Punjanm - 19 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 19

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 19

પુનર્જન્મ 19

બીજા દિવસે સવારે અનિકેત ખેતરે ગયો. હવે મકાનનું કામ બે ત્રણ દિવસમાં અટકાવવું પડે એમ હતું. કેમકે પછી દિવાળીના તહેવારો ચાલુ થતા હતા. ખેતરની અંદર જીપ પાર્ક કરી. જીપ માંથી સામાન કાઢ્યો અને ઓરડી ખોલી અંદર ગયો. થોડી સાફસફાઈ પછી એ બહાર લીમડાના ઝાડ નીચે ખુરશી નાંખી બેઠો.

એક ખુરશી સામે નાખી એના ઉપર પગ લાંબા કરી બેઠો. બાજુના ખેતર માંથી બોરનો પાણી ખેંચવાનો એકધારો અવાજ આવતો હતો. લીમડાના મીઠા છાંયડા નીચે મંદ મંદ સમીર લહેરાતો હતો. કોયલ અને બીજા પંખીઓના કલરવનો અવાજ આવતો હતો.

અનિકેતે છાપું ખોલ્યું. પાછળનું આખું પાનું મોનિકા પરના હુમલાના સમાચારથી ભરાયેલું હતું. વચ્ચે વચ્ચે મોનિકાની મનમોહક તસ્વીરો પણ હતી. અનિકેત એ તસ્વીરોને જોઈ રહ્યો..
કેટલી સરસ અને આઝાદ જીદંગી હતી. પોતાની અને મોનિકા ની. બન્ને ની. કદાચ મોનિકાનું અપમૃત્યુ અને પોતે ફરી જેલ માં ? શું ભગવાને આના માટે જીદંગી આપી છે ?

*****************************


વિશાળ કમરાના સિસમના ડબલબેડ પર મોનિકા સૂતી હતી. સવારના નવ વાગી ગયા હતા. હજારો લોકોના દિલની ધડકન સમાન , લોકોની સ્વપ્નસુંદરીને સુધીર એક અમીનેષ નજરે જોઈ રહ્યો. દવાની અસર તળે મોનિકા સૂતી હતી.

સુધીર આગળ વધ્યો. મોનિકાની નજીક જઇ એ ઝુક્યો અને મોનિકાના માથા પર હાથ ફેરવતો રહ્યો. સુધીરના સ્પર્શમાં એક જાદુ હતો. મોનિકા માટે. કેમકે મોનિકા એને ખૂબ પ્રેમ કરતી હતી અને માટે જ સુધીરનો સ્પર્શ એના માટે જાદુ સમાન હતો.

મોનિકાએ આંખો ખોલી. સામે એનો પ્રિય , એનો શ્વાસ , એની ધડકન સુધીર હતો. મોનિકા એક પળ એને જોઈ રહી. શર્ટ ના પહેલા ખુલ્લા બટન માંથી દેખાતી માંસલ છાતી પર ગળા સુધી વિસ્તરેલ કાળા ભમ્મર વાળની વચ્ચે સોનાની જાડી ચેઇનમાં હીરાનું પેન્ડલ લટકતું હતું. મોનિકા સ્હેજ ઉંચી થઈ અને સુધીરને વળગી પડી. હજુ કાલની ઘટનાના આઘાત માંથી મોનિકા બહાર આવી ન હતી. સુધીર એની છાતીમાં મોનિકાના આંસુની ભીનાશ ને અનુભવી રહ્યો. સુધીર એના જાદુભર્યા હાથને મોનિકાના માથા અને પીઠ પર ફેરવી આશ્વસ્ત કરતો રહ્યો.

જે બાહોમાં મોનિકા પોતાની જાત ને સલામત સમજતી હતી એ હાથોમાં એ કેટલી સલામત હતી ? કદાચ વ્યક્તિ જે જુએ છે એ હોતું નથી. માણસ જે માને છે તે થતું નથી.

' ડિયર , રિલેક્સ. હું છું ને. બધું ઠીક થઈ જશે. '
' બટ , બટ સુધીર. એ રવિ. ફરી.. નો.. અગર એ એસિડ મારા પર પડતો તો ? '
' ડિયર , કંઈ નહી થાય. થોડા દિવસ તું આરામ કર. કંઇક રસ્તો કરીશું. અને તું સવારનો નાસ્તો કરી દવા લઈ લે. '
' તું આજે મારી પાસે રહી જા , પ્લિઝ. '
' મોનિકા , આજે એક એડનું શૂટ છે. યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હું સાંજે વહેલો આવી જઈશ. '
' ઓકે. આઈ લવ યુ સુધીર. '
' આઈ ઓલસો લવ યુ ડાર્લીગ. '

માણસ એક મોટો કલાકાર બની શકે છે. અને એમાં પણ સુધીર જેવો કલાકાર હોય....

**********************************

નાસ્તો કરી , દવા લઈ ને મોનિકા બેડ માં બેઠી. થોડા દિવસ એ ઓફીસ જવાની નહતી. સેક્રેટરી ફાલ્ગુનીને સૂચના આપી દીધી હતી કે કામ વગર એને ડિસ્ટર્બ ના કરે. એણે કેરટેકરને બાથટબ તૈયાર કરવા સૂચના આપી.

એ ઉભી થઇ , ધીમું મ્યુઝિક ચાલુ કર્યું અને વિશાળ બાથરૂમમાં આવી. લાઇટો ઓન કરી. બાથટબના પાણીનું ટેમ્પરેચર ચેક કર્યું અને બાથટબમાં બેઠી. પીઠની પાછળ માથું ટેકવવાના ભાગ પર માથું ટેકવી એ ગરમ પાણીમાં આંખો બંધ કરી સ્નાન કરતી રહી. નજર સમક્ષ કોલેજનો ભૂતકાળ તરવરવા લાગ્યો....

રવિ મહેરા...

કોલેજની સૌથી સુંદર અને ધનાઢય યુવતી હતી એ. અને એના કારણે એનું ગ્રુપ પણ ઘણું મોટું હતું. કોલેજની ઘણી નૃત્યનાટીકામાં એ ભાગ લેતી. અને કોલેજના કેટલાય યુવકો મોનિકાના ગ્રુપનો હિસ્સો બનવા પ્રયત્ન કરતાં. પણ ખૂબ ઓછા યુવકો હતા જે મોનિકાનો વિશ્વાસ સંપાદિત કરી શકતા અને મોનિકાના ગ્રુપમાં સામેલ થઈ શકતા.

અને રવિ મોનિકાની કોલેજમાં જ અભ્યાસ કરતો અને એક નાટકના ભાગ રૂપે રવિ મોનિકાના સંપર્કમાં આવ્યો. રવિ પણ એક કલાકાર અને સુંદર વ્યક્તિત્વનો માલિક હતો. એટલે એ સહજતાથી મોનિકાના ગ્રુપનો હિસ્સો બની ગયો.
કોલેજના ઘણા ગ્રુપ અને ઘણી યુવતીઓના સંપર્કમાં રવિ રહેતો. અને ઘણી યુવતીઓ રવિ સાથેના સંબધમાં પોતાને ધન્ય સમજતી.

પણ મોનિકાની વાત અલગ હતી. રવિ એ એની નજીક જવાની ખૂબ કોશિશ કરી. પણ મોનિકા એક અંતર જાળવીને જ ચાલતી હતી. અને કોલેજના અંત સમયે મોનિકાને એક એડ ફિલ્મમાં કામ મળ્યું. જેનો કો કાષ્ટ સુધીર હતો. મોનિકા એની તરફ ઢળતી ગઈ. જે રવિ થી સહન ના થયું. અને કોલેજના છેલ્લા દિવસે રવિએ મોનિકાને પામવા તોફાન મચાવ્યું. એ દિવસે મોનિકા એ રવિ વિરુદ્ધ પહેલી પોલીસ ફરિયાદ કરી.

રવિ એ માફી માંગી લીધી અને મામલો ત્યાં પતી ગયો. મોનિકા એ સુધીર સાથે લગ્ન કરી લીધા. જે રવિથી સહન તો ના થયું પણ એણે મિત્રતાનો અંચળો ઓઢી હસતું મ્હો રાખ્યું.

લગભગ ત્રણ વર્ષ પછી દિલ્હીમાં એક સ્ટેજ પરફોર્મન્સ સમયે યોગાનુયોગ એક હોટલમાં મોનિકા ઉતરી હતી. તે જ હોટલમાં રવિ પણ ઉતર્યો હતો. અને એ સાંજે દારૂના નશામાં રવિ પોતાનો હોશ ગુમાવી મોનિકાને જાહેરમાં છેડી બેઠો. અને ફરી મોનિકાએ રવિ વિરુદ્ધ પોલીસ કેસ કર્યો. જાહેરમાં થયેલ અપમાનને રવિ સ્વીકારી ના શક્યો. એ કેસમાં થયેલી સજા પછી એની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ. અને રવિ એ નક્કી કર્યું... એ આનો બદલો લેશે. મોનિકાને જે રૂપ નું ઘમંડ છે એને એ ખતમ કરી દેશે.

*****************************


વિશાળ કમરાના વિશાળ ડ્રેસિંગ ટેબલ સામેની રિવોલવીંગ ચેર પર મોનિકા બેઠી હતી. વિશાળ રજવાડી ડ્રેસિંગ ટેબલ પર લગાવેલ પોલિશ ઝગારા મારતી હતી. મોંઘા લોશન અને પરફ્યુમની સુગંધથી કમરો મહેકતો હતો. ડ્રેસિંગ ટેબલ ઉપર લગાવેલ મોંઘી લાઈટને મોનિકાએ ટેબલ પરના એડજેસ્ટેબલ સ્ટેન્ડથી સેટ કરી અને લાઈટનું ફોકશ મોનિકાના ચહેરા પર પડ્યું.

એક પળ મોનિકા આયનામાં દેખાતા એ સુંદર ચહેરા ને જોઈ રહી. હાથમાં લીધેલ મોંઘી ક્રીમને એણે પોતાના સુંવાળા ગાલ પર લગાવ્યું. એનું હદય ધડકી ઉઠ્યું. એક પળ વિચાર આવ્યો કે જો સમયસર પેલો યુવક વચ્ચે આવી મને ધક્કો ના મારતો તો ? એને સુંવાળો ગાલ બળેલી ચામડીમાં પરિવર્તિત થતો લાગ્યો. એ એકદમ અરીસા સામેથી ઉભી થઇ ગઇ.

( ક્રમશ : )

27 ઓગસ્ટ 2020