સાંભળો છો ઘરમાં સાકર નથી નાકા ની દુકાને થી અબઘડી લેતા આવો શાંતિ બૂમ પાડતા બોલી.
નામ તો એનું શાંતિ પણ ક્યારેય શાંત રહેતા ના આવડે શાંતિ સાથે એને ૩૬ નો આંકડો.
બહાર ના રૂમ માંથી નીરવ બોલ્યો ઓફિસ નું કામ ચાલૂ છે અડધો કલાક પછી લઈ આવું.
નીરવ ના લગ્ન શાંતી સાથે થયા એ દિવસ પછી એની જીંદગી ની શાંતિ એવી ગાયબ થઈ ગઈ જાણે ગધેડા ને માથે થી શિંગડા ગાયબ થઈ ગયા.
આમ તો એમના એરેન્જ મેરેજ હતા, એક બે મુલાકાત માં વધુ ખબર ન પડે એ હિસાબે નીરવ ભરાઈ ગયો અને હવે નિભાવે જ છુટકો વિચારી શાંતિ સાથે મગજમારી ન કરતો એના ફળ સ્વરૂપે એને હવે વધુ ને વધુ સહન કરવું પડતુ.
બે વર્ષ પહેલા લગ્ન થયા એના થોડા દિવસ માં શાંતિ નો સાચો સ્વભાવ ધીરે ધીરે ડોકિયા કરતો બહાર આવવા લાગ્યો અને છ મહિના માં તો પૂર્ણપણે બહાર આવી આખા ઘરમાં અશાંતિ ફેલાવવા લાગ્યો, એનું પરિણામ એ આવ્યુ કે એમને સ્વતંત્ર રહેવા જવું પડ્યુ.
નીરવ ના પપ્પા જમનાદાસ પૈસે ટકે સુખી હતા એટલે પહેલે થી જ દૂરંદેશી વાપરી એક રો હાઉસ લઈ રાખ્યો હતો, ગ્રાઉન્ડ પ્લસ વન ની જગ્યા બે જણ માટે વધુ હતી એમાં શિફ્ટ થયા ઊપર ની જગ્યા ખાલી જ રહેતી.
નવી જગ્યા માં ઠરીઠામ થાય એ પહેલા જ લોકડાઉન આવી પડ્યુ અને નીરવ ને વર્ક ફ્રોમ ની જવાબદારી આવી, પહેલા તો એ ખુશ થયો નવા નવા લગ્ન હતા અને આખો દિવસ ઘરમાં રહેવાનું અને શાંતિ સાથે એકાંત માણવાનો ગોલ્ડન ચાન્સ નજર સામે આવતો પણ શાંતિ ના સ્વભાવ થી ડરતો અને વિચારતો એકલા છીએ એટલે એ વધુ કકળાટ નહીં કરે અને હું લાંબો સમય હનીમૂન મનાવી શકીશ.
અને થયુ પણ એવુ જ બન્ને એકલા એટલે કોઈની રોકટોક નહીં એ હીસાબે એમના ગાડી ની સ્પીડ લોકલ માંથી રાજધાની ની સ્પીડ માં આવી ગઈ.
પણ આવુ કેટલા દિવસ ચાલે ?
થોડા દિવસ માં બધો આવેગ ઊતરતા શાંતી નો મૂળ સ્વભાવ કરંડીયા માંથી સાપ નીકળે એમ ફૂંફાડા મારવા માંડ્યો.
નાની નાની વાત મોટા સ્વરૂપ લેવા લાગી દરેક કામ માં એ નીરવ નો દોષ જોવા લાગી, આ રૂમ કેટલો અસ્તવ્યસ્ત પડ્યો છે જરા સરખો કરી દે, નીરવ ઓફિસ નું કામ કરતો હોય અને શાંતિ ની ફરમાઈસ આવતી જરા આ લઈ આવો, જરા તે લઈ આવો ઘણી વખત તો નીરવ એક વસ્તુ લાવી ને પાછો આવતો અને બારોબાર બીજી વસ્તુ માટે પાછુ દોડવું પડતું.
એક તો લોકડાઉન એટલે વસ્તુ મેળવવી એ અર્જુન ના સાત કોઠા ભેદવા જેવું હતું એમાં નીરવ એવો અટવાઈ ગયો કે એને થતુ આ કરતા તો ઓફિસ ચાલૂ થાય તો સારૂં, અને એકાંત માણવાની મજા બાષ્પીભવન થઈ હવામાં ઉડવા લાગી.
એવામાં ન બનવાનું બની ગયું, નીરવ ને નોકરી પર થી છુટ્ટો કરવામાં આવ્યો હવે તો ઘર ચલાવવા માં પણ ફાંફા પડવા લાગ્યા એટલે બન્ને જણે નક્કી કર્યુ કે ઉપર નો રૂમ જે ખાલી પડ્યો છે એ ભાડે આપી દેવું.
લોકડાઉન હતુ એટલે ભાડૂઆત મળવુ પણ મુશ્કેલ હતું પણ નસીબજોગે એક નવપરણીત દંપતી દિપક અને દિપીકા ને અચાનક અડચણ આવતા ઘર ભાડે જોઈતું હતું અને ખબર પડતા એ નીરવ ના ઘરે આવ્યા અને ઉપર ની રૂમ જોઈ અને એ ગમી જતા તરત જ ભાડુ નક્કી કરી બે દિવસ માં રહેવા આવી ગયા.
ભાડૂઆત દંપતી હમઉમ્ર હતા એટલે ચાર દિવસ માંજ સારી એવી ઓળખાણ થઈ ગઈ અને વાટકી વ્યવહાર ચાલૂ થઈ ગયો અને શાંતિ અને દિપીકા ખાસ બહેનપણી બની ગઈ.
દિપક પણ વર્ક ફ્રોમ હોમ કરતો અને દિપીકા ઘર સંભાળતી.
એક દિવસ બપોરે જમીને શાંતિ પડખા ભેર થઈ ત્યાંજ ઉપરના રૂમ માંથી જોરથી વાસણ પડવાનો અવાજ આવ્યો અને જોરથી બોલાચાલી થવા લાગી, શાંતિ દોડીને ઉપર ગઈ અને જોયુ તો દિપીકા જમીન પર પડી હતી આજુબાજુ માં જમવાની થાળી વેરવિખેર પડી હતી અને દિપક ન બોલવાના શબ્દો બોલી દિપીકા ને ધમકાવતો હતો.
આ જોઈ શાંતિ બોલી દિપક ભાઈ આ શું માંડ્યુ છે તમને શરમ નથી આવતી દિપીકા ને આવુ બોલતા.
દિપક ગુસ્સા માં હતો અને એ ગુસ્સાની તોપનું નાળચું શાંતિ તરફ ફર્યુ અને બોલ્યો તમે તમારા ભાડાથી મતલબ રાખો અમારી વચ્ચે પડવાની કોશિષ ન કરતા.
સાંભળી શાંતિ તો રાતીપીળી થઈ ગઈ પણ વધુ બોલચાલ થાય તો ભાડૂ બંધ થઈ જાય તો પોતાને જ તકલીફ પડશે વિચારી સમસમી ને ચુપચાપ નીચે ઉતરી ગઈ અને નીરવ ને બધી વાત કરી, નીરવ બોલ્યો એ લોકો ગમેતેમ કરે આપણે શું લેવાદેવા બોલી લેપટોપ પર બીજી નોકરી ગોતવામાં પડી ગયો.
બીજા દિવસે દિપીકા શાકભાજી લેવા નીચે ઉતરી અને એની સાથે શાંતિ પણ પહેલીવાર ખરીદી કરવાને બહાને નીકળી, એને લાગ્યુ કંઈક નવું જાણવા મળશે પણ દિપીકા નો સામાન્ય વ્યવહાર જોઈ શાંતિ બોલી અરે તારા હસબન્ડે કાલે તારી સાથે કેવો વ્યવહાર કર્યો અને આજે તું એકદમ ફ્રેશ છે ?
દિપીકા બોલી અરે બહેન આ તો રોજનું છે કાલે જરા વધારે અવાજ થયો એટલે તમને ખબર પડી પણ દિપક નો ગુસ્સો તો નાક પર જ હોય અને દિવસ માં દશ વાર મારી સાથે ઝગડે અને ક્યારેક તો મારપીટ પણ કરી લે, હવે તો મને ટેવ પડી ગઈ છે બોલી શાક ખરીદી ઉપર ચડી ગઈ.
શાંતી અવાચક થઈને જોતી જ રહી ગઈ અને અજાણપણે મનના ખુણે દિપક અને નીરવ ની સરખામણી થઈ ગઈ.
બે-ચાર દિવસ પછી શાંતિ સાંજે કઢી બનાવવાની તૈયારી કરતી હતી ત્યારે ખબર પડી કે ઘરમાં બેશન જ નથી અને લોકડાઉન ને હિસાબે દુકાનો પણ જલ્દી બંધ થઈ જતી એટલે વાટકો લઈ દિપીકા પાસે જવા લાગી અને દાદરા પર હતી ને અંદર થી દિપક ના બરાડા સંભળાયા એક મિનિટ માટે તો એને વિચાર આવ્યો પાછી વળી જાઉં પણ બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને બેશન વગર ચાલે એવું ન્હોતુ એટલે ડરતી ડરતી અંદર દાખલ થઈ જોયુ તો દિપીકા ગીત ગણગણતી ડાઈનીંગ ટેબલ સાફ કરી રહી હતી, શાંતિ એ આશ્ચર્ય થઈ પુછ્યુ હમણાં શું થયું હતું ?
દાદરા પર થી તો ઝગડા નો અવાજ આવતો હતો.
દિપીકા હસતા હસતા બોલી બેન દિપક નું એવું જ છે, કામ કરતો હોય ત્યારે પાણી નો ગ્લાસ હાથમાં જોઈએ, દિવસ માં બે વાર ન્હાવા જાય ત્યારે એને બધુ હાથવગું જોઈએ આજ હું ટોવેલ આપવાનું ભૂલી ગઈ એટલે એ બૂમાબૂમ કરતો હતો.
શાંતિ બેશન લઈ નીચે ઉતરી અને કઢી બનાવવા લાગી અને એની નજર સામે થોડા દિવસ પહેલા બનેલો બનાવ તરવરવા લાગ્યો.
એ દિવસે એણે નીરવ ને ખરીદી માટે બે ધક્કા ખવડાવ્યા હતા એટલે પાછો આવ્યો ત્યારે પરસેવે રેબઝેબ હતો અને ઘાઈ ઘાઈ માં સીધો બાથરૂમ માં ઘૂસી ગયો અને નહાયા પછી ટોવેલ માટે શાંતિ ને બૂમ પાડી ત્યારે પોતે આખુ ઘર માથે લીધુ હતુ કે કોઈ કામ ઠીક થી નથી થતું એક ટોવેલ લઈ ને નથી જઈ શકતા.
અને આવાજ પ્રસંગ ને દિપીકા એ કેટલો હળવાશ માં લીધો, એના વરને બધુ હાથમાં આપવા છતા એનો વર એના પર દાદાગીરી કરતો અને નીરવ મને બધુ કરી આપે છે આટલો સાથ સહકાર આપે છે અને હું એમની પર કટકટ કર્યા રાખુ છું છતાં એણે ક્યારેય ઉંચે અવાજે વાત નથી કરી.
બસ આ વિચારતા વિચારતા શાંતિ ને બ્રહ્મ જ્ઞાન થયુ કે જે મજા ચલાવી લેવામાં છે એ મજા કટકટ કરવા માં નથી અને ધીરે ધીરે એના વર્તન માં સુધારો કરતી ગઈ, નીરવ ને પણ શાંતિ નું આટલું જલ્દી પરીવર્તન જોઇને નવાઈ લાગી અને હવે હકીકત માં બન્ને નું સાચુ હનીમૂન ચાલૂ થયું.
એવામાં અચાનક ખુશખબર આવ્યા કે નીરવ ને પાછો એજ કંપની માં નોકરી જોઈન્ટ કરવા લેટર આવ્યો હતો, શાંતિ દોડતી ઉપર ગઈ અને દિપીકા ને ખુશખબર આપવા લાગી પણ દિપીકા ને ઉદાસ જોઈ અચકાઈ ગઈ, હંમેશા ખુશ રહેતી દિપીકા ઉદાસ કેમ ?
એણે તરત પૂછ્યુ શું થયુ દિપીકા ?
દિપકે પાછો ઝઘડો કર્યો કે ?
દિપીકા બોલી ના બેન, એમનું તો હું કાંઈ મનપર લેતી નથી પણ એ એમના પપ્પા સાથે ઝગડી ને આવ્યા હતા, આજે એમની સાથે સમાધાન થઇ ગયું અને અમે આ રૂમ ખાલી કરવાના છીએ.
સાંભળી શાંતિ રડવા જેવી થઈ ગઈ જે સખીએ એને જીવતા શીખવાડ્યુ એજ એને છોડીને ચાલી જવાની
અને દોડીને નીચે આવી હીબકા ભરતી નીરવ ને લપેટાઈ ગઈ.
નીરવે બધી વાત સાંભળી બોલ્યો એ લોકો પોતાના ઘરે જતા હોય તો ખુશ થવાનું, અને આપણે એકબીજા ના ઘરે આવજા કરતા રહેશું બોલી શાંતિ ને શાંત પાડી.
શાંતિ બોલી તો આપણે પણ મમ્મી પપ્પા સાથે રહેવા જઇશું મારે આમ એકલા નથી રહેવું.
સાંભળી નીરવ ને તો લાગ્યુ કે સ્વર્ગ ધરતી પર ઊતરી આવ્યો છે.
બીજા દિવસે દિપક દિપીકા ભારી હૈયે ઘર ખાલી કરી ફરી આવશું ના વાયદા સાથે સ્વગૃહ રવાના થયા.
નીરવ-શાંતિ પણ ઘર સમેટી મોટા ઘરે પાછા ફર્યા.
થોડા સમય પછી લોકડાઉન ખુલ્યુ અને નીરવ ઓફિસ માં ગયો, બપોરે લંચ સમયે કેન્ટીન માં ગયો અને એક ટેબલ પર ગોઠવાયો જોયુ તો સામે ખુરશી પર દિપક બેઠો હતો, પહેલા તો એકબીજાને જોતાં જ રહ્યા અને પછી જોરથી હસી પડ્યા.
નીરવ બોલ્યો દોસ્ત તારી આઈડિયા ખરેખર કામ આવી ગઈ, તું ખોટો ભાડૂઆત બની ને મારે ત્યાં આવ્યો અને તારૂ કઠોર વર્તન જોઈ શાંતિ ને મારી કદર થઈ અને મારા જીવન માં કાયમ ની શાંતિ થઈ ગઈ.
દિપક બોલ્યો તે મને બધી વાત કરી એટલે મે અને દિપીકા એ બેસીને આ પ્લાન બનાવ્યો અને એનો અમલ કર્યો, પણ ખરી રીતે તો આ પ્લાન માં મને ખતરો હતો કે જો શાંતિ ભાભી નું વર્તન જોઈ ક્યાંક દિપીકા એમના રવાડે ચડી જાત તો મારી જીંદગી માં કાયમી અશાંતિ થઈ જાત.
અને જોરદાર અટ્ટહાસ્ય થી કેન્ટીન ગૂંજી ઉઠી.
~ અતુલ ગાલા, કાંદિવલી ઈસ્ટ, મુંબઈ.
(સંપર્ક - ૭૯૭૭૮૪૮૫૦૫)