હમણાં હમણાં મને W H Auden (વિખ્યાત અમેરિકન કવિ ) ની કવિતા The Unknown Citizenયાદ આવી. મેં એનું ગુજરાતી અનુસર્જન ક્યાંક 'કીર્તિસ્તંભ' ના નામે વાંચેલ એવું યાદ આવ્યું. જો કે વાંચ્યા પછી મેં એ અનુવાદને મારુ શીર્ષક ‘અમથેઅમથા અમથાલાલ’ એવું આપ્યું છે ). અમથાલાલ એ બીજું કોઈ નહીં પણ સામાન્ય નાગરિક જે લગભગ આખી જિંદગી નીચી મૂંડીએ જીવી નાખે , ભાગે આવતું કામ કરી નાખે , જો કોઈ ને ખબર પણ ન પડે એવી ખાતરી હોય તો ક્યારેક ક્યારેક નાના પાયે નીતિમતા નેવે પણ મૂકે પણ આમ ગભરુ અને ઈશ્વર અને વધુ તો સમાજ થી બીતો ફરે. આવા નાગરિક નો જો ‘કીર્તિસ્તંભ’ લખાય તો કેવો લખાય એ આ કવિતા અને એના અનુસર્જન માં બખૂબી અને થોડું કટાક્ષમય રીતે વર્ણવવામાં આવ્યું છે. આપણા જેવા સામાન્ય લોકો ના એપિટાફ તો આવા જ હોઈ શકે. એપિટાફ નો વિચાર કઈ સાવ પશ્ચિમી નથી. આપણે ત્યાં પણ જુના વખતમાં ખાંભીઓ અને પાળિયાઓ હતા જ. પશ્ચિમ ની સંસ્કૃતિ પ્રમાણે બહુચર્ચિત એપિટાફ નો સંગ્રહ કરી ને અહીંયા રજુ કર્યા છે ઘણા મહાનુભવો પોતાનો એપિટાફ મરતા પહેલા જ લખી ગયા છે તો ઘણા મહાનુભવો ના એમણે કરેલ કામ કે એમના લખાણને આધારે એમના અનુયાયીઓએ યોગ્ય એપિટાફ કોતરી ને સમાધિ ઉપર મુક્યા છે. નીચે કેટલાક મહાન લોકો નાં એપિટાફ અને એને લગતી થોડી વિગતો આપી છે:
લખાણ ની શરૂઆત વિખ્યાત એવા એકગુર્જરરત્ન એ કરેલા એપિટાફ થી કરીયે અને લેખ નો અંત પણ એક મહાન ગુર્જરરત્ન ની સમાધિ ઓર લખેલા એપિટાફ વિશે થી કરીશું.
આપણા મહાન મેઘાણીએ અમેરિકન કવિયત્રી મેરી લા કોસ્ટે એ અમેરિકન સિવિલ વોર ના સંદર્ભે લખેલ ખૂબ જાણીતી કવિતા 'સમબડીઝ ડાર્લિંગ' નો અનુવાદ 'કોઈનો લાડકવાયો' નામે કરેલ અને એની છેલ્લી લીટીઓ આજે પણ ખૂબ જાણીતી છે જે આ મુજબ છે :
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી
લખજો: 'ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની'
ફક્ત 33 વરસની આયુમાં તો આખી દુનિયા જીતી લેનાર સિકંદર ની કબર પર લખેલ છે "એક સમાધિ હવે તેને પૂરતી છે જેના માટે ક્યારેક આખું વિશ્વ પૂરતું ન હતું ” તો ઈશું ના શિષ્ય એવા સંત પૉલ નો એપિટાફ જણાવે છે કે, "કંઈ લાવ્યા નથી કે કંઈ સાથે લઈ ને જઈ શકવાના નથી."
99 વર્ષ જેટલુ લાંબુ આયુષ્ય ભોગવનાર અને દરમ્યાન 100 જેટલા પુસ્તકો લખનાર એવા આપણા ખુશવંત સિંહે પોતાના જાતે જ તૈયાર કરેલા એપિતાફ નો અનુવાદ કૈક આવો થાય : " અહીં સુતેલા,બીભત્સ વાતો લખીને ભગવાન અને માણસને પણ ન બક્ષનાર અને પોતાના છીછરા લખાણોને ભારે ઉંચી રમૂજવાળા લખાણોમાં ખપાવી દેવા માંગતા એવા એક નકટા ઉપર તમારા આંસુ ન વેડફશો.”
માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની કબર ઉપર યોગ્ય રીતે જ લખાયુ છે કે , “ ઓહ મારા ઈશ્વર ! અંતે સ્વતંત્ર થયો હું. અંતે!”
જાણીને નવાઈ લાગે પણ ગણિતશાસ્ત્રીઓના એપટાફ પણ જાણવા જેવા હોય છે કેમ કે પાયથાગોરમ થિયરી ને જન્મ આપનાર હેન્રી પ્રિગલ ની કબર ઉપર પોતે સાબિતી આપનાર એવી પાયથાગોરમ થિયરી નો ડાયાગ્રામ દોરેલો છે. જો કે હેન્રી ની રાહે રાહે આપણા સમયના મહાન ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિક એવા સ્ટીફન હૉકિંગ એ પોતાના બ્લેક હોલ ના તાપમાન વિષે શોધેલા સમીકરણ S=πAkc3 / 2hG ને પોતાની કબર ઉપર ચીતરવાનો આગ્રહ રાખેલ. એચ. જી.વેલ્સ ની કબર ઉપર પાછળ રહી ગયેલા તમામ લોકો ને ઉદ્દેશી ને લખ્યું છે કે, "અરે મૂર્ખાઓ! મેં તો કહ્યું જ હતું (કે આપણી વિદાય નક્કી જ છે)!" ફાઉલકનેર અને હેમિંગવે ની કક્ષામાં જેને મુકાય છે એવા વિજ્ઞાનકથા લેખક ના કબરપથ્થર ઉપર એની મહાવિખ્યાત વિજ્ઞાન કથા નું મથાળું "ફેરેનહિટ 451" લખેલ છે.
સ્મૃતિ ઈરાની એ પણ નક્કી કરી નાખ્યું છે કે જો કદાચ એની કબર બને તો લખાય કે "હાશ ભગવાન! હવે તેણી બીજા કોઈનો માથાનો દુઃખાવો છે" તો વિન્સ્ટન ચર્ચિલ ની કબર ઉપર લખાણ છે કે, "મારા સર્જનહાર મેં મળવા તૈયાર." ક્યારેક ક્યારેક લોકો ભારે સાચું લખી લખાવી જવાનો આગ્રહ રાખે છે. ફરીદાબાદ ના રહીમખાં ની કબર ઉપર લખ્યું છે કે, "ક્યારેય BJP ને વોટ આપ્યો નથી." તમે અનુમાન લગાવી શકો છો કે રહીમખાં કોના સપોર્ટર હશે. તો ઇસ્લામાબાદ ના મનસુરે જણાવે છે "અહીંયા ગજબ અંધારું છે.!"
1975 માં ટાઈમ મેગેઝીન ના કવર ઉપર ચમકેલ સમલિંગી એવો અમેરિકન એરફોર્સ નો ઓફિસર નામે લિયોનાર્ડ માટલોવીચ ની કબર ઉપર નું લખાણ ભારે કટાક્ષપૂર્ણ રીતે લખેલું છે. એમાં કોતરેલ છે કે " જે સેનાએ મને યુદ્ધ દરમ્યાન બે પુરુષોને મારી નાખવા બદલ મેડલ આપ્યો હતો તે જ સેનાએ મને ફક્ત એક જ પુરુષને પ્રેમ કરવા બદલ નોકરીમાંથી રૂખસદ પણ આપી."
આ બાબતે ભારતીય સેનાને કેમ ભૂલી શકાય? નાગાલેન્ડ ના કોહિમા ખાતે આવેલા વોર મેમોરિયલ નું લખાણ બહુજ જાણીતું છે. “તમારી ઉજ્જવળ આવતીકાલ માટે અમે અમારી આજ ની આહુતિ આપી છે” વાંચીને માન ન ઉપજે અને રુંવાડા ઉભા ન થઇ જાય તો તમારા હિન્દુસ્તાની હોવા વિષે શંકા જાય.
જો કે સામાન્ય વ્યક્તિઓ પણ ક્યારેક અસામાન્ય કબર લખાણ લખી જાય છે જેમ કે કાર અકસ્માત ઘાયલ થયેલા અને અંતે મૃત્યુ પામેલા એક અંગ્રેજે ની કબર ઉપર લખ્યું છે કે , “ભૂલ એટલી જ કે બ્રેક ની જગ્યાએ એક્સિલેટર ઉપર પગ પડી ગયો” બીજા એક કોતરણ માં લખેલ છે કે, ‘ઈશ્વરે બોલાવ્યો. મેં જવાબ આપ્યો! તમે આવી ભૂલ કરતા વિચારજો!”
અને છેલ્લે છેલ્લે દુનિયાનો સૌથી જાણીતો એપિટાફ “ હે રામ' અને એ મહાનુભવ વિશે તો કાંઈ કેહવાની જરૂર નથી!