નાનકડી કાવ્યાને અચાનક પગના તળિયે કઈંક સળવળી રહ્યું હોય તેમ લાગ્યું, જાણે કોઈ હળવા હાથે ગલીગલી કરી રહ્યું હોય....
તેને એમ કે તેના બા અથવા ડેડી છે એટલે બંધ આંખેજ કહેવા લાગી પગનાં અંગુઠા પાસે ફેરવોને...
કાવ્યા કહે અને ન થાય એવું તો કેમ થાય... સુંદર મોરપીંછ હવે તેની ઈચ્છા પ્રમાણે પગનાં અંગુઠા પાસે હળવેથી ફરવા લાગ્યું.
પછી શું? કાવ્યા કહેતી ગઈ તેમ મોરપીંછ એના પગનાં તળિયે ફરતું રહ્યું. કાવ્યાને આવી હળવી ગલીગલી બહુ ગમતી.
થોડીવારમાં એને થયું બા કે ડેડી તો મને સરસ નીંદર આવી જાય એટલે મને પગનાં તળિયે હળવે હળવે ગલીગલી કરે છે પણ અત્યારેતો જાગવાનો સમય છે.
શું છે વાત જાણવા કાવ્યાએ આંખો ખોલી તો બીજું કોઈ જ હતું નહીં રૂમમાં. હતા તો ફક્ત કાવ્યા અને મોરપીંછ.
મોરપીંછ કાવ્યાને ખૂબ ગમે, પણ આ મોરપીંછ જાણે ક્યાંથી આવ્યું એ સમજવા એણે બાળસહજ પૂછી લીધું.
અરે વાહ તું તો બહુ સુંદર છે અને મને ગમે પણ છે, પણ તું આવ્યું ક્યાંથી.
મોરપીંછ હળવે હળવે ઉડતું તેના ચહેરા થી થોડું દૂર ઉભું રહ્યું અને કહેવા લાગ્યું, કેમ ભૂલી ગઈ?
તે તો કાલે લાલાને કીધું તું કે
"લાલા હું તને રોજે રમાડું છું,
તારા માટે સરસ વાઘા લાવું છું (ભલે પૈસા એના બા આપે પણ લાવું તો હું છું ને),
મારા રમકડાં તને રમવા આપું છું,
ક્યારેક તને ગાડીમાં મારી જોડે ગાર્ડન ફરવા પણ લઈ જાવ છું,
એવું નથી કે હું એકલી છું પણ તારી સાથે રમવું મને બહુ ગમે છે
તો થયા ને આપણે મિત્રો, બોલ શું કે છે ?
લાલજી કહી જવાબ આપે એ પહેલાં કાવ્યા કહેવા લાગી ...
જો લાલા બા કહે છે કે લાલો બહુ પ્રેમાળ છે અને તેના બધા મિત્રો તેને ખૂબ વ્હાલા છે.
તો...... તું મારો પણ મિત્ર છે એટલે સાંભળ,
મને એક સુંદર મોરપીંછ લાવી આપને"
મોરપીંછ આટલું કહે છે ત્યાં તો કાવ્યા બોલી ઉઠી, તને લાલાએ મોકલ્યું?
હાં..મોરપીંછે કહ્યું.
કાવ્યા: તો લાલો ક્યાં છે, એ ન આવ્યો?
મોરપીંછ: તે લાલાને કીધુતું કે તારે મોરપીંછ જોઈએ છે, એટલે લાલાએ મને મોકલ્યું. તને ના ગમ્યું?
કાવ્યા: ગમ્યું ને ખૂબ ગમ્યું. કેટલું સુંદર અને મૃદુ છે તું.
કેવો આહલાદક રંગ છે તારો મન થાય કે જોયા જ કરું. પણ લાલો કેમ ન આવ્યો?
કાવ્યાના મોઢે વખાણ સાંભળી મોરપીંછ ખુશ થઈને કાવ્યાની આજુબાજુ આમતેમ ઉડવા લાગ્યું.
આ જોઈ કાવ્યા પણ ઉભી થઈ જાણે એની સાથે દોડપકડ રમવા લાગી.
હવે મોરપીંછ ને પણ મજા આવવા લાગી કાવ્યા સાથે રમવાની,
એ નજીક આવે ને જેવી કાવ્યા પકડવા જાય મોરપીંછ દૂર જતું રહે, ઉપર, નીચે અથવા સાઈડ પર જતું રહે.
કાવ્યા પણ ખૂબ ઉત્સાહથી રમતી હતી.
અચાનક કાવ્યાએ કહ્યું અરે મોરપીંછ ક્યાં ગયું દેખાતું કેમ નથી?
મોરપીંછ એની સામે આવી મલકતું મલકતું ઉભું રહ્યું.
કાવ્યાએ ક્ષણવારનો વિલંબ કર્યા વગર તરત પોતાના જમણા હાથથી પકડી લીધું ને હસતા હસતા મોટે થી બોલવા લાગી, પકડાઈ ગયું, પકડાઈ ગયું, પ્યારું પ્યારું મોરપીંછ પકડાઈ ગયું.
મોરપીંછ પણ જાણે કાવ્યના કોમળ હાથમાં આવીને ખુશ હોય એમ મરક મરક હસી રહ્યું.
મોરપીંછ કહેવા લાગ્યું કાવ્યા હવે શું કરીશ તું મારુ?
સાચવીને રાખીશ કે રમીને ભૂલી જઈશ?
કાવ્યા: અરે તું તો ખૂબ વ્હાલું છે, ચાલ આપણે બહાર રમવા જઈએ.
મોરપીંછ સારું મને પકડી રાખ...જેવું કાવ્યા મોરપીંછને પકડે છે તે પણ જાણે મોરપીંછ જેવી હળવી બનીને એની સાથે ઉડવા લાગે છે.
ધીરે ધીરે ઉડતા ઉડતા તેઓ શહેરની બહાર નીકળી જાય છે. ને પછી ક્યારેક નદી ઉપરથી, ક્યારેક લીલાછમ ખેતરો ઉપરથી, ક્યારેક ગગનચુંબી ઇમારતો ઉપરથી, તો ક્યારેક નાનામોટા પહાડો ઉપરથી ઉડતા ઉડતા બંને એક પહાડી ઝરણાં પાસે આવી બેસે છે.
કાવ્યા: કેવી સુંદર મનમોહક જગ્યા છે .....
આ ચારે તરફ પહાડો અને એની પર આ સાત રંગની વનરાજી,
વહેતા ઝરણાં સાથે પક્ષીઓનો મધુર કલરવ જાણે સાત સુરોનું તાલબદ્ધ સંગીત,
આ સુંદર વનરાજીમાંથી આવતી આહલાદક સુવાસ.
મોરપીંછ: હા બહુ સુંદર છે, કોણે બતાવી તને આ જગ્યા?
કાવ્યા: લાલાએ બીજા કોણે.
કાવ્યા: અને પેલા સૌથી ઊંચા બરફવાળા શિખર તરફ જો કેટલું નયમરમ્ય અને શાંત છે ....
મોરપીંછ: ના હોય ક્યાં છે મને તો નથી દેખાતું.
કાવ્યા: અરે આ સામે દૂર એકદમ ઊંચે ઊંચે જો.... ના દેખાય તો ઉડતા ઉડતા જોઈ ને આવ...
મોરપીંછ ઉડતાં ઉડતાં ખૂબ દૂર અને ઊંચે ગયું ત્યાં એને એક મહાકાય બરફનો પર્વત દેખાવા લાગ્યો ...મોડું કર્યા વગર તરત પાછું આવીને કાવ્યાને પણ ત્યાં લઈ ગયું.
નજીક જઈને કાવ્યાતો અભિભૂત થઈ ગઈ અને થાય જ ને,
હિમાલયનું પવિત્ર શિખર હતું એ...કાવ્યા અને મોરપીંછ મનભરીને ત્યાં રંગીન પતંગિયા સાથે રમ્યા, ઝરણામાંથી પાણી પીધું, બરફ ના ગોળા બનાવીને રમ્યા, સુંદર ફૂલોની મહેક માણી ( કાવ્યએ એક સરસ સુવાસ વાળું ફૂલ ખીચામાં મૂકી દીધું), અને નિરાંતે ઘરે પાછા આવી ગયા.
પાછા આવતાંજ કાવ્યા મોરપીંછને વ્હાલ કરતા ફરીથી પુછવા લાગી લાલો કેમ ના આવ્યો?
મોરપીંછ: તારે તો મોરપીંછ જોઈતું હતુંને
કાવ્યા: હાં પણ લાલાને લાવવાનું કીધુતું, તને એકલું મોકલી દીધું.
મોરપીંછ કાવ્યની માસૂમિયત જોઈને મૃદુ મૃદુ હસવા લાગ્યું.
કાવ્યા: બહુ હસવું આવે છે ને ... ચલ તને છોડીશ નઈ લાલો ન આવે ત્યાં સુધી....
મોરપીંછ હજી હસતું રહ્યું ...અને કહેવા લાગ્યું જો બારી પાસે કંઇક છે...
કાવ્યા: કંઈ નથી. હું નહિ જોવ ...તારી છટકવાની બારી લાગે છે મને તો....
મોરપીંછ: જો તો ખરી...સારું ચલ ધ્યાનથી સાંભળ કંઈ સંભળાય છે?
કાવ્યા આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળે છે તો....એક મધુર અવાજ આવી રહ્યો છે....
ધીમે ધીમે એ મધુર અવાજ સ્પષ્ટ થતો જાય છે....
કાવ્યા: હાં..... આ તો.... અરે આ તો લાલાની વાંસળીનો સુમધુર અવાજ છે...
લાલાની વાંસળીનું સમધુર સંગીત હવામાં અનેરી ઉર્જા ભરી દે છે.
આખા રૂમ માં જાણે બારીમાંથી હજારો સૂર્યનો પ્રકાશ આવતો હોય તેવુ અલૌકીક દ્રશ્ય છે.
વાંસળીનો અવાજ ધીરે ધીરે બંધ થાય છે ને એક પ્રેમાળ અવાજ આવે છે...
કાવ્યા આંખો ખોલ....
કાવ્યા આંખો ખોલે છે તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એની સામે હોય છે....
કાવ્યા ખુશીથી ઝૂમી ઉઠે છે...ને લાલાને પ્યારા સ્મિતસાથે જય શ્રી કૃષ્ણ કહે છે...
લાલો: લે બસ આવી ગયો, વ્હાલી કાવ્યા બોલાવે તો લાલો આવેજ ને મળવા...
કાવ્યા હસતા હસતા: હાં એનેજ તો મિત્ર કહેવાય ને.
લાલો, મોરપીંછ ને કાવ્યા ખૂબ વાતો કરે છે ને સાથે રમે છે....
થોડીવાર પછી લાલો પૂછે છે ...કાવ્યા તે કીધું એટલે આ મોરપીંછ મોકલ્યું હતું તો મને કેમ બોલાવ્યો....
કાવ્યા વ્હાલથી: રમવા, વાતો કરવા અને આ મોરપીંછ મારી જાતે તને શિરે લગાવવા માટે...
એટલું કહી કાવ્યા હળવેથી મોરપીંછને લાલના શિરે લગાવે છે અને સહજ ભાવે જોયે રાખે છે...
અચાનક કંઈક અવાજ આવે છે...એટલે કાવ્યા મોરપીંછ અને લાલાને કહે છે હવે તમે જાવ પછી મળીશું....
લાલો: હું તારી સાથેજ છું હંમેશા, જ્યારે પણ મનથી યાદ કરીશ હું તારી સાથેજ હોઈશ...
કાવ્યા હળવું સ્મિત કરીને આભાર વ્યક્ત કરી આવજો કહે છે...ને અવાજ તરફ ધ્યાન કરે છે....
હવે અવાજ ની સાથે એને ગાલ ઉપર કોઈ વ્હાલ પણ કરી રહ્યું હોય છે.....
કાવ્યા જાગો બેટા...ચલો જલ્દીથી ઉઠીને આપણે લાલની પૂજા કરવાની છે..
લાલાનું નામ સાંભળતાજ કાવ્યા બેઠી થઈ જાય છે..એવુંજ એને ભાન થાય છે કે આતો સપનું હતું....અને એની મમ્મી ને ગળે મળીને જય શ્રી કૃષ્ણ કહે છે...સાથે સાથે એ પણ બોલી જાય છે કે....
હું તો રમી આવી લાલા સાથે અને મોરપીંછ સાથે ખૂબ બધું, અને લાલાએ મને એ પણ કીધું કે એ હંમેશા મારી સાથે રહેશે.
મમ્મી પણ વ્હાલથી કહે છે, હાં બેટા લાલો કાયમ આપણી સાથેજ રહે જો હંમેશા સાચું બોલો, સારું કરો, વિવેકપૂર્ણ વ્યવહાર કરો, વડીલોનું સન્માન કરો અને ખૂબ સરસ અભ્યાસ કરો એટલે લાલો કાયમ આપણી સાથેજ રહે.
કાવ્યા: હાં માં હું એવુંજ કરીશ....એમ કહી માંને હળવી પપ્પી કરી કાવ્યા પૂજા માટે રેડી થવા લાગે છે...
જેવી મમ્મી બહાર જાય છે કાવ્યા તરતજ બારી ને બહાર ઉડી રહેલા મોરપીંછ છે જાણે આવજો કહેતી હોય એમ.....ફરી મળીશું કહે છે...
પૂજા કરતા કરતા કાવ્યા ખીચામાંથી પેલું સરસ સુવાસ વાળું ફૂલ લાલાને ચડાવે છે અને મમ્મી ને કહે છે કે હું મોરપીંછ સાથે રમવા ગઈતી ત્યાંથી આ ફૂલ લાવી લાલમાટે.
મમ્મી હળવું સ્મિત કરી કાવ્યાના શિરે વ્હાલ કરે છે....
આખરે મમ્મીએજ એ ફૂલ સવારે કાવ્યાએ પહેરેલા નવા કપડાનાં ખીચામાં મુક્યુંતું કેમ કે કાવ્યાને લાલાને ફૂલ ચડાવવા ખૂબ ગમતા..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કથા સાર: સારી ભાવના, સારા કર્મ, સારો અભ્યાસ પ્રભુને વ્હાલો છે તો બાળકો જો તમે આ ફોલો કરો છો તો ભગવાન હંમેશા આપણી સાથેજ રહેશે.
પ્રસ્તુતિ: સંદિપ જોષી (સહજ)