લવ રિવેન્જ-2 Spin Off
પ્રકરણ-17
નોંધ: આ ચેપ્ટરના અંતમાં સિદ્ધાર્થની સગાઈને લગતી એક નાનકડી હિંન્ટ મૂકવામાં આવી છે. વાચકો શોધી બતાવે તો ખરાં. (જો મળી જાય તો કોમેન્ટમાં અવશ્ય લખજો).
“શું ખબર આ છોકરો કેમ આવું બિહેવ કરે છે...!?” વધું એક વખત આરવને કૉલ કર્યાબાદ પણ જ્યારે તેણે લાવણ્યાનો ફોન ના ઉઠાવતાં તેણી કંટાળી ગઈ.
ગરબામાં જવાનો સમય થઈ ગયો હતો. આરવ અને લાવણ્યાના ગ્રૂપના ફ્રેન્ડ્સ જેઓએ સાથે ગરબામાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ નક્કી થયાં એસજી હાઇવે ખેતલાપા ટી-સ્ટૉલ ભેગાં પણ થઈ ગયાં હતાં. આરવ અને લાવણ્યાના ગ્રૂપના બધાં તૈયાર થઈ ટોળુંવળીને ઊભાં હતાં. જ્યારે બધાંથી કંટાળેલી અને વિચારે ચઢેલી લાવણ્યા આજુબાજુ ટોળુંવળીને ઉભેલા આરવ અને તેનાં ગ્રૂપના મિત્રોના કોલાહલથી કંટાળીને બધાંથી થોડું દૂર આવીને હાઇવે નજીક એકલી ઊભી રહી અને વાહનો સામે જોઈ રહી હતી.
“અચાનકથી બદલાઈ ગ્યો..!” લાવણ્યા બબડી “હું ફોન કરું તો નઈ ઉપાડવાનો...! મેસેજનો પણ રિપ્લાય નઈ આપવાનો...! અને નેહા કરે તો તરતજ રિસ્પોન્સ આપે...!?’
“લાવણ્યા....! તું કોનાં જોડે આવે છે...!?” આરવ વિષે વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને પ્રેમે જોડે આવતાં પૂછ્યું.
“હું તો આરવની કારમાં આવું છું...!” ચણિયાચોલીમાં તૈયાર થયેલી લાવણ્યા તેનાં વાળની લટ સરખી કરતાં બોલી.
“તો તે એ લોકોનું ગ્રૂપ જોઇન કરી લીધું...એમ...!?” પ્રેમની પાછળ આવેલી ત્રિશા ટોંન્ટ મારતાં બોલી.
“એકની એક વાત કેટલીવાર કઉ તને..!?” લાવણ્યા ચિડાઇને બોલી “એ મારો ફ્રેન્ડજ છે...! જેમ હું બીજાં બોયઝ જોડે બોલું છું એજરીતે...!”
“શું ફરક પડે છે...!?” પ્રેમ ત્રિશાને ધમકાવતો હોય એમ બોલ્યો “બધાંએ છેવટે તો કોલેજ ગ્રાઉંન્ડમાંજ જવાનું છેને..!?”
ત્રિશાએ મોઢું મચકોડીને આડું જોઈ લીધું.
“આ છોકરો કેટલે ર’યો....!?” કંટાળેલી લાવણ્યએ તેનાં મોબાઈલમાંથી ફરીવાર આરવનો નંબર ડાયલ કર્યો.
“ટ્રીન...ટ્રીન.....ટ્રીન....!” આખી રિંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉપાડયો.
“ફોન પણ નથી ઉપાડતો...! ડફોળ...!” લાવણ્યા અકળાઈ અને આમતેમ જોવાં લાગી “શું માંડ્યુ છે આણે...!?”
આરવે ફોન નાઉપાડતાં લાવણ્યા વધું ગુસ્સે થઈ અને પ્રેમ-ત્રિશાથી સહેજ વધું છેટે આવીને ઊભી રહી. થોડીવાર થતાં-થતાં લાવણ્યાનું મન ફાર્મહાઉસવાળી ઘટના વિષેના વિચારે ચઢી ગયું.
“તને શું લાગે છે....લાગે છે...! બધાં બોયઝ તારી જોડે શું કામ આવે છે...!?” યશનો ગંદુ સ્મિત કરતો ચેહરો અને તેનાં શબ્દોના લાવણ્યાના મનમાં પડઘા પડવા લાગ્યાં “સેક્સ ટોય છે તું...! સેક્સ ટોય છે તું....!”
પોતાની આંખો બંધ કરીને લાવણ્યાએ એ વિચારો રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો.
“લાવણ્યા...!” પ્રેમે ફરીવાર તેણી પાસે આવતાં લાવણ્યાનાં વિચારો ભંગ થયાં.
“હાં....! શું...!?” વિચારોમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતાં-કરતાં લાવણ્યાએ પ્રેમ સામે જોઈને પૂછ્યું.
“બધાં જવાનું કે’છે...! પછી લેટ થઈ જશે...!” પ્રેમ બોલ્યો “અમે લોકોએ કેબ બોલાવી હતી એ પણ ક્યારની આઈ ગઈ છે...! તું અમારી જોડેજ આવતી રે’ને....! આરવનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સમાંથી પણ ઘણી ગર્લ્સ આપડી જોડે કેબમાં આવેજ છે..!”
“નઈ...! તમે લોકો જાવ...! હું આરવની જોડે આવું છું...!” લાવણ્યા બોલી અને પાછું ફરીને હાઇવે તરફ જોવાં લાગી.
“સારું...!” લાવણ્યાની આદત જાણતો પ્રેમ પાછું ફરીને ગ્રૂપનાં ફ્રેન્ડ્સ બાજુ જતો રહ્યો.
થોડીવાર પછી બધાં કેબમાં બેસીને એચ એલ કોલેજ જવાં નીકળી ગયાં. જે લોકો પોતાનું વ્હીકલ લાવ્યાં હતાં એ લોકો પણ પોત-પોતાનાં વ્હીકલ ઉપર જવાં લાગ્યાં.
“લાવણ્યા...!” આરવનાં ગ્રૂપનો એક ફ્રેન્ડ આકાશ પોતાનું બાઇક ઘુમાવીને લાવણ્યાની નજીક ઊભું રાખીને બોલ્યો “ચાલ....આવવું હોય તો...! હું લેતો જાવ...!”
યશ વિષે યાદ આવી જતાં લાવણ્યાનાં શરીરમાંથી એક હળવી ધ્રુજારી આવી ગઈ અને તે આકાશ સામે એકીટશે જોઈ રહી.
“મારે નથી આ’વું...!” મન મક્કમ કરી લાવણ્યા સપાટ સ્વરમાં બોલી “તું જા...!”
“અરે હું પણ કોલેજનાંજ ગરબામાં જાઉં છું...! ચાલને...!” આકાશ સહેજ ભારપૂર્વક બોલ્યો.
“નાં પાડીને એકવાર...!” લાવણ્યા સહેજ અકળાઈ અને મોટેથી બોલી “તને સમજાતું નથી...!?”
“બાપરે..! તું તો ગુસ્સે થઈ ગઈ...!” છોભીલો પડી ગયો આકાશ પોતાનું બાઇક લઈને રફુચક્કર થઈ ગયો.
“તમે લોકો આજ લાયક છો...!” લાવણ્યા પોતાનેજ સાંત્વના આપતી હોય એમ બબડી અને પાછી હાઇવે તરફ જોવાં લાગી.
***
“ડૂડ...! તું આજે મને મરાઈ નાંખીશ...!” આરવ બોલ્યો “હવે તો મને જવાંદે..! એનાં આટલાં બધાં કૉલ્સ આવી ગ્યાં હવે...! કલ્લાકથી એ વેટ કરતી હશે મારી...!”
“અરે એને તારી રાહ તો જોવાંદે થોડી..!” અક્ષય બોલ્યો.
ગરબા માટે બંને ટ્રેડિશનલ પહેરીને પાછાં ચાય-સુટ્ટા કાફે મળ્યાં હતાં. અક્ષયે કહ્યાં મુજબ આરવે લાવણ્યાને લેવાં માટે જાણી જોઈને લેટ જવાનું હતું.
“થોડી...!? યાર આને “થોડી” થોડી કે’વાય....!?” લાવણ્યાનો ગુસ્સો જાણતો આરવ રઘવાયો થઈને બોલ્યો “એ મારી પથારી ફેરવી નાંખશે...!”
“અરે કઈં નઈ થાય યાર...! તું આમ શેનો ડરે છે ....!” અક્ષય બોલ્યો.
“ના ના ભાઈ...! મને જવાંદે તું યાર...!” બોલતાં-બોલતાં આરવ પોતાની કાર તરફ ઉતાવળાં પગલે ભાગ્યો.
સ્મિત કરતો-કરતો અક્ષય ત્યાંજ બાઇક ઉપર બેસી રહ્યો.
કાર પાસે આવીને આરવ કામમાં બેઠો અને ચાવી ઇગ્નિશનમાં ભરાવીને સેલ મારી દીધો.
“આજે તો ગયો હું...!” મનમાં બબડતાં-બબડતાં આરવે કાર મેઈન રોડ ઉપર લીધી અને એસજી હાઈવે જવાં મારી મૂકી.
***
“આ ગધેડો ક્યાં છે...! આખો કલ્લાક પૂરો થઈ ગયો...!” ગ્રૂપનાં બધાં ફ્રેન્ડ્સને ગયે કલ્લાકથી વધુ સમય વીતવા છતાં જ્યારે આરવ ના આવ્યો તો લાવણ્યા અકળાઈ અને ફરીવાર તેનો નંબર ડાયલ કરવાં લાગી.
ફરીવાર આખી રિંગ વાગી જવાં છતાંપણ આરવે ફોનનાં ઉઠાવ્યો.
“માર ખાશે આ છોકરો આજે મારાં હાથનો...!” ગુસ્સે થયેલી લાવણ્યા બબડી.
ધૂંઆંપૂંઆં થઈ ગયેલી લાવણ્યાનો ચેહરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. વધુ પંદરેક મિનિટ વીતી ગઈ.
“ચરર...!” હાંફળા-ફાંફળા આરવે એસજી હાઈવે પહોંચતાંજ કાર ઊભી રાખી.
“અરે યાર આ તો એકલીજ ઊભી છે..!” હાઈવે પાસે એકલાં ઊભેલી લાવણ્યાને જોઈને આરવ તેણી પાસે દોડી જવાં લાગ્યો “બધાં જતાં’ર્યા લાગે છે...!”
“સોરી...સોરી....! આઈ એમ સો સોરી...!” આરવ ઉપર ગુસ્સે થયેલી લાવણ્યા હાઇવે તરફ મ્હોં કરીને ઊભી હતી ત્યાંજ પાછળથી આરવનો અવાજ આવ્યો.
લાવણ્યા તરતજ પાછી ફરી.
“તું...! ગધેડા...!”
“લાવણ્યા સો સોરી...! પ્લીઝ મારી વાત તો..!”
“ક્યાં હતો તું...! હેં ક્યાં હતો...!?” લાવણ્યા મોટે-મોટેથી બોલતાં-બોલતાં આરવ સામે ધસી ગઈ “કયારની ફોન કરું છું...! ફોન નથી ઉપાડતો...! આ ટાઈમ તો જો...!”
“પ...પણ..પણ....મારી વાત તો સાંભળ....!” આરવ દયામણું મોઢું કરીને બોલવા લાગ્યો.
“કયારની રાહ જોવું છું....! ભાન પડે છે કઈં...!?” લાવણ્યા હવે આરવની ચેસ્ટ ઉપર ધક્કા મારવાં લાગી “બધાં જતાં રહ્યાં....! હું એકલી ક્યારની ભૂત જેવી અહિયાં કલ્લાકથી ઊભી છું....!”
“પણ...પણ...મારી વાત...!”
“બોલ..બોલ..શું બા’નું કાઢવું છે તારે...!? બોલ....!?” લાવણ્યા એજરીતે આરવની ચેસ્ટ ઉપર ધક્કા મારતાં-મારતાં બોલી.
“તું બોલવા તો દે પણ....!”
પોતાની આંખો બંધ કરી લાવણ્યાએ એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાનો ગુસ્સો કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો.
“બોલ...! જલ્દી...!” પોતાનો ગુસ્સો દબાવી રાખીને લાવણ્યા આરવ સામે આંખો મોટી કરીને બોલી.
“પે’લ્લાં તો સોરી...! હું ઘેરથીજ મોડો નીકળ્યોતો....!” અક્ષયે લાવણ્યાને મનાવા માટે કીધેલી સ્ટોરી આરવ બિતો-બિતો બોલ્યો.
પોતાની કમર ઉપર હાથ મૂકી લાવણ્યા ઘુરકીને તેની સામે જોઈ રહી.
“ઘેરથી લેટ નિકળાયું એટ્લે મેં અક્ષયને ફોન કરીને પુછ્યું કે તમે બધાં હજી ખેતલાપા જ છો કે પછી કોલેજ જવાં નીકળી ગયાં...!?” આરવ બાળકની જેમ ઢીલું મોઢું કરીને બોલવા લાગ્યો “તો અક્ષયે કીધું કે બધાં કોલેજ આઈ ગ્યાં...! એટ્લે મને લાગ્યું કે તું પણ બધાંની જોડે કોલેજ જતી રઈ હોઈશ....! એટ્લે હુંય કોલેજ જતો ર’યો...!”
“તું...તું...મને એકલી મૂકીને કોલેજ જતો ર’યો...! ડોબાં...! અક્કલ વગરના...!” લાવણ્યા હજીપણ એજરીતે ગુસ્સે થઈને બોલી રહી હતી.
“પણ તું શું કામ અહિયાં એકલી મારી વેઇટ કરતી’તી...!? તારે બધાં જોડે જતું રે’વું જોઈને...!?”
“હું તારી ઉપર ટ્રસ્ટ કરતી હોવ...તો તારી જોડેજ જાવને....!” બોલતાં-બોલતાં લાવણ્યાને ડૂસકું આવી ગયું અને પોતાનું મોઢું ઢાંકીને તે રડી પડી.
“અરે પણ .....તું રોવે છે શું કામ...!?” આરવ લાવણ્યાના હાથ પકડીને બોલ્યો “હવે હું આઈ તો ગ્યો...! “
લાવણ્યા તો પણ રડતી રહી.
“સોરી યાર...! આવું રડ નઈ તું...! મને નો’તી ખબર કે તું મારી ઉપર આટલો બધો ટ્રસ્ટ કરતી હોઈશ...! કે ..કે...તું મારાં માટે આખો કલ્લાક રાહ જોવે....!”
“તારી પ્રોબ્લેમ શું છે...!? અચાનક કેમ આવું બિહેવ કરે છે..!?” લાવણ્યાએ પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં પૂછ્યું.
“વાહ...! એનો મતલબ તું વિચારે છે... મારાં બિહેવિયરમાં જે ચેન્જ આયો એ...!” ખુશ થયેલો આરવ મનમાં બબડ્યો પછી લાવણ્યા સામે અજાણ્યા બનવાનું નાટક કરતો હોય એમ બોલ્યો “શ....શું...!? શેની વાત કરે છે તું...!?”
“કઈં નઈ છોડ...!” લાવણ્યા ચિડાઈને બોલી અને આરવની કાર તરફ જવાં લાગી “ગરબામાં મોડું થાય છે ચલ..!”
લાવણ્યાની પીઠ સામે જોઈ રહીને આરવ મલકાઈ રહ્યો.
“તારું તીર નિશાને વાગ્યું છે હો ભાઈ...!” આરવ ફટાફટ પોતાનો મોબાઈલ કાઢીને અક્ષયને મેસેજ કરી દીધો અને ઉતાવળા પગલે કાર તરફ જવાં લાગ્યો.
લાવણ્યાના કારમાં બેઠાં પછી આરવ પણ કારમાં ગોઠવાયો અને છેવટે બંને તેની કારમાં કોલેજ જવાં નીકળી ગયાં.
***
“મે’માન અવાનાં છે..! અવાનાં છે..!”
હાઈવે ઉપર કાર ડ્રાઇવ કરી રહેલાં સિદ્ધાર્થનાં કાનમાં તે શબ્દો પડઘાઈ રહ્યાં હતાં.
સિદ્ધાર્થની વાત સાંભળવાની દરકાર કર્યા વિના પોતાની વાત કહીને કરણસિંઘ ત્યાંથી જતાં રહ્યાં હતાં. હતપ્રભ આંખે સિદ્ધાર્થ શૂન્યમનસ્ક જોતો રહ્યો હતો. તેમનાં ગયાં પછી સિદ્ધાર્થ કાર લઈને અમદાવાદ આવવાં નીકળી ગયો હતો.
ડ્રાઈવ કરતાં-કરતાં સિદ્ધાર્થે એક હાથે પોતાનો મોબાઈલ લઈને નેહાનો નંબર ડાયલ કર્યો. આખી રિંગ વાગી જવાં છતાંય નેહાએ કૉલ રિસીવ ના કર્યો.
“તારી સગાઈ નક્કી કરવાની છે...! સગાઈ નક્કી કરવાની છે...!”
“ખટાક....!” કારનો ગિયર બદલી ટોપમાં નાંખી સિદ્ધાર્થે કારનું એક્સિલેટર પૂરેપૂરું દબાવી દીધું.
બરોડાંથી અમદાવાદ હાઈવે પર પહોંચતાં અચાનક તૂટી પડેલાં વરસાદને લીધે ભીનાં થઈ ગયેલાં રસ્તા ઉપર કાર છાંટાં ઉડાડતી આગળ વધતી રહી.
***
કોલેજનાં ગ્રાઉંન્ડમાં મોડે સુધી નવરાત્રિનાં ગરબા ગાઈને આરવનાં અને લાવણ્યાના ગ્રૂપનાં ફ્રેન્ડસે એસજી હાઈવે ખેતલાપા ટી-સ્ટૉલ ઉપર નાસ્તો કર્યો. મોડી રાત્રે બધાં પોત-પોતાનાં ઘરે જવાં છૂટાં પડ્યાં. અક્ષયે કહ્યાં મુજબ આરવે ગરબામાં પણ લાવણ્યા સાથે એવુંજ બિહેવિયર ચાલું રાખ્યું હતું.
લાવણ્યાની હાજરીમાં તેણીને જલાવાં નેહાને ભાવ આપવો. નાસ્તો, ચ્હા-પાણી માટે કઈંપણ લાવીને આરવ પહેલાં નેહાને આપતો પછી ગ્રૂપની બીજી ગર્લ્સને અને છેલ્લે લાવણ્યાને આપતો.
આરવનાં આવાં ઇગનોરન્સભર્યા બિહેવિયરને સમજવાનો પ્રયત્ન કરી રહેલી લાવણ્યાએ ઘણીવાર આરવને પૂછ્યું. જોકે દર વખતે આરવે તેણીનાં પ્રશ્નનો ઉડાઉ જવાબ આપ્યો હતો.
“તું ખરેખર નઈ કે’….!?” લાવણ્યાએ કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને વધુ એક વખત પૂછ્યું.
આરવ લાવણ્યાને ઉતારવાં ઘરે જઈ રહ્યો હતો. નેહા વહેલાં નીકળી ગઈ હોવાથી કારમાં આરવ અને લાવણ્યા બંનેજ હતાં.
“શું...!? શેની વાત કરે છે તું...!?” આરવે ફરીવાર એજરીતે અજાણ્યાં બનીને પૂછ્યું અને આગળ જોઈને કાર ચલાવી રહ્યો.
મૂંછમાં હસતાં આરવને જોઈને લાવણ્યા સમજી ગઈ કે આરવ તેણી સાથે આવું બિહેવ જાણી જોઈને કરે છે.
“જવાંદે....!” છેવટે લાવણ્યા પોતાનું માથું સીટનાં ટેકે અડાડી દીધું અને પોતાની સાઈડની વિન્ડોમાંથી બહાર જોવાં લાગી.
થોડીવાર પછી લાવણ્યાએ માથું એમજ સીટ ઉપર ટેકવી રાખીને આરવ સામે જોયું. આરવે અમસ્તુંજ લાવણ્યા સામે જોઈને એવુંજ નકલી સ્મિત કર્યું અને મૂછમાં હસીને આગળ જોઈ ડ્રાઈવ કરવાં લાગ્યો.
“તું જાણી જોઈને આવું બિહેવ કરે છે...!” ડ્રાઈવ કરી રહેલાં આરવ સામે જોઈને લાવણ્યા મનમાં બબડી “પણ...કેમ....!?”
આરવ સામે જોઈ રહીને તે વિચારી રહી.
“તું કેમ આમ બિહેવ કરે છે” લાવણ્યા મનમાં વિચારી રહી “એ જાણવાનો એકજ રસ્તો છે...!”
કઈંક વિચારીને લાવણ્યાએ પોતાનાં મોબાઈલમાં whatsapp ઓપન કર્યું અને મેસેજ ટાઈપ કરવાં લાગી.
“કોની જોડે વાત કરે છે...!?” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવે થોડીવાર પછી ફોન મંતરી રહેલી લાવણ્યાને પૂછ્યું.
“પાર્થ જોડે...!” લાવણ્યાએ પોતાની સ્ક્રીનમાં જોઈ રહી મોબાઈલ મચેડતાં કહ્યું “કાલે અમે લોકો મણિનગર ગરબા જોવાં જવાનું વિચારીએ છે...!”
“મણિનગર...!? તો તું મારી જોડે નાઈ આવે...!?” આરવે નવાઈ પામીને પૂછ્યું.
“અમ્મ...! કદાચ નઈ મેળ પડે...!” લાવણ્યાએ એક નજર આરવ સામે જોઈને પાછું મોબાઈલમાં જોઈ લીધું.
“તું હજી નારાજ છે...!?” ટેન્શનમાં આવી ગયેલાં આરવે બાળક જેવુ મોઢું બનાવીને પૂછ્યું “હું લેટ આયો ‘તો એટ્લે....!?”
“નાં...!” લાવણ્યાએ તેની સામે જોયાં વગર જવાબ આપ્યો.
“બીજું કોણ-કોણ આવે છે...!?” થોડીવારનાં મૌન પછી આરવે કાર ડ્રાઈવ કરતાં-કરતાં પૂછ્યું.
“અમ્મ...!હું....!પાર્થ...રૂપાલી....કિર્તિ...મેઘાં....નીરવ…યતીન....ભાવિકા...કદાચ....તીર્થ...” લાવણ્યા નામો બોલવાં લાગી.
“આ બધાંને તો હું ઓળખતો પણ નઈ...! અને પાર્થ તો...! અ....!” કાર ચલાવતાં-ચલાવતાં આરવે ખચકાઈને લાવણ્યા સામે જોયું “એની જોડે તારાં અફેયરની વાત મેં પે’લ્લાં પણ સાંભળી છે...!”
“એ જૂની વાત છે...!” સામેની બાજુ કાંચમાંથી બહારનું દ્રશ્ય જોઈ રહીને લાવણ્યા શાંતિથી બોલી.
“તો...તો હવે શું કામ જાય છે એની જોડે...!?” આરવે ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું. તેનાં હ્રદયનાં ધબકારા વધવા લાગ્યાં.
લાવણ્યાએ કોઈ પ્રતિભાવ આપ્યાં વિના કાંચની બહાર જોયે રાખ્યું.
ઉચાટભર્યા જીવે થોડીવાર સુધી મૌન થઈને આરવે કાર ચલાવે રાખી.
“તું ....એની જોડે ફિઝિકલ થઈ’તીને....!?” આરવે દયામણા મોઢે પૂછ્યું, તેની આંખ ભીંજાઇ ગઈ.
“આરવ....!” લાવણ્યાએ તરતજ છણકો કરીને તેની સામે જોયું ચિડાઈને બોલી “તને કેટલીવાર કીધું કે તું આ બધાંમાં ના પડ....!”
“તું તો ના પાડતી’તીને....કે..કે હવે તું યશ જેવાં છોકરાઓ જોડે નઈ જાય....!?”રડું-રડું થઈ ગયેલો આરવ નારાજ સ્વરમાં બોલવા લાગ્યો.
“પાર્થ યશ જેવો નથી....! એણે મારી જોડે કોઈ દિવસ જોરજોરાઈ...અ....!” આરવનું મોઢું જોઈને લાવણ્યા બોલતાં-બોલતાં થોડું અટકી પછી બોલી “અને હું અત્યારે એની જોડે ક્યાંક જતી હોઉ તો એનો મતલબ એ થોડો છે કે હું એની જોડે સેક...!”
લાવણ્યા ફરી અટકી અને આંખો બંધ કરીને ઊંડા શ્વાસ ભરવા લાગી.
“તું તો કે’તી’તી કે તને મારી ઉપર ટ્રસ્ટ છે...!” આરવ રડમસ સ્વરમાં દલીલ કરવાં લાગ્યો “એટ્લેજ તો તું મારી વેઇટ કરતી’તી...! તો હવે ટ્રસ્ટ નઈ મારી ઉપર...!?”
“હું કોઈ બીજાં બોય જોડે બોલું..કે ક્યાંક જાવ...એટ્લે તારી ઉપર ટ્રસ્ટ નથી એવું કેવીરીતે કે’વાય...!?”
“તો પછી તારે એવાં છોકરાંઓ જોડે જવાનીજ શું જરૂર છે...! બોલ...!?” આરવની આંખમાં પાણી આવી ગયું.
“ઓહ..તો આ વાત છે...!” આરવની વાતનો અર્થ પામી ગઈ હોય એમ લાવણ્યા મનમાં બબડી “એટ્લે તું મારાથી દૂર-દૂર ભાગે છે...!”
“મને નો’તી ખબર કે તું પણ મને “એવીજ” ગણે છે...!” આરવ સામે જોઈ રહીને લાવણ્યા વ્યંગ કરતાં બોલી.
ભીની આંખે ઢીલું મોઢું કરીને આરવ ચૂપચાપ કાર ચલાવી રહ્યો.
ચિડાયેલી લાવણ્યા તેની સામે જોઈ રહી.
“અને એમપણ....! તારે શું લેવાં-દેવાં...!? હું ગમે તે કરું...!? ગમે તેની જોડે જાવ..!?તું મારો બોયફ્રેન્ડ છે...!?” સહેજ ચિડાઈને લાવણ્યા મોટેથી બોલી.
“તું કઈં ખોટું કરતી હોવ...! તો તને રોકવાં માટે તારો બોયફ્રેન્ડ બનવું જરૂરી છે...!?” આરવ વેધક સ્વરમાં બોલ્યો “એક બેસ્ટફ્રેન્ડ પોતાની બેસ્ટફ્રેન્ડને ખોટું કરતાં ના રોકી શકે..!? બીજાં બધાં બોયઝ તને ગમે એ રીતે તારી ખુશામત કરે.... એટ્લે મારે પણ એજરીતે તારી ખુશામત કરે જવાની...!? બોલ...!?”
“પણ હું ક્યાં કશું ખોટું કરી રહી છું...!? મારાં ફ્રેન્ડ્સની જોડેજ તો જઈ રઈ છું...!”
“તો પછી મને પણ જોડે લઈજા...!” આરવ નાનાં બાળકની જેમ જિદ્દ કરતો હોય બોલ્યો.
“આરવ...! તું...! તું શું કામ આવું બિહેવ કરે છે...!?” લાવણ્યા તેનું માથું દબાવાતી બોલી “એકદમ તને શું..!”
“તું કઈં ખોટું ના કરતી હોય તો...તો..મને લઈ જવામાં શું વાંધો છે તને...!?” લાવણ્યાને ટોકીને આરવ વચ્ચે બોલ્યો.
“આરવ...! બસ હવે...! મારી ઉપર આ રીતે ડાઉટ કરે છે તું..!?”
“ના...! હું કઈં ના જાણું...! મને લઈજા એટ્લે લઈજા...! બસ..!”આરવ હવે સાવ બાળકો જેવી જીદ્દે ચઢ્યો અને કાર ડ્રાઈવ કરતાં-કરતાં સ્ટિયરિંગ ઉપર હાથ પછાડવાં લાગ્યો.
“શું થયું છે આજે તને..!?” લાવણ્યા છણકો કરીને બોલી “મારે હવે આ ટોપીક ઉપર કોઈ વાત નઈ કરવી...!”
“તો તું મને નઈ લઈ જાય...!?”
“ના...!” લાવણ્યાએ ફરીવાર છણકો કર્યો અને પછી આરવ સામે જોઈ રહી.
આરવ કાર ચલાવતાં-ચલાવતાં તેની ભીની આંખો લૂંછવાં લાગ્યો. આરવને આંખો લૂંછતો જોઈને લાવણ્યાને તેની ઉપર દયા આવી ગઈ અને ધીરે-ધીરે તેનો ગુસ્સો ઉતરવાં લાગ્યો.
“આમજો મારી સામે....!” લાવણ્યાએ પ્રેમથી કહ્યું.
નારાજ થયેલો આરવ તોપણ તેણી સામે જોયાં વિના કાર ડ્રાઈવ કરતો રહ્યો.
“આરવ...! હની....! આમ સામે જો મારી....!”
“તારી સોસાયટી આઈ ગઈ...!” લાવણ્યાની સોસાયટીનાં ગેટની સામે કાર ઊભી રાખતાં આરવે નારાજ સૂરમાં લાવણ્યા સામે જોયાં વિના કહ્યું.
“આ છોકરોતો સાવ મૂરઝાઈ ગ્યો...!” આરવના સાવ ઉતરી ગયેલાં ચેહરા સામે જોઈને લાવણ્યા મનમાં બબડી.
“આરવ.....! હની....!” આરવના વાળમાં પ્રેમથી હાથ ફેરવીને લાવણ્યા બોલી “મારી સામે તો જો...!”
“તું મારાં માટે આવાં ફાલતું છોકરાંઓ જોડે જવાનું બંધ ના કરી શકે...!?” દયામણું મોઢું કરીને આરવ લાવણ્યા સામે જોઈ રહ્યો.
“આરવ...! હની....! એકની એક વાત મારે તને કેટલીવાર કે’વાની...!? જો હું બદલાવા ઇચ્છતી હોત....! તો હું ક્યારની બદલાઈ ગઈ હોત....!”
નારાજ આરવે તેનું માથું હલાવીને લાવણ્યાનો હાથ પોતાનાં વાળ ઉપરથી દૂર કર્યો.
લાવણ્યા આરવના નારાજ ચેહરા સામે જોઈ ઢીલું મોઢું કરીને જોઈ રહી. કઈંપણ બોલ્યાં વગર આરવ સામેની બાજુ જોઈ રહ્યો.
“હું આવીજ છું આરવ.....!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “તું મને એવીજ એકસેપ્ટ કરી શકતો હોય તો એકસેપ્ટ કરીલે...!”
ગળગળા સ્વરમાં એટલું બોલીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. રોડ ક્રોસ કરીને લાવણ્યા પોતાની સોસાયટી તરફ ચાલવા લાગી.
“તું મારાં માટે આવાં ફાલતું છોકરાંઓ જોડે જવાનું બંધ ના કરી શકે...!? બંધ ના કરી શકે...!?”
“તું ....એની જોડે ફિઝિકલ થઈ’તીને....!?”
“તારે એવાં છોકરાંઓ જોડે જવાનીજ શું જરૂર છે...!”
આરવની વાતોનાં લાવણ્યાનાં મનમાં પડઘા પડવાં લાગ્યાં.
“તું મને એવી ગણે એટ્લે મારી જોડે આવું બિહેવ કરે છે….!?”જતાં-જતાં લાવણ્યાએ પાછાં ફરીને કારમાં બેઠેલાં આરવ સામે જોયું.
કાર લઈને ત્યાંજ ઉભેલો તે હજીપણ ત્યાંજ ઊભો હતો અને લાવણ્યાનેજ જોઈ રહ્યો હતો.
“તારે શું લેવાં-દેવાં...!? શું લેવાં-દેવાં...!?”
કારમાં બેસીને લાવણ્યાને સોસાયટીમાં જતી જોઈ રહેલાં આરવના મનમાં લાવણ્યાના શબ્દો પડઘાઈ રહ્યાં હતાં.
“હું ગમે તે કરું...!? ગમે તેની જોડે જાવ..!?તું મારો બોયફ્રેન્ડ છે...!? તું મારો બોયફ્રેન્ડ છે...!?”
“તો હજુ હું તારો બોયફ્રેન્ડ બનવા લાયક નઈ થ્યો એમને...!” જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ તાકી રહીને આરવ બબડ્યો.
લાવણ્યા દેખાતી બંધ થયાં પછી થોડીવાર સુધી આરવ ત્યાંજ ઊભો રહ્યો. છેવટે અક્ષયને ફોન લગાડીને આરવે કાર સેટેલાઈટ રોડ થઈને સેન્ટ ઝેવિયર રોડ ઉપર તેમનાં અડ્ડે ચાય-સુટ્ટા કાફે જવાં મારી મૂકી.
ઘરે આવ્યાં પછી પણ મોડી રાત સુધી લાવણ્યા આરવના વિચારોમાં ખોવાયેલી રહી. બેડ ઉપર પડે-પડે તે છત ઉપર ફરી રહેલાં પંખાને ક્યાંય સુધી તાકતી રહી. નારાજ આરવને મનાવવાં તેણીએ ફોન અને મેસેજ પણ કરી જોયાં. જોકે આરવે એકેય ફોન કે મેસેજનો રિપ્લાય ના આપ્યો.
***
“સિડને ફોન કરું...સિડને ફોન કરું....!” પોતાનાં રૂમની બાલ્કનીમાં દોડાદોડ આવતાં ઉત્સાહથી થનગનતી નેહાએ પોતાનાં મોબાઈલમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં માંડ્યો.
“ઓહ...! સિડનો કૉલ...!?” પોતાનાં મોબાઈલમાં લગભગ દસેક વાગ્યાની આસપાસ સિદ્ધાર્થનો મિસ કૉલ જોઈને નેહાને નવાઈ લાગી.
“કોઈ વાંધો નઈ...! હું એને ન્યૂઝ આપીશ..તો એ એકદમ શૉક થઈ જશે....!” મોબાઈલ કાને માંડી નેહા બાલ્કનીની પેરપેટ પાસે આવીને ઊભી રહી.
“હેલ્લો.....!” સામેથી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.
“હેય...! શું કરે છે...!? જઈ આયો નવરાત્રિ સેલિબ્રેશનમાં...!? તારાં ફ્રેન્ડ્સ જોડે..!?” સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ નેહા ઉત્સાહભર્યા સ્વરમાં બોલી પડી.
“હમ્મ...! જઈ આયો....!” સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલ્યો “મેં તને કૉલ કર્યો..!”
“અરે સોરી..! હું ગરબામાં હતી...! એટ્લે ખબર નાં પડી...!” નેહા વચ્ચે બોલી પડી.
“ઓહ...! બવ મોડાં સુધી ગરબા ચાલ્યાં...!?” સિદ્ધાર્થ અમસ્તુંજ બોલ્યો.
“હમ્મ...! જોને...! અઢી વાગી ગ્યાં...!!” નેહા બોલી “એક બવજ જોરદાર ન્યૂઝ આપું...!? તું એકદમ હેરાન થઈ જઈશ...! શૉક શૉક થઈ જઈશ...!”
બાલ્કનીમાં ઊભેલી ઉત્સાહથી કૂદકાં ભરવાં લાગી.
“હવે મને કોઈ પણ વાતે શૉક નઈ લાગતો...!” સિદ્ધાર્થ વ્યંગ કરતો હોય એમ હળવું હસીને બોલ્યો.
“શરત લગાવી છે...!?બે-બે હજારની...!? જો તું શૉક થઈ ગ્યો...! તો એક ગુલાબી નોટ મારી...! અને ના થ્યો...! તો તારી....!”
“હું પૈસાંની શરતો નઈ લગાવતો નેહા...!” સિદ્ધાર્થ એવાજ શાંત અને નિરાશ સ્વરમાં બોલ્યો.
“અરે એમ તો હું પણ નઈ લગાવતી યાર....!” એકલાં બાલ્કનીમાં ઊભેલી નેહા પોતાનાં કપાળે ટપલી મારીને બોલી “ખાલી લગાવાં ખાતર કવ છું...! મારે ક્યાં તારી જોડેથી પૈસાં લેવાં છે...! મારાં માટે શરત લગાવને...!”
“હમ્મ...! તો લગાવ...! બે હજારની...!” સિદ્ધાર્થ એજરીતે બોલ્યો “બોલ...! શું શોકિંગ ન્યૂઝ છે...!?”
“ના..ના...અત્યારે નઈ...! ફોન ઉપર નઈ...!” નેહા માથું ધૂણાવીને બોલી.
“કેમ...!?”
“ન્યૂઝ સાંભળીને તું શૉક થઈ જાય...! તો મને કેમની ખબર પડે...!? તારો ચેહરો જોયાં વગર...!?” નેહા પોતાની કમરે હાથ મૂકીને બોલી “હું જાતેજ રૂબરૂમાં તને કઈશ...!”
“રૂબરૂમાં..!?” સિદ્ધાર્થને હળવું આશ્ચર્ય થયું “ક્યારે..!?”
“હમ્મ....!” નેહા બોલી “ક્યારે...! એ પણ સરપ્રાઈઝ રાખું છું...! એટ્લે તું વધારે શૉક થાય...! હી...હી...!”
“ફાઈન.....!”
“ઘરર....!” ત્યાંજ આકાશમાં ઘેરાયેલાં વાદળોમાં ગડગડાટ શરૂ થયો અને ધીમી ધારે વરસાદના છાંટાં પડવાનાં શરૂ થયાં.
“અરે વાહ...! અહિયાં તો મસ્ત વરસાદ શરૂ થઈ ગ્યો...!” બાલ્કનીમાંથી હાથ લંબાવીને નેહા વરસાદના છાંટાંમાં હથેળી પલાળી રહી.
“હમ્મ...! સરસ પડે છે...!” સિદ્ધાર્થ બોલ્યો.
“હેં....!? ત્યાં પણ વરસાદ પડે છે....!?” નેહાએ આશ્ચર્યથી પૂછ્યું.
“હમ્મ....! બધેજ વરસાદ છે....!” સિદ્ધાર્થ નિરાશ સ્વરમાં બોલ્યો.
“હાલે દિલ મેરાંઆ......પૂછોના સનમ....!”
“અરે આ સોંગ...!?”સિદ્ધાર્થનાં મોબાઈલમાંથી સોંન્ગનો અવાજ સંભળાતા નેહાએ નવાઈપામીને પૂછ્યું.
“હમ્મ...! મારી કારમાં રેડિયોમાં વાગે છે...!” સિદ્ધાર્થ ભાવવિહીન સ્વરમાં બોલ્યો.
“ઓહ....! તું હજી ઘરે નઈ ગયો....!” નેહાએ પૂછ્યું.
“હાલે દિલ મેરાંઆ......પૂછોના સનમ....!”
ધિમાં સ્વરમાં વાગી રહેલાં એ સોંગનાં શબ્દોને સિદ્ધાર્થ સાંભળી રહ્યો.
“નાં...! બસ હવે જઈશ..!” એવાજ નીરસ સ્વરમાં સિદ્ધાર્થ બોલ્યો.
“ચલ...! હું મૂકું...!? હું થાકી ગઈ છું હમ્મ...!” નેહા બોલી “બાય...! ગૂડ નાઈટ...!”
“ગૂડ નાઈટ નેહા...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને કૉલ કટ કર્યો.
કૉલ કટ કરીને નેહા બાલ્કનીમાં ઊભાં પોતાની હથેળી વરસાદમાં પલાળી નાનાં બાળકની જેમ છાંટાં ઉડાડી રહી. ઉત્સાહથી થનગનતી નેહા કુદકા ભરતી રહી.
“હાલે દિલ મેરાંઆ......પૂછોના સનમ....!”
“આપકે ઈશ્ક કી...મદહોશી મેં....ડૂબા હે...યે આલમ....!” કારનાં રેડિયોમાં વાગતાં એ મધુર સોંન્ગનો અવાજ સંભળાય એટ્લે સિદ્ધાર્થે રેડિયોનો અવાજ સહેજ વધાર્યો અને કારની સીટને માથું ટેકવીને સોંગ સાંભળતાં-સાંભળતાં સામેથી બહાર જોઈ રહ્યો.
થોડીવાર પહેલાં શરૂ થયેલાં વરસાદની સ્પીડ વધી જતાં હવે કારનાં કાંચ ઉપર પડતાં વરસાદનાં ટીપાં પાણીની જેમ વહેવાં લાગ્યાં હતાં. વાઇપર ઓલરેડી ચાલુંજ હોવાથી પાણી આપમેળે સાફ થતું જતું હતું. કારનાં કાંચ ઉપર વારેઘડીએ પડતાં પાણીને લીધે ડહોળાતું અને વાઇપરને લીધે ફરીવાર ચોખ્ખું થતું સામેનું એ દ્રશ્ય સિદ્ધાર્થ નિરાશ નજરે જોઈ રહ્યો હતો.
“જબ શામ આયે...તુંમ યાદ આયે...! તુફાન લાયે...!”
રેડિયોમાં વાગતાં એ સોંગનાં લિરિક્સ પણ જાણે સિદ્ધાર્થની મનોસ્થિતિ કહી રહ્યાં હતાં. સોંગ સાંભળતાં-સાંભળતાં સિદ્ધાર્થ સામે બાલ્કનીમાં નાનાં બાળકની જેમ કુદકા ભરતાં-ભરતાં વરસાદની મજા માણી રહેલી નેહાને જોઈ રહ્યો હતો. જોકે નેહાને નહોતી ખબર કે ક્યારનો અમદાવાદ આવીને સિદ્ધાર્થ તેણીનાં ઘરની સામે સોસાયટીનાં ગેટની સામે કારમાંજ બેઠો હતો.
કારમાં અંદરની લાઈટ બંધ હોવાથી એમપણ કારમાં અંદર કોણ બેઠું છે એ દેખાતું નહોતું. એમાંય મધરાતનું લગભગ અઢી વાગ્યાનું અંધારું અને વધુમાં કાળાં ઘેરાયેલાં વાદળોમાંથી વરસતા વરસાદને લીધે ચંદ્રનાં પ્રકાશની ગેરહાજરીને લીધે ઘેરાયેલું ઘોર અંધારું.
બાલ્કનીમાં ચાલુ એલઇડી લાઈટનાં અજવાળામાં લેમન યેલ્લો ચણિયા ચોળીમાં બાલ્કનીમાં કુદકાં ભરતી નેહાને જોઈને સિદ્ધાર્થને ઝીલના મેરેજનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેણે નેહાને પહેલીવાર જોઈ હતી.
સિદ્ધાર્થની આંખ સામે દ્રશ્ય તરવરી ઉઠ્યું જ્યારે તેણે કાર પાર્કિંગમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળામાં મરૂન કલરની એ રજવાડી ચણિયાચોલીમાં તારની ફેન્સિંગમાં ફસાયેલાં પોતાનાં ચણિયાને કાઢવાનો પ્રયત્ન કરી રહેલી નેહાને જોઈ હતી. સ્ટ્રીટ લાઇટનાં બલ્બનો એ આછો પીળો પ્રકાશ જ્યારે તેણી ઉપર પડી રહ્યો હતો ત્યારે સિદ્ધાર્થને નેહા કોઈ પરીકથાની રાજકુમારી જેવી લાગી હતી.
આજે પણ એવીજ પણ યેલ્લો કલરની ચણિયાચોલીમાં નેહાને તે બાલ્કનીમાં જોઈ રહ્યો હતો. અને આજે પણ સિદ્ધાર્થને નેહા એજ દિવસ જેવી કોઈ પરીકથાની રાજકુમારી જેવી લાગી રહી હતી.
***
“કોલેજનાં ગરબા તો ક્યારના પતી ગ્યાં બેટાં..!” ફોન ઉપર સુરેશસિંઘ આરવને પૂછી રહ્યાં હતાં “ક્યાં છે તું..!? હવે ઘેર આયને...! આ ત્રણ વાગવાં આયાં...!”
“ફ્રેન્ડ્સ જોડેજ છું મામા...! આવું છું અડધો કલ્લાકમાં....!” આરવ નીરસ સ્વરમાં બોલ્યો “વરસાદ બંધ થાય એટ્લે...!”
“તો પણ કાર ઘરે મૂકીને બાઈક શું કામ લઈ ગ્યો..!?” સુરેશસિંઘ બોલ્યાં.
લાવણ્યાને ડ્રોપ કરીને આરવ કાર ઘરે મૂકી બાઈક લઈને અક્ષયને મળ્યો હતો.
“વરસાદમાં કાર ફસાય તો મે’નત વધારે પડે એટ્લે..!” આરવ નીરસ સ્વરમાં બોલ્યો “આટલી મોડી રાતે કોઈ ધક્કો મારવાંવાળું પણ નાં મળે એટ્લે..!”
મામાં સુરેશસિંઘ સાથે વાત કરીને આરવે ફોન કટ કર્યો.
“ભાઈ...! હવે તો તારાં મામાંનો પણ ફોન આઈ ગ્યો..!” જોડે ઉભેલો અક્ષય બોલ્યો “ઘરે નઈ જવું...!? હવે તો કાફેવાળો પણ બંધ કરીને જતો ‘ર્યો..!”
બંને ચાયસુટ્ટા કાફેનાં પાર્કિંગમાં લીંમડાનાં મોટાં ઝાડ નીચે બાઈક પાર્ક કરીને બેઠાં હતાં. લીમડાનું ઝાડ ઘટાદાર હોવાને લીધે વરસાદમાં પલળવાટી તેઓ બચી શક્યાં હતાં. જોકે થોડાં-થોડાં છાંટાંમાં ક્યારનાં ભીંજાવાંને લીધે બંને થોડુંઘણું તો પલળ્યાજ હતાં.
“એ નારાજ થઈ ડૂડ...!” અક્ષયની વાત અવગણીને આરવ બોલ્યો “એ કાલે ફરી ઓલાં ફાલતું પાર્થ જોડે જવાની છે..! મને લીધાં વગર...!”
“તું થોડાં દિવસ શાંતિ રાખ બ્રો...!” અક્ષય બોલ્યો “અને જેમ ચાલે છે એમ ચાલવાદે...!”
“પણ હું એને બીજાં કોઇની જોડે સૂતાં કેમની અ..!” બોલતાં-બોલતાં આરવ અટકી ગયો અને મોઢું ફેરવી લીધું.
તેને ફરીવાર એવાંજ વિચારો આવવાં લાગ્યાં જ્યારે લાવણ્યા યશ સાથે પ્રતિકનાં ફાર્મ હાઉસ ઉપર ગઈ હતી. ફક્ત યશની જગ્યાએ તે તમામ દ્રશ્યોમાં આરવને હવે પાર્થ દેખાવાં લાગ્યો.
પોતાની આંખો બંધ કરીને આરવે એ દ્રશ્ય “સ્વિચ ઑફ” કરવાનો પ્રયત્ન કર્યો.
“આપડે આ વાત પે’લ્લાં પણ કરી ચૂક્યાં છે..!” બાઈકની સીટ ઉપર બેઠેલાં આરવનાં ઢીંચણ ઉપર હાથ મૂકીને અક્ષય યાદ અપાવતો હોય એમ બોલ્યો “મેં તને કીધુંજ તું...! કે તારે આ બધાંની આદત પાડવી પડશે...!”
“હું શું કરું એ કે’…!?” આરવે પૂછ્યું.
“કીધુંને...! જેમ ચાલે છે એમ ચાલવાદે...!” અક્ષય બોલ્યો.
“બીપ...બીપ...!” આરવનાં મોબાઈલમાં whatsappમાં મેસેજ આવ્યો.
“ આરવ...હની..! પ્લીઝ રિપ્લાય તો આપ...!” નારાજ આરવને મનાવા લાવણ્યા કયારની મેસેજ કરી રહી હતી.
તેણીએ અનેકવાર ફોન પણ કરી જોયાં પણ આરવે એકેય ફોન કે મેસેજનો જવાબ ના આપ્યો.
“એ તને મેસેજ કરે એનો રિપ્લાય તો આપ પણ...!” આરવનાં મોબાઈલની સ્ક્રીન ઉપર લાવણ્યાનો મેસેજ વાંચીને અક્ષય બોલ્યો.
“એ મારી વાત માનશે નઈ..!” આરવ બોલ્યો અને બાઇક ઉપરથી ઉતર્યો “મને જોડે નઈ લઈ જાય...!”
બાઇકનાં ઈગ્નિશનમાં ચાવી ભરાવીને આરવે અક્ષય સામે જોયું.
“એણે આજ સુધી એનાં માટે મારી કેર જોઈ છે...!” આરવનાં ચેહરા ઉપરનાં સખત ભાવો અક્ષય ચિંતાતુર નજરે જોઈ રહ્યો “હવે હું એને મારી એનાં માટેની જિદ્દ બતાડીશ...!”
એટલું કહીને આરવ બાઇકની સીટ ઉપર પાછો બેઠો અને સ્ટેન્ડ ઉપરથી બાઈક ઉતારી સેલ માર્યો.
“ડૂડ...! કોઈ ફાલતું હરકત નાં કરતો...!” અક્ષય ચિંતાતુર સ્વરમાં બોલ્યો “નઈ તો એ તારાં હાથમાંથી ગઈ...! છોકરાં બદલાતાં એને વાર નઈ લાગતી...!”
“હૂંહ...!” બાઈકને રેસ આપી આરવ કટાક્ષમાં હસ્યો પછી બોલ્યો “જો હું કઈં નઈ કરું...! તો એમ પણ એ મારી નઈજ થાય...! એનાં કરતાં કઈંક કરીશ અને જો તો પણ એ મારી નઈ થાય..! તો કમસે કમ ટ્રાય કર્યાનો તો સંતોષ મળશે...!”
“એનો કોઈ મતલબ નઈ પણ...!” અક્ષય શાંત સ્વરમાં બોલ્યો.
“તમારાં માટે કદાચ નઈ હોય...!” આરવ બોલ્યો અને બાઈકનો ક્લચ દબાવી બાઈક ગિયરમાં નાંખ્યું “પણ અમે ક્ષત્રિયો છીએ..! કોઈ પણ લડાઈ..! ભલેને પછી હારવાનીજ કેમ ના હોય...! લડ્યા વગર નઈ હારવાની...! લડ્યા વગર કેમની ખબર પડે...!? કે તમે હારશો કે જીતશો...!?”
એટલું કહીને આરાવે ક્લચ છોડી બાઈકનું એક્સીલેટર ફેરવી દીધું અને વરસતાં વરસાદમાં સેટેલાઈટ રોડ તરફ જવા નીકળી ગયો.
“દોસ્ત...તું ખોટી છોકરીના ચક્કરમાં પડ્યો છે...!” માથું ધુણાવતો-ધુણાવતો અક્ષય ચિંતાતુર નજરે બબડ્યો.
***
“તારે મારી સાથે વાત કરવી છે કે નઈ...!?” લાવણ્યાએ આરવને whatsappમાં મેસેજ કર્યો સાથે-સાથે ગુસ્સાવાળાં સ્માઇલીઝ પણ મોકલ્યાં.
બીજાં દિવસે પાર્થ અને અન્ય ફ્રેન્ડસ સાથે ગરબાંમાં જવા માટે તૈયાર થયેલી લાવણ્યા ક્યારની આરવને મનાવા કૉલ કરી રહી હતી. કોલેજમાં પણ આરવ આખો દિવસ ગેરહાજર રહ્યો હતો. આખો દિવસ લાવણ્યાએ અનેકવાર કૉલ કરી જોયાં. પણ આરવે એકેય કૉલ રીસીવ ના કર્યો. લાવણ્યાના મેસેજના પ્રતિભાવમાં પણ આરવે તેણીને ફક્ત એકજ વાત કહી –
“તું પાર્થ જોડે ના જઈશ...! અને જો જાય તો મને લઈનેજ જા…. તોજ મારે તારી જોડે વાત કરવી છે..!”
લાવણ્યાએ ફરીવાર કરેલાં મેસેજનાં પ્રતિભાવમાં આરવે ફરીવાર એજ જવાબ આપ્યો.
“તું નવરાત્રિનું મૂડ કેમ ખરાબ કરે છે હની...!?” લાવણ્યાએ ફરીવાર મેસેજ કર્યો.
“હું નઈ તું મૂડ ખરાબ કરે છે...! પાર્થ જેવાં છોકરાઓ જોડે રખડીને....!” થોડીવારમાંજ આરવે વળતો જવાબ આપ્યો.
“રખડીને એટ્લે...!? તો તું પણ હવે મારાં માટે આવાંજ words વાપરીશ એમને...!?”સોસાયટીમાંથી ચાલતાં-ચાલતાં બહાર જઈ રહેલી લાવણ્યા લગભગ રડી પડી અને આરવને મેસેજ કરી રહી.
“મારો બેસ્ટ ફ્રેન્ડ થઈને આવું બિહેવ કરે છે તું...!?” લાવણ્યાએ વધુ એક મેસેજ કર્યો.
“તું બેસ્ટ ફ્રેન્ડ ગણતી હોત...! તો મારી વાત માનતી હોત...!” આરવે મેસેજ કર્યો “તું મને બેસ્ટ ફ્રેન્ડ ગણતીજ નઈ...! ખાલી દેખાડો કરે છે...!”
“દેખાડો...!?” લાવણ્યા મેસેજ વાંચીને મનમાં બબડી.
તેણીની આંખ ભીંજાઈ ગઈ.
“આ છોકરો સાવ આવું રૂડ બિહેવ કેમ કરે છે...!?” લાવણ્યાએ મનમાં વિચાર્યું પછી મેસેજ ટાઈપ કરવાં માંડી.
“આપડી ફ્રેન્ડશિપ દેખાડો લાગે છે તને...!?” લાવણ્યાએ મેસેજ સેન્ડ કર્યો.
મેસેજમાં બ્લ્યુ ટીક આવી ગઈ. સોસાયટીની સામે મેઈન રોડ ઉપર આવીને લાવણ્યા ઊભી રહી. અને whatsappના ચેટ બોક્સમાં આરવનો રિપ્લાય આવવાની રાહ જોઈ રહી.
મેસેજ રીડ કરી લીધો હોવાં છતાંય આરવે કોઈ રિપ્લાય ના આપ્યો.
ઓટો રોકીને લાવણ્યા ઓટોમાં બેઠી.
“બોલ...!?” લાવણ્યાએ પોતે કરેલાં મેસેજના રિપ્લાયમાં ફરીવાર પૂછ્યું.
મેસેજ વાંચી રહેલાં આરવે થોડીવાર સુધી કોઈ રિપ્લાયમાં ના આપ્યો.
“તને મારી ફીલિંગ નઈ સમજાય...!” થોડીવાર પછી આરવનો મેસેજ આયો.
“તો સમજાય મને...! હું શું નઈ સમજતી....!?” લાવણ્યાએ પૂછ્યું.
જોકે ઓટોમાં બેઠેલી લાવણ્યાને નહોતી ખબર આરવ તેણીની પાછળજ કારમાં આવી રહ્યો હતો.
***
“પછી બ્રોકર જોડે કોઈ વાત થઈ...!?” કરણસિંઘે કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું.
સગાઈના ફંક્શનની ખરીદી કરીને કરણસિંઘ, રાગિણીબેન, સિદ્ધાર્થ સહિત તેનાં કાકા, કાકી વગેરે કારમાં ઘરે પાછાં જઈ રહ્યાં હતાં.
“હમ્મ...!?” સિદ્ધાર્થ જાણે વિચારોમાંથી જબક્યો હોય એમ એક નજર કરણસિંઘ સામે જોઈ પછી પાછું સામે જોઈ ડ્રાઇવ કરતાં બોલ્યો.
“ધ્યાન ક્યાં છે તારું...!?” કરણસિંઘ સહેજ ચિડાયાં.
“અમ્મ....! હું..અ...!”
“અરે શું તમે પણ...!” પાછલી સીટમાં બેઠેલાં રાગિણીબેન છણકો કરીને બોલ્યાં “જ્યારે જોવો ત્યારે એને બસ બોલ બોલજ કરો છો...! નવી વઉ આવે તો એની સામેય આવું બોલ બોલ ના કરતાં...!”
“અરે હું ખાલી પૂછું છું...! કે અમદાવાદમાં કોઈ જગ્યા ફાઈનલ થઈ કે નઈ...!?” કરણસિંઘ પાછળ નજર કરીને બોલ્યાં.
“હજી નઈ મેળ પડ્યો....!” સિદ્ધાર્થ નીરસ સ્વરમાં બોલ્યો અને ડ્રાઇવ કરી રહ્યો.
“હમ્મ...! તો હમણાં આવે થોડાં દિવસ રે’વાંદે...!” કરણસિંઘ બોલ્યાં “સગાઈ વગેરેનું પતે પછીજ અમદાવાદનું ગોઠવજે....!”
કશું બોલ્યાં વગર સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવી દીધું.
***
“સર...! આજે આમ તો ક્રાઉડ ઓછું છે...! નવરાત્રિને લીધે ...!” એસજી હાઈવે ફૂડ ટ્રક પાર્કનો મેનેજર આરવને કહી રહ્યો હતો “છતાં...તમે સિંગિંગ કરવાં ઈચ્છતાં હોવ...! તો અમને કોઈ વાંધો નથી...!”
“મારે આજે લોકો માટે નથી ગાવું...!” સ્ટેજ ઉપર ગિટાર હાથમાં લઈને જતાં-જતાં આરવ બોલ્યો “તમે ખાલી એટલું કરજો...! કે જે વિડીયો રેકોર્ડ કરો એ મને ફોરવર્ડ કરજો...!”
“ઠક...ઠક...!” સ્ટેજ ઉપર મૂકેલાં માઈક ઉપર બે-ત્રણવાર ટપલી મારી આરવે માઈક ચેક કર્યું પછી સામે ફૂડ ટ્રક પાર્કમાં હાજર ભીડ તરફ જોયું.
નવરાત્રિને લીધે ભીડ ઓછી હતી. જે લોકો હતાં એમાના પણ મોટેભાગે ગરબા પહેલા હળવો નાસ્તો કરવાં આવ્યાં હતાં. જોકે આરવને એ બધાંથી કોઈ મતલબ પણ નહોતો. પોતાની ફીલિંગ લાવણ્યાને સમજાવા આરવ આજે અહિયાં સોંન્ગ ગાવાં માંગતો હતો.
આરવની ના છતાંય લાવણ્યા પાર્થ જોડે મણિનગર ગઈ. આરવ છેક મણિનગર પાર્ટી પ્લૉટ સુધી કારમાં લાવણ્યાની પાછળ-પાછળ ગયો હતો. જોકે પાર્ટી પ્લૉટના ગેટ આગળ લાવણ્યાને પાર્થ અને કોલેજના બીજાં રખડું છોકરાંને ગળે મળતાં જોઈને આરવનું લોહી ઉકળી ઉઠ્યું હતું અને તે ત્યાંથી નીકળી ફૂડ ટ્રક પાર્ક આવી ગયો હતો.
““દિલ કા દરિયાઆ....! બેહ હી ગયાં.....!
ઈશ્ક ઈબાદત બન હી ગયાં....!”
ગિટાર ઉપર સૂર રેલાવતાં-રેલાવતાં આરવ સોંન્ગ ગાવાં લાગ્યો. દર વખતની જેમ જે લોકો ત્યાં હાજર હતાં તેઓ આરવને સોંગ ગાતો જોઈ રહ્યાં અને પોતાનાં મોબાઈલમાં રેકોર્ડિંગ કરી રહ્યાં.
“ખુદ કો મુઝેએ.... તું સોંપ દે....!
મેરી ઝરૂ....રત....તું બન ગયાંઆ....!
બાત દિલકીઈ.....નઝરોને કી...!
દિલ હૈ ટૂટાં....! ટૂટે હૈ હમ્મ....મ્મ...!
તેરે બિન અબ...નાં લેંગે એકભી દમ મ્મ..મ્મ...!
તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!”
***
“કદાચ આ સોંન્ગ સાંભળીને તને મારી ફીલિંગ સમજાય..!” રેકોર્ડ કરેલાં વિડીયોને ફૂડ ટ્રક પાર્કના મેનેજર પાસેથી પોતાનાં નંબર ઉપર ફોરવર્ડ કરાવીને આરવે લાવણ્યાને ફોરવર્ડ કર્યો અને જોડે મેસેજ પણ મોકલ્યો.
આઠેક વાગ્યા હોવાંથી હજીતો ગરબા પતવામાં ઘણીવાર હતી. કંટાળેલાં આરવે છેવટે કારમાં બેસીને કાર ફરીવાર મણિનગર એજ પાર્ટી પ્લૉટ તરફ મારી મૂકી.
***
“હજી મેસેજ નઈ જોયો...!?” whatsappમાં લાવણ્યાને મોકલેલા સોન્ગનો વિડીયો મેસેજ જોઈને આરવ બબડ્યો.
મણિનગર આવીને પાર્ટી પ્લૉટની આજુબાજુ ચ્હાની કીટલી ઉપર બેસી આરવ લાવણ્યાની રાહ જોઈ રહ્યો હતો. જોકે તે જાણતો હતો કે મોડી રાત્રે ગરબા પતે નહીં ત્યાંસુધી લાવણ્યા નહોતી આવવાની. છતાંય આરવનું મન ત્યાંથી જવામાં માનતું નહોતું. પાર્થ કે અન્ય યશ જેવો કોઈ અન્ય છોકરો જો લાવણ્યા જોડે કઈં આડુંઅવળું બિહેવ કરે તો આ વખતે પોતે લાવણ્યાની કોઈ વાત નઈ સાંભળે એ મનથી નક્કી કરીનેજ આરવ ત્યાંજ બેસી રહ્યો અને ગરબા પતવા સુધી રાહ જોઈ રહ્યો.
***
“તારે કઈં ખાવું-પીવું છે...!?” ગરબાનાં ક્રાઊડ તરફ જોઈ રહેલી લાવણ્યાને પાર્થે પૂછ્યું.
લાવણ્યા પાર્થ, રૂપાલી, મેઘાં વગેરે સાથે મણિનગરના એક પાર્ટીપ્લૉટમાં ગરબા ગાવાં માટે આવી હતી. પાર્થ, રૂપાલી વગેરે લાવણ્યાનાં કોલેજનાંજ ફ્રેન્ડ્સ હતાં. જોકે લાવણ્યાનાં આ મિત્રો તેનાં ગ્રૂપનાં નહીં પણ અન્ય ગ્રૂપનાં હતાં. બધાંજ મોટેભાગે ઉચ્ચ મધ્યમવર્ગનાં પૈસાંદાર પરિવારમાંથી આવતાં, એટ્લેજ લાવણ્યાને કોલેજનાં પ્રથમ વર્ષમાં તેમની જોડે ફાવી ગયું હતું. પાર્ટીઓ કરવી, સિગારેટ પીવી, ડ્રિંન્ક કરવું, ફૂલ સ્પીડે કાર કે બાઇક ચલાવીને સ્ટંટ કરવાં વગેરે જેવાં “નવાબી” શોખ તેમનાં માટે કોઈ નવી વાત નો’તી. લાવણ્યા પણ પોતે પણ આ બધી “એક્ટિવિટીઝ”માં ભાગ લેતી.
“ક્યાં ખોવાઈ ગઈ...!?” આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ કોઈ જવાબ નાં આપતાં પાર્થે તેણીનાં ચેહરા આગળ ચપટી વગાડીને ફરીવાર પૂછ્યું.
“હેં .....!? શું...!?” લાવણ્યાનાં વિચારો જાણે ભંગ થયાં હોય એમ તે બોલી “સોરી....! મ્યુઝિક બઉ લાઉડ છે...! એટ્લે ના સંભળાયું....!”
“સાડાં બાર થવાં આયાં છે....! ક્યાંક જવું છે...! ખાવાં માટે....!?” પાર્થ લાવણ્યા સામે સ્મિત કરીને તેની આઈબ્રો નચાવીને ડબલ મિનિંગ સેન્ટેન્સ બોલ્યો “મનેતો “ભૂખ” લાગી છે...!”
“મ્મ....મારે ઘરે જવું છે...!” લાવણ્યાને અચાનકજ યશ યાદ આવી જતાં તે ગભરાઈ ગઈ અને પાછી ફરીને ચાલવા લાગી.
“અરે શું થયું....!? મેં કઈં ખોટું કીધું...!?” પાર્થ લાવણ્યાની પાછળ-પાછળ આવવાં લાગ્યો.
નવરાત્રિનાં ગરબાનાં લાઉડ મ્યુઝિકમાં સાંભળી શકાય એટ્લે પાર્થ મોટેથી બોલી રહ્યો હતો.
“એવું કઈં નથી....! મારે મોડું થાય છે...!” વાત ટાળીને લાવણ્યા પાર્ટી પ્લૉટની બહાર નીકળવાં લાગી.
“અરે પણ ઊભી તો રે’…!” પાર્થે પાછળથી લાવણ્યાઆનો હાથ પકડીને ખેંચી.
“પાર્થ....! હાથ છોડ...!” લાવણ્યાએ એક ઝટકા સાથે પોતાનો હાથ ખેંચી લીધો અને ગુસ્સે થઈને બોલી “આ ભીડ જોવે છે...!?”
ગરબાનાં ક્રાઉડ તરફ હાથથી ઈશારો કરીને લાવણ્યા આગ ઝરતી આંખે બોલી “મને હાથ પણ લગાડ્યો છે...! તો તારી ખેર નથી સમજયો...!”
“અ...અરે....રિલેક્સ...લાવણ્યા...! હું તો જસ્ટ...!”
“ચૂપ થા....!” લાવણ્યાએ પાર્થ સામે હાથ કરીને કહ્યું “કોઈ મારી ઉપર જોરજોરાઈ કરે...! એ મને પસંદ નથી....! પછી એ કોઈપણ વાતને લઈને કેમ નાં હોય....!”
આંખો મોટી કરીને લાવણ્યા પાર્થ સામે જોઈ રહી.
“મારી પાછળ આવાની કોઈ જરૂર નથી....!” લાવણ્યા એજરીતે ધમકાવતી હોય એમ બોલી “હું મારી જાતે ઘરે જતી રઈશ....!”
ઉતાવળા પગલે લાવણ્યા પાર્ટીપ્લૉટમાંથી બહાર નીકળી ગઈ.
***
“આરવ....! ક્યાં છે તું....!?”પાર્ટી પ્લૉટની બહાર રસ્તાની પેવમેંન્ટ ઉપર ઊભાં-ઊભાં બબડતી લાવણ્યા પોતાનાં ફોનમાં આરવનો નંબર કાઢવાં લાગી.
“ઓહ...! એનોજ મેસેજ છે...!?” પોતાનાં whatsappમાં આરવનાં મેસેજની નોટિફિકેશન જોઈને લાવણ્યા બબડી.
“વિડીયો લાગે છે...!”આરવનો મેસેજમાં ઓપન કરીને લાવણ્યા બબડી અને આરવે મોકલેલા વિડીયોને ડાઉનલોડ કર્યો “આઠ વાગ્યાનો મેસેજ છે...!”
મેસેજની નીચે ટાઈમ જોઈને લાવણ્યા બબડી. વિડીયો ડાઉનલોડ થઈ જતાં લાવણ્યાએ વિડીયો “પ્લે” કર્યો.
“દિલ કા દરિયાઆ....! બેહ હી ગયાં.....!
ઈશ્ક ઈબાદત બન હી ગયાં....!”
વિડીયોમાં આરવ ફૂડટ્રક પાર્કનાં સ્ટેજ ઉપર બેસીને ગિટાર વગાડતો વગાડતો સોંન્ગ ગાઈ રહ્યો હતો.
“હે ભગવાન....! આજે તો સેટર ડે હતો....!” લાવણ્યા યાદ કરીને બબડી “હું તો ભૂલીજ ગઈ...!”
દરેક વિકેન્ડ તે આરવ સાથે ફૂડ ટ્રક પાર્કમાં જતી હતી જ્યાં તે સોંન્ગ ગાઈ રહેલાં આરવને ચીયર કરતી. જોકે પાર્થ વગેરે સાથે ગરબા માટે આવાની લ્હાયમાં સેટરડે હોવાં છતાં લાવણ્યા આરવ સાથે જવાનું ભૂલી ગઈ.
“ખુદ કો મુઝેએ.... તું સોંપ દે....!
મેરી ઝરૂ....રત....તું બન ગયાંઆ....!
બાત દિલકીઈ.....નઝરોને કી...!
દિલ હૈ ટૂટાં....! ટૂટે હૈ હમ્મ....મ્મ...!
તેરે બિન અબ...નાં લેંગે એકભી દમ મ્મ..મ્મ...!
તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!”
વિડીયોમાં આરવ ભીની આંખે સોંન્ગ ગાઈ રહ્યો હતો. તેની નજર વિડીયો રેકોર્ડ કરનાર કેમેરાં તરફજ હતી, જાણે તે લાવણ્યા માટેજ ગાઈ રહ્યો હોય એવું તેણીને લાગ્યું.
“તેરે સાથ...હો જાયેંગે ખતમ મ્મ...મ્મ....!
તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!
તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!”
“ઓહ હની....!” આખું સોંન્ગ પૂરું થતાં-થતાં લાવણ્યાની આંખ પણ ભીની થઈ ગઈ.
Whatsapp બંધ કરી લાવણ્યાએ આરવનો નંબર ડાયલ કર્યો.
“પ્લીઝ ફોન ઉપાડ....! ફોન ઉપાડ....!” પૂરી રિંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉઠાવ્યો.
લાવણ્યાએ ફરીવાર નંબર ડાયલ કાર મોબાઈલ પોતાનાં કાને ધર્યો.
“હેલ્લો....!” છેવટે આરવે ફોન ઉપાડયો.
“આરવ....! હની...! ક્યાં છે તું...!?” લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી “મને જરૂર છે તારી....! પ્લીઝ મને લેવાં આયને...!”
“તું ક્યાં ઊભી છે...!?” સામેથી આરવે રુક્ષ સ્વરમાં પૂછ્યું.
“પાર્ટીપ્લૉટની બા’ર....! રોડની પેવમેંન્ટ ઉપર..! તું આઈશ મને લેવાં....!?” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી.
આરવે કોઈ જવાબ ના આપ્યો. મોબાઈલ કાનમાં સહેજ વધુ દબાવીને લાવણ્યા ઊંચા જીવે આરવનાં આન્સરની રાહ જોઈ રહી.
“આર...!” લાવણ્યા કઈં બોલે એ પહેલાંજ તેની સામે એક કાર આવીને ઊભી રહી.
નીચાં નમીને કારની અંદર જોયું.
“આરવ....!?” આશ્ચર્યથી આંખો મોટી કરીને લાવણ્યાએ કારનો દરવાજો ખોલ્યો અને આરવની બાજુની સીટમાં બેસી ગઈ.
“તું...તું... આટલો જલ્દી કેમનો આઈ ગ્યો....!?” આરવને જોઈને લાવણ્યા ખુશ થઈને સ્મિત કરતાં બોલી.
“હું નજીકમાંજ હતો....!” લાવણ્યા સામે જોયાં વગર આરવ એજરીતે રુક્ષ સ્વરમાં બોલ્યો અને સામે જોઈને કાર ચલાવા લાગ્યો.
“ઓહ...! મને એમ તું કદાચ ફૂડ ટ્રક પાર્કમાંજ હોઈશ....!”
કશુંપણ બોલ્યાં વગર નારાજ ચેહરે આરવે કાર ચલાવે રાખી. કેટલીક ક્ષણો સુધી લાવણ્યાએ આરવ સામે જોયે રાખ્યું.
“બવ મસ્ત સોંન્ગ ગાયું’તું તે...હોં...! મેં વિડીયો જોયો....!” આરવનું મન ડાઈવર્ટ કરવાંનો પ્રયત્ન કરતાં લાવણ્યા બોલી “સોરી....હું ભૂલી ગઈ’તી.....કે આજે સેટરડે છે...!”
“કોઈ વાંધો નઈ...!” લાવણ્યા સામે જોયાં વિના આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો અને કાર ચલાવે રાખી.
“કઈ રીતે મનાવું તને....!?” આરવનાં નારાજ ચેહરા સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.
“અમ્મ....! ફૂડ ટ્રક પાર્ક હજીપણ ખુલ્લું હશેને...!?”ત્યાં જઈએ અને પછી મસ્ત કઈંક ખાઈએ...! મને તો બવ ભૂખ...!”
“આપડે સીધાં ઘરેજ જઈશું....!” એક નજર લાવણ્યા સામે જોઈને આરવ રુક્ષ સ્વરમાં વચ્ચે બોલ્યો અને પાછું સામે જોઈ કાર ચાલાવાં લાગ્યો “ઓલરેડી બવ લેટ થઈ ગ્યું છે....!”
કેટલોક સમય કાર ચલાવી રહેલાં આરવના ઉદાસ ચેહરા સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ એક ઊંડો નિ:સાસો ભરી સામે જોવાં માંડ્યુ. છેક લાવણ્યાની સોસાયટીના નાકે પહોંચવાં સુધી બંને વચ્ચે કોઈ વાતચિત ના થઈ. આરવની નારાજગીને લીધે લાવણ્યાએ પણ કશું કહેવાનું ટાળ્યું.
“તારી સોસાયટી આઈ ગઈ...!” લાવણ્યાની સામે જોયાં વગર આરવે કાર તેણીની સોસાયટીના ગેટની સામે ઊભી રાખતાં કહ્યું.
ઉદાસ ચેહરે લાવણ્યા આરવના નારાજ ચેહરા સામે જોઈ રહી. હજીપણ આરવ લાવણ્યા સામે જોઈ નહોતો જોઈ રહ્યો.
“હજી નારાજ છે મારાંથી...!?” લાવણ્યાએ આરવના વાળમાં વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું.
“જઈ આવી તું પાર્થ જોડે...!?” લાવણ્યાનો હાથ તરતજ હટાવીને આરવ વેધક સ્વરમાં બોલ્યો.
“જઈ આવી” એટ્લે...!?” આરવે વેધક વ્યંગમાં બોલેલાં એ શબ્દોએ જાણે લાવણ્યાનું હ્રદય ચીરી નાંખ્યું હોય એમ તે તરતજ રડી પડી તેનો સ્વર રુંધાઈ ગયો “આવ...આવું ....શું કામ બોલે છે....!?”
“તો શું બોલું....!?” આરવ ચિડાઈને સહેજ મોટેથી બોલ્યો “તને હજીપણ મારી ફીલિંગ નઈ સમજાઈને..!?”
“આરવ પણ...!”
“પણ શું..!? હુંજ પાગલ છુંને...!” આરવ પોતાનાં કાપાળે ગુસ્સાથી હથેળી મારીને બોલ્યો “ફાલતું સવાલો પૂછું છું...! જો તને મારી ફીલિંગ સમજાઈ હોત તો પાર્થ જેવાં જોડે જાતજ નઈ..!”
“તું સાવ આવું બિહેવ...!” લાવણ્યાએ ફરીવાર આરવને સમજાવા તેનાં માથે હાથ મૂકવા પોતાનો હાથ ઉગામ્યો.
“તને શરમ નઈ આવતી નઈ..!?” આરવ ફરીવાર લાવણ્યાનો હાથ ગુસ્સામાં આઘો ખસેડી દીધો “પાર્થ...યશ...! આવાં લોકોને ચોંટતાં...!? એમને વળગતાં..!? તું..તું...એ લોકોને તારાં શરીરને ટચ પણ કેમની કરવાં દેછે...!? હેં...!? ગંદુ નઈ લાગતું તને...!?”
આરવ મોઢું બગાડી ઘૃણાથી બોલ્યો. બોલતાં-બોલતાં તેનો સ્વર ઊંચો થઈ ગયો.
“એવું ક.ક..કઈં નઈ થયું...!” લાવણ્યા ડૂસકાં ભરતાં-ભરતાં બોલી “તું..તું....મારાં વિષે આવુંજ વિચારે છે....! ?”
“બધાં એવુંજ વિચારે છે તારા વિષે....!” આરવ એજરીતે મોટે-મોટેથી બોલી રહ્યો હતો.
“તું....તો ...મારો બેસ્ટ ફ્રેન્ડ છે....! તો પણ તું આ..આવું વિચારે છે...!?” ડૂસકાં ભરતી-ભરતી લાવણ્યા માંડ બોલી.
“બેસ્ટ ફ્રેન્ડ...!? બેસ્ટ ફ્રેન્ડ....!?” આરવનો સ્વર હવે વધુ કટાક્ષમય થયો “તું બેસ્ટફ્રેન્ડ માનતી હોત તો..તો..તું એની જોડે ગઈજ ના હોત...!”
“તું મને બેસ્ટફ્રેન્ડ માનતો હોય તો...તો...તો...મારી ઉપર ટ્રસ્ટ કેમ નઈ કરતો...!?”
“તું પોતાનાં બેસ્ટફ્રેન્ડની ખુશી માટે આટલું ના કરી શકી....!? બોલ...!?” આરવ રડું-રડું થઈ ગયો.
“આરવ...! હની...! તું...!” લાવણ્યાથી ડૂસકું ભરાઈ ગયું અને તેણે પ્રેમથી આરવના ગાલ ઉપર હાથ મૂક્યો.
“મને ના અડીશ....!” આરવે એક ઝટકાથી લાવણ્યાનો હાથ પોતાનાં ગાલેથી દૂર કર્યો.
“આરવ..!” રડી રહેલી લાવણ્યા આરવના ચેહરા ઉપર પોતાનાં માટે અણગમાં ભાવ જોઈને હેબતાઈ ગઈ અને વધું જોરથી ડૂસકાં ભરવાં લાગી “આવું....આવું કેમ બિહેવ કરે છે...!?”
આરવ મૌન રહ્યો અને એવાંજ અણગમાં સાથે આરવે મોઢું બગાડીને લાવણ્યા સામે જોયાં વિના સામેની બાજુ જોયે રાખ્યું.
“ તું...તું..મ્મ...મને સાવ એવી ગ...ગણે છે....!? બ..બોલ....!?” લાવણ્યએ માંડ-માંડ પૂછ્યું.
લાવણ્યા પણ ડૂસકાં ભરતી-ભરતી તેની સામે જોઈ રહી. કશું પણ બોલ્યાં વગર આરવ સામેની બાજુ જોઈ રહ્યો.
“સ...સારું....! ક....કોઈવાંધો નઈ...! હું જાવ છું....!” સીટમાં પાછાં ફરીને લાવણ્યાએ કારનો દરવાજો ખોલ્યો અને ફરી આરવ સામે જોઇને બોલી “તું...મ...મને એવી..એવી નાં ગણતો હોય ત...તોજ મારી જોડે વાત કરજે અવે...! મમ્મ...મારી ઉપર ટ્રસ્ટ હોય....! તો....તો...તો જ મને બોલાવજે...! હું...જાવ છું....! ટ્રસ્ટ હોય...તો...તો મને રોકી...રોકી લેજે....! ટ્રસ્ટ ના હોય...તો...તો...મને ના રોકતો...જવાં દેજે...!”
એકાદ ક્ષણ માટે આરવના ચેહરાના ભાવો વાંચવા લાવણ્યા અટકી તે હજીપણ લાવણ્યા સામે નહોતો જોઈ રહ્યો.
“મને રોકી લેજે...! પ્લીઝ મને રોકી લેજે....!” લાવણ્યા આરવ સામે જોઈ રહીને મનમાં બબડી.
વધુ કેટલીક ક્ષણો આરવ સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યા કારમાંથી નીચે ઉતરી ગઈ અને પોતાની સોસાયટીનાં ગેટ તરફ ચાલવાં લાગી.
“રોકીલેને...! મને રોકી લે પ્લીઝ....!” સોસાયટીના ગેટ તરફ જતાં-જતાં લાવણ્યા મનમાં બબડી. તે હજીપણ ડુસકા ભરી-ભરીને રડી રહી હતી.
રોડ ઓળંગીને લાવણ્યા છેવટે સોસાયટીના ગેટ પાસે પહોંચવા આવી.
“રોકતો કેમ નઈ ....!?” છેક ગેટ સુધી પહોચ્યાં સુધી લાવણ્યા મનમાં એજ ઈચ્છતી રહી કે આરવ એને રોકીલે.
ગેટની અંદર પ્રવેશતાં પહેલાં લાવણ્યાએ અટકી અને પાછાં ફરી આરવ સામે જોયું. કારની ડ્રાઈવીંગ સીટમાં બેઠેલો આરવ હજીપણ લાવણ્યાની સામે જોવાની જગ્યાએ સામેની બાજું જોઈ રહ્યો હતો.
“તને ટ્રસ્ટ નઈ મારાં ઉપર....! ટ્રસ્ટ નઈ ..!” ડુસકાં ભરતી ભરતી લાવણ્યા મનમાં બબડી અને છેવટે આગળ જોઈને ગેટમાં પ્રવેશી ગઈ.
“તને ટ્રસ્ટ નથી મારાં ઉપર આરવ....! તને ટ્રસ્ટ નથી...!” મનમાં બબડતી-બબડતી લાવણ્યા સોસાયટીમાં પોતાનાં ઘર તરફ જવાં લાગી.
“તું મને “એવીજ” ગણે છે....! “એવીજ” ગણે છે....!” પોતાની વહી રહેલી આંખો લુંછતાં- લુંછતાં લાવણ્યાએ પોતાનું મન કઠણ કર્યું અને રડવું રોકવાં પોતાનો ચેહરો સખત કર્યો.
“એ મને “એવીજ” ગણે છે...!”
.....“એવીજ” ગણે છે...!”
મનમાં વિચારતાં-વિચારતાં લાવણ્યાએ પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી. કંટાળેલાં આરવે પોતાનું માથું કારના સ્ટિયરિંગ ઉપર ઢાળી દીધું.
ખાસ્સો સમય સુધી સ્ટિયરિંગ ઉપર માથું ઢાળીને બેસી રહ્યાં પછી આરવે છેવટે અક્ષયને કૉલ કર્યો.
“અડ્ડે મલ...!” આરવે રુક્ષ સ્વરમાં કહ્યું.
“અત્યારે...!? ડૂડ...! ટાઈમ તો જો..!” અક્ષયે નવાઈ પામીને પૂછ્યું.
“હું વીસેક મિનિટમાં પોં’ચું છું...!” આરવે એટલું કહીને ફોન કટ કરી દીધો.
“બે યાર...!” ગરબામાંથી જસ્ટ હજીતો ઘરેજ ફ્લેટના પાર્કિંગમાં ઉભેલો અક્ષય પાછો બાઈક લઈને તેમનાં રોજના અડ્ડે ચાય-સુટ્ટા કાફે જવાં નીકળ્યો.
***
ઘરે આવીને પણ કપડાં બદલ્યાં વગરજ લાવણ્યાએ બેડમાં પડતું મૂકી દીધું.
“તને શરમ નઈ આવતી નઈ..!?”
“પાર્થ...યશ...! આવાં લોકોને ચોંટતાં...!? એમને વળગતાં..!?”
“તું..તું...એ લોકોને તારાં શરીરને ટચ પણ કેમની કરવાં દેછે...!? હેં...!? ગંદુ નઈ લાગતું તને...!?”
મોડી રાત સુધી લાવણ્યા રડતીજ રહી અને આરવ અને તેણે કહેલી વાત વિષે વિચારતી રહી. આરવના મોઢા ઉપર પોતાનાં માટે જોયેલાં એ ઘૃણાના ભાવ લાવણ્યાને કેમેય કરીને સહન નહોતા થઈ રહ્યાં.
આરવ ફોન કરશે એવી આશાએ ક્યાંય સુધી લાવણ્યા તેનાં ફોનની સ્ક્રીન સામે જોતી રહી. આમ છતાં આરવે એકેયવાર ના તો ફોન કર્યો ના તો એનો કોઈ મેસેજ આવ્યો. આરવનાં ફોન/મેસેજની રાહ જોતી લાવણ્યાની આંખો મોડી રાત્રે ઘેરાવાં લાગી અને છેવટે તે સૂઈ ગઈ.
***
“ડૂડ....! મેં કેટલીવાર કીધું...! તું ખોટી છોકરીમાં પડ્યો છે...!” ચાય-સુટ્ટા કાફેના પાર્કિંગ આવી પહોંચેલાં અક્ષયે આરવને કહ્યું.
ફરીવાર લાવણ્યા વિષેની એજ ચર્ચા થઈ. અક્ષયે વધુ એકવાર આરવને એજવાત સમજાવી.
“પણ મને એમ નઈ સમજાતું...! કે છોકરી મારી વાત સમજતી કેમ નઈ...!?” આરવ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.
“પણ તું મારી વાત કેમ નઈ સમજતો...!” અક્ષય પણ હવે સહેજ ચિડાઈને બોલ્યો “આકૃતિ તને લાઈક કરે છે યાર....!”
“પણ હું એને લાઈક નઈ કરતો...!”
“Exactly યાર...! એ પણ (લાવણ્યા) તને નઈ કરતી..!” અક્ષય બોલ્યો.
“પણ કેમ...!?” નાનાં બાળકની જેમ જિદ્દી સ્વરમાં આરવ બોલ્યો.
“અરે આ તો કઈં સવાલ છે યાર...!?” અક્ષય હવે આરવને ખખડાવતો હોય એમ બોલ્યો.
“તો પછી હું બીજી ગર્લ્સને જ્યારે ભાવ આપતો ‘તો...! ત્યારે એ જલતી’તી કેમ..!?” આરવે ગળગળા સ્વરમાં પૂછ્યું “તારોજ પ્લાન હતો બધો...! યાદ છેને...!?”
“એવું પણ બની શકે છેને...! કે જલતી ના હોય...! પણ તું એવું બિહેવ કેમ કરે છે એનું રીઝન જાણતી ના હોવાથી અકળાતી હોય..!?” અક્ષય બોલ્યો.
“ના...! એ જલતી’તી..!” આરવ ભારપૂર્વક બોલ્યો “મને પાક્કી ખબર..!”
“ટ્રીન...ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.
બોલતાં-બોલતાં અટકીને આરવે પોતાનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો.
“સિડ..!?” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને આરવને નવાઈ લાગી “આટલાં વાગે...!?”
મોબાઈલની સ્ક્રીનમાં દેખાતાં ટાઈમ સામે જોઈને આરવ બબડ્યો. રાતના લગભગ સવા બે વાગ્યા હતાં. કઈંક અમંગળ થયાની આશંકાથી આરવે સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને કૉલ રિસીવ કર્યો.
“હેલ્લો...!? હાં બોલ ભાઈ...!” અક્ષયના સ્ટેન્ડ કરેલાં બાઇક ઉપરથી ઉતરીને આરવ તેનાંથી સહેજ દૂર વાત કરવાં જવાં લાગ્યો.
“નવરાત્રિ ત્યાંજ સેલિબ્રેટ કરવાની છે...!? કે પછી અહિયાં આવાનો કોઈ ઈરાદો ખરો..!?” સિદ્ધાર્થે સામેથી પૂછ્યું.
તેનાં સ્વરમાં ના સમજાય તેવાં ઉદાસીના ભાવ આરવે ફોન ઉપરજ પારખી લીધાં.
“આઠમને તો હજીવાર છેને બ્રો..!” સિદ્ધાર્થના આટલાં મોડાં કૉલ કરવાનું કારણનું અનુમાન લગાવતાં-લગવાતાં આરવ બોલ્યો.
“કદાચ પપ્પા ભૂલી ગ્યાં હશે....! તને ઇનવાઈટ કરવાનું...!” સિદ્ધાર્થના સ્વરમાં હવે વ્યંગ ભળ્યો.
“ઇનવાઈટ કરવાનું...!? શેમાં...!?” આરવને હવે આશ્ચર્ય થયું.
“મારી સગાઈમાં...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને આરવ ચોંકી ગયો.
“what…!? What the hell…!?” ચોંકવાની સાથે-સાથે આરવ ચિડાઈ પણ ગયો “મગજ ખરાબ થઈ ગ્યું છે કે શું તારું...!?”
“મારું..!?” સિદ્ધાર્થે કટાક્ષમાં પૂછ્યું.
“ઓહ...! હિટલર સાહેબનું...! હમ્મ..!” આરવ સમજી ગયો હોય એમ બોલ્યો પછી ફરી ચિડાયો “પણ તે હાં શું કામ પાડી...!?”
“બસ...! મન થઈ ગયું..! પરણીને સેટલ થઈ જઈએને....!” સિદ્ધાર્થે ફરીવાર વ્યંગમાં કહ્યું.
“શું બોલે છે યાર તું...!?” આરવ વધારે ચિડાયો.
“તો તું શું બોલે છે યાર...!” સિદ્ધાર્થ પણ ચિડાયો.
આરવ પોતાનું કપાળ એક હાથની આંગળીઓ વડે દબાવી રહ્યો.
“પપ્પાને શેની ઉતાવળ છે એ નઈ સમજાતું..!?” આરવ મોઢું બગાડીને બોલ્યો “પે’લ્લાં મારી પાછળ પડ્યાં ‘તા.....! અને હવે તારી પાછળ...! તું ભાગી જા ભાઈ...! મારી જેમ..!”
“તારી જેમ મારે સિંગર નઈ બનવાનું દોસ્ત...!” સિદ્ધાર્થ બોલ્યો.
“અરે યાર તું...!” આરવ તેનાં સ્વરમાં રહેલી નિરાશા પામી ગયો અને માથું ધૂણાવી રહ્યો.
બંને થોડીવાર મૌન થઈ ગયાં.
“ક્યારે વધેરવાનો છે તને...!?” આરવે કટાક્ષમાં પૂછ્યું.
“કાલે...! મોસ્ટ પ્રોબેબલી...!” સિદ્ધાર્થ બોલ્યો અને પછી સગાઈથી લઈને છેક પાવાગઢ, ચોટીલા, તેમનાં ગામડે વગેરે કરણસિંઘે બનાવેલો બધો પ્રોગ્રામ કહી સંભળાવ્યો.
બાઇક પાસે ઉભેલો અક્ષય આરવને ફોનમાં બીઝી જોઈને પોતાનો ફોન મંતરી રહ્યો હતો.
“સગાઈ કોની જોડે છે..!?” આરવે પૂછ્યું.
“શું ફરક પડે છે...!?” સિદ્ધાર્થે સામેથી ચિડાઈને કહ્યું “નક્કી કરતાં પે’લ્લાં ક્યાં મને પૂછ્યું છે...!?”
“તું...તું...ચિંતા ના કર...!” આરવ માથું ધૂણાવીને બોલ્યો “હું આવું છું ત્યાં...! અત્યારેજ નિકળું છું..!”
“તું શું કરીશ આઈને...!?” સિદ્ધાર્થે ટોંન્ટ માર્યો.
“ખબર નઈ...! પણ હું આવું છું...!” આરવ બોલ્યો “ચલ...! મલું...! બાય..!”
આરવે ફોન કટ કર્યો અને અક્ષય તરફ જવાં લાગ્યો.
“મારે અર્જન્ટ જવું પડશે...! મારાં ગામડે...!” આરવ બોલ્યો અને કારની ચાવી હાથમાં લઈને રિમોટ લોકની કી દબાવી.
“what…!? અત્યારે...!?” અક્ષયને નવાઈ લાગી.
“હાં...! ફેમિલી ઈમરજન્સી છે..!” આરવ બોલ્યો “તું કોલેજમાં કોઈને કે’તો નઈ..! ખાસ કરીને લાવણ્યાને..!”
“હું શું કામ લાવણ્યાને કશું કઉ...!?”
“હું થોડાં દિવસ નઈ આવું...! તો એ તને તો ચોક્કસ પૂછશે..!” આરવ સમજાવતો હોય એમ બોલ્યો “તું એને...કે પછી બીજાં કોઈને પણ કશું કે’તો નઈ...!”
“બીજું કોણ..!?” અક્ષય હવે મલકાઈને આરવને ચિડાવતો હોય એમ બોલ્યો.
આરવ ઘુરકીને થોડીવાર તેની સામે જોઈ રહ્યો.
છેવટે કાર લઈને આરવ એ વખતે મોડી રાત્રેજ બરોડાં જવાં નીકળી ગયો.
***
“લાવણ્યા...!? લાવણ્યા....!?” આગલી રાતની ઘટનાને લીધે મૂડલેસ લાવણ્યા બીજાં દિવસે સવારે કોલેજ કેન્ટીન તરફ જઈ રહી હતી ત્યારે અંકિતાએ તેણીને પાછળથી બોલાવી.
આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ જોકે સાંભળ્યું નહીં અને કોરિડોરમાં શૂન્યમનસ્ક ચાલતી રહી.
“અરે ક્યાં ખોવાયેલી છે...!?” ઉતાવળા પગલે જોડે આવીને અંકિતાએ લાવણ્યાનાં ખભે ટપલી મારતાં પૂછ્યું.
“શ...શું...!?” લાવણ્યા વિચારોમાંથી બહાર આવતી હોય એમ બોલી.
“કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?” અંકિતાએ આંખો નચાવીને પૂછ્યું.
“તમે બધાએ મને સમજી શું રાખી છે...!?” લાવણ્યા છંછેડાઈ ગઈ “હું ગમે ત્યાં જાવ....! તારે શું પંચાત...!?”
“અરે હું તો ખાલી એમજ પૂછતી’તી....!” અંકિતા મોઢું બગાડીને બોલી “તું ગઈકાલે કોલેજનાં ગરબામાં નો’તી આવી એટ્લે...!”
“મને ખબર છે તમે લોકો મને કેવી ગણો છો....!” લાવણ્યા હજીપણ ચિડાયેલી હતી “હું એવીજ છું...! અને હું એવીજ રે’વાની...! તમને ગમે કે ના ગમે...!”
“શું બોલે છે તું....!? શેની વાત કરે છે...!? અને આટલાં ઘાંટા શું કામ પાડે છે...!?” અંકિતા પણ હવે ચિડાઈ.
ઊંડા શ્વાસ ભરી રહેલી લાવણ્યા અંકિતા સામે તાકી રહી. તેણી સામે આરવનો ચેહરો તરવરી ઉઠ્યો.
“એ પણ મને એવીજ ગણે છે...!” લાવણ્યાનું મગજ તપી ઉઠ્યું અને તે મનમાં બબડી.
પગ પછાડતી લાવણ્યા છેવટે કોલેજ કેન્ટીન તરફ ચાલવા માંડી.
***
“યાર આરવ વગર કેન્ટીનમાં જાણે સન્નાટો છવાઈ ગયો હોય એવું લાગે છે...! નઈ...!?” બધુજ જાણતો હોવાં છતાં અક્ષયે પોતાની જોડે બેઠેલી આકાંક્ષાને પૂછ્યું.
જોડેના ટેબલ ઉપર બેઠેલી લાવણ્યાને સંભળાય એ માટે અક્ષય જાણી જોઈને સહેજ ઊંચાં સ્વરમાં બોલ્યો.
કેન્ટીનમાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ ટોળુંવળીને બેઠાં હતાં. હમેશાં ધમાલ-મસ્તી કરતું આરવનું ગ્રૂપ તેની ગેરહાજરીમાં ચૂપચાપ બેઠું હતું. બધાંજ પોતપોતાનાં ફોન મંતરી રહ્યાં હતાં.
“હાં....યાર....! કોઈ મૂડજ નથી આવતો...!” આકાંક્ષાએ નિ:સાસો નાંખતાં કહ્યું.
બાજુના ટેબલ ઉપર બેઠાં-બેઠાં બૂક વાંચી રહેલી લાવણ્યા આરવના ગ્રૂપની વાતો સાંભળી રહી હતી. બૂક વાંચવાનો ડોળ કરી રહેલી લાવણ્યાનું મન આરવનાંજ વિચારોમાં ઘેરાયેલું હતું. આરવના ગ્રૂપની વાતો સાંભળીને તેનું મન વધુ વિચારે ચઢી ગયું.
“પણ એ ગયો છે ક્યાં...!?”આકાંક્ષાએ અક્ષયને પૂછ્યું’ને લાવણ્યાએ ફરી તેમની વાતો તરફ ધ્યાન આપ્યું.
“શું ખબર...!?”અક્ષયે માંડ પોતાનું મલકાવાનું દબાવીને તેનાં ખભાં ઉછાળ્યા “એ ક્યાં કોઈ દિવસ કે’છે....! કે પછી ફોન મેસેજ પણ કરે છે....!”
“મને પણ ફોન ના કર્યો....! કે મેસેજ પણ ના કર્યો...!” અક્ષયની વાત સાંભળી લાવણ્યા મનમાં બબડી “આવાંદે એને.....! આ વખતે એની ખબર લઈ નાંખું....!”
“એણે મને રોકી પણ નઈ....! રોકી નઈ તો કઈં નઈ ....ફોન કે મેસેજ પણ ના કર્યો....! અને પાછો બેસ્ટ ફ્રેન્ડ કે’છે....! ગધેડો...!”
એકલી બેઠાં-બેઠાં લાવણ્યા ક્યાંય સુધી આરવ ઉપર ગુસ્સે થઈને વિચારતી રહી.
***
“હેય...!? ગેસ વૉટ...! આજે હું તને શોકિંગ ન્યૂઝ આપું …!?” પોતાનાં રૂમમાંથી સીડીઓ ઉતરતાં-ઉતરતાં સિદ્ધાર્થ ખુશખુશાલ સ્વરમાં બોલ્યો.
સામે છેડે નેહા તેની સાથે વાત કરી રહી હતી.
“તું બીઝી તો નઈ ને..!?” સિદ્ધાર્થે પૂછ્યું “કોલેજમાં...!?”
“ના...! પણ જે પણ શોકિંગ ન્યૂઝ હોય..! રૂબરૂ મલીનેજ આપવાની...! ઓકે...!?” નેહા બોલી.
“ઓકે...! તો તું કે’…! ક્યારે ફ્રી થઈશ...!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“અમ્મ...! હું તને પછી કઉતો..!?” નેહા જાણે બનાવટ કરતી હોય એમ બોલી “સામેથી કૉલ કરું...! હમ્મ..! બાય...!”
“બાય...!” સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને ડ્રૉઇંગરૂમમાં સોફાં તરફ જવાં લાગ્યો.
વહેલી સવારે ઘરે આવી પહોંચેલો આરવ રાત આખી ડ્રાઈવ કરીને થાક્યો હતો અને સોફાંમાંજ સૂઈ ગયો હતો. બપોરના લગભગ બારેક વાગવાં આવ્યાં હોવાંથી પિતા કરણસિંઘ કયારના આરવને જગાડી રહ્યાં હતાં.
“આરવ...! ઉઠ...ઉઠતો...! અરે બધાં મે’માન આવાની તૈયારી છે..!” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં પછી સિદ્ધાર્થને આવતો જોઈને તેની સામે જોઈને એવાંજ સ્વરમાં બોલ્યાં “આને ઉઠાડ અને તૈયાર કર...!”
“ઉમ્મ...!” ત્યાંજ આળસ મરડીને આરવ સોફાંમાં બેઠો થયો.
“તૈયાર..!?” સિદ્ધાર્થે નવાઈપૂર્વક પૂછ્યું “શેનાં માટે...!?”
“સગાઈ માટે...!?” કરણસિંઘ એવાંજ સ્વરમાં બોલ્યાં અને પોતાનાં મોબાઈલમાંથી કોઈને નંબર જોડવાં લાગ્યાં.
“ હવે કોની સગાઈ...!?” સિદ્ધાર્થને હવે વધું નવાઈ લાગી.
“હાય...!” ત્યાંજ મેઈન ડોર પાસેથી કોઈ છોકરીનો મધુર સ્વર સંભળાયો.
એ અવાજને ઓળખતાં સિદ્ધાર્થ અને આરવે ચોંકીને એ તરફ જોયું.
“આરવ અને....!” કરણસિંઘે પહેલાં આરવ સામે જોયું પછી મેઈન ડોરમાં ઉંબરે ઊભેલી છોકરી સામે જોઈને કહ્યું “નેહાની સગાઈ...!”
***
“Sid”
JIGNESH
Instagram: sid_jignesh19