પ્રકરણ - ૪/ચાર
ગતાંકમાં વાંચ્યું....
રવિશ અને શાલ્વી પ્રેમની પરિકલ્પનામાં પરિક્રમા કરતાં કરતાં એકમેકની સાથે સુવર્ણકાળમાં રાચે છે પણ આ સુવર્ણકાળને ગ્રહણ લાગ્યું હોય એમ કોઈ અજાણી વ્યક્તિ શાલ્વી પર ગોળી છોડી નાસી જાય છે......
હવે આગળ.....
સોરી રવિશ... આઈ કાન્ટ સે એનિથીંગ એબાઉટ ઇટ અને જો આપણી રિલેશનશિપ ટકાવી રાખવી હોય તો આજ પછી આ સવાલ તું મને ક્યારેય નહીં પૂછે." અત્યાર સુધી પ્રસન્નચિત્ત રહેલી શાલ્વીના મનના કોઈ ખૂણે કડવાશ પ્રસરી ગઈ અને આંખની ભીની કોર ટીસ્યુપેપરથી લૂછતી એ કમ્પાઉન્ડનો દરવાજો ખોલી ઘર તરફ દોડી ત્યાં જ સનનનન.... કરતી એક બુલેટ એના કાન પાસેથી પસાર થઈને સામેની દીવાલ આરપાર નીકળી ગઈ. શાલ્વી સુન્ન પૂતળું બની ત્યાં જ ઉભી રહી ગઈ, બુલેટનો અવાજ સાંભળી રવિશે એ દિશા તરફ જોયું તો એક મોબાઈક પર અડધો ચહેરો ઢંકાઈ જાય એવું કલરફુલ માસ્ક પહેરેલી વ્યક્તિ ફૂલ સ્પીડમાં મોબાઈક દોડાવતી અંધારામાં ઓગળી ગઈ. રવિશ શાલ્વી તરફ દોડ્યો અને એને પોતાના આલિંગનમાં જકડી લીધી, શાલ્વી શૂન્યમન્સક હતી, હતપ્રભ અને ડરથી એ રવિશને વળગી પડી. રવિશ એની પીઠ પસવારી રહ્યો અને એને ઘરના દરવાજે છોડી એ ઘરની અંદર ગઈ એટલે એ પાછો કમ્પાઉન્ડની બહાર આવીને પોતાની મોબાઈક પર સવાર થઈ ઘરની દિશામાં રવાના થયો. મોબાઈકની સ્પીડ કરતા એના વિચારો અનેકગણી તેજ ગતિએ દોડતા હતા. 'કોણ હતી શાલ્વી પર હુમલો કરનારી એ વ્યક્તિ?'....
રવિશે ઘર તરફ ન વળતાં પોતાની મોબાઈક નજીકના પોલીસસ્ટેશન તરફ વાળી દીધી અને ત્યાં જઈને ત્યાં ફરજ બજાવી રહેલા ઇન્સપેક્ટરને શાલ્વી પર થયેલા હુમલા અને હુમલાખોર વિશે વિગતવાર ઇન્ફોર્મેશન આપી એટલે ઇન્સ્પેક્ટરે એણે આપેલી માહિતિ પોતાના પામટોપમાં સ્ટોર કરી મેઇલ દ્વારા બીજા પોલીસસ્ટેશનમાં પણ મોકલી આપી અને રવિશની ફરિયાદ નોંધી એના સ્માર્ટવૉચમાં ફરિયાદ નંબર અને માહિતી ફોરવર્ડ કરી અને રવિશને અપડેટ કરતા રહેશે એમ જણાવ્યું. બધી ફોર્મલિટી પુરી કરી રવિશ ઘરે પહોંચ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તનુજા એની રાહ જોતી વેબસિરિઝ જોઈ રહી હતી.
"આજે સન્ડે હતો તોય રોજ કરતા ઘણું મોડું થયું ડિયર," મા સહજ ચિંતા વ્યક્ત કરતા તનુજાએ પ્રશ્ન પૂછ્યો.
રવિશે તનુજાને પોતાના યુનિટેક ટેકનોલોજીના સિક્રેટ મિશન દરમિયાન થયેલી શાલ્વી સાથેની પ્રથમ મુલાકાતથી લઇ શરૂ થયેલા એ બંનેના પ્રેમસંબંધ સાથે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એના નેચરમાં આવેલા બદલાવથી લઈ આજે ઘટેલી ઘટના એક ફિલ્મીસ્ટોરીની જેમ રોમાંચિત થઈ કહી સંભળાવી. તનુજા એક સુખદ આંચકો અનુભવતી એને ધ્યાનથી સાંભળતી બેસી રહી.
"ધેટ્સ ગુડ માય સન પણ જે યુવતીએ ત્રણ મહિનામાં તને ધરમૂળથી બદલી નાખ્યો એનાથી મારે તો ચેતતા જ રહેવું પડશે." હસતાં હસતાં રવિશના વાળમાં હાથ ફેરવી એના કપાળે કિસ કરી કિચનમાં ગઈ અને ફ્રિજના ડોર પરનું ઉપરનું બટન દબાવતાં જ ફ્રિજનું ઉપરનું ડ્રોઅર બહાર આવતાં જ એમાં સેટ કરવા મુકેલા ચોકોબેરી મુઝના બે શોટ ગ્લાસ લઈ બહાર આવી. " ચાલ, આપણે બંને એ ખુશીમાં મોઢું મીઠું કરીએ, પણ મને એક વાત નથી સમજાતી કે શાલ્વી પોતાના પરિવાર વિશે કેમ કાંઈ નથી બોલતી, શું છુપાવે છે એ તારાથી અને એના પર થયેલા હુમલા વિશે પણ સાંભળીને મારા દિલમાં એક અજંપા સાથે ગભરાટ પણ વ્યાપી ગયો છે. એની વે, લિવ ઇટ, તારી ખુશી એ મારી ખુશી. હમણાં તમે બંને પ્રોજેક્ટ સિક્રેટ મિશન પર કોન્સન્ટ્રેટ કરો પછી આગળ વિચારશું. ગુડ નાઈટ ડિયર, સુઈ જા, ઓલરેડી મોડું થઈ ગયું છે, સવારે વહેલું ઉઠવાનું છે." બંને પોતપોતાના બેડરૂમમાં જઈ બીજા દિવસની તૈયારી કરી સુઈ ગયા.
શાલ્વીએ પોતાના રણકતા સ્વરમાં મોકલેલા રોમેન્ટિક વોઇસ મેસેજના ટોન સેટિંગવાળું એલાર્મ રણકી ઉઠ્યું એટલે રવિશ બેડમાંથી આળસ મરડી ઉભો થયો, નિત્યકર્મ પતાવી, તૈયાર થઈ બ્રેકફાસ્ટ કરી મનોમન આજના પ્રોજેક્ટના ફાઇનલ એપ્રુવલ માટે ઈશ્વરને પ્રાર્થના કરી.
"રવિશ, ઓલ ધ બેસ્ટ બેટા, ગોડ બ્લેસ યુ એન્ડ શાલ્વી ઓલ્સો. એને પણ મારા તરફથી ગુડ વિશિઝ."
"થેન્ક યુ, માય લવલી મમ્મા, બાય, ટેક કેર," તનુજાના ગાલે કિસ કરી રવિશ દરવાજો ખોલવા જતો હતો ત્યાં જ એનો સ્માર્ટવોચ રણકી ઉઠ્યો, શાલ્વીનું નામ સ્ક્રીન પર જોઈ એણે બટન પ્રેસ કર્યું એટલે હવામાં એનો સૌમ્ય, સુંદર ચહેરો તરવરી ઉઠ્યો.
"સ્વીટહાર્ટ, આઈ એમ અરાઇવિંગ વિધઇન ફાઈવ મિનટ્સ, તું ગેટ પાસે ઉભો રહે, આજે તને મારા આ ઉડનખટોલાની સેર કરાવું." શાલ્વી નોનસ્ટોપ બોલ્યે જતી હતી અને રવિશ આંખો ફાડીને એને જોતો રહ્યો.
"ડોન્ટ બી ક્રેઝી, આમ જોયા નહીં કર, હું પહોંચી આવી છું, કમ ફાસ્ટ, લેટ્સ ગો. આજે આપણી ફાઇનલ એક્ઝામ છે, આમ પણ હું આજે નર્વસ છું અને તને જોઈને વધુ નર્વસ થઈ ગઈ છું. જલ્દી કર, નીચે રોડ પર તો ટ્રાફિકજામ છે જ લેટ થશું તો ઉપર આકાશમાંય લાઇન લાગી જશે." રવિશ દોડીને ગેટ ખોલી બહાર નીકળ્યો અને શાલ્વીએ સાઈડમાં પાર્ક કરેલ ઈ-સ્કૂટી પર એની પાછળ બેસી ગયો, શાલ્વીએ સ્કૂટી સ્ટાર્ટ કરી એક બટન પ્રેસ કર્યું એટલે એક ફાઇબર સ્ક્રીનથી આખી સ્કૂટી કવર થઈ ગઈ અને આગળ-પાછળ બંને બાજુએથી સ્ટીક બહાર આવી અને એની ઉપર લાગેલા બંને ફેનના ફ્લેપ્સ ખુલી ગયા અને બંને ફેન ધીરે ધીરે ગતિ ગ્રહણ કરતા ફરવા લાગ્યા અને સ્કૂટી એક હળવા આંચકા સાથે ઉપર ઉંચકાઈ. શાલ્વી અને રવિશ બંનેએ સીટબેલ્ટ બાંધેલા હતા, રવિશ માટે આ નવો અનુભવ હતો, એ વચ્ચે વચ્ચે શાલ્વીના ખભા કસકસાવીને પકડી લેતો, એની આ હરકતથી જોઈ શાલ્વીએ સ્કૂટીની સ્પીડ વધારી દીધી. આકાશમાં વિહરતા, ગગનચુંબી ઇમારતો વચ્ચેથી વળાંકો લેતી સ્કૂટી અડધા કલાકમાં યુનિટેક ટેકનોલોજીના પાર્કિંગ કમ્પાઉન્ડમાં પાર્ક થઈ. શાલ્વી અને રવિશ બંને આત્મવિશ્વાસ સાથે કોરિડોર વટાવી ચેમ્બરમાં એન્ટર થયા અને પોતપોતાની સીટ પર ગોઠવાયા. એક પછી એક બધા આવતા ગયા. બધા આવી ગયા અને બધાએ પોતપોતાની ફાઇલ ડેસ્ક પર ખોલી મિસ્ટર દુષ્યંત વાધવાની રાહ જોતા એકબીજા સાથે પ્રોજેક્ટ પર ચર્ચા કરવા લાગ્યા. દસેક મિનિટ પછી એમ.ડી. મિસ્ટર દુષ્યંત વાધવા ચેમ્બરમાં દાખલ થયા અને બિલકુલ સમય ન વેડફતાં મિટિંગની શરૂઆત કરી. મિસ્ટર વાધવાએ બટન પ્રેસ કરતાં જ બધાની ડેસ્ક ચેર એક લાઈનમાં ગોઠવાઈ ગઈ અને સામેની મોટી વ્હાઇટ દીવાલ પરની સ્ક્રીન ઓન થઈ એટલે મિસ્ટર વાધવાના નિર્દેશ મુજબ એક પછી એક બધાએ પ્રોજેક્ટને લગતું બનાવેલું પોતપોતાનું પ્રેઝન્ટેશન સ્ક્રીન પર રજૂ કર્યું. પ્રેઝન્ટેશન પૂર્ણ થયા બાદ મિસ્ટર વાધવાએ દરેકની પ્રશંસનીય કામગીરીથી બહુ જ ખુશ થઈ ગયા અને પ્રોજેક્ટ એપ્રુવ કરી આગળ વધવાની લીલી ઝંડી આપી દીધી સાથે સાથે એમણે એક સ્પેશિયલ નંબર ડાયલ કર્યો એટલે પ્રોજેક્ટર સ્ક્રીન પર દેશના પ્રાઈમ મિનિસ્ટર શ્રી. રત્નદીપ લાઈવ હાજર થયા અને એમણે પણ આ સિક્રેટ મિશન માટેનું પૂર્ણ પ્રેઝન્ટેશન જોઈ મિશન માટે પચાસ ટકા આર્થિક મદદની જાહેરાત કરી એટલે દુષ્યંત વાધવા અને ટીમ સિક્રેટ મિશન ખુશ થઈ ગયા.
"વેલ ડન ગાયઝ, આઈ એમ રિયલી હેપી ટુડે, પણ ખરી કામગીરી હવે શરૂ થાય છે. આવતીકાલથી આપણે સિક્રેટ મિશનને આખરી ઓપ આપવા જઈ રહ્યા છીએ, આપણી સાથે દેશની સલામતીનો પણ વિચાર કરી આઈ હેવ ડીસાઈડેડ કે હવેના ત્રણ મહિના તમારે અહીં જ રહેવાનું છે, તમને બધી જ ફેસિલિટી આપવામાં આવશે. કુલદીપ અને આકાશ, શાલ્વી અને શેફાલી અને ગૌરાંગ અને રવિશ, આમ બે બે ની જોડીમાં તમને શેરિંગ બેઝ પર રૂમ એલોટ કરવામાં આવશે તો આવતીકાલે તમારે પુરી તૈયારી સાથે આવવાનું છે. તમારી જરૂરિયાતની વસ્તુઓ અને ક્લોથ્સ લઈ કાલે સવારે હાજર થઈ જજો. નાઉ ઓલ ઓફ યુ આર ફ્રી, તો ઘરે જઈ તૈયારીમાં લાગી જાઓ અને વહેલી સવારે બધા હાજર થઈ જજો. બાય એન્ડ ટેક કેર, સી યુ ટુમોરો." લાંબુલચક લેક્ચર આપી દુષ્યંત વાધવા મિટિંગ પુરી કરી બહાર નીકળી ગયા અને ચેમ્બરમાં રહેલા છ એ છ જણ પણ પોતાના ઘરે જવા નીકળ્યા.
"ચાલો મિસ્ટર, પાછા ઉડનખટોલા પર સવાર થઈએ, તને ઘરે ડ્રોપ કરી હું ઘરે જાઉં અને કાલ માટે તૈયારી કરું. સવારના પાછો વહેલો રેડી રહેજે, હું આવીશ તને પિક કરવા, આપણે સાથે જ જશું." શાલ્વી અને રવિશે હેલ્મેટ પહેરી, સીટબેલ્ટ બાંધી ઈ-સ્કૂટી પર સવાર થઈ રવિશના ઘર તરફ નીકળ્યા એટલે કે હવામાં વિહરતા વિચરતા મોસમની મજા લેતા નીકળ્યા. રવિશને ડ્રોપ કરી શાલ્વી પણ એના ઘરે ગઈ.
બીજા દિવસે બધા પોતપોતાની બેકપેક બેગમાં જરૂરી સામાન અને કપડાં ભરી વહેલી સવારે યુનિટેક ટેકનોલોજીની બિલ્ડીંગમાં એકઠા થયા. દુષ્યંત વાધવાએ એમના માટે રૂમ્સ તૈયાર કરાવી રાખ્યા હતા. બધા રૂમ ઇન્ટરકનેક્ટેડ હતા અને દરેક વ્યક્તિના કાંડે રિસ્ટબેન્ડ બાંધવામાં આવી હતી જેમાં ફિટ કરેલી માઈક્રોચિપની મદદથી દુષ્યંત વાધવા દરેકની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી શકે અને મેઈન ડોરની બહાર બે શસ્ત્રસજ્જ રોબો તો હતા જ. સામાન ગોઠવી ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ કરી ચેમ્બરમાં ભેગા થઈ કામે લાગ્યા. સ્પેશિયલ ડિઝાઇનનું સ્પેસ્ક્રાફ્ટ ત્રણ મહિનામાં તૈયાર કરવાનું હતું, જેમાં મલ્ટીસ્પેશિયલ પ્રોગ્રામ ફિટ કરવાના હતા. દુનિયાનું એવું માનવરહિત સ્પેસ્ક્રાફ્ટ જે આકાશગંગાની ગર્તામાં ડુબકીઓ મારી ભૂત અને ભવિષ્યની સચોટ અને રજેરજની માહિતી આપી શકે. છ જણની ટીમ આના માટે દિવસ-રાત એક કરી, પરસેવો પાડી, નાનામાં નાની ત્રુટિ પણ રહી ન જાય એનું ધ્યાન રાખી જુટી પડી. બરાબર બે મહિના અને સત્તર દિવસની લગાતાર મહેનતને અંતે વિશિષ્ટ સ્પેસ્ક્રાફ્ટ તૈયાર થઈ ગયું. ષટકોણાકાર બેઝ અને ઉપર પીરામીડિકલ સ્ટ્રક્ચર ધરાવતું, અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, ચારે દિશામાં ખુલતા ફ્લેપ્સ, એડવાન્સ ટેકનોલોજી, મિશ્ર લિકવિડ વાયુનું ઇંધણ, એલ્યુમાઇકા અને લાઈટવેઇટ ફાઇબરનું યાન દેખીતી રીતે બધા કરતાં જુદુ પડતું હતું. દેશના પ્રાઈમ મિનિસ્ટર શ્રી. રત્નદીપે એક ગુપ્ત મુલાકાત દ્વારા સ્પેસ્ક્રાફ્ટ જોઈ પણ લીધું અને એના ઉડ્ડયન માટે વીસ દિવસ પછીની તારીખ પણ ફાઇનલ કરી. હવે બધાને ઇન્તેઝાર હતો એ દિવસનો.
આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો, યુનિટેક ટેકનોલોજીની બિલ્ડીંગમાંથી નાના પાર્ટ્સમાં તૈયાર થયેલું સ્પેસ્ક્રાફ્ટ અરેબિયન સી ના દૂરના વિસ્તારના શાંત સમુદ્રકિનારે જ્યારે બધા પાર્ટ્સ જોઈન્ટ કરી આખરી ઓપ આપી, બધી ફોર્મલિટી પુરી કરી જ્યારે ઊંચા આકાશમાં, આકાશગંગાના ગુરુત્વાકર્ષણમાં ખેંચાઈ જઈ સોલાર સિસ્ટમના દરેક ગ્રહની પરિક્રમા કરી એની પરિભાષા આપવા રવાના થયું એ ક્ષણ આકાશ ખુરાના, કુલદીપ શર્મા, શેફાલી કૃષ્ણન, ગૌરાંગ દવે, રવિશ સેન અને શાલ્વી કશ્યપ આ છ વ્યક્તિઓ માટે ખૂબ જ ખાસ હતી સાથે દરેક દેશવાસી માટે ગૌરવની વાત હતી. સોશ્યિલ મીડિયા, ન્યુઝ ચેનલ્સ, દરેક જગ્યાએ માત્ર અને માત્ર આ સ્પેસ્ક્રાફ્ટને લગતી ઇન્ફોર્મેશન અને ન્યુઝ આવી રહ્યા હતા. દુનિયાના વિકાસશીલ દેશો પણ ભારતની વૈજ્ઞાનિક તાકાત અને ટેકનોલોજીથી મોમાં આંગળા નાખી ગયા તો શત્રુ દેશો માટે તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી સ્થિતિ થઈ ગઈ. કોઈપણ જાતના આડંબર વગર ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યું હતું.
છ મહિનાની આકરી મહેનત આખરે રંગ લાવી હતી. ત્રણ મહિના પછી સૌ પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ છ જણમાં સહુથી વધુ ખુશ હતો રવિશ, જેની જીવનશૈલી જ જાણે બદલાઈ ગઈ હતી. શાલ્વીએ પોતાના પ્રેમથી એના અંતર્મુખી વ્યક્તિત્વને આનંદી, તરવરાટભર્યું અને ઉત્સાહિત બનાવ્યું હતું જેનાથી રવિશની સાથે સાથે તનુજા પણ ખૂબ જ ખુશ હતી. એ તો શાલ્વી ક્યારે પુત્રવધૂ બની ઘરમાં આવે એના સપના જોતી હતી.
સિક્રેટ મિશન પછી છ જણની ટીમનું પ્રમોશન પણ થયું. જવાબદારીઓ વધી તો એની સાથે રવિશ અને શાલ્વી વચ્ચેનો પ્રેમસંબંધ પણ વધુ મજબૂત બન્યો, પણ વિધાતાએ જુદા જ લેખ લખ્યા હતા, નિયતિને કાંઈક બીજું જ મંજુર હતું.
"છેલ્લા બે દિવસથી શાલ્વી ઓફિસ નથી આવી, એને ફોન કરું છું તો ટૂંકાણમાં પતાવે છે. મારી લાઈફ બદલીને ક્યાંક પોતે તો અંતર્મુખી નથી બની ગઈ ને" રવિશ પોતાની કેબિનમાં બેઠો વિચારતો હતો, "આજે સાંજે એને મળીને પછી જ ઘરે જઈશ. કદાચ એની તબિયત સારી ન હોય તો એને સારા ડોકટર પાસે પણ લઈ જઈશ." ધારણા અને વિચારોમાં પોતાનું કામ પૂર્ણ કરી, તનુજાને પોતે લેટ આવવાનો મેસેજ કરી રવિશ સાંજે ઓફિસેથી નીકળી મોબાઈક પર સવાર થઈ શાલ્વીના ઘરે પહોંચ્યો. દરવાજા પાસેના સ્કેનર પર પોતાની હથેળી ધરી એટલે અંદર ડોરબેલ વાગી. શાલ્વીએ દરવાજો ખોલ્યો.
"યસ મિસ્ટર, કોણ છો તમે? કોને મળવું છે તમારે?"
"હે....ય.... શાલ્વી, હું રવિશ, બહુ મજાક મસ્તી કરી લીધી, હવે મને અંદર આવવા દઈશ કે હજી અહીં જ ઉભો રાખીશ."
"સોરી મિસ્ટર, હું કોઇ રવિશને નથી ઓળખતી, તમે રોંગ એડ્રેસ પર આવ્યા લાગો છો કેમ કે મારું નામ શાલ્વી નથી.... મારું નામ તો છે........"
આકાશમાં ચગેલી પતંગ પેચ લડાવ્યા પછી કપાઈને હવામાં ગોળ ગોળ હવાતિયાં મારતી જમીન પર પછડાય એવી જ સ્થિતિ અત્યારે રવિશની હતી.....
વધુ આવતા એટલે કે છેલ્લા અંકે.....
Unnatural ઇશ્ક’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.