ડ્રીમ ગર્લ 03
લોકલ ટીવી પર ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા. અમી સવાર સવારમાં ટી.વી.ઓન કરીને બેઠી હતી. એના સુંદર ભરેલા ગાલ પર કથ્થઈ લટો છેડતી કરતી હતી. એક હાથમાં કોફીનો મગ લઈ બીજા હાથે વાળ ખસેડવા અધ્ધર કરેલો હાથ અધ્ધર રહી ગયો. જિગર ? આ હાલત માં ? મનમાં એક અજંપો થયો . અમી એ કોફી નો કપ બાજુમાં મુક્યો. મોબાઈલ હાથમાં લીધો. કંઇક વિચારી મોબાઈલ પાછો મુક્યો. મનમાં ગડમથલ અને અજંપાના ભાવ સાથે એ ક્યાંક ખોવાઈ ગઈ.
હદય કહેતું હતું ફોન કરું , પણ મન ના પાડતું હતું. આખરે હદય જીત્યું. એણે ફોન લગાવ્યો. સામે છેડે રીંગ વાગતી રહી. એક મધુર સ્વર સંભળાયો.
" હાય , કેમ આજે સવાર સવારમાં યાદ આવી. "
" નિલુ તેં ન્યૂઝ જોયા ? "
" ના. "
" એક વાર જોઈ લે. પછી વાત કરીએ. "
ફોન કાપી અમી પાછી વિચારોમાં ખોવાઈ ગઈ .
" બસ , તારી આ જ રામાયણ છે. આ કોફી ઠંડી થઈ ગઈ. ક્યાં ખોવાઈ જાય છે તું ? "
અમી એ ચેનલ ચેન્જ કરી.
" ઓહ મોમ. આઈ એમ રિયલી સોરી. બસ એમ જ. "
" સારું સારું લાવ ફરી ગરમ કરી લાવું. પાછી શરદી થઈ જશે. "
અમી એ મા ને હાથ પકડીને બાજુમાં બેસાડી અને મા ના ખોળામાં માથું મૂકી સુઈ ગઈ. મા એના કથ્થઈ વાળ પર હાથ ફેરવતી રહી. થોડી વાર માં મા ને લાગ્યું કે દીકરી રડે છે.
" શું થયું બેટા ? "
" કંઈ નહીં. "
" તો આજે સવાર સવાર માં આમ ? "
" મા મને ડર લાગે છે , હું તને છોડીને કેવી રીતે જઈશ. "
માણસ માત્ર ને ઈશ્વરે મનના ભાવ છુપાવવાની આવડત આપી છે. આંસુ ને ફૂલોનું રૂપ ધારણ કરવાની ક્ષમતા આપી છે. અમી પણ મનના ભાવ છુપાવી રડતી રહી. કોઈ દુસ્વપ્નને જોઈ ડરેલી બાળકીની જેમ.
** ** ** ** ** ** ** ** ** **
સવારના સાડા આઠ થઈ ગયા હતા. જિગરના મોબાઈલ પર રીંગ આવી. સ્ક્રીન પર નામ ફ્લેશ થયું. નિલુ.
જેના ફોનનો એ હંમેશા ઇંતેજાર કરતો હતો એનો ફોન હતો અને આજે ફોન ઉપાડવાનું મન નહતું. માનવ મન પણ કેટલું વિચિત્ર છે. પળમાં રાજા , પળ માં રંક. પળમાં ખુશી ને પળમાં ગમ. રીંગ વાગીને પૂરી થઈ ગઈ. તરત જ ફરી રીંગ આવી. ના મને જિગરે કોલ રિસીવ કર્યો. એવું ન હતું કે જિગરને વાત કરવી ન હતી , પણ એ નિલુને ચિંતા કરાવવા નહતો માંગતો.
" હેલો. "
" ફોન કેમ નથી ઉપાડતા ? ક્યાં છો ? "
" જસ્ટ રિલેક્સ નિલુ. આઈ એમ ઓ.કે. "
" તો આ ટી.વી.માં શું આવે છે ? "
" ઓહ , તો તેં સમાચાર જોઈ લીધા ? "
" હા , અમીનો ફોન આવ્યો હતો. "
" એ જાડીને કોઈ કામ છે કે નહિ ? "
" મારી બહેન વિશે કંઈ ના બોલતા. એ તમારી ચિંતા કરે છે. બાકી કોઈને શું ફરક પડે છે ? આ ટી.વી. માં શું આવે છે એ બોલો? "
" રાત્રે એક માણસ ઘાયલ અવસ્થામાં મળ્યો , એને હું હોસ્પિટલમાં લઈ આવ્યો. બસ એટલું જ. "
" ટી.વી. વાળા કહે છે કે ગોળીબાર થયો હતો. "
" મને ખબર નથી , પહેલાં થયો હોય તો. "
" ઘરે ક્યારે આવો છો ? "
" નિલુ અન્ડરસ્ટેન્ડ , એ માણસ ઘાયલ છે. એ માણસ પાસે કોઈ નથી. "
" ઓ.કે. "
ગુસ્સામાં કપાયેલા ફોનનો અર્થ જિગર સમજતો હતો.
** ** ** ** ** ** ** ** ** **
અમીના મોબાઈલની રીંગ વાગી. વાંકડિયા કથ્થઈ વાળને પાછળ કરતાં એણે ફોન રિસીવ કર્યો.
" હલો અમી , હું વી.એસ.હોસ્પિટલ જાઉં છું , તું આવીશ. "
અમી એક પળ ખામોશ થઈ ગઈ. એને સુજતું ન હતું કે શું કરવું. "
" ઓ.કે. અમી , હું એકલી જાઉં છું. "
" અરે નિલુ , હું તને ના પાડી શકું ? તું અહીં આવ આપણે સાથે જઈએ છીએ. "
" ઓ.કે. પણ તૈયાર રહેજે. હું નીકળું જ છું. "
ટાઈટ જીન્સ પર શોર્ટ કુરતો પહેરી અમી અરીસા સામે ઉભી રહી. વાંકડિયા કથ્થઈ વાળને ઓળતી એ પોતાની જાતને જોઈ રહી. પાંચ ફૂટ પાંચ ઇંચ , એકદમ દુધમલ સ્કીન અને ભરેલું માંસલ શરીર. લાંબો પણ ભરેલો ગુલાબી ચહેરો અને ચહેરા પર નાનો બાળક આંગણા માં રમવા આવે તેમ રમવા આવતી લટો. પાવડર નો ડબ્બો હાથમાં લીધો અને એક આછા નિશ્વાસ સાથે પાછો મુક્યો.
નીચે થી હોર્ન વાગ્યું. અમી હાથમાં પાકિટ લઈ બહાર નીકળી.
" મોમ , હું નિલા જોડે જાઉં છું. "
" આ બે બહેનોને કોઈ કામ જ નથી. "
અમી નીચે ઉતરી અને નિલાને જોઈ રહી. અમી કરતા સ્હેજ ઉંચી. તામ્રવર્ણો રંગ. સ્હેજ પાતળી. ઘાટીલી. લાંબા કાળા સિલ્કી વાળ. લાંબો ચહેરો. અણિયાળી આંખો. કુરતો અને પાયજામો. શું ખાસ હતું એનામાં?
હોસ્પિટલમાં બન્ને બહેનો પહોંચી. સુંદરતાની વ્યાખ્યા શું ? એક વ્યક્તિને જે સુંદર લાગે એ કદાચ બીજી વ્યક્તિને ઓછી સુંદર લાગે. સુંદરતા વ્યક્તિની આંખ માંથી મગજ સુધી જતા સંદેશ અને મગજે એનું વિશ્લેષણ કરી શરીર ને અપાતા હકારાત્મક સંદેશનો સમૂહ છે.
એક બાંકડા પર જિગર બેઠો હતો. અમી થોડે દુર રોકાઈ ગઈ. નિલા આગળ વધી અને જિગર પાસે જઈ ઉભી રહી. આ હતો પ્રેમ. એક અધિકાર હતો એમાં. જે અમી પાસે ન હતો. નિલા સામાન્ય રીતે ગુસ્સે થતી ન હતી. પણ આજે ગુસ્સે હતી. આવા મારામારીના મામલામાં જિગર શા માટે પડ્યો એ એને સમજાતું ન હતું. જિગર નિલાને જોઈ રહ્યો. જિગરનું દિલ ધડકતું હતું. જેને જોવા માટે પોતે છુપાઈને કલાકો ઉભો રહેતો એ આજે સામે આવીને ઉભી હતી. એની સ્વપ્નસુંદરી. એની ડ્રીમગર્લ. ગુસ્સામાં. એને ઠપકો આપવા . જે શબ્દો સાંભળવા એ તડપતો , એ મીઠો અવાજ આજે સામે ઉભો હતો. એક સંપૂર્ણ દેહ સ્વરૂપે ....
( ક્રમશ : )
16 ડિસેમ્બર 2020