Aage bhi jaane na tu - 40 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 40

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આગે ભી જાને ના તુ - 40

પ્રકરણ - ૪૦/ચાળીસ

ગતાંકમાં વાંચ્યું....

વંટોળ શમ્યા પછી રતન અને રાજીવ આઝમગઢની ભૂમિ પર કદમ મૂકે છે જ્યાં રતન રાજીવને આઝમગઢનો નકશો બતાવી દૂર ફરફરતી મંદિરની ધજા તરફ ઈશારો કરે છે અને બીજી બાજુ એ બંનેને બે ઊંટસવાર એમની તરફ આવતા નજરે ચડે છે......

હવે આગળ.....

"રતન.... ત્યાં જો...બે ઊંટ આવતાં દેખાય છે, તારી જમણી તરફ વળીને જો"

"ઊંટ.... કોઈ વટેમાર્ગુ હશે. આમ તો આ જગ્યાએ કોઈ આવતું હોય એમ લાગતું નથી. આમપણ આપણને કોઈની સાથે શું લેવાદેવા. ચાલ આપણે પણ જઈએ હવે. આ લે પાણી પી લે" રતને રાજીવને પાણીની બોટલ આપી, "કદાચ કોઈ ભૂલા પડેલ મુસાફર પણ હોઈ શકે અથવા અહીંના કોઈ સ્થાનિક રહેવાસી પણ હોય, હવે આપણે પણ અહીંથી નીકળીએ. ચાલ..."

રતન અને રાજીવે ઊંટ પર સવાર થઈ બેયને ધજાની દિશામાં વાળ્યા બંને ઊંટ રણની તપતી રેતીમાં પગ ખુપાવતા એ તરફ દોડવા માંડ્યા.

*** *** ***

"મનીષકુમાર અચાનક ક્યાં ગયા છે રોશની....તને કહીને ગયા હશે ને?" મેંદીની રાત પછીના દિવસની બપોરે બેડ પર ઢગલો થઈને પડેલી સાડીઓ એક પછી એક ગડી કરતા સુજાતા રોશનીને મનીષકુમાર વિશે પૂછી રહી હતી.

"ખબર નહિ, રાતે કોઈનો ફોન આવ્યો અને અચાનક કોઈ કામ આવી પડ્યું છે એટલે જાઉં છું એમ કહીને નીકળી જ ગયા..સવારથી એમનો ફોન ટ્રાય કરી રહી છું પણ નોટ રિચેબલ જ આવે છે. એવું તે શું અગત્યનું કામ આવી ગયું છે કાંઈ સમજાતું નથી અને સવારથી મગજમાં કેવા કેવા વિચારો ઘુમરી ખાઈ રહ્યા છે." રોશની ગડી કરેલી સાડીઓ કબાટમાં ગોઠવી રહી હતી, "મમ્મી, લગભગ છ મહિનાથી મનીષ થોડા ટેંશનમાં હોય એવું લાગે છે.. હમણાંના અતડા-અતડા રહે છે. ક્યારેક રાતે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જાય છે. હું કંઈ પૂછું તો 'તને ખબર ન પડે, બિઝનેસના હજારો ટેંશન હોય' કહી મને ચૂપ કરાવી દે." રોશનીની આંખોમાં તગતગી રહેલા આંસુઓનો બંધ તૂટી ગયો અને પાંપણની પાળેથી ધારા વહેવા લાગી. સુજાતાએ એને પોતાની છાતીસરસી ચાંપી દીધી અને એણે આશાને પાણી લઈ આવવા બૂમ પાડી.

"આ લ્યો બેનબા, પાણી," આશાએ પાણીની બોટલ અને ગ્લાસ ટેબલ પર મુક્યા, "બીજું કાંઈ કામ બેનબા?"

"આશા.... લૉન સાફ થઈ ગઈ?"

"હા બેનબા, બધું સાફ થઈ ગયું છે અને તમે કીધું'તું એમ અનાથાશ્રમમાં મીઠાઇના પેકેટ પણ મોકલાવી દીધા છે."

"સારું.... હવે તું પણ થોડીવાર આરામ કરી લે, સાંજે પાછા મહેમાનોનો આવરો-જાવરો ચાલુ થશે...જા, તું પણ થાકી ગઈ હોઈશ."

"જી બેનબા, અમારી પણ આ ઘર પ્રત્યે, પરિવાર પ્રત્યે ફરજ છે, પુરી નિષ્ઠાથી નિભાવવાની કોશિશ કરીએ છીએ અને આ તો ખુશીનો પ્રસંગ છે એમાં થાક શેનો લાગે...અને હા બેનબા.... એક વાત પૂછવી'તી."

"પૂછ ને, શું પૂછવું છે તારે?"

"નાના મોંએ મોટી વાત કરું છું એટલે માફ કરજો... પ....ણ....કાલે રાત્રે મનીષકુમારને લેવા એક ગાડી દરવાજે આવી હતી...અ.....ને.....એ ગાડી રોશનીબેન જેવડી ઉંમરની એક બાઈ ચલાવી રહી હતી."

"શ......શ......શું....?" સુજાતા અને રોશની બંનેના મોંઢા પહોળા થઈ ગયા.

"હું સાચું કહું છું બેનબા, મારી આ સગી આંખે મેં મનીષકુમારને એ બાઈ સાથે ગાડીમાં બેસીને જતાં જોયા છે"

"હા.....હા....એ.....તો....મનીષને અચાનક કોઈ કામ નીકળ્યું એટલે એ બહાર ગયા છે. કદાચ એવું પણ બન્યું હોય કે જ્યાં એને જવું હોય ત્યાંથી જ કોઈએ એને લેવા ગાડી મોકલી હોય." મનમાં ઉઠેલા ડરને મનમાં જ શમાવી રોશનીએ આશાની વાત બીજે વાળવાની કોશિશ કરી.

"આશા... તું જા હવે.. સાંજે ટાઈમસર આવી જજે." સુજાતાએ આંખોમાં કડકાઈ લાવી આશાને બહાર જવા ઈશારો કર્યો એટલે આશા મોઢું નીચું કરી બહાર નીકળી ગઈ.

"રોશની, એ બધું વિચારવાનું છોડી દે. કોઈ કામસર અને કારણસર જ મનીષકુમાર ક્યાંક ગયા હશે, પાછા આવશે એટલે બધું કહેશે..." સુજાતાએ રોશનીને બેડ પર પોતાની પાસે બેસાડી અને એના માથા અને પીઠ પર હાથ પસવારવા લાગી.

*** *** ***

બ્લેક કલરની કોટન પેન્ટ અને વ્હાઇટ કલરનું આખી બાંયનું શર્ટ, ગળામાં વીંટાળેલો સ્કાર્ફ અને આંખો પર બ્રાઉન ગોગલ્સ અને નાઈકીના રેડ એન્ડ બ્લેક શૂઝ, માયા જાણે ગામડાની ગોરી મટી શહેરની છોરી બની ગઈ હતી. આધુનિકતાના ઓપ તળે શોભતી માયાની માયા કળવી અકળ હતી. વર્ષો પહેલાં પુણેની જ એક કોલેજમાં સાથે ભણનાર માયા અને મનીષ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી એની બેમાંથી કોઈને ખબર જ ન પડી પણ એ પ્રિયતમામાંથી મનીષની પરણેતર બને એ પહેલાં જ કુદરતે એમના નસીબમાં જુદાઈ લખી દીધી. પોતાના પરિવાર ખાતર માયા રતન જોડે અને મનીષ રોશની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા અને વર્ષો પછી ફરી એકવાર બંને મળ્યાં તો બંનેના દિલમાં ધરબાયેલી અધૂરી ચાહત પાછી ફૂંફાડા મારવા લાગી અને એમાં એમને સાથ મળ્યો જમનાબેનનો. જમાનાની ખાધેલ અને વર્ષોની વફાદારીને કમરપટ્ટાની લાલચમાં પળમાત્રમાં કચડી નાખી હતી જ્યારે એમને મનીષ અને માયા વચ્ચેના પ્રેમનો ભેદ ખબર પડી. જમનાબેને લાગ જોઈ એવી ચાલ ચાલી અને મનીષ અને માયાને એવા સાણસામાં સપડાવી દીધા હતા કે એ બંને એમનો સાથ આપવા મજબુર બની ગયા હતા.

કેટલાક દિવસો પહેલાં.......

"જુઓ છોકરાઓ, મને કોઈપણ ભોગે તરાનાનો કમરપટ્ટો જોઈએ છે અને તમને બંનેને ફરીથી એક થવાનો મોકો.... તમારો ભેદ તો હું ત્યારે જ જાણી ચુકી હતી જ્યારે રોશનીએ એના મોબાઈલમાં રાજીવે મોકલેલો માયા અને રતનનો ફોટો તમને બતાડયો અને તમારી આંખોમાં ઉઠેલી ચમક મારાથી છાની ન રહી એટલે જ મેં નક્કી કર્યું કે તમને પણ મારી યોજનામાં શામેલ કરું અને તમારી સાથે સોદો કરું તો આપણા બેયનું કામ થઈ જાય. મને કમરપટ્ટો મળી જાય અને તમને માયા પછી ભલેને એ માટે માટે રોશનીનું લગ્નજીવન બરબાદ કરવું પડે....." એક દિવસ જમનાબેને મનીષ અને માયા સાથે ગુપ્ત મુલાકાત ગોઠવી હતી અને એમની સાથે સોદો પાર પાડ્યો હતો.

"જમનામાસી... પણ અમને એ નથી સમજાતું કે તમને કમરપટ્ટો શા માટે જોઈએ છે અને તમે આટલા વર્ષોથી પારેખ પરિવારના નમકહલાલ બની રહ્યા છો તો હવે આ નમકહરામી શા માટે?" મનીષે સામો પ્રશ્ન પૂછ્યો હતો.

"દીકરા... આ કમરપટ્ટાનો મેવો મેળવવા જ તો આટલા વર્ષો સુધી હું પારેખ ખાનદાનની ખોટી સેવા કરતી આવી છું. ઘણી વખત મેં કમરપટ્ટો શોધવાનો પ્રયત્ન કર્યો પણ દર વખતે મને કારમી નિષ્ફળતા જ મળતી અને એ કોઈ મામુલી કમરપટ્ટો નથી, રત્નોની ખાણ છે ખાણ.... રત્નો જડેલ કમરપટ્ટાની કિંમત અધધધ..... કહેવાય એટલી છે. એકવાર જો એ કમરપટ્ટો મારા હાથ લાગી જાય તો આખી જિંદગી ભયો ભયો....."

"પણ માસી.... હવે આ ઉંમરે તમે એ કમરપટ્ટો મેળવીને શું કરશો?" એનો ખરીદદાર પણ મળવો જોઈએ ને અને તમને આટલા બધા રૂપિયા હવે શું કરવા છે?" માયાના મનમાં ઉઠેલા પ્રશ્નો નિરાકરણ માંગતા હતા.

"એ બધું તમારે જાણવાની જરૂર નથી. આપણે તો ફક્ત સોદો કરવા જ ભેગા થયા છીએ. કમરપટ્ટો મારો અને ચાહત તમારી પછી હું કોણ ને તમે કોણ. આ કમરપટ્ટાને કારણે જ તો હું હજી જીવતી છું નહિતર મારા રામ પણ ક્યારના રમી ગયા હોત કેમકે ખીમજી પટેલ પછી હવે માત્ર હું જ જાણું છું કે એ કમરપટ્ટો ક્યાં છે. અત્યાર સુધી તો કમરપટ્ટો અનંતરાય પાસે જ છે એમ માનીને હું મૂર્ખ બનતી રહી પણ હવે હું એ કમરપટ્ટો મેળવીને જ જંપીશ અને બીજી વાત મારી સાથે જરાપણ ચાલાકી કરવાની કોશિશ કરવાનો વિચાર સુધ્ધાં ન કરતા, તમારા મનમાં ઉગતા વિચારને જ કેવી રીતે ડામવો એ પણ મને બહુ સારી રીતે આવડે છે. આને ધમકી ગણવી કે ચેતવણી એ તમારે વિચારવાનું છે." માયા અને મનીષને એકલા મૂકી જમનાબેન પાછા ઘરે આવવા નીકળી ગયા હતા.

*** *** ***

"મનીષ જ્યારે આપણો સામનો રતન અને રાજીવ સાથે થશે ત્યારે શું થશે એ વિચારથી જ કમકમાં આવી જાય છે. એક તરફ રતન અને રાજીવ સાથે વિશ્વાસઘાત કર્યાનો વિચાર આવે છે તો બીજી તરફ તારી ચાહત નજર સામે આવે છે. પરિવાર માટે પરાણે પરણીને રતન સાથે રાજપરા આવીને ગૃહસ્થી શરૂ કરી લગ્નજીવનનું ગાડું ગબડાવતી જિંદગીમાં અચાનક જ જ્યારે તારા નામનું સ્પીડબ્રેકર આવી ગયું ત્યારે એ સ્પીડબ્રેકર કૂદીને આગળ નથી વધી શકતી. તું તો જાણે છે ને મનીષ....."

"બસ....બસ....માયા...હમણાં આપણે બીજું કાંઈ નથી વિચારવું. એક વખત એ કમરપટ્ટો હાથમાં આવી જાય અને જમનામાસીને એ આપી દઈએ પછી આપણે આ દેશ છોડીને ક્યાંક દૂર જતા રહેશું. હવે મને છોડવાનો વિચાર પણ ન કરતી ." મનીષે માયાના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. બંનેના ઊંટ મધ્યમ ગતિએ આગળ વધી રહ્યા હતા.

"આ જમનામાસી આપણી સાથે કોઈ ચાલાકી તો નહીં કરે ને? ક્યાંક એવું પણ બને કે કમરપટ્ટો એમને સોંપી દીધા બાદ એ આપણને બેઉને જ....." માયાએ શંકા વ્યક્ત કરી.

"ના.... એ એવું કંઈ નહીં કરે. જો એમણે એવું કરવું જ હોત તો આપણને અહીં સુધી મોકલ્યા જ ન હોત. એમને ફક્ત કમરપટ્ટામાં જ રસ છે." મનીષે પોતાની રીતે માયાની શંકાનું નિરાકરણ કર્યું.

*** *** ***

રતન અને રાજીવના ઊંટ મંદિર લગોલગ પહોંચી ચુક્યા હતા. બંને જણ નીચે ઉતરી બેય ઊંટને છુટ્ટા મૂકી મંદિરના પગથિયા પાસે ઉભા રહી નિરીક્ષણ કરી રહ્યા હતા. સદીઓ જૂનું મંદિર વૈભવશાળી ઇતિહાસની મુક સાક્ષી પુરી રહ્યું હતું. રાતા સેન્ડસ્ટોન અને રાજસ્થાની પરંપરાગત કોતરણી ધરાવતું મંદિર સોનેરી રેતીમાં સુવર્ણમય બની ચળકી રહ્યું હતું. એનો મોટો ગોળ ગુંબજ અને એની ઉપર લહેરાતી ધજા આટલા વર્ષેય હજી અકબંધ હતા. કોણ જાણે સમયની કેટલીય થપાટો ખાધા પછી પણ પોતાના ગભારામાં રહસ્ય ધરબીને બેઠેલા આ મંદિરના ઉંબરે વર્ષો પછી કોઈ માનવીઓ આવ્યા હતા. રતન અને રાજીવે મંદિરની બહાર ઉભેલી ખાંભીઓ સાથે બંને ઊંટ બાંધી દીધા અને મંદિરમાં દાખલ થવા પગથિયાં ચડીને દરવાજાને ધક્કો માર્યો......

વધુ આવતા અંકે.......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.