One unique biodata - 1 - 5 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૫

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૫



એ દિવસે માનુજે મેસેજ કરું કે નહીં એ વિચારવામાં જ ૧૧:૧૫ વગાળ્યા હતા.આગળના બે દિવસ પણ આ જ વિચારવામાં કાઢી નાખે છે.બે દિવસ પછી રાત્રે ૯ વાગે બધા જ વિચારોને બાજુમાં મૂકી માનુજ નિત્યાને મેસેજ કરે છે.નિત્યા કોલેજનું કઈક કામ કરતી હોય છે એટલે એના મોબાઈલનું નેટ ઓફ હોય છે તો એને માનુજના મેસેજની જાણ થતી નથી.૧૦ વાગે નિત્યા એનું કામ પતાવીને રૂમની લાઈટ ઓફ કરીને મોબાઈલમાં નેટ ઓન કરે છે ત્યાં જ માનુજના મેસેજની નોટિફિકેશન જોઈને એને રીપ્લાય કરતા લખે છે,"હેલો"

માનુજ નિત્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હોય છે એટલે એ તરત જ સામે મેસેજ કરે છે,"હું માનુજ"

"હા,મને ખબર છે.દેવ સાથે વાત થઈ હતી કે તમારો મેસેજ આવશે એટલે મેં પહેલેથી જ નંબર સેવ કરી લીધો હતો"નિત્યા બોલી.

"ઓહ,બરાબર"માનુજ એ કહ્યું.

"મેસેજ કરું કે નહીં એ વિચારવામાં તમે બે દિવસ કર્યા,તો તમે તમારા મનની વાત કરતા કેટલા દિવસ લગાવશો?"નિત્યા એ કહ્યું.

"ના,એવું કંઈ નથી"

"તો કેવું છે?"

"મને થયું કે તમે શું વિચારશો.અને એમ પણ હજી આપણે એક-બીજાને સરખું ઓળખતા પણ નથી એટલે ઓકવર્ડ લાગે"

"જ્યારે તમે જ એમ વિચારશો કે હું શું વિચારીશ, તો પછી હું શું વિચારીશ.મને કઈક વિચારવાનો મોકો તો આપો.ડોન્ટ વરી હું કોઈના વિચારો જાણીને જંજમેન્ટ પાસ કરવાવાળી છોકરી નથી.કોઈના વિચારોને સમજવાવાળી છોકરી છું.તમે તમારી વાત કોઈ પણ જીજક વગર કહી શકો છો"

"હા,મને દેવ એ કહ્યું જ હતું કે કોઈ પણ જીજક વગર નિત્યા સાથે તારી મુંજવણ શેર કરી શકે છે"

"શું આપણે કોલમાં વાત કરી શકીએ કારણકે મેસેજ કરવામાં મને અને તમને બંનેને કંટાળો આવશે"નિત્યા એ સીધું જ પૂછી લીધું.

"ઓકે,હું કોલ કરું"એમ કહીને માનુજ નિત્યાને ફોન કરે છે.

ફોન ઉપાડતા જ નિત્યા બોલે છે,"હા,બોલો શું મુંજવણ છે તમને"

"બસ દેવ એ કહ્યું તું એ જ કે મારે હાલ લગ્ન નથી કરવા અને મારા ઘરમાં હમણાં થોડા સમયથી આ સિવાય બીજી કોઈ વાત થતી નથી"આ બોલતા બોલતા માનુજ ને ડૂમો ભરાઈ ગયો.

"તમારા મમ્મી-પપ્પા ખોટા નથી.એ એમની જગ્યાએ સાચા જ છે.એમને તમારી ચિંતા છે.અને આ ઉંમરે તો આવા બધા મુદ્દા પર ઘરમા વાત થતી જ હોય છે.આ મારા-તમારા બધાના ઘરનો પ્રશ્ન છે"નિત્યાએ સ્વભાવિકતાથી કહ્યું.

"હા,તમે સાચું કહ્યું પણ........."

"મને ખબર છે તમારી એક્ચ્યુઅલ પ્રોબ્લેમ શું છે"

"શું?"માનુજને સમજ ના પડતા પૂછ્યું.

"તમને જવાબદારીનો ડર લાગે છે,કદાચ હું ખોટી ના હોઉં તો"

"હા,તમે સાચા છો,પણ પુરા નહીં"

"મતલબ"

"ડર તો નહીં પણ મને લાગે છે કે હું પૂરતો સમર્થ નથી હજી કોઈ નવી જવાબદારી લેવા માટે"

"ઘણી વાર આપણને ખુદને ખબર નથી હોતી કે આપણે શું કરવા માટે સમર્થ છીએ.સમય અને નવા અનુભવો જ સમજાવે છે કે આપણે શું કરી શકીએ છીએ.અને રહી વાત લગ્ન પછીની જવાબદારીની તો એમાં તો જવાબદારી વધતી નથી,વહેંચાઈ જાય છે.હું સમજું છું તમારી મુંજવણ.તમે છોકરાઓ એક બાબતમાં લકી છો કે તમારે તમારા ઘરે રહીને આ નવી જવાબદારીઓ નિભાવવાની છે અને અમારે છોકરીઓને તો નવા ઘરમાં,નવા વાતાવરણમાં, નવા લોકો સાથે અને નવા અનુભવો સાથે જવાબદારી નિભાવવાની હોય છે."નિત્યા એ આખી વાત સરળ ભાષામાં સમજાવી અને છેલ્લે હસતા હસતા ઉમેર્યું,"જો અમે આવી મુંજવણ સંબંધ જોડતા પહેલા જ મનમાં લઈને ફરીએ તો અમારે તો રોજ ઊંઘ આવવા માટેની મેડિસિન લઈને સૂવું પડે.આવા વિચારો કરતા રહીએ તો રાત્રે ઊંઘી પણ ના શકીએ"

"હા,સાચું જ કહો છો તમે"માનુજ પુરી વાત શાંતિથી સાંભળ્યા પછી બસ આટલું જ બોલી શક્યો.

"તમે ભવિષ્યનું ના વિચારો.આજમાં જીવો.તમારા મમ્મી કોઈ છોકરી સજેસ્ટ કરે તો એને મળો.વાત-ચિત કરતા થોડું ઘણું સારું લાગે તો વાત આગળ વધારવાની નઈ તો ના પાડી દેવાની.તમારા મમ્મી પણ તમારા લગ્ન કઈ જબરદસ્તીથી કોઈના પણ જોડે ના કરાવી દે.અને રહી વાત એમની ઉતાવળ કરવાની તો એ એમની જગ્યાએ ચોક્કસ સાચા છે કેમ કે એ સમજે છે કે અમુક વસ્તુ અમુક સમયે થઈ જાય તો જ સારું રહે,અને આમ પણ આવી બધી સંબંધની વાતોમાં અને જોવામાં બે વર્ષ તો નીકળી જ જાય છે ત્યાં સુધી તમારા મન અને તમારા વિચારોને મિત્ર બનવાનો આદેશ આપી દો.બોલો હવે તમારું શુ કહેવું છે?"નિત્યા એ છેલ્લે પૂછ્યું.

"શેના પર?"માનુજનો ખબર ના પડી નિત્યા શેના વિશે પૂછી રહી હતી,કેમ કે એતો નિત્યા એ જે કહ્યું એ પછી એના જ વિચારોમાં ગુમ થઈ ગયો હતો.

"લો બોલો,આટલું મોટું ભાષણ આપ્યું ને પૂછે છે શેના પર"નિત્યા માથા પર હાથ મુકતા ધીમેથી બોલી પણ માનુજને સંભળાઈ ગયું હતું.

"અચ્છા એના પર"

"હા,તો તમને શું લાગ્યું"

"કઈ જ નહીં,હું બસ તમને એક જ શબ્દ કહેવા માગું છું થેંક્યું સો મચ"

"આતો શબ્દ નહીં, વાક્ય થયું"નિત્યા મજાક કરતા બોલી.

"હા,ટીચર જી હા"માનુજ પણ સામે હસતા હસતા બોલ્યો.

"અરે હજી તમારા લગ્ન નક્કી થાય,હું કોંગ્રેચ્યુલેસન્સ કહું પછી થેંક્યું કહેજો"નિત્યાને ખબર પડી ગઈ કે એના આપેલા ભાષણની અસર માનુજ પર થઇ હતી એટલે મજાક કરતા કહ્યું.

"ખરેખર દેવ એ સાચું જ કહ્યું હતું"માનુજ બોલ્યો.

"શું કહ્યું હતું એને"નિત્યાને સમજ ન પડતા પૂછ્યું.

"તમે ખરેખર ફાયરબ્રિગેડ જેવા છો.મારા વિચારોમાં લાગેલી આગને બુઝવી દીધી છે તમે.હવે મને શાંતિથી ઊંઘ આવશે.એના માટે હું તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે"માનુજ એ કહ્યું.

માનુજના અવાજમાં જે ગંભીરતા ફોન કર્યો એની શરૂઆતમાં હતી એની જગ્યાએ અત્યારે એક દમ શાંતિ હતી.

"અરે,કઈ વાંધો નહીં. આગળ જતાં પણ તમને કઈ પણ મદદની જરૂર હોય તો તમે મને બેજીજક કહી શકો છો"નિત્યા એ કહ્યું.

"તો હું તમને દોસ્ત સમજી શકું,જો તમને વાંધો ના હોય તો"

"અરે કેમ નહિ,પણ મારી એક શરત છે"

"શું?"

"તમારે મને આ તમે નહિ તું કહેવું પડશે"

"હા ચોક્કસ અને તમારે પણ"

"ફરી તમારે"

"સોરી તારે પણ બસ?"

"હા,ચલો ગુડ નાઈટ,જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી ક્રિષ્ના"

નિત્યા ફોન મૂકીને સુઈ જાય છે પણ માનુજ ફોન મૂકીને નિત્યા એ જે સમજાવ્યું એ વિચારોમાં ખોવાઈ જાય છે.એ વિચારે છે કે કોઈ આટલું સરળ અને સ્વાભાવિક કઈ રીતે હોય શકે.હું એને સરખું ઓળખતો પણ નથી છતાં એને જે સમજાવ્યું એ પછી મનમાં એક અજીબ શાંતિ થઈ છે.બસ આમ જ વિચારતા વિચારતા એ સુઈ જાય છે.

આગળના દિવસે નિત્યા અને દેવ કોલેજ પતાવીને ૫:૩૦ વાગે બીજા સ્ટાફ સાથે જ ઘરે જવા નીકળતા હોય છે.દેવ બધાની સાથે નિત્યાને બાય કહીને જલ્દી જલ્દી નીકળી જાય છે.નિત્યાને બીજા એક સ્ટાફના કૃપાલીબેનને લઈને જવાનું હોય છે એટલે એ એમની રાહ જોઇને પાર્કિંગમાં ઉભી હોય છે.કૃપાલિબેન આવતા એ બંને વાત કરતા કરતા નીકળે છે એટલામાં નિત્યા અચાનક વાત કરતા કરતા ચૂપ થઈ જાય છે.એ ખબર નઈ કયા વિચારોમાં ખોવાઈ જાય છે જેથી એને કૃપાલીબેન બોલતા હોય છે એમનો અવાજ પણ ખૂબ ઉંડો ઉંડો સંભળાવા લાગે છે.

નિત્યાને અચાનક શું થયું હશે?