૪૩.સંતાકૂકડીની રમત
લગ્નની તૈયારીઓમાં ક્યારે એક અઠવાડિયું પસાર થઈ ગયું? કોઈને ખબર પણ નાં પડી. આજે શિવાંશ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી રહ્યો હતો. રાહી, રાધિકા, અને શ્યામ એને લેવાં એરપોર્ટ પર આવ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ શિવાંશનું પ્લેન લેન્ડ થયું. એ એનાં પરિવાર સાથે બહાર આવ્યો. એની સાથે એક છોકરી હતી. જેનાં મોંઢા ફરતે દુપટ્ટો વીંટળાયેલો હતો. રાહીની નજર એ છોકરી પર જ હતી.
"દીદુ! આ છોકરી કોણ છે?" રાધિકાની નજર પણ એ છોકરી પર જતાં એણે રાહીને પૂછ્યું.
"શું તું પણ રાધુ! એ મોંઢા આગળથી દુપટ્ટો હટાવે તો ખબર પડે ને." રાહીએ પરેશાન અવાજે કહ્યું.
રાધિકા હસીને તન્વી પાસે જતી રહી. શિવાંશ આવીને રાહી સામે ઉભો રહી ગયો પણ રાહીનું ધ્યાન પેલી છોકરી પર હોવાથી રાહીને શિવાંશ ક્યારે એની સામે આવીને ઉભો રહી ગયો? એ ખબર સુધ્ધાં નાં રહી.
"ત્યાં શું જોઈ રહી છે? હું તો અહીં છું." શિવાંશે રાહીનાં કાનમાં કહ્યું.
"ક..કંઈ નહીં. હું મમ્મી-પપ્પાને મળતી આવું." કહીને રાહી જવાં લાગી તો શિવાંશે એનો હાથ પકડીને એને રોકી લીધી.
"જરાં અમારી ઉપર પણ નજર કરી લો. બીજાં બધાંને પછી મળી લેજો." શિવાંશે રાહીને પરેશાન કરવાં કહ્યું.
"તમને તો લગ્ન પછી રોજ જોવાં જ છે." કહીને રાહી શિવાંશને ધક્કો મારીને ગાડીમાં બેસી ગઈ. શિવાંશ પણ પોતાનો સામાન રાહીની ગાડીમાં પાછળની સીટ પર મૂકીને, આગળ આવીને રાહીની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો. રાહીએ ગાડી અમદાવાદની સડકો પર દોડાવી મૂકી. એને પેલી છોકરી વિશે જાણવાની ઉતાવળ હતી. શિવાંશે એનો ચહેરો જોઈને મ્યુઝિક સિસ્ટમ પર ગીત વગાડ્યું, "કિતને દિનો કે બાદ મિલે હો, જરાં બતાઓ મુજે સનમ, ઇતને દિન તુમ કહાં રહે, કિતને દિનો કે બાદ મિલે હો, પૂછ રહા હૈ યે મૌસમ, ઇતને દિન તુમ કહાં રહે"
ગીત સાંભળીને રાહીએ શિવાંશ તરફ જોયું તો એ વિંડોની બહારનાં મૌસમને જોઈને સ્માઈલ કરી રહ્યો હતો. એ જોઈને રાહીનાં ચહેરાં પર પણ સ્મિત આવી ગયું. જોતજોતામાં બધાં નીલકંઠ વિલા પહોંચી ગયાં. ગૌરીબેને હરખભેર બધાનું સ્વાગત કર્યું. શિવાંશે બધાંને પગે લાગીને બધાનાં આશીર્વાદ લીધાં. રાહી પણ શિવાંશનાં મમ્મી-પપ્પાને પગે લાગી.
"અરે બેટા! આયશા નથી આવી?" ગૌરીબેને અચાનક જ પૂછ્યું તો બધાં આયશાને શોધવાં લાગ્યાં. રાધિકા અને શ્યામને પણ અત્યારે જ એ વાતનો ખ્યાલ આવ્યો. રાહી તો હજું પણ પેલી દુપટ્ટો વીંટીને ઉભેલી છોકરી તરફ જ જોઈ રહી હતી. એની એવી હાલત જોઈને શિવાંશે આર્યનને કોણી મારી તો બંને રાહીને જોઈને હસવા લાગ્યાં. આર્યન આયશાને જૂહુ બીચ પર મળવાં ગયો ત્યારે આયશાએ આર્યનને અમદાવાદ જતાં રહેવાનું કહ્યું હોવાથી એ બે દિવસ મુંબઈ રહીને જ અમદાવાદ આવી ગયો હતો. આયશાની જીદ્દથી આર્યન સારી રીતે વાકેફ હતો અને આયશાએ આર્યનને એ શરત પર જ પ્રોમિસ આપ્યું હતું કે જો એ અમદાવાદ આવતો રહેશે તો જ એ આર્યન સાથે અમેરિકા જશે. જેથી આર્યને મજબૂર થઈને અમદાવાદ આવવું પડ્યું હતું.
આર્યન રાહી સામે જોઈને તરત જ એ છોકરી પાસે ગયો અને એનો દુપટ્ટો છોડીને કહ્યું, "આ આયશા જ તો છે."
દુપટ્ટા પાછળ રહેલી આયશાને જોઈને રાહીનાં જીવમાં જીવ આવ્યો અને સાથે જ પોતે શિવાંશ વિશે શું શું વિચારી લીધું? એ યાદ કરીને ખુદ ઉપર ગુસ્સો પણ આવ્યો. શિવાંશ અને આર્યન એને જોઈને હસવા લાગ્યાં. તો રાહી ત્યાંથી પોતાનાં રૂમમાં ભાગી ગઈ. શિવાંશ પણ મોકો જોઈને એનાં રૂમમાં આવી ગયો. રાહી પોતાનાં રૂમની બારી પાસે ઉભી હતી. શિવાંશ ધીમા પગલે જઈને એની પાછળ ઉભો રહી ગયો. શિવાંશનાં આવવાની આહટ થતાં જ રાહી પલટીને શિવાંશને ગળે વળગી ગઈ. શિવાંશે પણ આંખો બંધ કરીને એને પોતાની બાહોમાં સમાવી લીધી. થોડીવાર પછી શિવાંશે પૂછ્યું, "તને શું લાગ્યું હું કોઈ અજાણી છોકરીને ભગાડી લાવ્યો એમ?"
"નાં, એવું કંઈ નથી. બસ થોડી ડરી ગઈ હતી. બાકી મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે." રાહી હળવેથી શિવાંશથી અલગ થઈ, "પણ આયશા એ રીતે કેમ આવી? જાણે કોઈથી ખુદને છુપાવતી હોય." રાહીએ પૂછ્યું.
"એ કહાની બહું લાંબી છે. શોર્ટમાં કહું તો નાગજી અંકલને તો તું ઓળખે જ છે." કહીને શિવાંશે રાહી સામે જોયું, "એ નાગજી અંકલનું પન્નાલાલ અંકલનાં એક દુશ્મને મર્ડર કરી નાંખ્યું. નાગજી અંકલ આયશા માટે એનાં મમ્મી-પપ્પાથી પણ વિશેષ હતાં. જેનાં આદમીઓએ નાગજી અંકલનું મર્ડર કર્યું અને જે પન્નાલાલ અંકલનાં દુશ્મન છે. એમનાં જ દિકરાએ આજથી ત્રણ વર્ષ પહેલાં આયશા પર એસિડ એટેક કર્યો હતો. આયશાએ ત્યારે તો બધું બરદાસ્ત કરી લીધું. પણ એમણે નાગજી અંકલને ષડયંત્ર રચીને મરાવી નાંખ્યા. એ આયશા બરદાસ્ત નાં કરી શકી." શિવાંશે આંખો મીંચીને એક ઉંડો શ્વાસ લીધો, "આયશાએ કાલે રાતે જ એનાં પપ્પાના દુશ્મન અશોક જાનીને મારી નાંખ્યો અને સવારે અમે અહીં આવી ગયાં." કહીને શિવાંશે પોતાની વાત પૂરી કરી.
"શું બકવાસ કરો છો? માણસ શું કોઈ ગાજર મૂળા છે કે આયશાએ કોઈને મારી નાંખ્યો!" રાહી ચિંતિત સ્વરે બોલી.
"રિલેક્સ રુહુ! એ કોઈ માણસ નહીં. એક જાતનો રાક્ષસ હતો. એણે અત્યાર સુધીમાં કેટલાંય મર્ડર કર્યા હતાં. કેટલાંય લોકોને પરેશાન કર્યા હતાં. એની મોતથી કોઈનું નુકશાન નહીં બધાંનો ફાયદો થયો છે." શિવાંશ રાહીને સમજાવવા લાગ્યો.
"ફાયદો કે નુકશાન ગમે તે હોય. કોઈને સજા આપવાનો અધિકાર કાનૂનનો છે. આપણો નહીં." રાહીએ કહ્યું.
"એ કેટલાં સમયથી જેલમાં હતાં. ત્યાં બેસીને જ એમણે પન્નાલાલ અંકલને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. પન્ના અંકલને બતાવતાં નાગજી અંકલે પોતાનો જીવ આપી દીધો. છતાંય પોલીસ કંઈ નાં કરી શકી. મતલબ એ પણ ક્યાંકને ક્યાંક એમનો જ સાથ આપી રહી હતી. એટલે આયશાએ આ વખતે પોલીસ પાસે ઉમ્મીદ રાખવાં કરતાં ખુદ જ એને મોતને ઘાટ ઉતારી દીધો." શિવાંશે ફરી રાહીને સમજાવવાની કોશિશ કરી.
"પોલીસે આયશાને પકડીને જેલમાં નાંખી દીધી તો શું થાશે એનો તમને કોઈને અંદાજો છે? એની આખી લાઈફ બરબાદ થઈ જાશે." રાહીએ આયશા પ્રત્યેની પોતાની ચિંતા વ્યક્ત કરી.
"એવું કંઈ નહીં થાય. પન્ના અંકલ બધું સંભાળી લેશે. તારે બસ આયશાને આપણાં લગ્ન સુધી અહીં જ રાખવાની છે. તું અમદાવાદની ટોપ ફેશન ડિઝાઈનર છે. તારાં ઘરની તલાશી લેવાં માટે પોલીસને સ્પેશિયલ પરમિશનની જરૂર પડશે એટલે લગ્ન સુધી તું બધું સંભાળી લે. પછી આયશા આર્યન સાથે અમેરિકા જતી રહેશે." શિવાંશે કહ્યું તો આખરે રાહી માની ગઈ.
રાહી સાથે વાત કરીને શિવાંશ એનાં પરિવાર સાથે એની નાનીના ઘરે જવાં નીકળી ગયો. એનાં લગ્નની બધી વિધિ ત્યાંથી જ થવાની હતી. રાહીએ એનાં ડિઝાઇન કરેલાં કપડાં પણ એની સાથે જ મોકલી દીધાં. બૂટિક લગ્ન દરમિયાન બંધ રહેવાનું હોવાથી રાહી પોતાનો લહેંગો પણ ઘરે જ લઈ આવી હતી. શિવાંશનાં ગયાં પછી રાહી લહેંગો જોવાં લાગી. લહેંગો જોતી વખતે એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું.
સાંજે બધાં જમીને સૂઈ ગયાં. જોતજોતામાં હલ્દીનો દિવસ પણ આવી ગયો. રાધિકા વહેલી સવારે રાહીને તૈયાર કરવાં એનાં રૂમમાં આવી પહોંચી. ત્યારે રાહી પીળાં કલરનો લહેંગો પહેરીને બાથરૂમમાંથી બહાર આવી. રાધિકા એનાં માટે ફુલોથી બનેલાં ઘરેણાં લાવી હતી. એ રાહીને અરિસા સામે બેસાડીને એને તૈયાર કરવાં લાગી. રાહીનાં લાંબા વાળને ભેગાં કરીને એણે ઉંચુ બન વાળી લીધું. જેનાં લીધે હલ્દી લગાવતી વખતે વાળ ખરાબ નાં થાય. હાથ, પગ, ડોક અને કાનમાં ફુલોથી બનેલાં ઘરેણાં પહેરાવી દીધાં. પછી કાજલથી રાહીનાં કાન પાછળ કાળું ટપકું કરીને રાધિકા પોતે પણ તૈયાર થવા જતી રહી. થોડીવાર પછી અંકિતા આવીને રાહીને નીચે ગાર્ડનમાં લઈ ગઈ. જ્યાં હલ્દીની રસમ થવાની હતી. આજે આખી નીલકંઠ વિલાને પીળાં ફુલોથી સજાવવામાં આવી હતી. બધાં લોકો પણ પીળાં રંગે રંગાયા હતાં.
અંકિતાએ રાહીને એક નાની એવી ખાટલી પર બેસાડી દીધી. બધાનાં આવી ગયાં પછી હલ્દીની રસમ શરૂ કરવામાં આવી. પહેલાં ગૌરીબેને રાહીને પીઠી લગાવી અને પછી બધાં શરૂ થઈ ગયાં. જેવી રીતે અંકિતાની હલ્દીની રસમમાં એની હાલત કરી હતી. એવી જ હાલત રાહીની કરી દેવાઈ. એ સમયે જ અભિનવ, શુભમ અને શારદાબેન આવ્યાં. તન્વી શુભમને જોઈને ખુશ થઈ ગઈ. શુભમ બધાનાં ચરણ સ્પર્શ કરીને રાહી પાસે આવ્યો.
"આમાં મારાં માટે તો હલ્દી લગાવવા કોઈએ જગ્યા છોડી જ નથી." શુભમે રાહીની હાલત જોઈને કહ્યું.
"એમાં શું થયું? હલ્દી તો લગાવવી જ પડે. આપણે ઉપર ઉપર જ લગાવી દો." કહીને અભિનવે હલ્દીથી ભરેલો કટોરો શુભમ તરફ લંબાવી દીધો. અભિનવે બંને હાથમાં હલ્દી લઈને રાહીનાં ચહેરાં પર ચોળી દીધી. બધાં એ જોઈને હસવા લાગ્યાં. અભિનવે શુભમને પણ હલ્દી લગાવવા ઈશારો કર્યો તો એણે હલ્દી લગાવવાને બદલે રાહીની આંખો પર લાગેલી હલ્દી સાફ કરી દીધી. જેનાં લીધે રાહી પોતાની આંખો ખોલી શકે. આંખો ખોલીને રાહી શુભમને જોઈને સ્મિત કરવાં લાગી.
"ઓહો! અત્યારથી જ આટલી ચિંતા કરે છે તું તો રાહીની!" અભિનવે શુભમને કોણી મારીને કહ્યું તો શુભમ એની સામે આંખો કાઢવાં લાગ્યો. એ સમયે જ રાહીએ શુભમને હલ્દી લગાવી દીધી. બધાં બંનેને જોઈ રહ્યાં.
"તારો પણ જલ્દી સમય આવશે હાથ પીળા કરવાનો." રાહીએ શુભમ સામે હસીને કહ્યું તો એ શરમાઈ ગયો.
રાધિકા અને શ્યામને બનારસની હલ્દી યાદ આવી ગઈ. એ બંને પણ હલ્દી લઈને હલ્દીથી જ હોળી રમવા લાગ્યાં. અંકિતા રાહીને લઈને જતી રહી. રાહી હલ્દી ઉતારીને નીચે આવી ત્યાં સુધીમાં બીજાં બધાં પણ નહાવા માટે જતાં રહ્યાં હતાં. સાંજે મહેંદી અને સંગીતની રસમ હોવાથી ઘરની સજાવટ કરવાં આવેલાં માણસો એ મુજબની સજાવટ કરવામાં લાગી ગયાં હતાં. આર્યન એમની મદદ કરી રહ્યો હતો. રાહી એની પાસે ગઈ તો એને આર્યન થોડો ઉદાસ જણાયો. એણે આર્યનનો હાથ પકડીને એને એક ચેર પર બેસાડી દીધો.
"શું થયું? કેમ પરેશાન અને ઉદાસ લાગે છે." રાહીએ આર્યનનો હાથ પોતાનાં હાથમાં લઈને પૂછ્યું.
"કંઈ નહીં, બસ એમ જ." આર્યને કહ્યું. ત્યાં સુધીમાં આયશા પણ ત્યાં આવી પહોંચી.
"કંઈક તો થયું છે. શાં માટે પરેશાન છે? મને નહીં જણાવે?" રાહી ફરી પૂછવા લાગી. આયશા થોડે દૂર ઉભી બંનેની વાતો સાંભળી રહી હતી.
"હાં, બહું પરેશાન છું. આયશાએ કામ જ એવું કર્યું છે કે એને આમાંથી બહાર કેવી રીતે કાઢું? એ જ સમજાતું નથી. મેં તેને કહ્યું હતું આપણે મુંબઈથી જ અમેરિકા જતાં રહીએ. પણ એની જીદ્દ હતી કે તમારાં લગ્ન પછી જ જાશે." આર્યન ચિંતિત સ્વરે બોલવાં લાગ્યો.
"હાં, તો એમાં મેં ખોટું શું કર્યું? શિવાંશ મારો મિત્ર છે અને રાહી તારી! તો મિત્રોનાં લગ્ન મૂકીને કોઈ ક્યાંય જતું હશે કંઈ?" આયશાએ બંનેની પાસે આવીને કહ્યું.
આર્યન કંઈ બોલ્યો નહીં. આયશા અને રાહી બંને એકબીજાની સામે જોઈ રહી. ત્યાં જ આયશાનાં ફોનમાં મેસેજની ટૉન વાગી. આયશાએ જોયું તો કોઈકે વિડિયો મોકલ્યો હતો. એ વિડિયો ખોલીને જોવાં લાગી. વિડિયો જોતાં જ એનાં કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ચમકવા લાગ્યાં અને હાય ધ્રુજવા લાગ્યાં. એનાં હાથમાંથી ફોન પણ નીચે પડી ગયો.
"શું થયું? તું આટલી ડરે છે કેમ?" આયશાની હાલત જોઈને, આર્યને ચેર પરથી ઉભાં થઈને, એનાં બંને હાથ પકડીને પૂછ્યું. એ સમય દરમિયાન રાહીએ પણ એ વિડિયો જોઈ લીધો. એ પણ વિડિયો જોયાં પછી ડરી ગઈ. એણે ધ્રુજતાં હાથે આર્યનનાં ખંભે હાથ મૂકીને એને પણ વિડિયો જોવાં ઈશારો કર્યો. વિડિયો જોઈને આર્યનને બહું ગુસ્સો આવ્યો.
"તું તો કહેતી હતી કે મર્ડર વિશે કોઈને ખબર નથી. તો આ વિડિયો ક્યાંથી આવ્યો?" આર્યને ગુસ્સે થઈને આયશાને પૂછ્યું. પણ આયશા કંઈ નાં બોલી.
આર્યનનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. આયશાએ કહ્યું હતું કે એને મર્ડર કરતી વખતે કોઈએ જોઈ નથી. તો પછી આ વિડિયો ક્યાંથી આવ્યો? એ જ કોઈની સમજમાં આવતું ન હતું. આયશા પોતાની રીતે સાચી પણ હતી. એણે રિવૉલ્વરમાં સાઈલેન્સર લગાવીને અશોક જાનીની બૉડીમાં પોતાની આખી રિવૉલ્વર ઠાલવી દીધી હતી. જેનાં લીધે માલવને પણ કંઈ ખબર નહીં હોય એ વાતે આયશા નિશ્ચિત હતી. આયશા અમદાવાદ આવી ગઈ. પછી પન્નાલાલે પણ બધી વ્યવસ્થા કરી લીધી હતી. જ્યાં સુધી પોલીસ વધું તપાસ હાથ નાં ધરે અને બોડી પોસ્ટમોર્ટમ માટે નાં જાય, બૂલેટનું ચેકીંગ નાં થાય. ત્યાં સુધી કોઈ આયશાને પકડી શકે એમ ન હતું. જેનાં લીધે બૉડી પોસ્ટમોર્ટમ માટે નાં જાય. એ માટે પન્નાલાલે સીધી મુંબઈનાં ડી.એસ.પી સાથે વાત કરી લીધી હતી. જેથી અશોક જાનીની બૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ન હતી. આયશા પન્નાલાલનાં કારણે એકદમ સુરક્ષિત થઈ ગઈ હતી. પણ આજે જે વિડિયો મળ્યો એ પછી જો એ વિડિયો પોલીસને મળી જાય તો આયશાને કોઈ બચાવી શકે એમ ન હતું. ખુદ પન્નાલાલ પણ નહીં. હવે તો આયશા પણ ડરી ગઈ હતી. જેલમાં જવાનાં લીધે નહીં પણ આર્યનથી અલગ થવાનો ડર એને સતાવી રહ્યો હતો.
આર્યને ગુસ્સામાં આવીને આયશાને ઝંઝોળીને પૂછ્યું, "બોલ ને! ચુપ કેમ છે? આ વિડિયો ક્યાંથી આવ્યો? તું તો એકદમ ચોક્કસપણે કહી રહી હતી કે મર્ડર વિશે કોઈને કંઈ ખબર નથી. તો આ વિડિયો આમ અચાનક એક અઠવાડિયા પછી ક્યાંથી આવી ગયો?"
આયશાએ જોર લગાવીને આર્યનને ધક્કો મારીને કહ્યું, "મને કંઈ ખબર નથી. હું ચોક્કસ જ હતી કે મર્ડર વિશે કોઈને ખબર નથી. એમ જ આ વિડિયો અંગે પણ હું ચોક્કસ છું કે મને આના વિશે કંઈ ખબર નથી."
આર્યન ગુસ્સામાં આવીને બોલવાં લાગ્યો, "ખબર નહીં આણે કેટલાંક દુશ્મનો બનાવી રાખ્યાં છે? રોજ એક નવો જાગે છે."
"મારાં અને મારાં દુશ્મનોથી એટલો જ પ્રોબ્લેમ હતો તો મને પ્રેમ જ શાં માટે કર્યો?" આયશા પણ ગુસ્સામાં ચિલ્લાઈને બોલી.
"પ્રેમ પૂછીને નથી થતો. એ તો થઈ ગયો. પણ તારે થોડું તો ધ્યાન રાખવું જોઈએ ને! કોઈકે તારો વિડિયો બનાવી લીધો અને તને ખબર પણ નાં પડી. એ કેવી રીતે બની શકે?" આર્યન વિચારે ચડ્યો. ત્યાં જ આયશાનાં ફોનની રિંગ વાગી.
"તમે બંને લડવાનું છોડો અને આયશા તું આની જોડે વાત કર. જેણે વિડિયો મોકલ્યો એનો ફોન આવી રહ્યો છે." રાહીએ આયશાને એનો ફોન બતાવતાં કહ્યું. આયશાએ ફોન હાથમાં લીધો.
"ફોન સ્પીકર પર રાખજે." આર્યને કહ્યાં પછી આયશાએ કોલ રિસીવ કરીને સ્પીકર મોડ પર મૂક્યો.
"હેલ્લો બેબી! કેવો લાગ્યો વિડિયો?" સામે છેડેથી અવાજ સંભળાયો. એ સાંભળીને આયશાની આંખો ફાટી ગઈ.
"મલયય..!" આયશા માત્ર એટલું જ બોલી શકે.
"વાહ ડાર્લિંગ! તું આજે પણ મારો અવાજ ઓળખે છે. આઈ એમ ઈમપ્રેસ્ડ." મલયે હસીને કહ્યું.
"તું તારી બકવાસ બંધ કરીશ? અને આ વિડિયો તારી પાસે કેવી રીતે?" આયશાએ ગુસ્સે થઈને પૂછ્યું.
"તને યાદ હોય તો મેં તને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. પણ ઉફ્ફ તારું એટિટ્યૂડ! તેં મને નાં પાડી દીધી. તો પછી મારે..." મલય આગળ કંઈ કહે એ પહેલાં જ આયશાએ વાતને વચ્ચે જ કાપતાં કહ્યું, "તારી વાતને જલેબીની જેમ ગોળગોળ ફેરવવાની આદત નથી ગઈ. હવે ફટાફટ મુદ્દા પર આવ."
"તારો એટિટ્યૂડ પણ આજેય નથી ગયો. તે મારાં બાપનું મર્ડર કર્યું એ વિડિયો મારી પાસે છે. છતાંય તું આ રીતે વાત કરે છે. ખેર જવાં દો. મારે બસ એટલું જ જોઈએ છે. અમદાવાદથી આજે જ મુંબઈ આવી જા અને મારી સાથે લગ્ન કરી લે. હું તારી રાહ જોઈ રહ્યો છું. જો તું નાં આવી તો હું તારો વિડિયો પોલીસને આપી દઈશ. પછી તને ખબર છે કે તારી સાથે શું થઈ શકે છે?" મલયે કહ્યું અને હસવા લાગ્યો.
"મતલબ મેં અંકલને માર્યા એ તને ખબર હતી છતાંય તે મને રોકવાને બદલે મને ફસાવીને મારી સાથે લગ્ન કરવાં વિડિયો ઉતાર્યો. તારાં માટે બસ તું ખુદ જ જરૂરી છે ને? તારાં પપ્પાનું તારે મન કોઈ મહત્વ જ ન હતું ને? એણે તારાં માટે કેટલું કર્યું છતાંય તે એને તારી નજર સામે મરવા દીધાં." આયશા ચીડાઈને બોલી. એને મલય ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. છતાંય એ જાત ઉપર કાબૂ રાખીને બેઠી હતી.
"ડાર્લિંગ! તું બહું ભોળી છે. મારાં પપ્પાએ કેટલાંય લોકોને માર્યા હતાં. કેટલાંય સાથે ખોટું કર્યું હતું. એમને એમનાં કામની સજા મળી એમાં મારો શું વાંક? એ તો સારું જ કહેવાય કે એમનું મર્ડર એમની થનારી વહુનાં હાથે થયું. મને તો એ વાતનો કોઈ અફસોસ નથી." મલયે નફ્ફટ થઈને કહ્યું.
"તને ખરેખર લાગે છે કે તારી પાસે મેં અંકલને માર્યા એનો વિડિયો છે તો હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર થઈ જઈશ?" આયશાએ કંઈક વિચારીને પૂછ્યું.
"તું મારી સાથે લગ્ન નાં કરે એમાં તું જ ખોટમાં છે. જો તે મારી સાથે લગ્ન નાં કર્યા તો હું બે દિવસમાં જ તારો વિડિયો પોલીસને આપી દઈશ." મલયે કહ્યું.
"ઠીક છે, તો હું મારી ફ્રેન્ડનાં લગ્ન પછી અમદાવાદ આવી રહી છું. આપણે નિરાંતે બેસીને વાત કરીએ." આયશાએ કંઈક વિચારીને કહ્યું.
"ઓકે બેબી! હું તારી રાહ જોઈશ. પણ હાં જરાં પણ ચાલાકી કરવાની કોશિશ નાં કરતી." મલયે કહીને ફોન ડિસક્નેકટ કર્યો. રાહી અને આર્યન આયશા સામે જોઈ રહ્યાં હતાં. એ બંને આયશા શું વિચારી રહી છે? એ જાણવાં માંગતા હતાં. આર્યન તો ગુસ્સાથી લાલ પીળો થઈ રહ્યો હતો.
"તે મલયને શું કહ્યું એની તને ભાન પણ છે? તું એ ઘટિયા માણસ સાથે લગ્ન કરી લઈશ? જે એનાં બાપનો નાં થયો એ તારો શું થવાનો?" આર્યન ગુસ્સામાં બરાડી ઉઠ્યો.
"મને બધી ભાન છે. ભાન તો એને નથી. એટલે જ એ પાગલે મને બે દિવસ આપી દીધાં. હવે એટલાં દિવસમાં તો મારાં પપ્પા એની પાસેથી વિડિયો પણ લઈ લેશે અને આપણે રાહીનાં લગ્ન પછી અમેરિકા જતાં રહીશું." આયશાએ આર્યનને સમજાવ્યો.
"અને એવું નાં થયું તો? અંકલ મલય પાસેથી વિડિયો નાં મેળવી શક્યાં અને એણે બે દિવસમાં તું મુંબઈ નાં ગઈ તો વિડિયો પોલીસને આપી દીધો તો?" આર્યને ગુસ્સા અને ડર મિશ્રિત અવાજે પૂછ્યું.
"હાલ સાંજે થનારી રસમો ઉપર ધ્યાન આપીએ. બીજી વાતો પછી કરીશું." કહીને આયશા જતી રહી. આર્યન માત્ર એને જતી જોઈ રહ્યો. એણે એક આશાભરી નજરે રાહી સામે જોયું. આવાં સમયે રાહીને પણ કંઈ નાં સમજાયું કે એણે આર્યનને શું કહેવું જોઈએ? એણે માત્ર આર્યનનાં ખંભે હાથ મૂકીને એને દિલાસો આપ્યો. આયશાની જીદ્દ એને ક્યાં લાવીને છોડશે? એ વાતે આર્યન બહું પરેશાન હતો. આયશા અને પોલીસ વચ્ચેની સંતાકૂકડીની રમતનો શું અંત આવશે? એ કોઈ જાણતું ન હતું.
(ક્રમશઃ)
_સુજલ બી.પટેલ