૨૦૨૦, ૨૭ ડિસેમ્બર, સવારના ૦૯:૩૦ કલાકે
૨૧ જાન્યુઆરીથી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન સોનલ અને તેની ટુકડી, તેમજ રેડ સંસ્થાએ ભાવિન, હાર્દિક, દિપલ, રોહન અને કુલવંતના મૃતદેહ જમીનની અંદર જ્યાં દટાયેલા હતા ત્યાંથી શોધી કાઢ્યા હતા. ડીએનએ પૃથ્થકરણથી પ્રત્યેકના મૃતદેહની ખરાઇ પણ કરવામાં આવેલી. સમીરા, રવિ અને દિપલની માતાના વૃતાંતને આધારે સોનલ રાજપૂત વિરૂદ્ધમાં એક મજબૂત કેસ બનાવવાની હતી.
અમદાવાદની પ્રજા સમક્ષ તેમજ વિશ્વ કક્ષાએ અમેરીકાના રાષ્ટ્રપતિની મુલાકાતના સ્થળે બનેલી ઘટનાઓ વખોડવામાં આવેલી. જેના કારણે સોનલની પોલીસની નોકરી તાત્કાલીક અસરથી સમાપ્ત કરવામાં આવેલી. સોનલે સુજલામનો ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો. હવે તે ગોતામાં આવેલ સત્યમેવ જયતેમાં ચોથા માળે ભાડેથી રહેતી હતી. ચિરાગનો પ્રસ્તાવ સ્વીકારી તેણે રેડમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.
સોનલ રેડ-ખાનગી જાસૂસી સંસ્થાના કાર્યાલયમાં બેઠી હતી. ચિરાગ તેની સામે જ હતો. મેઘાવી સી.જી.રોડના પોલીસ સ્ટેશનમાં, વિશાલની સાથે હતી. બિપીન હવે મેઘાવીની સ્કોર્પીઓનો ડ્રાઇવર હતો. રમીલાએ રાજીનામું આપી દીધેલું. જય રેડના કાર્યાલયમાં બીજા માળે કોમ્પ્યુટર વિભાગમાં હતો. જસવંતનો હજુ કોઇ પત્તો મળ્યો નહોતો. જસવંત હાથમાં આવી નીકળી ગયો હતો. રાજપૂત ઘવાયેલો.
રાજપૂતનો કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો અને પૂરાવાઓના આધારે તેને આજીવન કારાવાસની સજા થઇ હતી. આ દરમ્યાન જ મેઘાવીનું પ્રમોશન થયું. મેઘાવી અને સોનલ હજુ પણ પહેલાં જેવા જ મિત્રો હતા. મેઘાવીના મનમાંથી જસવંત બાબતના વિચારો નીકળવાનું નામ જ નહોતા લેતા. સોનલ પણ ચૂપચાપ રહેતી હતી, અને હંમેશા વિચારોમાં ખોવાયેલી રહેતી.
સોનલના વિચારોમાં ચિરાગે ચપટી વગાડી ખલેલ પહોંચાડી, અને તેને દરવાજા તરફ નજર કરવા જણાવ્યું. સોનલે દ્વાર તરફ જોયું. કાચની બીજી તરફ સફેદ શર્ટ અને આછા વાદળી રંગનું ડેનીમ ધારણ કરેલ વ્યક્તિ, કે જેની બગલમાં કાળા રંગનું પાકીટ દબાવેલું હતું. તે વ્યક્તિએ દરવાજો ખોલ્યો. સોનલ તેની જગા પરથી ઉઠી, સામે જસવંત હતો. એકદમ સ્વસ્થ, પહેલાં જેવા જ હસતા ચહેરા સાથે, અને હાથમાં એક સમોસું હતું. સોનલ પણ તેની સામે જોઇને મલકાઇ. કેમ ગોળી જસવંતની આરપાર કરવાને બદલે સોનલે તેના પગમાં એવી જગાએ મારી કે જેથી જસવંત ત્રણ જ મહિનામાં સ્વસ્થ થઇ શકે? કેમ સોનલે રાજપૂતને સ્ટેડિયમના દ્વાર પાસે આવેલ ટાંકી પર ચડવા દીધો? કેમ તે રાજપૂતની ગાડીથી દૂર ગઇ?
જસવંત જાણતો હતો કે હવે સોનલ પોલીસમાં નહોતી, રેડની એક જાસૂસ હતી. તેની પાસે જસવંતને પકડવા માટે કોઇ સત્તા નહોતી.
એટલામાં જ મેઘાવીનો ફોન આવ્યો, ‘સોનલ, આજનું પેપર જોયું...’
‘કેમ?’
‘આજના પેપરમાં સમીરા અને રવિ જે શોધની વાત કરતા હતા તે છે. દિવ્ય ભાસ્કર વર્તમાનપત્ર વાંચ’, મેઘાવીએ પૂરી વાત જણાવી.
‘સારૂ.’
સોનલે ટીપોઇ પર પડેલ દિવ્ય ભાસ્કર ઉપાડ્યું. સમાચાર હતા કે રાજસ્થાનના ખંડેલામાં રોયલ-સુહાગપુરા વિસ્તારમાં ૧૦ હજાર ટન યુરેનિયમનો ભંડાર મળી આવ્યો હતો. તેનાથી ૪૦ વર્ષ સુધી વિજળી મેળવી શકાય તેમ હતું. ૩ હજાર લોકોને રોજગારી મળવાની હતી. આ શોધ બાબતની જાણ જસવંતે જ વર્તમાનપત્રવાળાઓને કરી હતી. નહિ કે સરકારને. વિશ્વ સામે રોહન અને ભાવિનનું સપનું સાકાર કર્યું હતું. જ્યારે સોનલને ખબર પડેલી કે જસવંતનો મુખ્ય ઉદ્દેશ બે યુવાનોના સપનાને લગતો હતો અને પોલીસમાં રહીને તે જસવંતને મદદ કરી શકે તેમ નહોતું. આથી જ તેણે જસવંતને માત્ર ઘાયલ કર્યો, માર્યો નહીં. બીજું કારણ હતું અમી માધુ. સોનલની બહેન કે જે વિદેશમાં અભ્યાસ કરતી હતી, અને રોહન જેની સાથે લગ્ન કરવા માંગતો હતો, તે અમી જ હતી. સોનલની બહેન જ હતી.
રેડ-સંસ્થાનો ફોન રણક્યો. સોનલે ઉપાડ્યો. તેણે જણાવ્યું કે રાજકોટથી ફોન હતો. એક હાઇ-પ્રોફાઇલ મર્ડર કેસ... તપાસ કરવા માટે રેડ સંસ્થા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. સોનલે કેસ માટે હામી ભરી દીધી હતી.
સોનલે ચિરાગ સામે જોયું. ત્રણેય જણાંએ એકબીજા સામે જોયું અને હસવા લાગ્યા.
**સમાપ્ત**