Witch one ?? - (Part 4 Misunderstanding) in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | વીચ one?? - (પાર્ટ 4 ગેરસમજ )

Featured Books
Categories
Share

વીચ one?? - (પાર્ટ 4 ગેરસમજ )

ત્યાંજ પાછળથી રોઝનો અવાજ આવ્યો, "સુલતાન."

"ખોટું બોલી તું?" સુલતાન ગુસ્સામાં બોલી રહ્યો.

"મને સમજાવવાનો મોકો તો દો." રોઝની આંખો ભીની થઇ ગઈ. સુલતાન ઉભો થઈને ત્યાંથી સડસડાટ નીકળી ગયો. રોઝ નિર્વસ્ત્ર દેહ પર ચાદર લપેટીને દરવાજેથી સુલતાનને રોકવાના પ્રયાસો કરવા લાગી પણ સુલતાન દરેક અવાજને નજરઅંદાઝ કરતો ઘોડાની જેમ દોડવા લાગ્યો.

સુલતાનની આંખોમાંથી અનરાધાર આંસુઓ વહી રહ્યા હતાં. તે વારેવારે તેનાં લાલ થઇ ગયેલા નાક પર હાથ ફેરવીને આંસુ લુછ્યા કરતો હતો. રોઝનાં ઘરેથી ઘણે આગળ નીકળી ગયાં બાદ સુલતાન એક ઝાડ પાસે ટેકો દઈને નીચે બેસીને જોરજોરથી રડવા લાગ્યો.

*************************

આ તરફ રૂકસાના આગળ પાછળ ચાલી રહી હતી. તેને સુલતાનની યાદ આવી ગઈ. સાથે જ એક ન સતાવે એવો ડર તેનાં દિલની ઘભરાહટને વધુ બેચેન કરી રહ્યો હતો.

"રૂકસાના, આપ ખાના બનાઓ. રહીમ લાકડા લઈને આવી ગયાં છે." નગ્માએ નિરસ અવાજે કહ્યું.

"અમ્મી, સાચ્ચેમાં આપા ખોઈ બેઠા છો આપ. અર્શી ગુમ થઇ ગઈ છે એને શોધવાની જગ્યાએ તમને ખાના બનાવાની પડી છે." રૂકસાના જોરજોરથી બરાડી ઉઠી. તેનાં અવાજથી જંગલમાં રહેલાં ઘટાદાર વૃક્ષોમાંથી તેનો જ અવાજ પડઘાઈ ઉઠ્યો.

"ચૂપ રહો રૂકસાના, એક અલ્ફાઝ નહીં. આપ એક નાદાન બચ્ચી છો. આપ એક માઁની પીડા ક્યાંથી સમજી શકો. માઁ માટે બધા બચ્ચા સરખાં જ હોય છે. અર્શી હવે નથી રહી પણ આમિર છે, આપ છો અને સુલતાન...."

"આમિર આમિર આમિર આમિર બસ આમિર, આપને એની સિવાય કોઈ દેખાયું છે કયારેય. આમિરને જ છાતીએ વળગાડો." આટલું કહી રૂકસાના ચાલતી ચાલતી જંગલ તરફ ચાલવા લાગી.

રહીમ આ બધું જોઈને પણ ચુપચાપ પાગલ બનીને બેસી રહ્યો હતો. રહીમ ઉભો થઈને નગ્મા પાસે આવ્યો.

"નગ્મા, આપે મને ખૂબ પ્રેમ આપ્યો પણ બદલામાં મેં આપને દુઃખ જ આપ્યું છે. ખ઼ુદા મને નહીં બક્ષે. મારી હિંમત હવે તૂટી ગઈ છે. જીવવાની ઉમ્મીદ મરી પરવારી છે. બસ આપથી એક આશ છે કે આપ બચ્ચાઓનો ખ્યાલ રાખશો." રહીમ રોતા રોતા હાથ જોડીને બોલી રહ્યો.

નગ્મા પણ સૂનમૂન બેસીને આ બધું જોઈ રહી હતી. તેને સમજમાં નહોતું આવતું કે તે રહીમની વાતોનો શું જવાબ દે. ખરેખર તો તેનાં કાનોમાં રહીમનો અવાજ જ નહોતો પહોંચતો. તેને માત્ર રૂકસાનાનો બોલવાનો અવાજ જ કાનોમાં પડઘાઈ રહ્યો હતો.

રહીમ ત્યાંથી ઉભો થયો. જંગલી બોરડીના ડાળખા પાસે જઈને તેની ડાળી ઉપાડી. આટલું કરતાં જ તેનાં હાથોમાં કાંટા વાગવાથી લોહી પડવા લાગ્યું. લોહીની ધાર ટપ ટપ કરતી નીચે જમીન પર પડી રહી હતી. રહીમ ચિલ્લાઈ ઉઠ્યો. નગ્માનું ધ્યાન રહીમની ચીસ તરફ ગયું. તે ઉભી થઈને રહીમ તરફ દોડી પણ ત્યાં સુધીમાં તો રહીમે તે કાંટાળી ડાળી લઈને પોતાનાં હૃદય સોંસરવી ઉતારી દીધી.
એ સાથે જ નગ્મા જોરથી ચીસ પાડી ઉઠી. રહીમ પણ અંતિમ ક્ષણોની પીડામાં કારમી ચીસ પાડી ઉઠ્યો જે આખા જંગલમાં ગુંજી રહી. રહીમની આરપાર થયેલા કાંટા સાથે જ તે નીચે જમીન પર ફસડાઈ પડ્યો. લોહીનાં છાંટા નગ્માનાં ચહેરાં ઉપર પણ અંકાઈ ગયાં.

નગ્માને બે ઘડી તો સમજ જ ના પડી કે આ બધું તેની સાથે શું થઇ ગયું! તે આ હકીકતને કાલ્પનિકતાનું સ્વરૂપ માનવા ઇચ્છતી હતી પણ આંખો ખોલ્યા બાદ પણ તે નજારો પોતાની સાક્ષી પૂરતો હતો. આમિર બાળસહજ નગ્મા પાસે આવ્યો.

"અમ્મી...." આમિરે પાછળથી ઉભા રહેતાં કહ્યું.

"આમિર... મારાં બચ્ચા!" આટલું કહી લોહીથી રંગાયેલ નગ્મા આમિરને ગળે વળગીને રોવા લાગી. આમિરને સમજ નહોતું આવતું કે આ બધું શું થઇ રહ્યું હતું. તેણે નગ્માને દૂર કરતાં કહ્યું, "અમ્મી, આ જંગલમાં કોઈ રહે છે. તે રાતે પણ આવી હતી. તમારી પાસે જ બેઠી હતી. પછી ઉભી થઈને અર્શીને લઈ ગઈ."

નગ્માનું આમિરની વાત સાંભળીને રડવાનું રોકાઈ ગયું.

"આપે જોયું હતું આમિર??" નગ્માએ આમિરની સામું જોતાં પૂછ્યું.

"અમ્મી, મેં ચહેરો નથી જોયો. હું ડરી ગયો હતો એટલે મેં કોઈને કીધું નહીં. મને માફ કરી દો અમ્મી." આમિર ડરતાં ડરતાં બોલ્યો.

"આમિર, આપ ખેલો. આપ આ વાત કોઈને ન કરશો. અમ્મી હમણાં આવશે." આટલું કહી નગ્મા ઉભી થઇ અને જંગલ તરફ ચાલવા લાગી.

નગ્માનાં પગ એક એક ડગ માંડતા હતાં ને તેની ધડકનો વધુ તીવ્ર ગતિએ ધડકી રહી હતી. ચીબરીઓનો અવાજ વધતો જતો હતો. રાત તો જંગલમાં કાયમ રહેતી જ હતી પણ હવે જંગલની બહાર પણ ધીરે ધીરે અંધારું પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યું હતું. ઝાલરટાણે આકાશમાં લાલાશી છવાઈ હતી. નગ્માનો ચહેરો લોહી કરતાં આકાશના લાલાશ પડતાં કિરણથી વધુ ઘેરો લાગતો હતો.

કાળા લીબાસમાં નગ્મા આંખોમાં અનોખા તેજ સાથે ચાલી રહી હતી. આગળ તળાવ આવતાં જ તે પોતાનાં કાળા લીબાસને ત્યાંજ કાઢીને તળાવના ઠંડા પાણીમાં ધીરે ધીરે પ્રવેશી રહી હતી. સામાન્ય માણસનું કાળજુ ઠરાવી દે એવા પાણીમાં નગ્મા પોતાનાં માથાં સિવાયનો ભાગ ડુબાવી ચૂકી હતી. અંદર મોઢું ડુબોળીને તેણે અંદર તરફ નજર કરી. પાણીમાં તે ફરી તે મકાનમાં જોયેલા દ્રશ્યને જોઈને તેની આંખો પહોળી થઇ ગઈ. તેણે તરત માથું બહાર કાઢ્યું. તેનો શ્વાસ વધુ સમય પાણીમાં અંદર રહેવાને કારણે ચઢી ગયો. નગ્મા ભલે ત્રણ સંતાનોની માતા હતી પણ તેનું યૌવન આજ પણ કોઈ કાચી કળીને શરમાવે એવું હતું.

પાણીમાંથી બહાર નીકળીને તેણે તળાવમાં પડતાં પોતાનાં પ્રતિબિંબ પર નજર કરી. કેટલાય સમયથી ન ઓળેલા વાળના ગુંથાને તેણે નીચે કર્યો. પોતાનાં ઉભરતા હોઠોની લાલિમાને શાંત કરનાર હવે આ દુનિયામાં રહ્યો નથી એ જાણીને નગ્મા આઘાત પામી ગઈ. તેનું ધ્યાન તેનાં લચીને નીચે પડેલા વક્ષસ્થળ પર ગયું. તેને પોતાના અસલી સ્વરૂપને કયારેય સજાવી ન હોવાનો ભારોભાર પસ્તાવો થવાં લાગ્યો. તે ત્યાંથી ઉભી થઈને તે ફરી કાળા લિબાસને ઓઢી લીધું. તે ફરી ત્યાંથી ચાલતી ચાલતી ક્યાંક જવાં લાગી.

રાત હવે સંપૂર્ણ ઘેરી બની ચૂકી હતી. ચામાચીડિયાઓ આખા પ્રદેશમાં પોતાનું આધિપત્ય જમાવતા ઉડાઉડ કરી રહ્યા હતાં. બધા ચામાચીડિયા જાણે નગ્માને પરેશાન કરવાના હેતુથી તેને અડી અડીને અથવા તો તેને હેરાન કરી કરીને જઈ રહ્યા હતાં. કુતરાઓ પણ હવે નગ્માને જોઈને જોરજોરથી ભસી રહ્યા હતાં. દૂરથી જંગલી પ્રાણીઓનાં અવાજ વાતાવરણને વધુ ભયાનક બનાવતા હતાં પણ નગ્માનાં ચહેરાં પર ડરની એક પણ રેખા નહોતી ખેંચાઈ. તે પોતાની મંઝિલ તરફ અડગ મનથી ચાલતી જતી હતી.

************************

આ તરફ રૂકસાનાને સુલતાનનો રડવાનો અવાજ આવ્યો. રૂકસાના કાન માંડતી એ દિશા તરફ આગળ વધી. તેણે જોયું તો સુલતાન ઝાડનાં થડનાં ટેકે પગ વાળીને માથું તેની પર નાખીને રોઈ રહ્યો હતો.

"સુલતાન, આપ શું કામ રોવો છો. અર્શી બેબી મળી જશે. તમે ના રોશો." રૂકસાનાને સુલતાનનાં રડવાનું સાચું કારણ ન ખબર પડતાં કહ્યું.

"રૂકસાના, ખાલા ક્યાં છે?" સુલતાને રડવાનું રોકીને પૂછ્યું.

"તેઓ ઘર પાસે જ બેસીને રોઈ રહ્યા છે." રૂકસાનાએ જવાબ આપતાં કહ્યું પણ તેને અચાનક સુલતાનનાં મોંઢે નગ્મા વિશે પૂછતાં નવાઈ લાગી. તેણે સુલતાનનો મૂડ સારો કરવાનું વિચાર્યું.

રૂકસાના પોતાનો હાથ લઈને સુલતાનની ઉપર નીચે ફેરવવા લાગી. ત્યાંજ તેને નીચેનાં ભાગે આદ્રતા પકડાતા તેણે તરત હાથ દૂર કરી નાખ્યો.

"આ શું છે સુલતાન??" તેણે સુલતાન તરફ જોતાં પૂછ્યું. તેણે સુલતાનનાં પગ પહોળા કરી તેનો કુર્તો ઊંચો કર્યો. તેનાં પાયજામાં પર લોહીનાં ડાઘ પડ્યાં હતાં. આ જોઈને રૂકસાના વધુ ચિડાઈ ગઈ. એ બધું જોઈને પણ ન સમજે એવી નાદાન નહોતી. તે ઉભી થઇ ગઈ અને સામેની બાજુનાં થડ પાસે બેસીને રોવા લાગી.

"વિશ્વાસઘાત કર્યો આપે સુલતાન. મેં આપની પર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો અને બદલામાં આપે છલ કર્યું."

"મારે આપને એક વાત કહેવી છે." સુલતાન રડતાં રડતાં બોલી ઉઠ્યો.

"પણ મારે નથી સાંભળવી. દફા થઇ જાઓ આપ મારી નજરોથી.."

"પણ રૂકસાના એક વખત -"

"મેં કહ્યું ને દફા થઇ જાઓ. આપની શકલ પણ મને નથી જોવી."

રૂકસાના સુલતાનની વાત સાંભળવા એકની બે ન થઇ. સુલતાન ઉભો થઈને ત્યાંથી ચાલવા લાગ્યો. સુલતાન ચાલતો ચાલતો ફરી રોઝનાં ઘર તરફ જવાં લાગ્યો.

રાતનું ભેંકાર અંધકાર ભય ઉપજાવે એવું હતું. વાતાવરણમાં નીરવ શાંતિ હતી. અવાજ હતો તો માત્ર તમરાઓનો તીણો અવાજ. સુલતાનની મોજડીનો અવાજ સૂકા પાંદડા પર પડતાં જ ખરર ખરર અવાજ શાંત વાતાવરણની શાંતિ હણી રહ્યો હતો. તે રોઝનાં ઘર પાસે આવી ગયો હતો. અંધકારની ચાદર ઓઢેલું તેનું ઘર રાત્રીનાં અંધકારમાં ભૂતિયા હાઉસ જેવું લાગતું હતું. લાકડાનાં ટેકે બનેલાં ઘરમાં દરવાજા પાસે આવીને સુલતાને દરવાજો ખટખટાવ્યો. સામે છેડે રોઝે દરવાજો ખોલતાં સુલતાનને જોયો તો તેનાં ઉદાસ ચહેરાં પર લાલિમા પથરાઈ ગઈ.

"મને ખબર હતી તમે જરૂર આવશો સુલતાન. આવો અંદર આવો." રોઝે સુલતાનનો હાથ ખેંચીને અંદર લીધો.

તે સુલતાનનો હાથ પક્ડીને તેને અંદર રૂમ સુધી ખેંચી ગઈ. સુલતાન પણ રૂમમાં જવાની જગ્યાએ રોઝ જ્યાં પ્રેય કરતી હતી એ રૂમ તરફ જવાં વળ્યો.

"તમે બેસો. હું તમને બધું જ જણાવું છું. એ રૂમમાં રહેલી તાકાતોને જાણ થશે તો આપનો જીવ મુસીબતમાં મૂકાશે." રોઝે તે રૂમમાં ન જવાં માટેની વિંનતી કરતાં કહ્યું.

"મને મોતની પરવા નથી. હું પણ જોવા માંગુ છું કે તું અને તારી આ શેતાની તાકાતો મારું શું બગાડી લેશે." સુલતાન ચહેરાં પર ગુસ્સા સાથે બોલ્યો. તેની આંખોમાં અંગારા ઉતરી આવ્યા હતાં. તેની કથ્થઈ આંખો જાણે હમણાં જ રોઝની આંખોમાં શૂળાની જેમ ભોંકાઈ જશે એવું રોઝને પ્રતીત થયું.

"સુલતાન, ખરેખર હું આપને ચાહવા લાગી છું. તમને ખોવાનો ડર હું ફરી નથી જીવવા માંગતી."

"તમે મને ખોઈ બેઠા છો રોઝ. આ બધું તમારે બપોરે બિસ્તર ગરમ કરતાં પહેલાં સોચવાનું હતું. તમને શું લાગે છે તમારી હુસ્નની જાળમાં ફસાઈ જઉં એવો નાદાન પરીંદો છું હું? તમે મને સમજવામાં થાપ ખાઈ ગયાં. પણ હવે મને તમારી અસલિયત ખબર પડી ગઈ છે. ને હવે મને જરાય ડર નથી."

"સુલતાન, તમે હજુ ભૂલ કરી રહ્યા છો મને સમજવામાં. ઘણી વખત નજરે જોયેલું સત્ય સાચા સત્યથી ઘણું દૂર હોય છે. તમે માત્ર એ જ બધું જુઓ છો જેને તમે જોઈને સત્ય માનીને પોતાનાં મસ્તિષ્કમાં બાંધી દીધું છે. એકવાર આંખો આગળથી નકાબ હટાઓ, તમને તમારાં સવાલોનાં જવાબ મળી જશે. મારી પર જુઠા આરોપો સાબિત કરવાનો સમય હું આપને ખુશ થઈને દઈશ પણ ફિલહાલ તો આપ અર્શીને તો ખોઈ ચૂક્યા છો પણ બીજા ઘણાં લોકોનાં જીવ પર મોતનું તાંડવ રમાઈ રહ્યું છે એનાથી અજાણ છો આપ."

રોઝની વાત સાંભળીને સુલતાનને ભાન થયું કે પોતે રૂકસાનાને જંગલમાં એકલો મૂકીને આવી ગયો છે. રૂકસાનાને દિશા જોતાં બિલકુલ પણ નથી આવડતી. તે તરત ત્યાંથી ભાગ્યો.

"રૂકસાના......" સુલતાન જોરથી ચીસ પાડી ઉઠ્યો. આકાશમાં ચીસ ગુંજવાથી પક્ષીઓમાં ફફડાટ થવાં લાગ્યો. સુલતાનનો અવાજ આખા જંગલમાં ગુંજવા લાગ્યો. તેની આંખોમાં આંસુઓ નીકળવા લાગ્યા. તેનો કુર્તો દોડતાં દોડતાં અંધારામાં કાંટાળી વાડમાં ફસાઈ ગયો. સુલતાને તેને ખેંચ્યો તો તે ફાટીને ટુકડો વાડમાં ભરાઈ ગયો.

આ તરફ રૂકસાના આ જ પળની રાહ જોતી હતી. તે રોઝનાં ઘરે લપાઈને સુલતાનનાં જવાની રાહ જોતી હતી. જેવો સુલતાન પોતાનાં નામની બૂમો મારતો ત્યાંથી નીકળ્યો તેણે ઉભા થઈને રોઝનાં ઘરમાં પ્રવેશ કર્યો. દબાતાં પગલે તે છુપાઈ છુપાઈને રોઝની હરકતોનું નિરીક્ષણ કરવા લાગી અને યોગ્ય સમયની રાહ જોવા લાગી.

રોઝ કિચનમાં આવીને કંઈક રાંધી રહી હતી. તે પતાવીને રોઝ બોલી ઉઠી, "આજે તો મહાસભા છે. મારે પણ જવું તો પડશે જ." જેવી રોઝ બહાર નીકળી કે રોઝ રૂકસાના તરફ જોયા વગર જ બોલી, "રૂકસાના, મને ખબર છે આપ અહીંયા જ છો. બહાર આવો અને મારી આંખોમાં જોઈને મારો સામનો કરો."

રૂકસાના રોઝનાં આ રૂપથી ડરીને ધીરે ધીરે બહાર આવી.