કૃષ્ણ પક્ષની આઠમ. રઘલાંની આંખો તારાથી ખીચોખીચ ભરેલા આકાશ સામે જોઈ રહી હતી. “આકાશમાં ચંદ્ર ન હોય ત્યારે તારાઓ કેટલા સ્પષ્ટ દેખાઈ છે!” રઘલાનું મન વિચારોમાં અટવાયું હતું. “આ વિજ્ઞાનના સાહેબ તો કહેતા હતા કે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી હોતો, જ્યારે તારાઓ સ્વયં પ્રકાશિત છે. છતાં ચંદ્રના પ્રકાશમાં બિચારા તારાઓ કેવા ઝાંખા ઝાંખા લાગે! વળી સાહેબ કહેતા હતા કે ચંદ્ર દેખાઈ એવો રૂ જેવો પોચો પોચો કે સફેદ નથી. એમાં પણ ઉબડખાબડ જમીન છે. ખબર નહિ આ ચંદ્ર તો પણ આકાશમાં પોતાનું રાજ જમાવીને કેમ બેઠો હોય? આજે ચંદ્રનો પ્રકાશ મારી આંખમાં નથી પડતો તો ઊંઘ પણ કેવી સારી આવશે!” રઘલાના મનમાં એક પછી એક વિચારો વાદળાં ની જેમ આવતા જતા હતા.
“શીતળ ઍની છાયા,
શીતળ એની કાયા
ચંદ્ર જેવું કોઈ ના,
પ્યારા એના પડછાયાં,
દૂધ જેવી ધારા એની પૃથ્વીને અજવાળે,
ચાંદનીના પ્રિતિબિંબે
બાળક પણ હરખાયા..
શીતલ એની છાયા…”
માધવી ટીચર એક દિવસ વર્ગખંડમાં આવું કંઇક ગાતા હતા. એને તો ચાંદો બોવ ગમે. રઘલો મનમાં જ હસી રહ્યો. “તે ખરેખર આ ચાંદો કેવો હશે? વિજ્ઞાનનાં સાહેબ કહે છે એવો કે આ માધવી ટીચર કહે છે એવો? કાલે માધવી ટીચરને જ પુછી લઈશ. સાહેબને પૂછીશ તો કૈંક આવું કહેશે.. “તારે જાણીને શું કરવું છે? બંગલો બાંધવો છે ન્યા? છાનોમુનો ભણવા મંડને” પણ માધવી ટીચર…. માધવી ટીચર તો પેલા માથે હાથ ફેરવશે." રઘુને જાણે અત્યારે જ એ સુંવાળો હાથ માથે ફરતો લાગ્યો અને એ ગાઢ ઊંઘમાં સરી પડ્યો.
પરોઢિયે સુરજ ઉગે એ પહેલાં રઘલાની આંખ ખુલી ગઈ. આંખ ખુલતાં જ આઠમનો ચંદ્ર આંખમાં સમાઈ ગયો. રઘલાને અત્યારે આ ચંદ્ર માધવી ટીચરની કવિતા જેવો લાગ્યો. રઘલાના મોઢા પર સ્મિત ફેલાઈ ગયું અને તે બેઠો થયો. દાતણને હાથમાં લઈને એ દોડતો દોડતો કાકાના ડેલા પર પહોંચી ગયો. ડેલાને ઓટલે બેઠેલાં કૂતરાને પગેથી ઉઠાડીને રઘલાએ પોતાની જગ્યા ખાલી કરવા કહ્યું. “હાલ હાલ.. ઉભો થા,તારી જ્ગ્યાએ જા.” એવું રાઘલાએ કહ્યું કે કૂતરું પણ માથાકૂટ કર્યા વિના આગળ જઈને રેકડી ઉપર ચડી ગયું. જાણે રઘલાને કહેતું હોય કે લે તારા કરતાં ઊંચા પદ પર બેસી ગયું. પણ રઘલાનું ધ્યાન તો ક્યારે આ ડેલો ખુલે ને પોતે અંદર જાય એના વિચારમાં મસ્ત હતું. એ ઓટલાને અઢેલીને બેસી ગયો. આંખો બંધ કરીને દાંતણ કરવા લાગ્યો.
“ રવિવાર આવ્યો નથ ને તેં આ ભૂરિયાને બહાર કાઢ્યો નથ. રોયજ તો પડ્યો રે'છ તારી નિહાળે, તે રવિવારે શું લેવાને દાતણ કરતો કરતો દર્શન દે સે? ન્યાં કને જ રેતો હોય તો! મારો ડેલો વિખવા આવી જા સો!”
રઘલો આમ તો કાકાના આ શબ્દોથી ટેવાઈ ગયો હતો. આમ છતાં એના એક એક શબ્દ રઘલાંને માથામાં વાગતા. પણ સામે બોલાયેલો એક પણ શબ્દ રઘલાને ઘરની વાટ પકડાવી દેશે એ રઘલો જાણતો હતો એટલે એ મૌન જ રહેતો. અને ક્યારે કાકા ડેલો ખોલે એની વાટ જોતો રહેતો.
ડેલો ખૂલતો ને તેની અંદર રહેલું અંધારું રઘાલાને એના જીવનમાં રહેલા અંધારા જેવું લાગતું અને તે જલ્દીથી લાઈટ શરૂ કરી દેતો અને પાછળનો દરવાજો ખોલી નાખતો. બહાર રહેલું પાટીયું ખીલીએ લગાડતો. “કિસ્મત ભંગારનો ડેલો.” રઘલાને ખરેખર આ પોતાની કિસ્મતનો ડેલો લાગતો,જે ખુલતા જ પોતાનું નસીબ ખૂલતું હોય એમ રઘલો અનુભવતો.
ભુવાકાકાને દર રવિવારે એ પ્રશ્ન થતો કે આ છોકરાને શું દેખાતું હશે આ ભંગારના ડેલામાં? બસ એ એટલું જાણતા કે આ છોકરો હમણાં સામે રહેલા ઢગલા પાસે બેસશે અને ત્રણ ચાર કલાક મથશે, પછી અલ્લાદિનનો ચિરાગ મળી ગયો હોય એમ ખુશ થતો થતો આવશે અને કહેશે “ભુવાકાકા એક કોથળી હોય તો આલોને” આ કાગળના થોથાં ને વળી કોથળીમાં શું મુકવાના?
ભુવાકાકાની આ બધી અવળી સવળી વિચારસરણી પર કાપ કેમ મુકવો એ રઘલો બરાબર જાણતો હતો. “કાકા ચા પીવી સે?” આ એક વાક્ય કાકાના કાનમાં પડતું અને કાકાની બધી સંવેન્દ્રિયો સાથે સળવળી ઉઠતી. એના કાનમાં ચા શબ્દ સાથે ન બોલાયેલો એવો ગાંઠિયા શબ્દ પણ સંભળાતો. એના નાકમાં મરચાની તીવ્ર સુગંધ પહોંચી જતી. એનો હાથમાં ચાની વરાળ સ્પર્શી જતી. જીભમાંથી તો લાળ ટપકવાની તૈયારી હોય ત્યાં જ એની આંખોને તૃપ્ત કરે એવું દ્રશ્ય એની સામે આવી જતું. રઘલો ઉતાવળે ચાલતો એક હાથમાં કપ ને એક હાથમાં ડીશ લઈને આવતો હોય. વળી ભુવકાકાને ખબર કે રઘલાને ચા કે ગાંઠિયા આ બેમાંથી કશુંયે ગળે ન વળગે. એને તો આ છાપાના ચોપાનિયાં મળે એટલે છપ્પન ભોગ. એટલે એ ક્યારેય ચા નાસ્તામાં ભૂવાકાકાનો સાથ ન આપે જે ભુવાકાકાને માટે રવિવારના સૌથી સારા સમાચાર હોય.
ભુવકાકાના ટેબલ પર ચા અને ગાંઠિયા ગોઠવાઈ જાય એટલે ભુવકાકાની જીભને અગત્યનું કામ આવી પડે ને રઘલો એક પણ ક્ષણ બગડ્યા વગર કટાયેલા લોખંડના ઘોડા પાસે પલાઠી વાળીને બેસી જાય. રઘલાની આખા અઠવાડિયાની ભૂખ જાણે એકસામટી ટુટી પડી હોય એમ એ પસ્તીના ઢગલામાં ખોવાઈ જાય.
પસ્તી. કેટલાક ધૂળવાલા પીળા પડી ગયેલા અને કેટલાકમાં હજુ કેમિકલની વાસ આવતી હોય એવા કાલનાં જ એમ મિશ્ર છાપાંઓના થપ્પા. દુનિયા માટે જે વાસી સમાચાર છે, પડીકા બાંધવા માટે અને કચરો ભરવા માટેનો અને અંતે ફેંકી દેવાનો એક મામૂલી કાગળ છે, દુનિયા માટે જે પસ્તી છે એ રઘલા માટે એક પચરંગી દુનિયા છે. આ દુનિયા એને કઈ દુનિયામાં લઈ જતી હશે એ તો બસ રઘલો જાણે ને જાણે એની પસ્તી….
Continue......