"યાર માર્ક, મારે મારા દાદાને એરશુઝ ભેટ આપવા છે. આ એરશુઝના કારણે જીવન જીવવામાં કારણે કેટલી સરળતા પડે છે. પગમાં પહેરી લો અને ઉડીને સીધા સ્કૂલે પહોંચી જાઓ. પાછા ઉડીને એક ક્લાસરૂમમાંથી બીજા ક્લાસરૂમમાં પણ જઇ શકાય અને સ્કૂલેથી પાછા ઉડીને ઘરે આવી શકો અને રાત્રે મિત્રોને મળવા માટે ઉડીને એના ઘરે પણ જઇ શકો અને તોય થાક ના લાગે. આટલી સરસ લેટેસ્ટ અને આધુનિક સુવિધા હોવા છતાં મારા સુજલદાદા ગાર્ડનમાં ફરવા ચાલતા-ચાલતા જાય છે. એમને તો મારું આ નામ પણ ગમતું ન હતું. એ તો મારું નામ શુભમ પાડવા માંગતા હતાં પણ પપ્પા મમ્મીએ કહ્યું કે 'હવે તો આજના યુગમાં આવા નામ જ પાડવામાં આવે છે અને આવા જ નામો લેટેસ્ટ ફેશનમાં છે.' અમેરિકન લોકો જેવા નામ પાડવાનું આપણા ઇન્ડિયામાં ટ્રેન્ડ ચાલતો હોય એવા ટાઇમે શુભમ નામ કેવું લાગે? સારું થયું પપ્પા મમ્મીએ મારું નામ શુભમ ના પાડ્યું અને લેટેસ્ટ ફેશન પ્રમાણે મારું નામ જેક પાડ્યું." જેકે પોતાના મનની વાત પોતાના મિત્ર માર્કને હવામાં ઉડતા ઉડતા કહી હતી.
બંન્ને મિત્રો વાત કરતા કરતા સ્કૂલે પહોંચ્યા ત્યારે સ્કૂલના બધાં જ છોકરાઓ હવામાંથી નીચે જમીન ઉપર ઉતરી રહ્યા હતાં.
"માર્ક, મારા દાદાજી કહેતા હતાં કે એ જ્યારે નાના હતાં ત્યારે સ્કૂલ બેગ લઇને ભણવા જવું પડતું હતું અને એમાં કેટલીયે ચોપડીઓ અને નોટોનો ભાર રહેતો હતો. દર વર્ષે પરીક્ષાઓ પણ આપવાની રહેતી હતી અને પરીક્ષામાં પાસ ના થાઓ તો તમને એના એ જ ધોરણમાં રાખવામાં આવતા હતાં. કેવી નવાઇની વાત છે! આવું થતું હશે ખરું? આપણે તો ખાલી ટેબલેટ લઇને આવવાનું અને રોજ નવું શીખી અને ઘરે જવાનું અને આપણે આપણી જે મરજીની લાઇન લેવી હોય એ મરજીની લાઇન લઇ એમાં ભણતર પૂરું કરી અને પછી આપણે જે ભણ્યા હોઇએ એ લાઇનનું કામ કરવાનું હોય. 2020માં મારા દાદાજીની ઉંમર વીસ વર્ષની હતી. એમના જમાનામાં તો પેલી HDની ઓલ્ડ ટેક્નોલોજીમાં બનેલા મુવી જોતા હતાં. એ કહેતા હતાં કે એ વખતે સલમાનખાન, શાહરૂખખાન, આમિરખાન એમના ફેવરીટ સ્ટાર હતાં. કેટલું બોરીંગ કહેવાય નઇ? જ્યારે અત્યારે આપણે રણવીરકપુરના પુત્ર રાજવીર કપુરના ફેન છીએ. એના પિતા પણ એક્ટર છે. એમને પણ એ સમયે ઘણાં પિક્ચરોમાં કામ કર્યું હતું." જેકે પોતાના ક્લાસમાં જતાં જતાં માર્કને કહ્યું હતું.
"તારા દાદાજી પણ અજીબ વાતો કરે છે. જેને સાયન્સ જોઇતું હોય એને ટકા ઓછા હોય તો એ સાયન્સ ના ભણી શકે. અત્યારે 2060માં તો જેને જે લાઇન જોઇતી હોય જેવી જોઇતી હોય બધી જ તરત મળી જાય. લાઇન લીધા પછી તમારે ભણવાનું શરૂ કરવાનું હોય અને એમાં તમારે પ્રેક્ટીકલના આધારે તમને માર્ક્સ મળે અને તમે આગળ વધતા જાઓ. નાપાસ કરવાની વાત તો હવે ક્યાં છે? મારા દાદા પણ આવી જ બધી વાતો કહેતા હોય પણ મારા મગજમાં તો ઉતરતી નથી. મારા દાદા 2020માં કોઇ એક્ટીવા નામનું સ્કૂટર લઇ વીસ કિલોમીટર દૂર જોબ માટે જતા હતાં અને મારા દાદા તો કોઇ દિપીકા પાદુકોણ નામની હિરોઇનના ફેન છે. મારા દાદાની એક્ટીવાવાળી વાત તો મને ખોટી હોય એવું જ લાગે છે." માર્કે પણ જેકને પોતાના દાદાની વાત કહી હતી.
બંન્ને જણ ક્લાસરૂમમાં દાખલ થઇ ગયા અને પોતપોતાની ચેર ઉપર બેસી ગયા. ચેર પર જ મુકેલા કોમ્પ્યુટરમાં જેણે જે વિષય લીધો હોય એ પ્રમાણેના વિષયો ભણાવવા માટે ટીચરો ઓનલાઇન આવવા લાગ્યા. દરેક જણ પોતાના કાનમાં હેડફોન ભરાવીને પોતાનું લેક્ચર સાંભળતા હતાં અને ટેબ્લેટમાં એના રીલેટેડ માહિતીને ટપકાવી રહ્યા હતાં. ત્રણ કલાકમાં સ્કૂલ પતાવી બંન્ને જણ એરશુઝના માધ્યમથી પાછા હવામાં ઘરે પાછા જઇ રહ્યા હતાં.
"માર્ક, તું ઘરે જઇ તૈયાર થઇ જા અને નાસ્તો કરીને પાછો આવ ત્યાં સુધી હું દાદાજીના એરશુઝ માટેનું માપ લઇ લઉં છું. પછી આપણે શોરૂમમાં જઇ એમના માટે એરશુઝ ખરીદીને લાવીએ. તું ઘરે જલ્દી જઇ અને જલ્દી પાછો આવી જજે." જેકે માર્કને સૂચના આપતા કહ્યું હતું.
"અરે યાર માપ લઇને એરશુઝ ઓનલાઇન મંગાવી લેને. એના માટે શોરૂમમાં જવાની ક્યાં જરૂર છે? શોરૂમમાં જઇશું તો શોરૂમવાળાને લાગશે કે આપણે ઓલ્ડ ફેશન છીએ. જે વસ્તુ ઘરેબેઠા મળી જતી હોય એના માટે રોબોટથી ચાલતા શોરૂમમાં જઇને શું ફાયદો થાય?" માર્કે જેકને કહ્યું હતું.
"યાર માર્ક, મારા દાદાજી ખૂબ જ ઓલ્ડ ફેશનના છે. હું કોઇપણ વસ્તુ એમને ઓનલાઇન મંગાવવાનું કહું છુંને તો એ ભડકી જાય છે પણ મારા મમ્મી પપ્પા લેટેસ્ટ પદ્ધતિથી વાકેફ છે. માટે કોઇ ખાસ વાંધો આવતો નથી. જો દાદાનું ચાલે તો મને નાનામાં નાની વસ્તુ શોરૂમ ઉપર લેવા માટે મોકલે. હું એમને એવું કહીશ કે એરશુઝ હું શોરૂમમાં જઇને લઇ આવીશ તો જ એ એમના પગનું માપ આપશે." જેકે માર્કને સમજાવતા કહ્યું હતું.
"હા સારું...." માર્કે માત્ર ટૂંકો જવાબ આપ્યો હતો.
જેક જ્યારે ઘરના બગીચામાં ઉતર્યો ત્યારે એના સુજલદાદા બગીચામાં છોડોને પાણી પીવડાવી રહ્યા હતાં.
"દાદાજી, મારે તમારા પગનું માપ લેવું છે. તમારા માટે મારે એરશુઝ લાવવા છે. જુઓને તમારા કરતા પણ ઉંમરલાયક લોકો હવે હવામાં ઉડીને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને તમે અહીંથી પાંચસો મીટર આવેલા ગાર્ડનમાં ચાલતા ચાલતા જાઓ છો. તમારી આ તકલીફ મારાથી જોવાતી નથી, દાદાજી." જેકે એના દાદાજીને કહ્યું હતું.
પૌત્રની વાત સાંભળી સુજલભાઇ હસવા લાગ્યા હતાં.
"અરે દીકરા, 2020માં જ્યારે હું વીસ જ વર્ષનો હતો ત્યારે અમે લોકો પરીમલ ગાર્ડનમાં ચાલીને પાંચ રાઉન્ડ લગાવતા હતાં. વીસ વર્ષની નાની ઉંમરે મને ડાયાબીટીસ આવી ગયો હતો. એના કારણે મારા લગ્ન પણ થતાં ન હતાં. આ તો તારા દાદીના અને મારા નસીબમાં લગ્નનો મેળ લખ્યો હશે ત્યારે પચ્ચીસ વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. હું સત્યાવીસ વર્ષનો હતો ત્યારે મને અમેરિકાની મોટી કંપનીમાં જોબ મળી પરંતુ મારા માતાપિતા એટલેકે તારા ગ્રેટગ્રાન્ડફાધર અને મધર બંન્ને ઉંમરલાયક હતાં એટલે એમને છોડીને હું અમેરિકા પણ ના ગયો અને અમદાવાદ શહેરમાં રહ્યો. અમદાવાદ શહેરને 2020માં તે જોયું હોત તો તને નવાઇ લાગત. અત્યારે જેમ હવામાં તમે લોકો જતા હોવ છો ત્યારે તમને ઘણીવાર ટ્રાફિક નડતો હોય છેને એવી રીતે એ વખતે રસ્તાઓ ઉપર ટ્રાફિક નડતો હતો. રસ્તાઓ આટલા ખાલી ન હતાં. જેમ અત્યારે ઇલેક્ટ્રીક ગાડીઓ દોડી રહી છે ત્યારે પેટ્રોલથી ચાલતી ગાડીઓ હતી અને એ પણ પ્રદૂષણ ફેલાવતી હતી છતાં અમે આનંદથી અને ખુશીથી જીવતા હતાં. પ્રેમ હતો, લાગણી હતી, સંવેદના હતી. ચાલવાથી પગની અંદર જમીન સાથે તમારું જોડાણ થાય છે અને એનો આનંદ કંઇક અનેરો હોય છે. તું પંદર વર્ષનો થયો પરંતુ તું જમીન પર ઓછું અને હવામાં જ વધારે ઉડ્યો છે. આ તો અત્યારે 2060માં સાયન્સની શોધ એટલી સારી થઇ છે કે એક ગોળી લો અને ડાયાબીટીસ મટી જાય નહિતર તારા દાદા આ દુનિયામાં જીવતા પણ ના હોત. 2050માં થયેલી આ દવાના સંશોધને તારા દાદાને જીવનદાન આપ્યું છે. બસ આટલો ફાયદો આજના આધુનિક યુગનો છે. બાકી આજની આ આધુનિક દુનિયાની જેમ એ વખતે પણ આધુનિક દુનિયા હતી. એ વખતે પણ ડીજીટલ દુનિયા હતી. પણ અત્યારે તો આધુનિકતામાંય ઓર આધુનિકતા આવી ગઇ છે. પરંતુ ઘરેથી ગાર્ડન સુધી ચાલતા જવામાં અને ગાર્ડનમાં ચાલવામાં જે આનંદ આવે છેને એ તું એકદિવસ તારા એરશુઝ બાજુમાં મુકી મારી સાથે ચાલતા ચાલતા ગાર્ડન સુધી આવ, તને બહુ જ આનંદ આવશે." સુજલભાઇએ હસતાં હસતાં પૌત્રને સમજાવતા કહ્યું હતું.
"દાદા, પાંચસો મીટર ચાલવાનું? હું તો ઘણીવાર મારા બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમમાં પણ આ એરશુઝમાં આવું છું." જેકે પરીમલ ગાર્ડન સુધી ચાલતા આવવાની ના પાડતા કહ્યું હતું.
પૌત્રની વાત સાંભળી સુજલભાઇ ખડખડાટ હસવા લાગ્યા હતાં.
"તારી ઇચ્છા ખૂબ છે અને તું મહિનાથી પાછળ પડ્યો છે તો ચાલ મારા પગના એરશુઝનું માપ હું તને આપું પરંતુ મારી એક શરત છે. એ શરત તને મંજૂર હોય તો જ હું તને મારા એરશુઝનું માપ લેવા દઉં. બોલ મંજૂર?" સુજલભાઇએ પૌત્રને પોતાની શરતમાં ફસાવતા કહ્યું હતું.
"હા મંજૂર છે, દાદાજી. તમે એરશુઝમાં હવામાં ઉડો એ જોવાની મારી ખૂબ ઇચ્છા છે. માર્કના દાદાજી તો એરશુઝ વગર કશે જતાં જ નથી અને તમે આજના આધુનિક સમયમાં એરશુઝ એક પણ વાર પહેર્યા નથી. તમને મારે એરશુઝ કોઇપણ સંજોગોમાં પહેરાવવા છે. માટે તમે જે કહેશો એ કરવાની મારી તૈયારી છે. તમે જે કહેશો એ શરત તમારી મને મંજૂર છે." જેકે દાદાની શરતને કબૂલ મંજુર કરતા કહ્યું હતું.
"ચાલ તો પછી મારી સાથે એરશુઝ બાજુમાં મુકી દે અને સ્લીપર પહેરી અને પરીમલ ગાર્ડન સુધી ચાલવા આવ." સુજલભાઇએ જેકને પોતાની શરતના ચક્રવ્યૂહમાં ફસાવતા કહ્યું હતું.
"અરે દાદાજી, પાંચસો મીટર ચાલતા ચાલતા પરસેવો થઇ જશે. થાકી જવાશે. મલ્ટી વિટામિનની બે ગોળીઓ સાંજે વધારે લેવી પડશે અને આજે મારે સાંજે ડીનર કરવા માટે નવી ઓપન થયેલી એક રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જવાનું છે." જેકે આનાકાની કરતા કહ્યું હતું.
"તો પછી મને એરશુઝ પહેરાવવાનું સપનું પણ તું ભૂલી જા. મારે નથી પહેરવા તારા એ એરશુઝ. હું મારી આ ચંપલ સાથે ખુશ છું." સુજલભાઇએ પણ પૌત્રની સામે ત્રાગુ કરતા કહ્યું હતું.
"ચાલો દાદાજી, ચાલતા ચાલતા ગાર્ડનમાં જઇએ." છેવટે હાર માની જેકે કહ્યું હતું.
જેક અને સુજલભાઇ બંન્ને ચાલતા ચાલતા પરીમલ ગાર્ડનમાં પહોંચ્યા. જેક એના જીવનમાં પહેલીવાર આટલું ચાલ્યો હતો. ચાલવામાં એને ખૂબ આનંદ આવી રહ્યો હતો. એ જ્યારે ચાલતો ત્યારે એના પગ અને જમીન વચ્ચે કોઇ અલગ જ સંવેદના અલગ જ ચુંબક જમીન સાથે જોડાઇને ચાલવાના કારણે એને લાગતું હતું. બંન્ને ચાલતા ચાલતા ગાર્ડનમાં પહોંચ્યા હતાં. ગાર્ડનમાં પણ ઘણાં લોકો એરશુઝથી ઉડી રહ્યા હતાં અને ઘણાં એરશુઝ પહેરી અને ગાર્ડનમાં ઉતરી રહ્યા હતાં.
જેક અને સુજલભાઇ ગાર્ડનમાં આંટો મારવા લાગ્યા.
"દીકરા જેક જો, તું અહીંયાથી સામે સો મીટર દોડીને જા. તને દોડવાની ખૂબ મજા આવશે. આ સ્લીપર કાઢીને બાજુમાં મુકી દે અને ગાર્ડનની આ માટીમાં તું દોડ. થોડુંક દોડ અને પછી પાછો આવ તને બહુ જ મજા આવશે. મેં તો આવું બહુ બધી વાર કર્યું છે." સુજલભાઇએ પૌત્ર જેકને કહ્યું હતું.
જેકને પણ હવે ચાલવાની મજા આવી રહી હતી. દોડવાનો આનંદ લેવાની પણ એને ઇચ્છા થઇ. દાદાની વાત સાંભળી જેક દોડ્યો. દોડતા દોડતા એના શરીરે પરસેવો થવા માંડ્યો પણ એને ખૂબ મજા આવતી હતી. જેક દોડી અને પાછો સુજલભાઇ પાસે આવ્યો.
"દાદાજી, ખૂબ મજા આવી ગઇ. હું પંદર વર્ષનો થયો પણ પહેલીવાર હું દોડ્યો હોઇશ. દોડવાનો મેં ખૂબ આનંદ લીધો." જેકે ખુશ થતાં થતાં સુજલભાઇને કહ્યું હતું.
"દીકરા જેક અમારા સમયમાં તો દોડવા માટેની પ્રતિયોગિતા યોજાતી હતી અને અમદાવાદ જેવા શહેરમાં લોકો ચાલતા ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હતાં. હવે તો આપણા ત્યાં જે પોસ્ટમેન આવે છે એ પણ એરશુઝ પહેરીને આવે છે. 2020માં જિંદગી જે હતી એના કરતા આખી બદલાઇ ગઇ છે. પરંતુ એ જિંદગીની મજા કંઇક અલગ હતી. એની રોનક એનો આનંદ કંઇક અલગ હતો. એ જીવનમાં પીડાઓ હતી પરંતુ પીડા સાથે જીવવાની એક મજા હતી. આજની જિંદગીમાં તો કોઇ રસકસ નથી. બધું જ હાથવગુ અને સરળ છે. પ્રેસરની એક ગોળી ખાઓ તો લાઇફલોંગ માટે પ્રેસર ના આવે. ડાયાબિટીસની એક ગોળી ખાઓ એટલે લાઇફલોંગ માટે ડાયાબિટીસ ના આવે. આવા ફાયદા પણ આ આધુનિક યુગને જ આભારી છે. અમદાવાદથી મુંબઇ જવું હોય તો પણ તમે એરશુઝ પહેરી અને જઇ શકો એવા એરશુઝ મળે છે. ખાવા માટે તમે એક અડધી રોટલી ખાઓ તો તમારું પેટ ભરાઇ જાય. અમે તો પાંચ-પાંચ રોટલી, બે શાક, દાળ, ભાત ખાતા ત્યારે અમારું પેટ ભરાતું હતું." સુજલભાઇએ ભૂતકાળને યાદ કરતા કરતા પૌત્ર જેકને કહ્યું હતું.
"Oh my God, પાંચ-પાંચ રોટલી! હું ચાર રોટલી તો કુલ મળીને અઠવાડિયામાં ખાઉ છું. તમારી ઘણી વાતો તો દાદાજી મને સમજમાં જ નથી આવતી. પરંતુ મેં તમારી શરત માની લીધી, હવે તમારે પણ મારી વાત માનવી પડશે. તમારા પગનું માપ મને ઘરે જઇને આપી દો. જેથી હું તમારા માટે એરશુઝ લાવી શકું." જેક એરશુઝની વાત ઉપર ટકેલો હતો.
"હા, ચાલ ભાઇ ચાલ... તારી જીદ પણ પૂરી કરી લઇએ અને હા, મારા એરશુઝની સાથે તારા દાદીના એરશુઝનું પણ માપ લઇ લેજે. નહિતર પાછી એ મારી જોડે લડશે કે તમારા એરશુઝ મંગાવી દીધા અને મારા નહિ." સુજલભાઇ અને જેક હસતાં હસતાં ગાર્ડનની બહાર નીકળ્યા હતાં.
- ૐ ગુરુ