Rajgundha valley in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | રાજગુંધા ઘાટી

Featured Books
Categories
Share

રાજગુંધા ઘાટી


લેખ :- રાજગુંધા ઘાટી (ખીણ)નો પ્રવાસ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


જ્યારે સુંદર પહાડોની વચ્ચે ફરવા જવાનું મન થાય ત્યારે હિમાચલ પ્રદેશ જ મગજમાં આવે છે. લોકો હિમાચલ પણ ખુબ ફરવા જાય છે. કેટલાક લોકો સિમલા અને મનાલી જાય છે તો કેટલાક અહીંના ગામડા અને નગરોમાં ફરવા જાય છે.

જ્યારે કોઈ જગ્યા વધુ પ્રખ્યાત થઈ જાય ત્યારે તે પોતાનું કુદરતી આકર્ષણ ગુમાવી બેસે છે. પછી ત્યાં જવાનું વધારે મન થતું નથી. આવું થાય ત્યારે નવી જગ્યાની શોધ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એવી ઘણી જગ્યા છે જેને હજુ લોકો સુધી પહોંચતા વાર લાગશે. આથી જ આ જગ્યાઓનું કુદરતી સૌંદર્ય હજુ અકબંધ રહ્યું છે.

તો તમે સમજી જ ગયા હશો ને મિત્રો, કે આજે હું તમને હિમાચલ પ્રદેશમાં ફરવા લઈ જવાની છું. ત્યાંની ઓછી જાણીતી અને હજુ પણ પોતાનું સૌંદર્ય જાળવી શકી હોય
એવી એક જગ્યા છે રાજગુંધા ખીણ. આ ખીણ બરોટ અને બિલિંગની વચ્ચે છે. અહીં તમે પહાડો, ચોખ્ખું આકાશ અને રાત્રે તારાઓથી સજેલી દુનિયાને જોઈ શકો છો. ચાલો, આ સુંદર ખીણમાં ફરવા લઈ જાઉં.



રાજગુંધા ઘાટી (ખીણ)

રાજગુંધા ધૌલાધાર વિસ્તારમાં એક નાનકડુ ગામ છે, જેની ઊંચાઇ 8,900 ફૂટ છે. બરોટ ઘાટી અને બિલિંગની વચ્ચે વસેલા આ ગામ સુધી ટ્રેકિંગ કરીને પહોંચી શકાય છે. આ જગ્યા વિશે હજુ ઘણાં ઓછા લોકોને ખબર છે. આ ગામ ઘણું જ સુંદર છે અને સ્વર્ગથી કમ નથી. તમે એક જગ્યાએ બેસીને કલાકો સુધી પહાડોને નીરખી શકો છો.

આ જગ્યા એક જ દિવસમાં ફરી લેવાય એવી નથી. આ જગ્યા જોવા કેટલાંક દિવસો ફાળવવા પડે છે. ઓછામાં ઓછું એક અઠવાડિયું તો ખરું જ. જો તમારે શાંતિ અને રાહતભર્યા કેટલાક દિવસો પસાર કરવા છે તો આનાથી સારી જગ્યા બીજી કોઈ નથી. જો તમે શિયાળામાં અહીં આવો છો તો બરફવર્ષાનો પણ આનંદ ઉઠાવી શકો છો.

આમ તો તમે અહીં વર્ષમાં ક્યારે પણ આવી શકો છો. છતાં પણ ચોમાસામાં અહીં આવવાથી બચો. કારણ કે ત્યારે અહીં પહોંચવામાં ઘણી મુશ્કેલી પડશે. ચોમાસામાં અહીં રસ્તા તૂટી જાય છે અને ભૂસ્ખલનથી રસ્તા પણ કપાઈ જાય છે. આવા સંજોગોમાં તમે ફસાઇ શકો છો. એટલા માટે ચોમાસામાં ન જાવ તો સારુ રહેશે. જો તમે ગરમીથી બચવા માટે અહીં આવવા માંગો છો તો માર્ચથી જુલાઇ સૌથી સારો સમય છે.

રાજગુંધા વેલી જવા માટે શિયાળો સૌથી સારો સમય છે. ત્યારે આખી જગ્યા બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી હોય છે. તમે બરફથી ઢંકાયેલા ઘરમાં બેસીને શાનદાર દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો. અહીં ખુબ બરફવર્ષા થાય છે, આથી અહીં આવવાનું પ્લાનિંગ યોગ્ય રીતે કરવુ જોઈએ. જો વધારે બરફવર્ષા સમયે તમે અહીં આવો છો તો અનેક દિવસો સુધી અહીં જ રોકાઈ રહેવું પડશે.

રાજગુંધા ખીણ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે, ટ્રેકિંગ. ટ્રેકિંગના બે રસ્તા છે જેનાથી તમે રાજગુંધા પહોંચી શકો છો.


પહેલો રસ્તો - બિલિંગથી:-

સૌથી પહેલા તમે બીર જાઓ. ત્યાંથી બિલિંગ પેરાગ્લાઈડિંગ સાઈટ સુધી ટેક્સીથી જઈ શકો છો. જો તમે પેકેજની સાથે નથી આવ્યા તો તમારે ત્યાં જાતે કેબથી પહોંચવુ પડશે કારણ કે આ રુટ પર કોઈ બસ નથી ચાલતી. બિલિંગ સાઈટથી તમારે રાજગુંધા વેલી સુધી ટ્રેકિંગ કરવું પડશે જેનું અંતર લગભગ 14 કિ.મી. છે. ટ્રેક સીધા અને સરળ છે, એટલા માટે તમને વધુ મુશ્કેલી નહીં પડે. રસ્તામાં જોખમ અહીંના જંગલી પ્રાણીઓથી છે. એટલા માટે તમે તમારી સાથે ગાઈડ લઈને જાઓ તો સારુ રહેશે.


બીજો રસ્તો - બરોટ ઘાટીથી:-

જો તમારે વધુ લાંબુ ટ્રેકિંગ નથી કરવું તો બીજો રસ્તો સરળ છે. આના માટે તમે બરોટથી રાજગુંધા જઇ શકો છો. સૌથી પહેલા તમે બરોટ ગામ સુધી બસથી પહોંચો. બરોટ ગામથી તમને એક બસ કે ટેક્સી મળશે જે તમને ગામના છેલ્લા છેડા સુધી લઈ જશે. જ્યાંથી તમને રાજગુંધા વેલી માટે 6 કિ.મી.નો ટ્રેક કરવો પડશે. 6 કિ.મી.નું આ ચઢાણ થકવી નાંખનારુ છે. રાજગુંધા પહોંચતા પહેલા તમારે એક નદી પાર કરવી પડે છે અને તેની કેટલીક મિનિટો પછી તમે તમારી મંઝિલ સુધી પહોંચી શકો છો.

રાજગુંધા ગામમાં રોકાવા માટે તમને વધુ વિકલ્પ મળશે નહીં. અહીં કેટલાક ટેન્ટ અને ગેસ્ટ હાઉસ છે જે એક રાત માટે ₹500 થી ₹1,000 લે છે. જો તમારી પાસે પોતાનો ટેન્ટ છે તો તેને પણ લગાવી શકો છો. ટેન્ટ વધુ દૂર ન લગાવો કારણ કે રાતમાં અહીં શિયાળ પણ આવે છે. વધુ દૂર રહેવું ખતરનાક સાબિત થઈ શકે છે.

રાજગુંધા વેલી એવી જગ્યાઓ જેવી નથી જ્યાં જવા માટે કેટલાક સ્પોટ હોય છે. અહીં તમે કુદરતની સુંદરતાને નિહાળી શકો છો, તેને અનુભવી શકો છો. આ ઉપરાંત, આસપાસના વિસ્તારને જોઈ શકો છો. છતાં પણ કેટલીક ચીજો છે જે તમારે આ વેલીમાં કરવી જોઇએ.


માણવાલાયક સ્થળો:-

રાજગુંધાની બગલમાંથી ઉહલ નદી વહે છે જે બરોટમાં જઈને અલગ થઈ જાય છે. નદી ઘણી સ્વચ્છ અને સુંદર છે. તમે નદી કિનારે જઈને કેટલોક સમય વિતાવી શકો છો, તડકામાં શરીરને શેકી શકો છો અને થોડેક દૂર સુધી કિનારે કિનારે ચાલી પણ શકો છો. આ ઉપરાંત, તમે અહીં પાણીમાં નાહી પણ શકો છો કે પોતાના પગને ડુબાડીને બેસી પણ શકો છો.

રાજગુંધા ખીણમાં એક નાનકડુ જંગલ છે જ્યાં આપને ચારેબાજુ ચીડના ઝાડ મળશે. આ જગ્યાને નાના મનાલી તરીકે ઓળખવામાં આવે છે. જો આ જંગલ સુધી પગપાળા જાવ તો તમને આ જગ્યા ઘણી સુંદર અને શાનદાર લાગશે.

રાજગુંધા વેલીમાં રાતે રાત્રે સુંદર આકાશને જોઈ શકો છો. તમે ઉપર જોશો તો તારા જ તારા નજરે પડશે. ત્યારે તમને ખબર પડશે કે ક્યાંય સ્વર્ગ છે તો બસ આ જગ્યાએ જ છે. તમને સુંદર આકાશગંગા દેખાશે. તમે તારાની નીચે કલાકો સુધી બેસીને વાતો કરી શકો છો.

પહાડ પર કેમ્પિંગ કરવાનો એક શાનદાર અનુભવ છે અને તમે રાજગુંધા વેલીમાં કેમ્પિંગ કરી શકો છો. તમે કેમ્પિંગ ઉપરાંત અહીં ટ્રેકિંગ પર જઈ શકો છો, જ્યાંથી તમે 360 ડિગ્રીનો સુંદર નજારો જોઈ શકો છો. બરફથી ઢંકાયેલા પહાડના શિખરો જોઇને મન ખુશ થઇ જશે. તમે અહીં સૂર્યોદયનું સૌંદર્ય જરુર જુઓ. આ માટે તમારે સવાર-સવારમાં જલદી ઉઠવું પડશે.

રાજગુંધા અંગે સૌથી સારી વાત એ છે કે આખો વિસ્તાર અનએક્સપ્લોરડ છે. એટલા માટે દરરોજ અહીં નવી જગ્યાએ જઈ શકો છો. તમે અહીં સુંદર જગ્યાનું ટ્રેકિંગ કરી શકો છો, તમે નદીના કિનારે જઈ શકો છો, અહીંના સ્થાનિક લોકોની સાથે વાત કરી શકો છો. જો તમે નવી કોઈ ઓફબીટ જગ્યાની શોધમાં છો તો રાજગુંધા વેલી આના માટે સૌથી બેસ્ટ છે.

મજા આવી ને મિત્રો? કેવી સરસ જગ્યા છે! હાલમાં દરેક જગ્યાએ લોકોનો ધસારો જોતાં તો એવું જ લાગે છે કે આપણે ઘરે બેસીને આવા પ્રવાસો કરીએ એમાં જ જીવની સલામતી છે.

આવજો ત્યારે. ફરીથી કોઈ નવી જગ્યા લઈને આવીશ.

જય શ્રી કૃષ્ણ.
- સ્નેહલ જાની