મિમી
- રાકેશ ઠક્કર
કૃતિ સેનનની સરોગેટ મધરના વિષય પરની 'મિમી' ની OTT પર 'પ્રિમેચ્યોર ડિલિવરી' થઇ ગઇ એ બાબત ફિલ્મના પ્રચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી ન હતી. અસલમાં 'મિમિ' ઓનલાઇન લીક થઇ જતાં તેને ચાર દિવસ વહેલી રજૂ કરી દેવામાં આવી હતી. સલમાનની 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' પછી 'મિમિ' ની પાયરેસીએ નિર્માતાઓની ચિંતા વધારી જ છે. 'મિમી' વધારે પડતી ફિલ્મી હોવા છતાં એક નવો પ્રયોગ હોવાથી તેને સમીક્ષકોએ વધારે આવકારી છે. બાકી 'મિમી' માં કમી તો અનેક છે. એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેણે ફિલ્મ જોવી છે એણે ટ્રેલર જોવાની ભૂલ કરવી નહીં. ટ્રેલરમાં જ મોટાભાગની વાર્તા આવી ગઇ છે. ફિલ્મનો ઇન્ટરવલ સુધીનો ભાગ સારો લાગે છે. એ પછી વાર્તા ધીમી પડી જાય છે. સરોગસી પર સારો સંદેશ આપતી હોવા છતાં એમાં વધુ ઇમોશનની જરૂર હતી. દસ વર્ષ પહેલાં મરાઠીમાં રજૂ થયેલી ફિલ્મ 'મલા આઇ વ્હાયચ' (મારે મા બનવું છે) ની આ રીમેક ફિલ્મમાં તેના વિષય પર ગંભીરતાથી વાત કરવામાં આવી નથી. સરોગેસીની વાર્તાને કાનૂની અને તકનીકી વાતોથી દૂર રાખી છે.
ફિલ્મની વાર્તા અમેરિકાથી આવેલા એક દંપતિ સાથે શરૂ થાય છે. તેમના ડ્રાઇવર ભાનુ (પંકજ ત્રિપાઠી) ને ખબર પડે છે કે તેઓ પોતાના બાળક માટે એક સરોગેટ મધરની શોધ ચલાવી રહ્યા છે ત્યારે એમને એક ડાન્સર મિમી(કૃતિ સેનન) મળે છે. મિમી પોતાનું બૉલિવુડ જવાનું સપનું સાકાર કરવા સરોગેટ મધર બનવા તૈયાર થાય છે. પરંતુ અમેરિકી દંપતિને ખબર પડે છે કે તેમનું બાળક બીમારીથી પીડિત છે ત્યારે મિમીના પેટમાં બાળક મૂકીને જતું રહે છે. એ પછી મિમી કેવી રીતે બાળકને જન્મ આપે છે અને તેના ઉછેર માટે કેવો સંઘર્ષ કરે છે તેની વાર્તા છે. 'લુકા છિપી' જેવી કોમેડી ફિલ્મ પછી નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની 'મિમી' ના પ્રચારમાં એમ કહેવામાં આવ્યું હતું કે એક કોમેડી ડ્રામા છે. પરંતુ અસલમાં ઇમોશનલ ડ્રામા બનાવવાનો પ્રયત્ન હતો. જોકે, બંનેમાંથી એકપણ ઉપર એ બની શકી નથી. નિર્દેશક વિષયને બરાબર ન્યાય આપી શક્યા નથી. આખી ફિલ્મ કૃતિ પર કેન્દ્રિત છે. તેણે પોતાની અભિનેત્રી તરીકેની જવાબદારી વધારી દીધી છે. હવે પછીની ફિલ્મોમાં પણ દર્શકો તેની પાસે વધુ અપેક્ષા રાખશે. નબળો સ્ક્રિનપ્લે હોવા છતાં તે પોતાની ભૂમિકામાં ખરી ઉતરી છે. મા બનતાં પહેલાંની અને મા બન્યા પછીની બંને ભૂમિકાને સહજ રીતે ભજવી છે. આ ભૂમિકા માટે ૧૫ કિલો વજન વધાર્યા પછી પણ રાજસ્થાની લુકમાં તે સુંદર દેખાય છે. કૃતિએ વજન વધારવાનું હોવાથી એવોર્ડ સમારંભોની ડાન્સ માટે આવેલી ઓફરો ઠુકરાવી હતી. તેનું માનવું હતું કે ડાન્સ માટે વધારે સમય આપવાથી વજન ઘટે એમ હતું. તેણે પોતાના સંવાદની શૈલી પર વધારે મહેનત કરવાની જરૂર હતી. આજના કલાકારો ભૂમિકાને અનુરૂપ શરીરનું વજન વધારવા- ઘટાડવા માટે જેટલી મહેનત કરે છે એટલી સંવાદના ઉચ્ચાર માટે કરતા નથી એ કમી કૃતિની ફિલ્મમાં પણ છે. કૃતિની કેન્દ્રિય ભૂમિકા હોવા છતાં પંકજ ત્રિપાઠીને વધુ તક મળી છે. એમ લાગે છે કે નિર્દેશકને કૃતિ કરતાં પંકજ પર વધારે ભરોસો હતો. આવી ભૂમિકામાં તે વધારે પ્રામાણિક્તાથી કામ કરીને જામે છે. તેના કોમેડી ટાઇમિંગનો જવાબ નથી. કૃતિ સાથે તે અગાઉ બે ફિલ્મો કરી ચૂક્યો હોવાથી કેમેસ્ટ્રી સારી રહી છે. એક વાત નોંધવી પડશે કે પંકજનો અભિનય સારો હોય છે પણ ભૂમિકાઓમાં હવે વૈવિધ્ય જોવા મળતું નથી. સહાયક કલાકારો સંઇ તમ્હણકર, સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા વગેરે પણ પ્રભાવિત કરી જાય છે. OTT પર આવતી ફિલ્મોના સંગીતની ખાસ ચર્ચા થતી નથી. પરંતુ 'મિમી' માં એ.આર. રહેમાનનું સંગીત હોવાથી તેના ગીતોમાં દમ છે. અમિતાભ ભટ્ટાચાર્યના ગીત પર શ્રેયા ઘોષાલે અવાજનો કમાલ કર્યો એ 'પરમ સુંદરી' ગીત પર કૃતિએ ઘણી મહેનત કરી છે. ગણેશ આચાર્યના નિર્દેશનમાં ગીત કરતી વખતે જ કૃતિએ કહ્યું હતું કે આ મોટું ગીત સાબિત થશે. યુટ્યુબ ઉપર આ ધમાકેદાર ગીતના ૬૦ મિલિયન્સ વ્યુઝ તેનો પુરાવો છે. રહેમાનના સંગીતને કારણે રિહાઇ દે, હુતુતુ, છોટી સી ચિરૈયા વગેરે પણ સારા બન્યા છે.