Highway Robbery - 11 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 11

Featured Books
Categories
Share

હાઇવે રોબરી - 11

હાઇવે રોબરી 11

ડી.વાય.એસ.પી. રાઠોડ સાહેબની ચેમ્બરમાં ટીમના તમામ સભ્યો હાજર હતા. ઘટનાનો આજે ત્રીજો દિવસ હતો. આજે પ્રાયમરી રિપોર્ટ આપવાનો હતો. રાઠોડ સાહેબના માર્ગદર્શન પ્રમાણેની માહિતીનો ઢગલો હતો.. હવે આગળનું ઇન્વેસ્ટીગેશન કરવાનું હતું.
પી.એસ.આઈ. મી.પટેલે માહિતી આપવાનું ચાલુ કર્યું.પી.એસ.આઈ નાથુસિંહ પણ બધી માહિતી સાથે તૈયાર હતો.
' સર , સૌથી અગત્યની એક વાત પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ છે. કારમાં પાંચ માણસ હતા. ત્રણને પહેલાં ક્લોરોફોર્મ સુંઘાડી પછી બિલકુલ નજીકથી ગોળી મારવા માં આવી છે. બાકીના બે રતનસિંહ અને અમરસિંહને ક્લોરોફોર્મ સુંઘાડવામાં નથી આવ્યું. '
' બની શકે કે એ બે ને પહેલા ગોળી મારી દીધી હોય.'
' રતનસિંહ વિશે એવું કદાચ વિચારી શકીએ. પણ અમરસિંહના માથા અને બોચીના ભાગમાં બોથડ પદાર્થ મારવામાં આવ્યો છે. '
' ક્યા પ્રકારનો ઘા છે? '
' અમરસિંહના બોચીના વાળ રતનસિંહની રાઇફલ ના બોનેટના છેડા પર મળ્યા છે. '
' એનો અર્થ એ થાય કે રતનસિંહે અમરસિંહની બોચીમાં રાઇફલ મારી હતી. અથવા લૂંટારાઓએ રતનસિંહ ની રાઇફલ અમરસિંહના માથામાં મારી હોય.'
' નો સર , રતનસિંહે અમરના માથામાં રાઇફલ મારી હોય એની શક્યતા વધારે છે. કેમકે અમરસિંહના શરીર પર આના સિવાય કોઈ ઘા નથી. અને રાઇફલ પર રતનસિંહ સિવાય કોઈની આંગળીઓના નિશાન નથી.અને સર હવે આ એક વિડીયો જુઓ.આંગડિયા પેઢીની બહાર નો છે. જેમાં સ્પષ્ટ થાય છે કે રતનસિંહ અમરસિંહ ની પાછળ બેઠો હતો. '
' પટેલ , આનો અર્થ એ થાય કે રતનસિંહ લૂંટારાઓ જોડે મળેલો હતો. '
' સર , પણ જો રતનસિંહ મળેલો હતો તો , એને માર્યો કેમ ? '
' કદાચ પકડાવાનો ડર હોય , પટેલ એક કામ કરો. રતનસિંહની હિસ્ટરી ચેક કરો , એના મોબાઈલ કોન્ટેકટ ચેક કરો , કોઈ તો કલુ મળવાના ચાન્સ છે. ક્યાંક તો એમણે ભૂલ કરી જ હશે.'
' સર , આંગડિયા પેઢીની ગાડી જે રસ્તે ગઈ એના રસ્તાના સિટી અને હાઇવે પર હોટલની બહારના અને પેટ્રોલ પમ્પના મળ્યા એટલા સી.સી.ટી.વી. ફૂટેજ લેવા માં આવ્યા છે. હાઇવે પર એક જગ્યા પછી આંગડિયા પેઢીની ગાડીનો ડ્રાયવર બદલાઈ ગયો લાગે છે. આંગડિયા ઓફીસ આગળનો વિડીયો જુઓ અને હાઇવેનો છેલ્લો વિડીયો જુઓ.મતલબ એ બે વચ્ચે લૂંટારાઓ એ આંગડિયા પેઢીના આ લોકોને ઝબ્બે કર્યા હશે. '
' ફેંટાસ્ટીક વર્ક પટેલ.'
' સર , આગળ જતાં આંગડિયા પેઢીની સાથે એક પોલીસ વાનનો વિડીયો છે. મતલબ એ લોકોએ આ પોલીસ વાનનો ઉપયોગ લૂંટમાં કર્યો હશે.'
' નાઇસ વર્ક પટેલ. આગળ કંઈ પ્રોગ્રેસ. ? '
' નો સર , આટલી માહિતી મળી છે. '
' પેલા નાસ્તાની થેલી મળી હતી , એનું કંઈ કનેકશન છે. ? '
' સર , એ ઘનશ્યામ નાસ્તા હાઉસના વિડીયો ફૂટેજ લાવવામાં આવ્યા. પણ કંઈ કલુ મળતો નથી.'
' એક કામ કરો આંગડિયા પેઢીની ગાડીના , પેલી બીજી ગાડીના અને ઘનશ્યામ નાસ્તા હાઉસના વિડીયો ફરી પ્લે કરો. '
વિડીયો ફરી પ્લે કરવા માં આવ્યા. આખો સ્ટાફ ધ્યાનપૂર્વક વિડીયો જોઈ રહ્યા.
**************************
દિલાવર પોતાના માણસો અને પોલીસ ઓફિસરો પર ધુંઆપુઆ હતો. પોતે જે લોકો પાછળ ખર્ચ કરતો હતો એ આ દિવસ માટે નહોતો કરતો. પોતાના સામ્રાજ્ય માં,પોતાના જ કાર્યક્ષેત્રમાં જ્યાં તમામ અસામાજિક તત્વો પોતાને અને અમરને ઓળખતા હોય ત્યાં પોતાના ભાઈને લૂંટી જનાર અને એથી વિશેષ પોતાના ભાઈની હત્યા કરી એની લાશ નર્મદા કેનાલની બાજુમાં ખંડેર એવી રૂમોમાં ફેકીને જતા રહ્યા. ધિક્કાર છે પોતાની જાત પર અને પોતાના સામ્રાજ્ય પર.
' ઘોટિયા , પોલિસ તરફ ના શુ ખબર છે? '
' જેમ જેમ પ્રગતિ થશે એમ તમામ માહિતી મળશે. પણ ડી.વાય.એસ.પી. રાઠોડ આપણા કામ ના નથી. '
' ઘોટિયા , ફક્ત એક વાતનું ધ્યાન રાખ , પોલીસ એવિડન્સ વગર આગળ નહિ વધે. અને રાઠોડ કામના નથી એટલે અમુક વાતની આપણને ખબર ના પણ પડે. રાઠોડની ટીમમાં આપણા કામનો કોઈ માણસ હોય તો કોન્ટેકટ કર. અને એમની તપાસમાં જેની પર એમને શંકા હોય એમની પાછળ આપણા માણસ લગાડી દો , પોલીસ એમની તપાસ કરશે. પણ હું એને નહિ છોડું , ડાયમન્ડ તો મેળવીશું જ પણ અમર ને મારનાર ને હું નહિ છોડું.'
' બોસ , એક નાથુસિંહ છે પી.એસ.આઈ. આપણા કામનો માણસ છે.રિટાયરમેન્ટનું એક વર્ષ જ બાકી છે. '
દિલાવરની આંખોમાં ભયંકર ગુસ્સાના ભાવ હતા. પોતાના અસ્તિત્વનો , પોતાના સામ્રાજ્યના અસ્તિત્વનો સવાલ હતો.
' નાથુસિંહ ને બોલાવી લાવ. '
*********************************
આશુતોષની તબિયત થોડી ખરાબ હતી. એણે નોકરીમાં રજા રાખી હતી. બપોરે રાધા ભાભી આશુતોષ ની બાને મળવા આવ્યા. અને વસંતના ઘરે આશુતોષની તબિયત ખરાબ હોવાની ખબર પડી ગઈ.
વસંત ખેતરે ગયો હતો. સાંજે પાંચ વાગે નંદિની આવી. હદયના ભાવ છુપાવવા સહેલા છે. પણ દબાવવા મુશ્કેલ છે. નંદિની એના મનના ભાવ છુપાવતી તો હતી. પણ દબાવી શકતી ન હતી. જેવું એણે સાંભળ્યું કે આશુતોષની તબિયત ખરાબ છે. એનું મન વ્યાકુળ થઈ ગયું. એ પોતાની જાત ને રોકી ના શકી. અને એ દબાતે હદયે આશુતોષના ઘરે પહોંચી ગઈ.
આશુતોષ ઘર બહાર ઝાડ નીચે ખાટલામાં સૂતો હતો. નંદિનીનો પગરવ એના મનના ઉંડાણમાં વસેલો હતો. એણે આંખ ખોલી. નંદિનીના ચહેરા પર ચિંતાના ભાવ હતા.
' આવ નંદિની કેમ છે.? '
' તમે કેમ છો? તબિયત ખરાબ છે?'
' સહેજ શરીર તૂટે છે , તાવ જેવું લાગે છે. તું ચિંતા ના કરીશ , બે દિવસમાં સારું થઈ જશે. '
' તમે તો મને સાવ પરાઈ કરી નાખી , તબિયત ખરાબ છે તો કહેવાય પણ નહિ.'
બન્નેની નજર મળી , કેટલી ફરિયાદો હતી નંદિની ની આંખોમાં , અને આશુતોષની ચિંતા એ ફરિયાદોને દબાવીને બહાર આવતી હતી.
' એવું નથી નંદિની , હું તને ક્યારેય પરાઈ ના કરી શકું.બસ તું ખૂબ ખુશ રહે , સુખી રહે.'
' તમને ખબર પણ છે કે મારું સુખ ક્યાં છે? '
' નંદિની અઘરા સવાલ ના પૂછીશ , મારા આ તૂટેલા ખોરડામાં તારા પ્રશ્નોનો જ ઉકેલ નથી મળતો. છોડ એ બધી વાતો. વસંત કેમ છે? '
આશુતોષ વાત બદલવામાં હોશિયાર હતો.નંદિની ક્યારેક મનની વાત કરવા જાય , પણ આશુતોષ એને વાત પૂરી કરવાનો મોકો જ આપતો નહિ.
( ક્રમશ : )