અનેરીએ પ્લાન એક્ટીવેટ કરી દીધો હતો. તે પ્લાન મુજબ જ શ્રેયા એક્ટીવા લઇને દર્શનને મળવા માટે ગઇ હતી. અનેરીએ કહ્યું હતુ તે પ્રમાણે શ્રેયાએ ગાર્ડન પાસેની ગલીમાં રહેલા બૂથ પરથી દર્શનને ફોન કર્યો હતો. દર્શન પણ એ જ સમયે ફાર્મ હાઉસ પર જઇ રહ્યો હતો એટલે તેણે શ્રેયાને કહ્યું તુ ત્યાં જ રહે હું તને પીકઅપ કરી લઉ છું. હવે શ્રેયાને તેની વાત માનવી જ પડે એમ હતી એટલે શ્રેયાએ તરતજ તેના ફોનમાંથી અનેરીને ફોન કરી વાત કરી તો અનેરીએ કહ્યું ઓકે તુ એક્ટીવા ત્યાં જ રાખીને જતી રહે. ફાર્મ હાઉસ પરથી તને પીકઅપ કરવાની વ્યવસ્થા હું કરાવી દઉં છું. ત્યારબાદ શ્રેયા દર્શનની કારમાં બેસીને ફાર્મ હાઉસ પર જતી રહી. ફાર્મ હાઉસ પર પહોંચી તે બંને વાતો કરવા લાગ્યા. દર્શને તેના માટે ડ્રીંક બનાવ્યુ અને તે પીવા લાગ્યો. એક ગ્લાસ પૂરો થયો એટલે તે બીજો ગ્લાસ ભરવા જતો હતો ત્યાં શ્રેયાએ તેને કહ્યું કે લાવો હું ગ્લાસ રીફીલ કરી આપુ. અને પછી શ્રેયાએ ગ્લાસ ભરવાના બહાને ડ્રીંક્સમાં અનેરીએ આપેલી દવાના બે ડ્રોપ્સ નાખી દીધા. દર્શન વાતોમાં જ ડ્રીંક્સ પીવા લાગ્યો પણ થોડીવારમાં તેનુ માથુ ભારે થવા લાગ્યુ અને આંખો બંધ થવા લાગી. દર્શનને સમજાઇ ગયુ કે શ્રેયાએ તેને કંઇક પીવડાવી દીધુ છે. એટલે તે શ્રેયા પર ગુસ્સે થયો અને ગાળો દેવા લાગ્યો “તારા જેવી છોકરી મારે લાયક જ નથી. તને તો મારે જવા દેવાની જ જરુર નહોતી. મારા બધા જ ગેસ્ટ પાસે તને મોકલવાની જરુર હતી. તારા જેવી છોકરીઓ આને જ લાયક હોય છે. તારી હેસીયત બે બદામ જેટલી જ છે.” આમ બોલતો દર્શન શ્રેયાને મારવા માટે ઊભો થયો પણ હવે દવા તેનુ કામ કરી ગઇ હતી. તે ઊભો થવા ગયો એ સાથે જ તેના પગ લથડ્યા અને બેડમાં પડ્યો. અને એકાદ મિનિટમાં બેભાન થઇ ગયો. પણ છેલ્લે જે શબ્દો દર્શન બોલ્યો તે સાંભળી શ્રેયાના મગજમાં દર્શન પ્રત્યે એકદમ ધિક્કારની લાગણી જન્મી. અત્યાર સુધી દર્શને કરેલા અત્યાચાર એકાએક શ્રેયાને યાદ આવી ગયા. દર્શને તેને કેવા નરાધમ લોકો સાથે સુવાની ફરજ પાડેલી તે યાદ આવતા જ શ્રેયાના મગજ પર સેતાન સવાર થઇ ગયો. હવે તેને પ્લાનની કોઇ પડી નહોતી અત્યારે તો તેને દર્શન સાથે બદલો લેવાનો મોકો દેખાતો હતો. આ મગજમાં આવતા જ શ્રેયાએ બેડ પર પડેલુ એક ઓશીકું ઉઠાવ્યુ અને દર્શનના મોં પર જોરથી દબાવ્યુ. શ્વાસ રુંધાતા દર્શન બે ભાન અવસ્થામાંજ મૃત્યુ પામ્યો. તે મૃત્યુ પામ્યો હતો છતા શ્રેયાએ ક્યાંય સુધી તેના મો પર ઓશીકું દબાવી રાખ્યું. ત્યારબાદ તેણે ઓશીકું મોં પરથી હટાવ્યુ અને દર્શન જીવે છે કે મૃત્યુ પામ્યો છે તે ચેક કરવા તેણે દર્શનના નાક પાસે આંગળી રાખી. દર્શનનો શ્વાસોશ્વાસ બંધ હતો એ જોઇ શ્રેયાને શાંતિ થઇ. પણ હવે તેને ભાન થયુ કે આવેશમાં આવી તેણે આખો પ્લાન બરબાદ કરી નાખ્યો હતો. હવે શું કરવુ તે વિચારતા તે ક્યાંય સુધી ઊભી રહી. તે ઊભી હતી ત્યાં જ તેને ફાર્મ હાઉસના ગેટ પર કાર ઊભી રહેવાનો અવાજ આવ્યો એટલે તેણે બારીમાંથી નીચે જોયુ. ફાર્મ હાઉસના ગેટ પર એક કાર ઊભી હતી અને તેમાંથી એક માણસ ઊતર્યો. આ માણસને જોઇને શ્રેયા ચોંકી ગઇ. તે આ માણસને ઓળખતી હતી. તે દર્શનનો મિત્ર કબીર હતો. શ્રેયા દર્શનની ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે તે કબીરને બે ત્રણ વાર મળી હતી. કબીરને આવતો જોઇને શ્રેયા વિચારમાં પડી ગઇ કે હવે શું કરવુ? અચાનક તેને કંઇક યાદ આવતા તેણે દર્શનને બેડ પર વ્યવસ્થિત રીતે સુવડાવ્યો અને પગ પર ચાદર ઓઢાડી દીધી અને પોતે ત્યાં પડેલા રુમમાં રહેલ માળીયામાં છુપાઇને જોવા લાગી. થોડીવાર બાદ કબીર રુમમાં દાખલ થયો અને દર્શનને ઊંઘતો જોયો. તેણે બે ત્રણ વાર દર્શનને દૂરથી બોલાવ્યો પણ દર્શન ઉઠ્યો નહીં એટલે તેણે ખીસ્સામાંથી બંધૂક કાઢી અને દર્શન પાસે ગયો અને દર્શનને જોરથી ઢંઢોળ્યો છતા દર્શન હલ્યો નહીં. આ જોઇ કબીરને નવાઇ લાગી અને તેણે તેની બંધૂક ખીસ્સામાં મૂકી કબીરનો હાથ પકડ્યો એ સાથે જ તે ચોંકી ગયો. કબીરનો હાથ એકદમ ઠંડો પડી ગયો હતો. કબીરે પણ તરતજ તેની આંગળી દર્શનનાં નાક આગળ રાખી એ સાથે જ તેને ખબર પડી ગઇ કે દર્શનતો મૃત્યુ પામ્યો છે. આ ભાન થતા જ તે ડરી ગયો અને ઝડપથી રુમની બહાર નીકળી ગયો. તે ત્યાંથી સીધો જ કાર પાસે ગયો અને કાર લઇને જતો રહ્યો. આ આખુ દૃશ્ય શ્રેયાએ માળીયામાંથી જોયુ અને પછી તે નીચે ઉતરી અને વિચારવા લાગી કે હવે શું કરવુ? હવે તેને એક વાત સમજાઇ ગઇ હતી કે આમાંથી હવે બચવાનો એક જ ઉપાય છે. આ વિચાર આવતા જ તેણે અનેરીને ફોન કર્યો અને આખી વાત કહી દીધી. આ વાત સાંભળી અનેરી તો ખૂબ જ ગુસ્સે થઇ ગઇ પણ પછી તેણે થોડો વિચાર કરીને શ્રેયાને કહ્યું “હવે એક કામ કર હમણા પાંચ જ મિનિટમાં એક યુવાન બાઇક લઇને ત્યાં આવશે તેની સાથે તુ ત્યાંથી નીકળી જા અને પછી તારા ઘરે જતી રહે. ત્યાંનુ બધુ હું સંભાળી લઇશ. હવે તારુ કામ પૂરુ થઇ ગયુ છે. તારે હવે મને ફોન કરવાનો નથી અને કંઇ બન્યુ જ નથી એ રીતે જ તારે રહેવાનું છે.” આ સાંભળી અનેરીએ તેને આપેલી ડબ્બીમાંથી શિવાનીનો વાળ કાઢી બેડ પર મૂકી દીધો અને પછી ત્યાંથી નીકળી ગઇ. આ બાજુ અનેરીએ શ્રેયાનો ફોન કટ કરીને તરતજ શ્રીકાન્તને ફોન કરી પ્લાન બી એક્ટીવેટ કરવાનુ કહ્યું અને સાથે સાથે શ્રેયાએ જે કામ બગાડી નાખ્યુ છે તે પણ કહી દીધુ. શ્રી કાન્ત ફાર્મ હાઉસથી થોડે દૂર દરીયામાં બોટમાં હતો. તેની સાથે તેના બે માણસો હતા અને ત્રીજો વિકાસ હતો જે બેભાન હતો. અનેરીની વાત સાંભળી શ્રીકાન્તે બોટને ફાર્મ હાઉસ તરફ આગળ વધારી. બોટ ફાર્મહાઉસ પાસે ડૉક પર આવી એટલે બોટને ત્યાં ઊભી રખાવી અને શ્રીકાન્ત નીચે ઉતર્યો. તેણે પહેલા એકલા જઇ ફાર્મ હાઉસમાં કોઇ નથીને તે જોઇ લેવાનુ વિચાર્યુ. તે ડૉક પર ચાલીને ફાર્મ હાઉસની દીવાલ પાસે પહોંચ્યો. તેણે ત્યાંથી જ નજર કરી જોઇ લીધુ કે ફાર્મ હાઉસમાં કોઇ દેખાતુ નથી. ત્યારબાદ તે દિવાલ પરથી પગથીયા ઉતરી ફાર્મ હાઉસમાં દાખલ થયો અને ધીમા પગલે સ્વીમીંગ પૂલ ક્રોસ કરીને ફાર્મ હાઉસના બીલ્ડિંગમાં દાખલ થયો. ત્યાંથી તે આસપાસ જોતો જોતો સીડી ચડવા લાગ્યો. તે સીડી ચડી ઉપર ગયો અને રુમમાં દાખલ થયો. ત્યાં કોઇ નહોતુ. દર્શનની લાશ બેડ પર પડેલી હતી. શ્રીકાન્તની એકદમ સકરાબાજ જેવી નજર આખા રૂમમાં ફરી વળી તેણે એક એક ચીજને નજરથી માપી લીધી અને પછી કોઇ ખતરો ના લાગતા તે બહાર નીકળ્યો અને સીડી ઉતરી તે ડૉક તરફ આગળ વધતો હતો ત્યાં તેને ફાર્મ હાઉસનો ગેટ ખુલવાનો અવાજ આવ્યો એટલે તરત સ્વીમીંગ પૂલ પાસે રહેલ બાથરૂમમાં છુપાઇ ગયો. તેણે દરવાજાની તીરાડમાંથી બહાર નજર રાખી. એકાદ મિનિટ પછી એક યુવાન ત્યાંથી પસાર થયો અને સીડી ચડી ઉપર ગયો. પાંચેક મિનિટ પછી પેલો યુવાન હાંફળો ફાંફળો દોડતો નીચે આવ્યો. આ વખતે તે યુવાનના હાથમાં એક મોટો થેલો હતો જે ઉપર જતી વખતે નહોતો. તે યુવાનના ચહેરા પર ભય હતો. તે યુવાન દોડતા દોડતા જ બહાર ગયો અને બાઇક લઇને જતો રહ્યો. આ યુવાન નિખિલ હતો. આખા પ્લાનમાં જોરદાર ફેરફાર થઇ ગયો હતો. બે વ્યક્તિ દર્શન મરી ગયો પછી ફાર્મ હાઉસ પર આવી હતી. આખા પ્લાનમાં તો દર્શનને છેલ્લે મારવાનો હતો પણ અહી તો દર્શન પહેલા મરી ગયો હતો. યુવાન ગયો એટલે શ્રીકાન્ત બાથરુમમાંથી બહાર નીકળ્યો અને પછી તેણે ફોન કરી તેના માણસોને ગ્રીન સિગ્નલ આપી દીધુ અને તે ઉપર ગયો. ઉપર જઇ તેણે અનેરીને ફોન કરી આખી પરિસ્થિતિથી વાકેફ કરી. બંનેએ ચર્ચા કરીને આખો પ્લાન ફરીથી ડીસ્કસ કર્યો અને પછી અનેરીએ ફોન કટ કરી નાખ્યો. ત્યારબાદ શ્રીકાન્તે તેના બે માણસોને કહી દર્શનના બોડીને બાથરુમમાં બાથટબમાં મુકાવ્યુ અને પછી દર્શનના હાથની નસ કાપી નાખી. તે બધાએ હેન્ડ ગ્લોવ્સ અને માથા પર ટાઇટ કેપ બાંધી હતી. શ્રીકાન્ત જાણતો હતો કે જો તેનો એક વાળ પણ અહીં રહ્યો તો તેના માટે પ્રોબ્લેમ થશે એટલે તેણે ખૂબ જ સાવચેતીથી કામ પતાવ્યુ. ત્યારબાદ શ્રીકાન્તે તેના માણસો પાસે આખા રૂમની સફાઇ કરાવી. એવી એકે એક જગ્યા તે લોકોએ સાફ કરી નાખી જ્યાં શ્રેયાના હાથના કે બીજા કોઇ નિશાન રહ્યા હોય. દર્શનની નસ કાપવાને લીધે તેના હાથમાંથી લોહી નીકળતુ હતુ. જો કે શ્રીકાન્તે આ તો માત્ર પોલીસને ડાયવર્ટ કરવા માટે જ કર્યુ હતુ અને આમ છતા તે જાણતો હતો કે પોલીસ એ ચોક્કસ જાણી લેવાની છે કે દર્શનનુ ખૂન નસ કપાવાથી નથી થયુ. પણ તે જેટલી બને તેટલી વધુ ગુંચવણ ઊભી કરવા માંગતો હતો. બધી સફાઇ થઇ ગયા બાદ શ્રીકાન્તે વિકાસને દરવાજા પાસે ઊભો કરાવ્યો અને તેના અંગુઠાના નિશાન દરવાજા પર લેવડાવ્યા. ત્યારબાદ તે લોકો જે રીતે આવ્યા હતા તે જ રીતે બોટમાં બેસીને જતા રહ્યા. આખો પ્લાન હતો તેના કરતા જુદી જ રીતે પૂરો થયો હતો આમ છતા અનેરીને અને શ્રીકાન્તને એક વાતની હવે શાંતિ હતી કે આમા હવે ઘણા બધા માણસો સંડોવાઇ જવાના હતા જેને લીધે આ કેસ ગુંચવાઇ જવાનો હતો. કબીર અચાનક જ આ કેસમાં સામેલ થઇ ગયો હતો જે અનેરી માટે એક સુખદ આશ્ચર્ય હતુ. આમ છતા અનેરીએ ખુબ જ સાવચેતી રાખી હતી. અનેરીએ આ કેસની દરેક હિલચાલ પર નજર રાખવાનુ કામ શ્રીકાન્તને સોંપી દીધુ હતુ. અનેરી જાણતી હતી કે આ કેસ એકદમ હાઇ પ્રોફાઇલ બની જવાનો છે. દર્શનનો બીઝનેશ પાર્ટનર મહેસૂલ મંત્રી છે એટલે આ કેસ ઉકેલવા માટે મરણીયા પ્રયાસ થવાના છે.
જો કે અનેરીએ જ્યારે બદલો લેવાનુ નક્કી કર્યુ ત્યારથીજ માથે કફન બાંધી લીધુ હતુ એટલે તેને કોઇ ફેર પડતો નહોતો. તેનુ તો એક જ લક્ષ હતુ કે કોઇ પણ હિસાબે હવે કબીરને સજા મળી જવી જોઇએ. પણ હમણાં હવે થોડો ટાઇમ શાંતિ રાખવી પડે તેમ હતી. અનેરી પણ આ કેસની ટીવી પર બતાવતી બધી જ માહિતી જોતી હતી. બીજા દિવસે સવારે અનેરીએ ટીવી ચાલુ કર્યુ અને ટીવી પર જે ન્યુઝ જોયા તે જોઇ અનેરીની હાલત ખુબ જ ખરાબ થઇ ગઇ. અનેરીના શરીરમાંથી કોઇએ લોહી ચુસી લીધુ હોય તેમ તે સોફા પર ફસડાઇ પડી. ટીવી પર બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યા હતા. દર્શન જરીવાલ કેસ ગુજરાતના બાહોસ એસ.પી રિષભ ત્રીવેદીને સોંપાયો છે. ત્યારબાદ ટીવી પર રિષભનો ફોટો અને તેની બધી વિગત બતાવતા હતા. પણ હવે અનેરી તો જાણે બીજી દુનિયામાં હોય તેમ સ્તબ્ધ થઇ ગઇ હતી. તેણે સ્વપ્ને પણ વિચાર્યુ નહોતુ કે રિષભ સાથે બીજી મુલાકાત થશે. રિષભ સાથેની બીજી મુલાકાત પણ કેવા સંજોગોમાં અને કેવા રીલેશનથી થઇ હતી. અત્યારે જ્યારે તે જીંદગીના શતરંજની અગત્યની બાજી રમી રહી હતી ત્યારે જ તેની સામેની બાજુ પર કિસ્મતે રીષભને ગોઠવી દીધો હતો. હવે આ સંજોગોમાં રિષભ સાથે વાત કરવી તો દૂર તેની નજરમાં આવવુ પણ મુશ્કેલી પેદા કરે તેવુ હતુ. પણ તેને ક્યા ખબર હતી કે તે ભલે રિષભથી છુપાઇને રહે પણ રિષભ એક દિવસ સામેથી તેના દરવાજા સુધી પહોંચી જશે. અને બન્યુ પણ એવુ જ કે તેણે ધારેલી તેના કરતા વધુ ઝડપથી રિષભે આ કેસની સાચી દિશા પકડી લીધી હતી. અને એક દિવસ રિષભ તેના દરવાજે આવીને ઊભો રહી ગયો. રિષભને જોતા જ તેની અંદરની બાવીસ વર્ષની પ્રેમિકા ફરીથી જાગૃત થઇ ગઇ. તેણે તેની જાતને રોકવા ઘણીવાર પ્રયત્ન કર્યા પણ મગજનુ દિલ પાસે ચાલ્યુ નહીં. અને તેનુ પરીણામ પણ તે જ આવ્યુ જે આવવાનુ હતુ. રિષભ જાણી ગયો કે કાવ્યાની બહેન પરી એ બીજુ કોઇ નહી અનેરી જ છે. અનેરી તો જાણે ભૂતકાળના દરીયામાં તળીયે બેઠી હોય તેમ આંખો બંધ કરીને વિચારોમાં ખોવાઇ ગઇ હતી. વર્ષોનો ભુતકાળ અત્યારે તેની આંખ સામેથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં અચાનક તેના ખભા પર કોઇએ હાથ મૂક્યો. આ સાથે જ અનેરી વિચારયાત્રામાંથી બહાર આવી ગઇ.
----------**************------------**************---------------*************--------------
મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.
મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.
--------------------*****************------------***************--------------------------
HIREN K BHATT
MOBILE NO:-9426429160
EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM