Rajkaran ni Rani - 58 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૫૮

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૫૮

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૮

જનાર્દને મેસેજમાં એડ્રેસ વાંચ્યું અને તે હોટલનું નામ વાંચી ચોંકીને વિચારવા લાગ્યો. પક્ષના કાર્યાલયથી આ હોટલનું સ્થળ ઘણું દૂર હતું. જનાર્દનને યાદ આવ્યું કે આ એ જ હોટેલ છે જ્યાં સુજાતાબેન અને હિમાની અગાઉ ગયા ત્યારે રોકાયા હતા. એનો એક અર્થ એવો પણ થાય કે શંકરલાલજીની બેઠક પહેલાં તે કોઇની સાથે ચર્ચા કરવાના હતા કે ખુદ સુજાતાબેન અલગ બેઠક કરી રહ્યા હતા? જનાર્દનને થયું કે બહુ ઝડપથી બધા પોતાનું ચક્કર ચલાવી રહ્યા છે. દરેક જણ રાજકારણમાં પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઇ રહ્યું છે. સુજાતાબેન પર એટલો વિશ્વાસ છે કે તે પ્રજાનું ભવિષ્ય જોઇ રહ્યા હશે.

જનાર્દને રાજકીય ગતિવિધિ જાણવા મોબાઇલમાં યુટ્યુબ પર આવતી સમાચારની ચેનલ ચાલુ કરી. લગભગ દરેક ચેનલ દર્શકોનું ધ્યાન ખેંચવા નાના અમથા સમાચારને પણ 'બ્રેકિંગ ન્યૂઝ' તરીકે આપી રહી હતી. મોટાભાગની ચેનલો પાસે સમાચાર ઓછા અને અટકળો વધારે હતી. બધા જ પત્રકારો 'લાગ્યું તો તીર નહીં તો તુક્કો' એમ માનીને મનમાં આવે એવી આગાહીઓ કરી રહ્યા હતા. એક ચેનલ જણાવતી હતી કે શંકરલાલજીને કોઇ ખાસ હેતુથી પ્રધાનમંત્રીએ મોકલ્યા છે. પરંતુ જનાર્દનનું માનવું હતું કે શંકરલાલજીને મહત્વ આપવા જ આવા સમાચાર ચલાવવામાં આવી રહ્યા હતા. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને બહુમતિ માટે જરૂરી બેઠકો મળી ગઇ હતી. પરંતુ અનેક બેઠકો કેમ ગુમાવી તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું હતું. 'તાજા ખબર- હમણાં હમણાં' ચેનલ પર સુજાતાબેનને કારણે બહુમતિ માટે જરૂરી બેઠકો મળી ગઇ હોવાની ચર્ચા ચાલતી હતી. સરકાર બનાવવામાં સુજાતાબેન મોટું ફેક્ટર સાબિત થયા હતા. આ વખતે જનમત સરકાર વિરુધ્ધ જાય એવી શક્યતા હતી ત્યારે સ્વચ્છ છબિ ધરાવતા અને લોકસેવાના કાર્યો કરતા સુજાતાબેન બીજા ધારાસભ્યોને પ્રેરણા આપી ગયા હતા. એક ચેનલ પર રાજેન્દ્રનાથ પાંચ વર્ષ સુધી સફળ રાજ કરી શક્યા હતા એના દાખલા રજૂ કરવામાં આવી રહ્યા હતા. એક રાષ્ટ્રીય ચેનલ વળી રાજ્યમાં કેન્દ્રની દખલગીરીનો મુદ્દો ચગાવી રહી હતી. જનાર્દને સમાચાર જોવાનું બંધ કર્યું. ટીવીની સમાચાર ચેનલો સમય પસાર કરી રહી હતી. હવે થોડો આરામ કરી લેવાની જરૂર હતી. પાટનગર પહોંચ્યા પછી સતત દોડધામ રહેવાની હતી.

સવાર પડવાની તૈયારી હતી ત્યારે પાટનગરની 'જલતરંગ હોટેલ' માં બંને કાર સાથે જ પ્રવેશી. રૂમ બુક કરાવી દીધા હતા એટલે ચેક ઇન કરીને સુજાતાબેન અને જનાર્દન-હિમાની એમની રૂમમાં પહોંચ્યા. હોટેલનો અત્યાધુનિક રૂમ જોઇ જનાર્દન નવાઇ પામ્યો અને બોલ્યો:"તું તો આ હોટેલની મજા માણી ગઇ હતી ને?"

"હા, બહુ મોટી હોટેલ છે. બધી જ સુવિધાઓ છે. રાજકારણીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ હોય છે." કહીને હિમાની બેડ પર આડી પડી.

જનાર્દન એની બાજુમાં બેસીને બોલ્યો.

"કારમાં ઊંઘી ગઇ હતી કે નહીં?"

"હા, સારી ઊંઘ ખેંચી કાઢી. પણ સુજાતાબેનને થોડી થોડી વારે ફોન આવ્યા જ કરતા હતા..."

"અત્યારે તો રાજકીય ગતિવિધિ એટલી ઝડપથી ચાલી રહી છે કે આગળ શું થશે એની કલ્પના જ થઇ શકતી નથી. આપણે તો એવી ઇચ્છા રાખીએ કે સુજાતાબેનને કોઇ મંત્રીપદ મળી જાય. મંત્રી તરીકે એમની પાસે શક્તિ હશે તો લોકોના કામ ઝડપથી થશે. અને એમને ભવિષ્યમાં કેન્દ્રીય મંત્રી બનવાની તક મળશે..."

"હા જનાર્દન, મને પણ લાગે છે કે તેમને મંત્રી બનાવવામાં આવશે. તેમની વાતો પરથી લાગતું હતું કે તેમને મંત્રી બનાવવા માટે ઓફર થઇ રહી છે. કદાચ રાજેન્દ્રનાથ તરફથી જ ફોન હતો. અને સુજાતાબેન પર ફોન આવતા હતા એના કરતાં તે ફોન વધુ કરતા હતા. બધાંને કહેતા હતા કે હું 'જલતરંગ' માં પહોંચીશ. તમે સવારે નવ વાગે આવી જજો. કદાચ એટલે જ એમણે જે રૂમ રાખ્યો છે એ ઘણો મોટો છે...."

"મારું અનુમાન સાચું પડી રહ્યું છે. તે શંકરલાલજીની બેઠક પહેલાં બધાંનો સાથ મેળવી રહ્યા છે...ચાલ હવે તૈયાર થઇ જઇએ. સુજાતાબેન કહેતા હતા કે તમારે હાજર રહેવાનું છે..."

હિમાની ઊભી થઇ અને તૈયાર થવા લાગી. ચા-નાસ્તો આવ્યા એટલે બંને તેને ન્યાય આપી સુજાતાબેનના રૂમમાં પહોંચ્યા.

બરાબર નવ વાગે સુજાતાબેનના રૂમમાં એક પછી એક ધારાસભ્યોની અવરજવર શરૂ થઇ ગઇ. હિમાનીએ કહ્યું હતું એ મુજબ જ સુજાતાબેને જેમને જીતવામાં મદદ કરી હતી એ ધારાસભ્યો તેમને પાંચ મિનિટ માટે મળીને નીકળી જતા હતા. બધાંને સાથે મળવાનું ટાળીને એક પછી એકને મળવા પાછળ સુજાતાબેનની કઇ ગણતરી હતી એ જનાર્દન જાણી ગયો હતો. એક કલાકમાં બધાને મળીને સુજાતાબેન બોલ્યા:'જનાર્દન, શું લાગે છે?"

"બધાં જ તમારા વિચારો સાથે સહમત લાગે છે. શંકરલાલજીને તમે એવી રજૂઆત કરી શકો છો કે પ્રજાના હિતમાં નિર્ણયો લેવાય એવા મંત્રીમંડળની રચના થવી જોઇએ..."

"જનાર્દન, સામાન્ય રાજકારણમાં ધારાસભ્ય પોતાને કેટલો લાભ થશે એવું વિચારતા હોય છે. આ વખતે જે ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે એ પ્રજાને શું લાભ થશે એવું વિચારે છે. પાંચ વર્ષ પછી પ્રજાને હિસાબ આપવા માટે અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એવા છે જે પોતાને પાંચ વર્ષમાં કેટલો લાભ થશે એનો અત્યારથી જ હિસાબ કરી રહ્યા છે. આપણે એમનાથી દૂર રહેવાનું છે. શંકરલાલજીને એવી વિનંતી કરવાની છે કે મુખ્યમંત્રી તરીકે રાજેન્દ્રનાથને ભલે પસંદ કરો પરંતુ એમની પાસેથી વચન લો કે એ પ્રજાના કામો કરવા ઉપર ધ્યાન આપે. પોતાનો કે સ્થાપિત હિતોનો સ્વાર્થ ના જુએ. હવે પ્રજા કામ માગે છે. પહેલાં જેવું નથી કે કોઇ સંવેદનશીલ મુદ્દો ઊભો કરી દો અને લાગણીપ્રવાહમાં તણાઇને એ મત આપી દે..."

સુજાતાબેન બોલતા હતા ત્યારે એમના ફોનની રીંગ વાગી. એ નંબર જોઇને હસ્યા અને બોલ્યા:"શંકરલાલજીનો ફોન છે..."

જનાર્દન અને હિમાની એમને અહોભાવથી જોઇ રહ્યા.

"જી, શંકરલાલજી નમસ્કાર! હું આવી ગઇ છું...હં...હં...અહીં મિત્રો સાથે વાતચીત ચાલતી હતી. બધું બરાબર છે. જી, હું બેઠકમાં આવું છું..."

જનાર્દન એમના શબ્દો વચ્ચેનો અર્થ શોધી રહ્યો.

"હિમાની, તું મારી સાથે આવજે. આપણે શંકરલાલજીની બેઠકમાં હાજરી આપવા અડધા કલાકમાં નીકળવાનું છે..." બોલીને સુજાતાબેન વાળ સરખા કરવા લાગ્યા.

જનાર્દન અને હિમાની એમની રૂમમાં ગયા. જનાર્દને આઇસ્ક્રીમ મંગાવ્યો અને મોજથી ખાધો. હિમાનીએ તેને કહ્યું હતું કે અહીં જે ખાવું કે પીવું હોય તે મંગાવી શકાય છે. તેણે સેન્ડવીચનો ઓર્ડર આપ્યો અને કહ્યું:"દર વખતે સુજાતાબેન સાથે તને અહીં આવવા મળશે! મજા પડી જશે તારે તો!"

"ના, આ છેલ્લી વખત અહીં આવ્યા છે..." હિમાનીએ કંઇક યાદ કરીને કહ્યું.

"કેમ?" જનાર્દનને નવાઇ લાગી.

"ખબર નહીં. એ કહેતા હતા કે આવી હોટલની આગતા-સ્વાગતા છેલ્લી વખત માણી લેજે..." હિમાનીને પણ સુજાતાબેનની વાતનું આશ્ચર્ય થયું હતું.

જનાર્દનને થયું કે તેનું શું રહસ્ય હશે? થોડા દિવસ પછી ન જાણે કેટલાય રહસ્યો પરથી પરદા ઉઠવાના છે. અચાનક તેને યાદ આવ્યું. ધારેશ અહીં કયાંય કેમ દેખાયા નહીં? સુજાતાબેન એમનો નામોલ્લેખ કેમ કરતા નથી?

ક્રમશ: