CHECKMATE - 7 in Gujarati Thriller by Payal Sangani books and stories PDF | CHECKMATE - (part-7)

Featured Books
Categories
Share

CHECKMATE - (part-7)

"સાહેબ ત્યાં વિવેકભાઈ.... નીચે પડ્યા છે. "
વોચમૅને માંડ કરીને વાક્ય પૂરું કર્યું. એ સાથે જ બધા દોડીને બહાર ગયા.
સામેના દ્રશ્યને જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. વિવેક નીચે પડ્યો હતો અને તેના માથા નીચે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. મોના દોડીને વિવેક પાસે આવી, તેને ઉઠાડવા પ્રયત્ન કરી રહી. અધીરાજ અને સ્વર્ણા પણ વિવેકની પાસે આવ્યા. વિવેક મરી ચૂક્યો હતો. મોના જોરજોરથી રડવા લાગી.
વિવેકની બૉડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ. બે ત્રણ દિવસ પોલીસ તપાસ ચાલી. એક દિવસ પોલીસ ઘરે આવી અને કહ્યું કે આ ઘટનામાં કોઈનો હાથ નથી. વિવેકના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબજ વધુ હતું. એના લીધે જ એનું બેલેન્સ બગડતા નીચે પડ્યો.
પોલીસના ગયા પછી મોના કનક પર તૂટી પડી.
"આ બધામાં કનકનો હાથ છે. એણે જ વિવેકને માર્યો છે. આ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી ઘરમાં વિચિત્ર બનાવો ઘટી રહ્યા છે."
"આ શું બોલી રહ્યાં છો ભાભી તમે?! એ રાતે કનક રૂમમાં જ હતી. જ્યારે ભાઈની રાડ સંભળાઈ ત્યારે હું અને કનક સાથે જ નીચે આવ્યા." યુવરાજે કહ્યું.
"તારી આંખોમાં કનકના માસુમ ચહેરાની પટ્ટી બંધાઈ ગઈ છે. જ્યારે તને એની હકીકત ખબર પડશે ત્યારે તું ખુદ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ." મોનાએ ફરી પોતાના સળગતા હ્રદયની વરાળ કાઢી. કનક પોતાના પર લાગી રહેલા ઈલ્ઝામથી હેરાન હતી.
"મોના તું શું બોલી રહી છે એનું તને ભાન છે?! વિવેકના મોતનું દુઃખ આખા ઘરને છે. પણ નશાને લીધે એ નીચે પડ્યો હતો." સ્વર્ણાએ તેને સમજાવતા કહ્યું પણ મોના સમજે એમ ન્હતી.

"બસ... બોવ થયું. હવે હું આ ઘરમાં એક પળ પણ નહીં રહું. વિવેક વગર મારું આ ઘરમાં રહેવું મુશ્કેલ છે. હું જાવ છું મારા પપ્પાના ઘરે..." કહી મોના ખૂબજ ગુસ્સામાં ત્યાથી ચાલી ગઈ. કનકની આંખમાં આવેલા આસું જોઈ યુવરાજે એનો હાથ પકડી દિલાસો આપ્યો.

ત્યારબાદ કનકને આખું ઘર રહસ્યોથી ભરાયેલું લાગતું હતું. તેનું મન વારંવાર એ બંધ રૂમ તરફ જતું. તેની અંતરાત્મા બસ એજ કહેતી હતી કે ત્યાં કોઈક તો છે. અઢળક વિચારોમાં ખોવાયેલી કનક પોતાનો રૂમ વ્યવસ્થિત કરી રહી હતી. ડ્રેસિંગ સાફ કરતા તેના પગ પર તેલની બોટલ પડી. અચાનક પગમાં લાગવાથી તેનો એક હાથ પગને અને બીજો હાથ બાજુની દીવાલને અડી રહ્યો. દિવાલ પર કનકના શરીરનો ભાર આવતા એ દીવાલ થોડી બાજુમાં સરકી! કનક ખૂબજ આશ્ચર્યથી જોઈ રહી. એ દીવાલ ન હતી પણ કોઈ દરવાજો હતો. પણ તેનો રંગ એક્દમ દિવાલ જેવોજ હતો. દરવાજાના બહારના ભાગને જોઈને કોઈ અંદાજ પણ ના લગાવી શકે એ દીવાલ નહીં પણ દરવાજો છે! કનકએ એને વધુ જોરથી ખોલવા પ્રયત્ન કર્યો. ત્યાથી પાછળ એક રૂમ હતો.
કનકના મનમાં રહસ્યોનું તુફાન ઊઠ્યું. થોડા ડર સાથે એ સિક્રેટ રૂમમાં પ્રવેશી. અંદર ખૂબજ અંધારું હતું. તેણીએ દિવાલ પર હાથ ફેરવ્યો તો સ્વીચ બોર્ડનો સ્પર્શ થયો. તરત લાઇટ ચાલુ કરી. એ એક નાનકડો રૂમ હતો. પોતે આગળ વધી. આખા રૂમમાં બસ રમકડાં જ પડેલા હતા. ઘણા રમકડાં ખૂબજ જૂના હતા તો કોઈક તૂટેલા ફૂટેલા. પણ બધાને ખૂબજ સુંદર રીતેથી સજાવીને રાખ્યા હતા. જાણે મ્યુઝિયમમાં કોઈ અનમોલ વસ્તુને સાચવી રાખી હોય.
તેનું ધ્યાન દીવાલે ટિંગાઈ રહેલ ફોટા પર ગયું. તસવીરમાં એક સ્ત્રી પોતાના ખોળામાં એક બાળકને લઈ બેઠી હતી. એ સ્ત્રીને પહેલા ક્યારેય આ ઘરમાં જોઈ ન્હતી. પણ તેના ખોળામાં રહેલ બાળકની અણસાર યુવરાજ જેવી આવતી હતી. એ પોતાનો હાથ તસવીર સુધી લઈ ગઈ ત્યાંજ પાછળથી કોઈક જોરથી ચિલ્લાયું. "કનક....!! " એ પાછળ ફરી તો સામે યુવરાજ ખૂબજ ગુસ્સામાં તેને ઘૂરી રહ્યો હતો.
"શું કરે છે તું અહીંયા હ....!" કહી યુવરાજે કનકનો હાથ કોણીએથી ઉપર પકડી સિક્રેટ રૂમની બહાર લઈ આવ્યો. કનક ખૂબજ ડરી ગઈ.
"શું કરતી હતી ત્યાં?? શા માટે આવી છો આ ઘરમાં તું... તારી હિંમત કઈ રીતે થઈ એ રૂમની અંદર જવાની? સાચું બોલ શું કરવા માટે આવી છે આ ઘરમાં?? મારી ગેરહાજરીમાં તું રૂમની તપાસ કરી રહી હતી ને! એટલે જ તો તને એ સિક્રેટ રૂમની ખબર પડી. સાચું બોલ.."
યુવરાજે હજી કનકનો હાથ જોરથી પકડ્યો હતો અને તેને ધમકાવી રહ્યો. ધ્રુજતા અવાજે કનક બોલી,"મને માફ કરી દો... હું જાણી જોઈને ત્યાં ન્હતી ગઈ. મારો હાથ ત્યાં દિવાલ પર પડતાં દરવાજો ખુલી ગયો. મને નવાઈ લાગી તો હું અંદર જોવા ચાલી ગઈ."

"ચૂપ.... ખોટું બોલે છે તું. મને એ જરાય પસંદ નથી કે કોઈ મારી પર્સનલ લાઇફમાં એન્ટરફિઅર કરે!"

"નહીં હું સાચું કહું છું. મેં જાણી જોઈને કાંઈજ નથી કર્યું. "

"તું રૂમની બહાર જા. મારે કાંઈજ નથી સાંભળવું." યુવરાજે ગુસ્સામાં કહ્યું. કનક ત્યાથી ચાલી ગઈ. પહેલીવાર તેને એવું લાગ્યું કે કોઈ પોતાનાએ એને હર્ટ કરી. પણ કનક પોતાની જાતને પણ કોસી રહી હતી. યુવરાજને પૂછ્યા વગર ત્યાં જવું એ ખોટું જ હતું. બની શકે છે કે ત્યાં યુવરાજના નાનપણની યાદો હોય. તેને પોતાના કર્યા પર પસ્તાવો થવા લાગ્યો.

સ્વર્ણા પોતાના રૂમમાં આવી તો જોયું કે યુવરાજ ત્યાં ઊભો હતો. તેની પાસે આવતા કહ્યું, " યુવી તું અહીંયા? કઈ કામ હતું?"

"હા મોમ... " નિરાશ થતાં યુવરાજે કહ્યું.

"હા બોલ.. શું થયું?"

"મેં આજે કનક પર થોડોક વધુ જ ગુસ્સો કરી દીધો. હવે અફસોસ થાય છે. હું પૂછવા આવ્યો હતો કે શું હું તેને બહાર ડીનર પર લઈ જાવ? એને ગમશે?!" થોડા સંકોચ સાથે તે બોલ્યો.

ખુશ થતાં સ્વર્ણા બોલી,"હા ગમે જ ને... એવી કઈ છોકરી હોય કે જેને બહાર જવું ન ગમે!! આમ પણ લગ્ન પછી તમે ક્યાય બહાર ગયા પણ નથી. ઘરનું વાતાવરણ પણ કઇંક એવું છે કે એ પણ ઘરમાં બોર થતી હશે. તું લઈ જા એને ડીનર પર. "

"ઓહ મોમ યુ આર સો સ્વીટ. હું તેની પાસે જ જાવ છું." સ્વર્ણાના કપાળે કિસ કરી એ ચાલ્યો ગયો. કનક બહાર ગાર્ડનમાં ફૂલોને પાણી પાઈ રહી હતી. યુવરાજ તેની પાસે આવ્યો. યુવરાજની ફરી કોઈ ડાટ સાંભળવી પડશે એવા મનોભાવથી એને જોઈ રહી.
"ચાલ બહાર જવું છે.... ડિનર પર." તેના હાથમાંથી પાણીની બોટલ લઈ નીચે મુકતા કહ્યું.
"જી અત્યારે?! " યુવરાજના સારા વ્યવહારથી હેરાન કનક બોલી.

"ડિનર તો સાંજે જ હોય ને!! હું ગાડી પાસે રાહ જોવ છું. તૈયાર થઈને ફટાફટ નીચે આવ."

કનકના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. તે ઉપર ગઈ અને થોડીવારમા જ તૈયાર થઈ નીચે આવી.
યુવરાજનું ધ્યાન પોતાના ફોન પરથી હટીને સામેથી આવતી કનક પર ગયું કે જોતો જ રહી ગયો.
કનકએ પ્લેઈન બ્લુ સાળી પહેરી હતી. છૂટા વાળ, આંખમાં હળવું કાજળ અને નાની એવી બિંદી તેની સુંદરતા વધારી રહ્યું હતું.
"જઈએ?? " યુવરાજની પાસે આવીને કનકએ કહ્યું ત્યારે તે ભાનમાં આવ્યો. કારમાં બેસીને બંને શહેરની મોટી હોટેલમાં આવ્યા. યુવરાજ મલ્હોત્રાને જોઈને હોટેલના મેનેજરે તેને સ્પેશીયલ ટેબલ ઓફર કર્યું. જમવાનો ઓર્ડર આપ્યા બાદ યુવરાજે કનકના હાથ પોતાના હાથમાં લેતા કહ્યું,

"કનક, આઈ એમ સોરી. મેં તારા પર ગુસ્સો કર્યો એ માટે."

"નહીં, તમે શા માટે સોરી કહો છો. માફી તો મારે માંગવી જોઈએ. તમને પૂછ્યા વગર જ ત્યાં જવું એ યોગ્ય ન્હતું."

"તું નહીં પૂછે કે ત્યાં એવો સિક્રેટ રૂમ કેમ બનાવ્યો છે?" યુવરાજે પૂછ્યું.

"નહીં યુવરાજજી, એ તમારી પર્સનલ લાઇફ છે. આજ પછી હું ક્યારેય એ સિક્રેટ રૂમમાં નહીં જાવ અને તેના વિશે કાંઈ પૂછીને તમને પરેશાન નહીં કરું. "
યુવરાજે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો,"એ રૂમમાં મારા નાનપણની યાદો છે. મેં એ દરેક રમકડાં સાચવ્યા છે જેની સાથે મારા મમ્મીની યાદો જોડાયેલી છે."
એ સાંભળી કનક હેરાન હતી."તમારા મમ્મીની યાદો.... એટલે?! તમે જેને મોમ કહો છો એ...? "

"એ મારા સગા મમ્મી નથી. "

"શું?! તો એનો અર્થ કે ત્યાં જે તસવીરમાં એ સ્ત્રી હતી એ તમારા મમ્મી હતા?

"હા, તેઓ હવે આ દુનિયામાં નથી. થોડા વર્ષો પહેલા એ ચાલ્યા ગયા. પણ એમની યાદ હજી મેં સાચવીને રાખી છે. મારા સિવાય બીજું કોઈ એ રૂમમાં જાય એ મને પસંદ નથી એટલે જ હું ત્યારે તારા પર ગુસ્સે થઈ ગયો. તને ઘણું બધું સંભળાવ્યું. એના માટે હું દિલગીર છું." યુવરાજના ચહેરા પર પહેલી વખત કનકે ઉદાસી જોઈ.

તેણીએ યુવરાજના બંને હાથ મજબૂતીથી પકડ્યા અને કહ્યું,"હું સમજી શકું છું, માં ન હોવાનું દુઃખ કેટલી પીડા આપે છે એ. તમારે મારી માફી માંગવાની કોઈજ જરૂર નથી. તમે તમારી જગ્યાએ સાચા છો. "
કનકના પ્રેમભર્યા આશ્વાસનથી યુવરાજ ખુશ થઈ ગયો. બંનેએ ડિનર કર્યું અને થોડો સમય એમજ રસ્તા પર વૉક કર્યું. એ પળ કનક માટે ખૂબજ સુંદર પળ હતી. તેના હ્રદયમાં યુવરાજ પ્રત્યે પ્રેમ ફૂટી રહ્યો હતો.

અડધી રાત્રે કોઈ ભયાનક સ્વપ્નને લીધે કનકની ઉંધ ઉડી ગઈ. માથા પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા. ઘડિયાળમાં કાંટો બે ને ત્રીસે પડેલો હતો. થોડું પાણી પી એ સ્વસ્થ થઈ. યુવરાજ ગાઢ નિંદ્રામાં સૂતો હતો.
એક વિચાર તેના મગજમાં વાયુવેગે પસાર થઈ ગયો. તેને એ ત્રીજા ફ્લોર વાળો બંધ રૂમ યાદ આવ્યો. ત્યાં કોઈક તો છે એ વાત તેને ચેન લેવા દેતી ન્હતી. એ ઉભી થઈ અને હળવેકથી રૂમની બહાર નીકળી. ત્યાથી એક નજર તે રૂમ પર નાંખી. હવે તેના કદમ થોભે એમ ન્હતા. એ ચાલતી થઈ. જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ તેના હૃદયમાં ફાર પડતો હતો.
ખૂબ હિંમત ભેગી કરી એ રૂમની સામે આવી. દરવાજાને એના હાથ સ્પર્શ કરવા લાગ્યા. એટલામાં જ ત્યાં કોઈના હોવાનો ભાસ થયો. એ તરત પાછળ વળી. તેનું ધ્યાન છત પર ગયું. ત્યાં કોઈક હતું! તેની આંખ સામે જ એક પડછાયો ત્યાં પસાર થયો. ડર તેના રોમ રોમમાં પ્રસરી ગયો.
આજે ત્યાથી ભાગવાને બદલે એના કદમ છત તરફ આગળ વધ્યા. છત પર આવી તેણીએ આજુ બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. ડરની ચિંગારી હજી તેના શરીરમાં ફેલાયેલી હતી. ત્યાંજ તેનું ધ્યાન સામે પડેલા ટેબલ પર ગયું. ટેબલની સામે પડેલી ખુરશી પર કોઈક બેઠું હતું! જેનો પીઠનો ભાગ કનક તરફ હતો. કનકની આંખો પહોળી થઈ ગઈ. તેનું અનુમાન સાચું હતું. ત્યાં સાચે જ કોઈક હતું!!
ચેયર પર બેઠેલો એ વ્યક્તિ ઊભો થયો અને કનકની તરફ આગળ વધ્યો. તેના હાથમાં એજ છરી હતી. કનક કોઈ પત્થરની જેમ ઉભી હતી. એ છોકરો કનકની સામે આવ્યો.

ક્રમશઃ....✍️✍️