Hungama 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | હંગામા ૨

Featured Books
Categories
Share

હંગામા ૨

હંગામા વગરની 'હંગામા ૨'

- રાકેશ ઠક્કર

શિલ્પા શેટ્ટીની ૧૪ વર્ષ પછીની કમબેક ફિલ્મ 'હંગામા ૨' નો પ્રચાર નિર્દેશક પ્રિયદર્શન શિલ્પાના નામ પર કરી રહ્યા હતા ત્યારે એમાં એની ભૂમિકા ખાસ નહીં હોય એની દર્શકોને કલ્પના ન હતી. તેમનો શિલ્પાના હિટ ગીત 'ચુરા કે દિલ મેરા' ની લોકપ્રિયતાને વટાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. બીજાં હંગામા હો ગયા, ચિંતા ના કર, પેહલી બાર વગેરે ગીતો ફિલ્મમાં જામતા નથી. દર્શકોએ જેના નામ પર 'હંગામા ૨' જોવાનું નક્કી કર્યું હતું અને જે ફિલ્મનો સૌથી મોટો ચહેરો ગણાતી હતી એ શિલ્પાનો પ્રવેશ પોણા કલાક પછી થાય છે. થોડા દ્રશ્યોમાં તે કોઇ કમાલ બતાવી શકી નથી. તેની ભૂમિકા મજબૂત નથી. તેની જ નહીં બીજા કલાકારોની કોમેડી શોધવાનું કામ પણ મુશ્કેલ છે. 'હંગામા ૨' કોમેડીમાં કોઇ હંગામો મચાવી શકી નથી. અત્યાર સુધી પ્રિયદર્શનની ફિલ્મોમાં કોમેડી કલાકારો કરતાં હાસ્યપ્રધાન વાર્તાનું મહત્વ રહેતું હતું. 'હંગામા ૨' ની વાર્તામાં તો ભરપૂર કોમેડીને બદલે મોટો ગૂંચવાડો છે. ૨૦૦૩ ની 'હંગામા' ની સીક્વલનું નામ 'હંગામા ૨' રાખવાથી એ ડબલ મનોરંજન આપશે એવી અપેક્ષા પૂરી થતી નથી. ટીકુ તલસાણિયા, રાજપાલ યાદવ, મનોજ જોશી, આશુતોષ રાણા વગેરેનો પ્રયત્ન લેખે લાગ્યો નથી.

'હેરાફેરી' વાળા પ્રિયદર્શનની ફિલ્મ ફેકટરીની આ સૌથી ખરાબ પ્રોડક્ટ ગણવામાં આવી છે. લગભગ બધા જ સમીક્ષકોએ નકારાત્મક પ્રતિભાવ આપીને માંડ એક સ્ટાર આપ્યો છે. અને 'હંગામા ૨' ને બદલે પ્રિયદર્શનની કોઇપણ જૂની કોમેડી ફિલ્મ જોવાની સલાહ આપી છે. એટલું નક્કી છે કે કોરોના મહામારીની અસરમાં OTT પર આવી જ ફિલ્મો રજૂ થતી રહેશે તો દર્શકો તેનાથી દૂર થવા લાગશે. આ અગાઉની છ વાર્તાવાળી 'ફીલ્સ લાઇક ઇશ્ક' સાથે દર્શકોએ પ્રેમ કર્યો ન હતો કે વિક્રાંત મેસી- કૃતિ ખરબંદાની '૧૪ ફેરે' ના ચક્કરમાં પણ પડ્યા ન હતા. યુટ્યુબ ઉપર એક જાણીતા સમીક્ષકે 'હંગામા ૨' ને માઇનસ પાંચ રેટીંગ આપીને ફિલ્મની ધજ્જિયા ઉડાવી દીધી છે. પહેલી વખત પ્રિયદર્શને થોડું હાસ્ય મળે એવી ધડમાથા વગરની કોમેડી ફિલ્મ પણ બનાવી નથી. કોમેડી ફિલ્મમાં ગૂંચવાડો ઊભો કરી હાસ્ય ઉત્પન્ન કરવાની પ્રિયદર્શનની કળા દેખાતી નથી. એમણે સાફસૂથરી કોમેડી ફિલ્મ બનાવવાની પરંપરા જાળવી રાખી છે પરંતુ સવાલ એ છે કે એમાં કોમેડી ક્યાં છે? અઢી કલાકની ફિલ્મમાં અડધા કલાકની કોમેડી શોધવાનું કામ મુશ્કેલ છે. એમણે કેટલીક બીનજરૂરી બાબતોનો સહારો લેવો પડ્યો એ પરથી જ સમજી શકાશે કે આ વખતે કંઇક ગરબડ છે.

શિલ્પાએ આ ફિલ્મથી કમબેક કર્યું એનો અર્થ એવો નથી કે તેના જૂના લોકપ્રિય ગીતોને રીમિક્સ કરીને ઘૂસાડી દેવાના અને તે આટલી ઉંમરે સુંદર દેખાય છે એ સાબિત કરવાનું. જૉની લીવરની મહેમાન ભૂમિકા હોવા છતાં તેને ટ્રેલરમાં વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે આશુતોષ રાણાની ભૂમિકા સૌથી મોટી હોવા છતાં ટ્રેલરમાં પરેશ રાવલ છવાઇ ગયા હતા. 'હંગામા ૨' ની વાર્તાની સાથે 'હંગામા' ને કોઇ લેવાદેવા ન હોવા છતાં તેની લોકપ્રિયતાનો સહારો લીધો છે. વધારે આશ્ચર્યની વાત એ છે કે પ્રિયદર્શનની ૧૯૯૪ ની મોહનલાલ સાથેની મલયાલમ ફિલ્મ 'મણિરાજ' ની આ રીમેક છે. પ્રિયદર્શનની વળી દલીલ હતી કે વાર્તા નવી હોવા છતાં 'હંગામા' જેવી મસ્તી અને કોમેડી હોવાથી 'હંગામા ૨' નામ આપીને બનાવવામાં આવી છે. 'હંગામા' ના એક-બે જાણીતા અભિનેતાઓને પણ તે મહેમાન કલાકાર બનાવીને લાવ્યા છે. આ બધા સહારા લેવામાં ફિલ્મની લંબાઇ અઢી કલાકથી વધી ગઇ અને એમાંની કોમેડી ઘટતી ગઇ હતી.

ફિલ્મમાં આકાશ (મિઝાન જાફરી) નામનો યુવાન છે જે તેના પિતા કપૂર (આશુતોષ રાણા) ના મિત્ર બજાજ (મનોજ જોશી) ની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. લગ્નની તૈયારી ચાલતી હોય છે ત્યારે વાણી (પ્રણિતા સુભાષ) નામની યુવતી એક બાળકીને લઇને તોફાન લાવે છે. કેમકે તે બાળકી આકાશની હોવાનું જણાવે છે. આકાશ એ વાતને ખોટી ગણાવે છે. ત્યારે કપૂરના કહેવાથી તેની દીકરી જેવી અંજલિ (શિલ્પા શેટ્ટી) નો પ્રવેશ થાય છે. બીજી તરફ અંજલિના પતિ રાધે (પરેશ રાવલ) ને લાગે છે કે અંજલિ અને આકાશનું અફેર ચાલી રહ્યું છે. એ પછી બધી ધમાલ શરૂ થાય છે. મુદ્દો એ છે કે વાણી જેને આકાશની બાળકી બતાવી રહી હોય છે એ ખરેખર કોની હોય છે? કોણ જૂઠું બોલી રહ્યું હોય છે? આકાશ કે વાણી? અને આકાશના થનારા લગ્નનું શું થાય છે? જેવા પ્રશ્નોના વાર્તામાં ગોટાળા છે.

વાર્તા સાથે કલાકારોની પસંદગીમાં પ્રિયદર્શન થાપ ખાઇ ગયા છે. શિલ્પા-પરેશની જોડી જામતી નથી. મિઝાન જાફરી કોમેડી ટાઇમિંગ સાથે ઠીક જ રહ્યો છે. ટ્રેલરથી બિલકુલ વિપરીત ફિલ્મ હતી અને કોમેડી ન હોવાથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની સાથે છેતરપીંડી થઇ હોવાની નારાજગી વ્યક્ત કરી હતી. આઠ વર્ષ પછી ખુદ પ્રિયદર્શન હિન્દી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા હતા ત્યારે તેમણે દમ વગરની વાર્તા પસંદ કરીને પોતાના પગ પર જ કુહાડી મારી છે. જૂની વાતો દોહરાવી છે અને નવા જમાના સાથે તાલ મિલાવી શક્યા નથી. આ કારણે તે નિર્દેશન ભૂલી ગયા હોવાની મજાક થઇ રહી છે. થોડા દિવસ પહેલાં પ્રિયદર્શનની નવી ફિલ્મમાં કામ કરવા માટે તેમની અગાઉની ફિલ્મોમાંથી એકમાત્ર અક્ષયકુમાર તૈયાર થયો હોવાના સમાચાર હતા. પરંતુ 'હંગામા ૨' પછી અક્ષયકુમારનો વિચાર બદલાય ના જાય તો સારું છે.