Naro Va Kunjaro Va - 3 in Gujarati Fiction Stories by Alish Shadal books and stories PDF | નરો વા કુંજરો વા - (૩)

Featured Books
Categories
Share

નરો વા કુંજરો વા - (૩)

ગામસભા જોઈને હું મારા અને મિહીકાના ભૂતકાળમાં ખોવાઈ ગયો.

લગભગ હું તે સમયે દસમાં ધોરણમાં હતો જ્યારે મેં મિહીકાને પહેલી વખત જોઈ હતી. હું અને મારો ખાસ મિત્ર રાજ શાળાએ જતા હતા ત્યારે રસ્તામાં તે એકબાજુ બેઠી બેઠી રડતી હતી. એને રડતી જોઇને મારાથી રહેવાયું નહિ. એટલે મેં પૂછી લીધું.

"શું થયું? કેમ રડે છે?"

એણે મારા સવાલનો જવાબ ન આપ્યો અને મોઢું ફેરવી લીધું. પણ હું પણ જાય એવો ના હતો. મેં ફરીથી સવાલ કર્યો. અને જ્યાં સુધી એણે કહ્યું નહિ ત્યાં સુધી હું ત્યાંજ ઊભો રહ્યો.

"હું અહીંયા નવી છું અને આજે મારો પહેલો દિવસ છે તો મને મારા ઘર અને મિત્રોની યાદ આવે છે એટલે રડતી હતી. અહીયા મને એકલું એકલું લાગે છે." એણે રડતા રડતા જવાબ આપ્યો.

"અરે બસ આટલી જ વાત! હવેથી તું એકલી નથી. આજથી તું અમારી મિત્ર. હવે તું અમને તારા મિત્ર બનાવે કે ના બનાવે એ તારી મરજી. પણ અમે તને અમારી મિત્ર બનાવી દીધી છે."

મારો આવો રમુજભર્યો જવાબ સાંભળીને એના મોઢા પર કરૂણરસને પછાડીને હાસ્યરસ બહાર આવી ગયો.

"કોઈ આટલી સારી રીતે મિત્રતા માટે પૂછતું હોય તો ના થોડી પડાય." એમ કહીને તે ચાલવા લાગી.

પછી અમે પણ તેની સાથે સાથે શાળાએ ગયા. ઘરે જઈને ખબર પડી કે તે એના મામાને ત્યાંથી રહીને ભણવા આવી છે. અને એના મામાનું ઘર અમારા ઘરની બાજુમાં જ હતું.

બસ ત્યારથી આ ત્રિપુટીની રચના થઈ. હું, મિહીકા અને રાજ અમે ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. ભણવામાં હોય કે રમવામાં કે પછી ધમાલમાં અમારી ત્રિપુટી સાથે જ રહેતી. શાળાએ સાથે જતા, ઘરે આવીને ગૃહકાર્ય પણ એક જગ્યાએ બેસીને સાથે જ કરતા અને રમતા પણ સાથે જ.

મિહીકાને જો કોઈ હેરાન કરે તો એનું આવી બનતું. હું અને રાજ એને હેરાન કરવા વાળાની બરાબર ખબર લઇ નાખતા. તેમાં પણ મારું અને મિહીકાનું ઘર આજુબાજુમાં જ હતું એટલે એ મનફાવે ત્યારે અમારા ઘરે આવી જતી. લગભગ રોજ આખો દિવસ અમે સાથે જ પસાર કરતા. એટલે હું અને મિહીકા એકબીજાથી વધુ નજીક હતા.

અને એક દિવસ આવ્યો ત્રિપુટી છૂટી પડવાનો દિવસ! અમારું બારમું ધોરણ પૂર્ણ થયું. મેં અને મિહીકા એ કોમર્સ કોલેજમાં એડમિશન લીધું જ્યારે રાજ એ આર્ટસ કોલેજમાં. અને એ કારણે અમારી ત્રિપુટી છૂટી પડી. તે સમયે અમને ખુબજ દુઃખ થયેલું.

હું અને મિહીકા રોજ સાથે જ કોલેજ જતા અને સાથે જ ઘરે આવતા. આ સમયગાળા દરમિયાન અમે બંને ક્યારે એકબીજાને દિલ દઈ બેઠા એ અમને પણ ના ખબર પડી. અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરતા. અને કોલેજના સમય દરમિયાન અમે પ્રેમની ક્ષણો પણ ખુબજ સરસ રીતે પસાર કરી હતી. રોજ સાથે study કરવાનું, એના હાથની ચા પીધા પછી જ વાંચવાનું, વાંચીને થાકેલા હોય તે સમય દરમિયાન એકબીજાનું માથું દબાવવાનું, એની ચુલબુલી વાતો સાંભળવાનું, રોજ સવારે એનું મોઢું જોઈને જ ઉઠવાનું, આવી ઘણી નાની નાની ક્ષણો અમે ખુબજ સરસ માણેલી.

આ પ્રેમની ક્ષણ માણવામાં અમે હવે રાજને પણ ભૂલી ગયા હતા. અમારો પ્રેમ હવે ચરમસીમાએ હતો. પણ હા આખો દિવસ અમે સાથે હોવા છતાં અમે કદી મર્યાદા ઓળંગી ના હતી.
એક રીતે કહું તો મારા પ્રેમનું નિમિત્ત બનનાર પણ મારું ઘર જ હતું. મારા ઘરમાં જ અમે એકબીજાના પ્રેમનો એકરાર કરેલો. મારા ઘરમાં પણ બધાને અમારા સંબંધની ગંધ તો આવી જ ગઈ હતી અને એમણે મુક સંમતિ પણ આપી દીધી હતી.

પણ કહેવાય છે ને કે સારા દિવસો જલ્દી પૂરા થઈ જાય છે. તો બસ એવું જ અમારી સાથે પણ થયું. અમારી કોલેજના પાંચ વર્ષ પણ પુરા થયા એટલે હવે મિહીકાને એના ઘર જવાનો સમય આવ્યો. અને એ મારું ઘર ફરીથી અમારા છુટા પડવાનું સાક્ષી બન્યું. એ મારા ઘરમાં જ એકબીજાને ભેટીને ખૂબ જ રડ્યા હતા. કારણકે હવે છુટા પડવાનો સમય આવી ગયો હતો. અને એના જવાનો દિવસ પણ આવી ગયો.

"મારે નથી જવું યાર. મારાથી તારા વિના ના રહેવાય." તે મને ભેટીને ખુબજ રડતી હતી.

"મિહું, જવું તો પડે જ ને! તારું ભણવાનું પૂરું થયું એટલે હવે તો તારે જવું જ પડે. અને બીજી એક વાત. તારે હંમેશા માટે અહીંયા આવવું હોય તો તે માટે પણ તારે તારા ઘરે જવું પડશે." મેં પ્રેમથી જવાબ આપ્યો. રડવું તો મારે પણ હતું. પણ હું રડું તો એને કોણ સંભાળે?

"મતલબ સમજ ન પડી મને. અહીંયા આવવું એટલે? તે પણ હંમેશા માટે, એનો અર્થ શું થયો?" એ તરતજ રડવાનું પડતું મૂકીને સવાલ પૂછવા લાગી ગઈ.

"અરે બાબા. means કે હવે આપણું ભણવાનું પૂરું થયું છે. હું પણ હવે જોબ પર લાગીશ. એટલે હવે આપણે આપણા ઘરમાં આપણા લગ્ન વિશે કહી શકીશું. મારા ઘરમાં તો લગભગ બધા રાજી જ છે. પણ તારા ઘરમાં બધાને રાજી કરવા માટે તો તારે જવું જ પડશે ને?"

મેં વિસ્તારથી સમજાવ્યું. લગ્નની વાત કરી એટલે તો એનામાં નવો જ જોમ આવી ગયો. એણે રડવાનું પણ બંધ કરી દીધું.

"હું તો હવે ખુશી ખુશી જઈશ. કારણકે મારું જવું જ આપણા ભેગા થવાનું નિમિત્ત બનવાનું છે. જો હું હમણાં જઈશ તો હંમેશા માટે અહીંયા આવી શકીશ." એમ કહીને તે જવા લાગે છે.

આમ અમારી 8 વર્ષની Relationship હવે long distance relationship થઈ ગઈ હતી. એણે ઘરે જઈને અમારી વાત કરી. તો ખબર પડી કે એમને તો પહેલેથી જ અમારા સંબંધ વિશે ખબર પડી ગઈ હતી. મારા ઘર વાળાએ જ એમને કહ્યું હતું. અને એમને પણ કોઈ જ વાંધો હતો નહિ. તેઓ પણ ખુબજ રાજી હતા અમારા સંબંધથી.

આમ ફરીથી મારા પ્રેમ સંબંધને સફળ કરવા મારું ઘર જ મારી પડખે આવ્યું હતું. હવે અમે ફોન પર અને વિડિયો કોલમાં પણ વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. આ વિડિયો કોલમાં અમને પણ અત્યારની પેઢી જેવી એક ખરાબ આદત લાગી ગઈ હતી. અમે વિડિયો કોલમાં જે અત્યારની પેઢીમાં પ્રચલિત છે એવું અમારા શરીરનું અશ્લીલ પ્રદર્શન એકબીજાને કરવા લાગ્યા હતા. અમે પણ એકબીજાને ઉઘાડું શરીર બતાવવું, અશ્લીલ વાતો કરવી, વગેરેમાં પડી ગયા હતા. એકરીતે જોવા જઈએ તો આમાં કશું ખોટું પણ ન હતું. કારણકે અમારો પ્રેમ પરિપક્વ હતો અને અમે એકબીજા સાથે લગ્ન કરવાના હતા.

પણ કહેવાયને કે અતિ ની ગતિ નહિ. અમે આ રીતે વાતો કરવામાં અમારું ભાન ભુલાવી બેઠા હતા. અમે ગમે તે સમયે, ગમે તે જગ્યાએ આ રીતે વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. એમાં રાજને આ વાતની ખબર પડી. પહેલા તો એણે મારી ખુબજ મજાક ઉડાવી. પણ પછી મને સમજાવ્યું કે આ બધી વાતચીત બંધ રૂમમાં જ કરવી યોગ્ય છે. એની વાતોની અસર થઈ હોય એમ અમે ધીરે ધીરે ફરીથી આ ઓછું કરી નાખ્યું હતું.

પણ ફરીથી અમારી ખુશી પર એ જ કુદરતનો નિયમ લાગુ પડ્યો કે ખુશી વધુ સમય ટકતી નથી. અને એ નિયમના ભાગ રૂપે એક દિવસ મને સમાચાર મળ્યા કે મિહીકા એ આત્મહત્યા કરી છે....

(ક્રમશઃ)