Kaamdhenu in Gujarati Spiritual Stories by Krishvi books and stories PDF | કામધેનુ

The Author
Featured Books
Categories
Share

કામધેનુ

એક દિવસ ઋષિમુનિએ કામધેનુ ગાયને આદેશ આપ્યો કે તું જા આખાં બ્રહ્માંડનો ચક્કર લગાવ. કામધેનું ગાય તો ખુશ ખુશાલ થઈ ગઈ. ઋષિમુનિઓના આદેશને શિરોમાન્ય રાખી આજ્ઞાને માથે ચડાવી ઉમંગ ભર્યા ઉલ્લાસ થી નીકળવાની તૈયારી કરી. મારે પૃથ્વી પર પણ જવાશે સાંભળ્યું છે કે મનુષ્ય બહું જ દયાળુ ને માયાળું ઓલરાઉન્ડર હોય છે. મારે એ પૃથ્વી પરના મનુષ્યને માણવા છે. મનુષ્યને મળવાની તાલાવેલી લાગી હતી.

કામધેનું ગાય સમુદ્ર મંથનનું ચૌદ રત્નોમાંનું એક રત્ન હતું. એમને વરદાન ભેંટ સ્વરૂપે મળેલ હતાં. જેની પાસે કામધેનુ ગાય હોય તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે.

કામધેનુ ગાય ફરતાં ફરતાં મોક્ષનો દ્વાર એવું અક્ષરધામમાં પ્રવેશ કરે છે. અક્ષરધામ કેવું છે તો પૃથ્વી આખી કાચ સમાન હોય અને આકાશમાંના તારલાઓ સૂર્ય સમાન હોય ને તેનું તેજ પૃથ્વી પર પડે ને જે ચળકાટ તેજસ્વી તેજ આખાં અક્ષરધામને શીતળતા આપે. અદ્ભૂત આલ્હાદાયક શીતળતા નો અનુભવ કરાવી જાય. અક્ષરધામમાં તો અનંત બ્રહ્મ મુક્તો હોય. બ્રહ્મ મુક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ સેવામાં લીન અવિરતપણે અકલ્પનીય અવિશ્વાસનીય અથાગ ભક્તિમાં લીન બ્રહ્મ મુક્તો ઉપાસક બની સેવામાં સમાધી યુક્ત હતાં. સ્વામિનારાયણ ભગવાનનું રૂપ એટલું અપાર હતું કે મારાથી શબ્દો માં વર્ણન નહીં થાય. બ્રહ્મ મુક્તો ભગવાનનાં વૈરાગ્યમાં ખોવાઈ ગયા હતા. ત્યાંથી નીકળી કામધેનું વિચાર કરે છે હવે ક્યાં જવું જોઈએ....
અક્ષરધામ થી નીકળી કામધેનું શ્વેતદ્વીપ તરફ પ્રયાણ કરે છે. શ્વેતદ્વીપમાં એક પગે ઉભા ઉભા ભૂમાપુરુષ ત્રણે લોકના દેવોની પૂજા અર્ચના કરી રહ્યા હતા. શ્વેતદ્વીપમાં દેવોના દેવ એવા શ્રી વિષ્ણુ ભગવાન વિરાજમાન હતા. બ્રહ્માજી સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ભગવાન શિવને કંઈક સેવા પૂજાની ચર્ચા કરી રહ્યા હતા. શ્વેતદ્વીપમાં ત્યાગ અને વૈરાગ્યને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે. ત્યાંની અપાર શાંતિમાં ખોવાઈ જવાનું મન અહિયાં અટકાવી દે એવું હતું. કામધેનુ શ્વેતદ્વીપ માંથી નીકળી આગળની સફર તરફ પ્રયાણ કરે છે. પૃથ્વી પરના મનુષ્યને મળવાની તાલાવેલીની ઉત્સુકતા માં અક્ષરધામ અને શ્વેતદ્વીપને ન માણી શકી કામધેનું.
કામધેનુ ગોલોકધામમાં પહોંચી જાય છે. આહાહા ગોલોકધામ એટલે પ્રેમનું ધામ હ્રદયમાં વસી જાય એવું છે. જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યા છે, અને જેનાં વક્ષ:સ્થળને વિષે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિષે વિહાર કરનારા છે એવા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. જે ધામમાં શ્રી કૃષ્ણ હોય ત્યાં તો કહેવું જ શું જેનું નામ લેતા પ્રથમ ફક્ત ને ફક્ત પ્રેમની જ અનુભૂતિનો અહેસાસ થાય. છતાં કામધેનુંને તો બસ પૃથ્વી પરનાં મનુષ્યને મળવાની તાલાવેલી માં પ્રેમને પણ માણી ન શકી. કહેવાય છે ને કે "જે વસ્તુઓ નથી જોઈ નથી મળી તેને મળવાની તાલાવેલી અધિક હોય છે" એવું જ કામધેનું નુ હતું.

હવે પહોંચી હતી એવું ધામ જેનું નામ લેતા મર્યાદા માં ન રહેવું હોય તો પણ મર્યાદા શબ્દ યાદ આવી જ જાય. એ ધામનુ નામ છે વૈકુંઠધામ. વૈકુંઠધામમાં વિરાજમાન એવાં શ્રીરામ અને માતા સીતાને મારા અઢળક અઢળક પ્રણામ, સાથે વિરાજમાન એવાં શ્રીલક્ષ્મણ, શ્રીભરત અને શ્રી હનુમાનજીને પણ મારા ખૂબ ખૂબ પ્રણામ. વૈકુંઠમાં પણ લાગણી અને પ્રેમનો ભરપૂર ખજાનો હતો. એકબીજાની નીકટતા એટલી માદકતા અદ્ભૂત અનોખું પ્રેમદર્શન ભાવવિભોર થઇ જવાનું મન થઇ જાય એવાં દ્રશ્યો સર્જાયા હતા, પણ પૃથ્વી પર પહોંચવાની ઘેલછામાં બધું ભૂલી કામધેનું ત્યાંથી નીકળી સીધી જ બદ્રિકાશ્રમ જવા રવાના થઈ.
બદ્રિકાશ્રમમાં તો ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ સમાન એવાં નરનારાયણ દેવની જય... બોલાવતા બદ્રિકાશ્રમ આખે આખું ગૂંજી ઉઠ્યું જયનાદથી નરનારાયણ દેવને પ્રણામ કરી હાલચાલ પૂછ્યાં. ત્યાંથી નીકળવાની તાલાવેલી ને પૃથ્વી પર પહોંચવાની ઘેલછામાં નરનારાયણ દેવનાં દર્શન કર્યા ન કર્યા બરાબર ઉપડી ગઇ.
આખરે કામધેનુની અધીરાઈનો અંત આવ્યો અને પહોંચી ગઈ પૃથ્વી પર, હરખાતી હરખાતી પૃથ્વીના મનુષ્યને માણવાની મળવાની ઉતાવળ કરતી હતી, તે સ્તબ્ધ થઇ થાંભલાની જેમ ખોડાઈ રહી ને જોતી જ રહી ગઈ.
પોતાના જ વંશજોના વધ કતલખાનામાં થઈ રહ્યા હતા. આ જોઈ કામધેનુએ આંખો બંધ કરી દીધી. આવો મનુષ્ય જેને મળવા હું અધીરો બન્યો તો, આટલી હિંસા, મારાં જ વંશવેલાને આમ રજડતા રોતાં રોડ પર વલોપાત કરતાં મારા થી આ દ્રશ્ય જોવાતું નથી.
સાંભળ્યું હતું કે પૃથ્વી પરના મનુષ્યો જ ગાયોની પૂજા અર્ચના કરે છે. બીજા કોઈ લોકમાં નથી થતી. હું હરખઘેલી આ મનુષ્યોને મળવા તલપાપડ હતી તે જ મનુષ્યોએ આજ મારી આંખો આગળ અંધારાં આવી જાય એવું કૃત્ય કરી રહ્યા છે.

ભગવાને બધાં પ્રાણીઓમાં મનુષ્યને સીધો બનાવ્યો. છતાં તે ક્યારેય સીધો ન ચાલ્યો. દયા, લાગણી, કરૂણતા અને પ્રેમ આ બધું મનુષ્ય સિવાય કોઈ પ્રાણીમાં ન હોય.
પૃથ્વી પર ઠેર ઠેર કચરો, જ્યાં ભગવાનના ધામ ત્યાં જ અત્યંત ગંદકી. હું આખું બ્રહ્માંડ ફરી, પરંતુ પૃથ્વી જેવી ઉજ્જડ, પર્યાવરણ વિરુદ્ધના કૃત્ય, ઠેર ઠેર પ્લાસ્ટિકનો કચરો કંયાય જોવાં ન મળ્યું.
મનુષ્યને આજે પોતાના સ્વજનો માટે ટાઈમ નથી. મોબાઈલ જેવાં યંત્રમાં ગુંચવાયેલો. કામ, ક્રોધ, મોહ, લોભમાં રચ્યોપચ્યો રહેતો. ન ટાઈમે સુવું. ન ટાઈમે ઉઠવું. ન ટાઈમે જમવું. ન ટાઈમ આપવો પોતાના પરિવારને. યોગને ભૂલી ભોગ ભોગવી રહ્યો છે ને નિત્ય નવા રોગને નોંતરી રહ્યો છે
શ્વાસ આપણા રૂંધાણા કે કુદરતનાં!

અનંત વહેતી નદીઓ વચ્ચે વિશાળ પૂલ બંધાયા,
ત્યાર નહીં રૂંધાયા હોય શ્વાસ નદીઓના!

દરિયાની રેતીના ખનન વખતે ઝીંકાતા પાવડાનાં ઘા,
ત્યારે નહીં રૂંધાયા હોય શ્વાસ દરિયાના!

વનોના સામ્રાજ્યને તહસનહસ કરી ઉભી કરી ઈમારતો,
ત્યારે નહીં રૂંધાયા હોય શ્વાસ આ વનદેવીના!

અબોલ જીવને તડપાવી, નિર્દયી હત્યા કરી,
ત્યારે નહીં રૂંધાયા હોય શ્વાસ આ મૂંગા જીવનાં!
જાતિ ધર્મના નામે રમખાણો ઉભી કરી પાડયા ભાગલા,
ત્યારે નહીં રૂંધાયા શ્વાસ ધરતીના!

'પ્રેમ' હવે કરે છે સવાલ કેમ રૂંધાય છે શ્વાસ માનવનાં!?
સમજવું કેમ અત્યાર સુધી આપણે રૂંધવ્યા છે શ્વાસ કુદરતનાં!
✍️ પ્રમોદ સોલંકી

(આ કૃતિ લેખક શ્રી "પ્રમોદ સોલંકી"ની લખેલ એક રચના માંથી લીધેલ છે. એમની સંમતિથી આ વાર્તામાં મૂકેલ છે.)
ચૈત્રનો સૂર્ય જેમ આગ ઓકે ને સમુદ્રની વરાળ બાફ બની આખાં વાતાવરણને ગરમ હવા થી પૂરી પૃથ્વી પર ત્રાહિમામ થાય એમ કામધેનુ અંદર અંદર ઉકળાટ અનુભવતી હતી. ક્રોધ થી આંખો લાલ ઘૂમ થઇ ગઇ હતી. પૃથ્વી પરના મનુષ્યને શ્રાપ દેવા જઈ રહી હતી ત્યારે અચાનક જ જેમ વિજળીનો ઝબકારો થાય એમ યાદ આવ્યું. મનુષ્યના કરેલા કર્મનું ફળ પ્રભુ આપી દે છે. પોતાની જાતને શાંત રાખીને પૃથ્વી પરથી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું.