી ઝૂંપડામાં રહેતા ઘણાં બાળકો ફી ના અભાવે સ્કુલે નથી જઈ શકતા એને પણ શિક્ષણનો લાભ મળી શકે?
4. અદ્રશ્ય તમાચો
"કહું છું પાછો વળ! નહીં તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય!"
રમા ઘરના બારણા પાસે એના દિકરા વિશાલનો હાથ પડીને એને નદીમાં ન્હાવા જતો રોકી રહી હતી. ક્યાંય સુધી આ આનાકાની ચાલી. મયંક ઘરમાં ઓસરીની કોરે ઊભો બાઘાની જેમ બધું જોઈ રહ્યો.
"આમ ચાલુ વરસાદે નદીમાં નહાવા જવાતું હશે? ઉપરથી તાણ આવે તો? તમને કહું છું! આમ ઊભા ઊભા ડોળા શું ફાડો છો! આ વિશલાને સમજાવોને...માનતો જ નથી ને કાંય મારું તો..."
મયંક હજુ પણ જાણે કંઈ ન બન્યું હોય એમ શૂન્યમનસ્ક નયને જોઈ રહ્યો. આસપાસ રહેતા લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું પણ કોઈ કંઈ કહેતું નથી!
થોડીવારમાં મયંક બારણા પાસે આવ્યો અને વિશાલના ગાલ પર એક જોરદાર તમાચો જડી દીધો, 'સટાક..!' પણ એ તમાચાનો અવાજ રમા સિવાય કોઈને ના સંભળાયો! રમા વિશાલનો હાથ પકડીને ઘરમાં જતી રહી.
મયંકના ઘરમાં પાંચ વર્ષથી દર ચોમાસે આ દ્રષ્ય ભજવાય છે. દર ચોમાસે મયંક હવામાં તમાચો મારે અને પાંચ વર્ષ પહેલા નદીના પૂરમાં હોમાઈ ગયેલો રમાનો અદ્રશ્ય વિશાલ જાણે માની જાય છે અને ઘરમાં પાછો આવી જાય છે!
આજે સાંજે અચાનક મંદિર તરફ જઈ ચડ્યો. ત્યાં એક પુજારીજીના પ્રવચનના પવિત્ર શબ્દો મારા કાન પર અથડાયા,
"બધા લોકો પર ભગવાનની નજર છે, ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે."
થોડીવાર પછી આસપાસ નજર દોડાવી તો એક થાંભલા પર લટકેલા પાટીયાએ મારું ધ્યાન ખેંચ્યું. એમાં લખ્યું હતું,
"તમે સીસીટીવીની નજરમાં છો."