હાઇવે રોબરી 18
સવારના નવ વાગે કન્ટ્રોલ ઓફીસથી ફોન આવ્યો. ગામની બહાર તળાવની પાસે સ્મશાનમાં કોઈ એક લાશ પડી છે. પી.આઈ. જોરાવરસિંહ જાડેજા એમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા. લોકોનું ટોળું કોઈ તમાશો જોવાનો હોય તેમ એકઠું થઈ ગયું હતું. નજીકના ગામનો કોઈ લોકલ મીડિયા વાળો ફોટા પાડી રહ્યો હતો. જાડેજાના સ્ટાફે સૌથી પહેલા એરિયાને કોર્ડન કર્યો. કન્ટ્રોલ ઓફીસમાં ફોન કરી ઓફિશિયલ ફોટોગ્રાફર , ડોગ ટીમ અને એફ.એસ.એલ.ની ટીમ બોલાવી. એ લોકો બે કે ત્રણ કલાક પહેલા આવે તેમ ન હતા. ત્યાં સુધી જાડેજા એ ઘણી પ્રાયમરી તપાસ કરી લીધી.
લાશ ની સ્થિતિ. કુતરાઓ એ કેટલીક જગ્યાએ બચકાં ભર્યા હતા. છતાં એ સ્પષ્ટ દેખાતું હતું કે એ વ્યક્તિને પેટમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા. આજુબાજુમાં કેટલાક બુટના નિશાન હતા , સિગરેટના ઠુંઠા પડ્યા હતા , બાજુમાં કોઈ વાહનના ટાયરના નિશાન હતા. એફ.એસ.એલ. વાળા આવે ત્યાં સુધી એ બધું સાચવવાની વ્યવસ્થા કરી. કન્ટ્રોલ ઓફીસમાં ફોન કરનાર નું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું.
ત્યાં સુધીમાં ગામના સરપંચ રમેશ જોશી પોલીસ માટે ચ્હા નાસ્તો લઈ આવ્યા. જાડેજાએ દૂરથી જ લાશને ઓળખવાનું કહ્યું. આમ તો ટોળું એને રઘુના નામથી ઓળખવા લાગ્યું હતું. પણ જોશી એ કહ્યું કે એ રઘુ જ છે. એમનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. જાડેજાએ એના કોઈ મિત્રો હોય તો એની તપાસ આદરી.
એટલામાં રઘુના ઘરવાળા દોડી આવ્યા. એની મા , બાપુ , પત્ની , કાકા , ભાઈઓ. અને આખું વાતાવરણ રડારડથી ભરાઈ ગયું. ખૂબ સમજાવ્યા પછી પણ એ લોકો ખસવા તૈયાર ન હતા. આખરે જોશી એ કડક થવું પડ્યું. એણે એમને સમજાવ્યું કે હજુ તપાસ થયા પછી પોસ્ટમોર્ટમ થયા પછી કાલે બોડી મળશે. અને જો વધારે હંગામો કરશો તો બે દિવસ વધારે પણ થાય. ત્યારે એ લોકો પરાણે થોડે દુર જઇ બેઠા. ટોળા માંથી મળેલી માહિતીના આધારે ગામ માંથી બે જણને બોલાવવામાં આવ્યા. એ લોકો રઘુના મિત્રો હતા. એમની પાસેથી કોઈ માહિતી ના મળી. ફક્ત એટલું જાણવા મળ્યું કે રાત્રે એ લોકોએ સાથે દારૂ પીધો હતો. અને એમાંથી એક ને મોટરસાઇકલ પર ઘરે ઉતારી રઘુ ઘરે જવા નીકળ્યો હતો.
હવે એફ.એસ.એલ.ટીમની રાહ જોવાની હતી. ત્યાં સુધી જાડેજા ડ્રાયવર સાથે જોશીની મહેમાનગતિ માણવા ચાલ્યા ગયા.
**************************
પ્રહલાદ મોટરસાઇકલ પર જીવણને લઈને આવ્યો. જવાનસિંહ અને પ્રહલાદે આખી વાત જીવણને સમજાવી. દિલાવરના માણસો રઘુને શોધતા હતા એ સમજાવ્યું. જીવણે રઘુને ફોન કરવાનું કહ્યું. પણ પ્રહલાદે એને સમજાવ્યો કે રઘુ મુસીબતમાં છે એટલે એ બીજા કોઈને ફોન કરે. જીવણે રઘુના ગામમાં રહેતા કોઈ મિત્રને ફોન કર્યો અને એને સમાચાર મળ્યા કે રઘુને કોઈએ રાત્રે મારી નાખ્યો છે. જીવણ પડી ભાંગયો. પ્રહલાદે આખી વાત દિલાવર પર ઢોળી દીધી. અને જીવણ માની પણ ગયો. થોડી વારમાં જીવણ સ્વસ્થ થયો. અને ત્રણે જણ મોટરસાઇકલ પર સ્નેહ મોબાઈલ સેન્ટર પર તપાસ કરવા ચાલ્યા.
જ્યારે એ લોકો સ્નેહ મોબાઈલ સેન્ટર પર પહોંચ્યા ત્યારે , સ્નેહ મોબાઈલ સેન્ટરની બહાર પોલીસની ગાડી ઉભી જ હતી. એમના હોશ ઉડી ગયા. અને એમણે સામેની બાજુ થોડે દુર આવેલી ચ્હાની કિટલી પાસે મોટરસાઇકલ પાર્ક કરી. અને ચ્હાનો ઓર્ડર આપી ત્યાં બેસી સ્નેહ મોબાઈલ સેન્ટર પર નજર રાખી.
*********************
પટેલ એમના સ્ટાફ સાથે સ્નેહ મોબાઈલ સેન્ટરના દરવાજે આવીને ઉભા રહ્યા. નાથુસિંહને આ વખતે તપાસ માંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
સ્નેહ મોબાઈલમાં સ્નેહ શાહ હજી દુકાન ખોલીને બેઠો જ હતો અને પટેલ પહોંચ્યા. પટેલે એક નજરમાં સ્નેહને આવરી લેતા તપાસ ચાલુ કરી.
' મિસ્ટર , અમે ક્રાઈમ બ્રાન્ચ તરફથી છીએ. આ લખેલ નમ્બરના સીમકાર્ડ તમારી દુકાન માંથી ઇસ્યુ થયા છે. જેના નામે તમે આપ્યા છે એ કહે છે કે એણે આ નમ્બર લીધા જ નથી. '
સ્નેહની સામે સીમકાર્ડના નમ્બર અને જેના નામે ઇસ્યુ થયા હતા તેમનું નામ અને એડ્રેસનું લિસ્ટ મૂકી દીધું.
' સર , અમને જે ડોક્યુમેન્ટ મળે છે , એ અમે કંપનીમાં મોકલીએ છીએ. એટલે આમાં અમારો કોઈ રોલ હોતો નથી. '
' ઈચ્છા હોય તો દુકાન બંધ કરી લે. યુ આર અંડર એરેસ્ટ. ધીરજ પાંચ જ મિનિટમાં આ માણસ મને જીપમાં બેઠેલો જોઈએ. '
પટેલનું બદલાયેલું આ વર્તન જોઈ સ્નેહ કાંપી ઉઠ્યો. પટેલ બહાર જીપ આગળ જઇ ઉભા રહયા. ધીરજે સ્નેહને બાવડા માંથી પકડી બહાર ખેંચ્યો. હવે સ્નેહને લાગ્યું કે દુકાન બંધ કરવી જ પડશે. એણે ચાવી લઈ દુકાન બંધ કરી અને ચૂપચાપ જીપમાં પાછળ ધીરજની બાજુ માં બેસી ગયો.
સામેની બાજુ બેઠેલા પ્રહલાદ , જીવણ અને જવાનસિંહના પેટમાં તેલ રેડાયું. જીવણની હાલત સૌથી ખરાબ હતી.
************************
પટેલની જીપ સ્નેહને લઈ ચાલી ગઈ. હવે એ વાત નક્કી હતી કે સ્નેહ જીવણનું નામ તો જરૂર આપશે. જવાનસિંહ હવે મુંઝાઓ. હવે શું કરવું તે સમજાતું ન હતું. એણે સૌથી પહેલાં ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. એ ત્રણે ત્યાંથી નીકળી ગયા.
એક તરફ દિલાવર , એક તરફ રઘુના મોતની તપાસ અને એક તરફ સ્નેહ તરફનું જોખમ. જવાનસિંહનું વિચારતંત્ર કામ કરતું બંધ થઈ ગયું હતું. જીવણના માથે કપડું બાંધી એને ગોગલ્સ પહેરાવી હાલ એની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો. હાઇવેથી અંદરના રોડ ઉપર એક સુમસામ જગ્યાએ જવાનસિંહે મોટરસાઇકલ ઉભી રાખી. જીવણ એક ઝાડની પાછળ સંતાઇ ગયો. પ્રહલાદ મોટરસાઇકલ પાસે ઉભો રહ્યો. જવાનસિંહ થોડો દૂર ગયો અને એણે વસંતને ફોન લગાવ્યો. વસંતે બે મિનિટ વિચાર કર્યો અને જવાનસિંહને જરૂરી સૂચનાઓ આપી.
**************************
ક્રાઇમ બ્રાન્ચની ઓફીસમાં રાઠોડ સાહેબ સ્નેહની સામે ઊભા હતા. ફક્ત દસ જ મિનિટમાં સ્નેહની તમામ શક્તિ અને ચાલાકી ખતમ થઈ ગઈ હતી. એ કોઈ પ્રોફેશનલ ગુનેગાર ન હતો. જ્યારે સામે ઉભેલી ટીમ ખુંખાર ગુનેગારો જોડે વર્ષો થી લડનાર અને જીતનાર ટીમ હતી.
15 મિનિટમાં રાઠોડ સાહેબના ટેબલ પણ જીવણનો બાયોડેટા તૈયાર હતો. સ્નેહના મોબાઈલ માંથી જીવણનો ફોટો પણ મળી ગયો હતો. સ્નેહને ભારે ધમકી સાથે છોડવામાં આવ્યો.
એક સીધો સાદો માણસ , જે મોબાઈલની દુકાનથી ઘર ચલાવનાર પાંચ પાંચ ખૂન અને કરોડોની લૂંટથી હબક ખાઈ ગયો હતો. કોઈ દોસ્તની ગર્લફ્રેન્ડ માટેનું બહાનું કાઢી જીવણ સીમકાર્ડ લઈ ગયો હતો. બહાર આવી સ્નેહે કુળદેવી ને યાદ કર્યા અને સોંગન્ધ લીધા કે તે ક્યારેય આવી રીતે સીમકાર્ડ નહિ વેચે અને જીવણ જોડે કોઈ સબંધ નહિ રાખે...
(ક્રમશ:)
01 જૂન 2020