Pati Patni ane pret - 37 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૩૭

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૩૭

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૭

"આપણે અહીં કેવી રીતે આવી ગયા?" નરવીર નવાઇથી નાગદાને પૂછી રહ્યો.

"આપણે સૂઇ ગયા પછી તું ઉંઘમાં ચાલવા લાગ્યો હતો. પહેલાં તું જંગલમાં કામ કરતો હતો એટલે તને આ વૃક્ષોની યાદ આવી ગઇ! તું ઉંઘમાં ચાલવા લાગ્યો અને હું તારી પાછળ પાછળ આવી. અહીં આવીને તું સૂઇ ગયો. હું તારી સાથે બેસી રહી. તને અહીં સારું લાગે છે. તું જલદી સ્વસ્થ થઇ રહ્યો છે. તને યાદ છે? આ વૃક્ષો પરથી ફળ-ફૂલ તોડવાનું કામ કરતો હતો?" આટલું બોલતાં નાગદા જાણે હાંફી ગઇ. તેણે વાર્તા તો બનાવી દીધી હતી. હવે નરવીર તેના પર કેટલો વિશ્વાસ કરશે એ બાબતે તેને શંકા હતી. તે પહેલી વખત નરવીર સાથે એક પ્રેમિકાની જેમ નહીં પણ પત્ની તરીકેની લાગણી બતાવીને તુંકારે બોલવા લાગી હતી. તે તન-મનથી નરવીરનું દિલ જીતી લેવા માગતી હતી.

નરવીર યાદ કરવા લાગ્યો. તેને યાદ આવ્યું કે એક વખત નાગદાએ કહ્યું હતું કે,"આપણે ફળ-ફૂલ વેચીને શાંતિથી જીવન ગુજારીએ છીએ. આપણી જોડીને ન જાણે કોની નજર લાગી ગઇ કે તમને એક અકસ્માત નડ્યો. તમે આપણી વાડીમાં ઝાડ પર ફળ તોડવા ચઢ્યા હતા અને પગ લપસી જતાં નીચે પડ્યા. પડતાની સાથે જ બેભાન થઇ ગયા...."

"ઓહ! તો આ વાડીમાં જ કામ કરતો હતો. હવે મારે ફરીથી કામે લાગવું પડશે. અત્યારે જ શરૂઆત કરી દઉં તો કેવું? જોને, કેટલી સરસ કેરી છે!" કહી નરવીર ખુશ થઇને આંબાની ઉપરની ડાળ પર જોવા લાગ્યો.

"હા-હા, અહીં તું આવી જ ગયો છે ત્યારે આપણે ફળ તોડીને લઇ જઇએ..." નાગદાને તેની હામાં હા મિલાવવા સિવાય છૂટકો ન હતો. તેને એ વાતની રાહત થઇ કે નરવીર એ વાત ભૂલી ગયો છે કે હું તેને મારી શક્તિથી અહીં લાવી છું.

નરવીર આંબાના ઝાડ પાસે ગયો અને કેવી રીતે ચઢવું તેનું અવલોકન કરવા લાગ્યો. પછી બોલ્યો:"હું ઝાડ પર ચઢવાનું પણ ભૂલી ગયો છું...તું મદદ કરીશ?"

"હા...જો આ થડના ખાડા જેવા ભાગ પર એક પગ મૂકી દે. હું તને ટેકો આપું છું..." નાગદાએ મનોમન નક્કી કર્યું કે નરવીરને ઝાડ પર ચઢતા આવડતું નથી અને તે ચઢી શકવાનો નથી. ચાલાકીથી પોતાની શક્તિઓનો ઉપયોગ કરી એને ઝાડ પર ચઢાવી દેવાનો છે. એને વિશ્વાસ થઇ જશે કે મારી અગાઉ કહેલી વાત સાચી છે કે તે મારો પતિ છે અને ઝાડ પરથી ફળ-ફૂલ તોડીને લાવતો હતો અને એ વેંચીને અમે ગુજરાન ચલાવતા હતા.

નરવીરે થડને પકડીને એક પગ મૂક્યો કે તરત જ નાગદાએ પોતાના હાથથી તેને ટેકો એવી રીતે આપ્યો કે એક જ ક્ષણમાં તે ઉપર ચઢી ગયો. ઉપર એક પછી એક ડાળ પર જવા માટે તે વિચારવા લાગ્યો. ત્યાં નાગદા સ્ફૂર્તિથી તેની પાછળ ચઢી ગઇ. તે નવાઇથી નાગદાને જોઇ રહ્યો.

"મને તો આદત છે..." કહી નાગદાએ નરવીરને ફરી ટેકો આપી ઉપરની બીજી ડાળ પર પોતાની શક્તિના ધક્કાથી મોકલ્યો. નરવીરે કેરી તોડવાની શરૂઆત કરી. નજીકની કેરીઓ તોડીને તે નીચે ફેંકવા લાગ્યો. નાગદા મનોમન ખુશ થઇ રહી હતી. આજે નરવીરે પત્ની તરીકે સ્વીકારી લીધી છે. હવે મારું ધ્યેય જલદી પૂર્ણ થઇ જશે. નરવીર ગણીને એક પછી એક કેરી નીચે નાખતો હતો ત્યારે નાગદાને ખબર ન હતી કે તેની મનમાં ચાલતી ગણતરી કેવી રીતે ખોટી પડવાની છે...

***

ચિલ્વા ભગતે કબૂતરની જોડીને કેવી રીતે પોતાના થેલામાં પૂરી દીધી એની વાત કર્યા પછી થેલાનું મોં ખોલ્યું અને એમાં હાથ નાખી એક કબૂતર બહાર કાઢ્યું.

રિલોક ચમકીને પૂછવા લાગ્યો:"ભગતજી, આ...આ.. વિરેન જ છે?"

ભગત કહે:"ના."

રેતા કહે:"હમણાં તો તમે કહ્યું કે બંને કબૂતરના રૂપમાં આવી ગયા હતા..."

"હા, પણ એ મારો ભ્રમ હતો...હું માનતો હતો કે જયનાએ વિરેન સાથે કબૂતરનું રૂપ ધર્યું છે. પરંતુ જ્યારે મેં બંનેને મારા થેલામાં નાખી દીધા ત્યારે ગુરૂજીએ કહ્યું કે એને જામગીરકાકાને ત્યાં લઇ લો...હું એ વાતથી ખુશ હતો કે બંને અમારા કબ્જામાં આવી ગયા છે. હવે ગુરૂજી યોગ્ય તે કરશે. જયનાના મકાનની બહાર નીકળ્યા પછી ગુરૂજીએ મને કહ્યું કે જયના તો ગાયબ થઇ ગઇ છે. આ સામાન્ય કબૂતર છે. પણ એ આપણા કામના છે..."

ચિલ્વા ભગતની વાત સાંભળી બધા નિરાશ થયા.

"ગુરૂજી, જયના તમારાથી વધુ શક્તિશાળી નીકળી..." જામગીર અફસોસ વ્યક્ત કરતાં બોલ્યા.

"હા, એટલે જ મેં કહી દીધું કે એને પકડવાનું સરળ નથી. આ કબૂતર આપણી એવી મદદ કરી શકે કે જયના ક્યાં છુપાઇ છે એનો પત્તો લગાવી શકે. આ જોડી જયનાના મકાનમાં રહે છે. અમે ત્યાં પડેલું કોઇ પુરુષનું એક કપડું લાવ્યા છે. એની સાથે આ કબૂતરને મોકલીએ તો એ જરૂર તેના સુધી પહોંચશે...." ગુરૂ દીનાનાથ બોલ્યા.

અચાનક રેતા ચોંકીને બોલી:"આ કપડું તો વિરેનનું છે. નક્કી એ જયનાની ચુંગાલમાં જ છે." અને એ રડવા લાગી.

જાગતીબેના ઊભા થયા અને બોલ્યા:"બેટા, રડીશ નહીં. મારી દીકરી પણ એ જયનાની ચુંગાલમાં છે. એને હવે હું છોડાવીશ..."

જાગતીબેનની વાત સાંભળી બધાં એમને નવાઇથી જોઇ રહ્યા. ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથ વિચારી રહ્યા કે અમારી શક્તિઓ ઓછી પડી રહી છે ત્યારે આ સામાન્ય સ્ત્રી કેવી રીતે એમને છોડાવવાનો દાવો કરી રહી છે?

જશવંતભાઇ બોલી ઉઠ્યા:"જાગતી, તું શું વાત કરે છે? આ તંત્રમંત્રના જાણકાર અને અનેક ભૂત સાથે પનારો પાડી ચૂકેલા સિધ્ધ વ્યક્તિઓ જયનાના ભૂતને કાબૂમાં કરી શક્યા નથી ત્યારે તારી પાસે એવી કઇ જાદૂઇ શક્તિ છે જેનાથી એમને છોડાવવાની વાત કરે છે?"

બધાના મનમાં ઘૂમરાતો પ્રશ્ન જશવંતભાઇએ વ્યક્ત કરી દીધો.

"એ જયનાનું ભૂત નથી. મારી દીકરી છે..." જાગતીબેન કંઇક વિચારીને બોલ્યા.

"એ તો બધા જ જાણે છે કે એ નાગદા આપણી સ્વાલા છે. પણ એના તન-મન પર જયનાના ભૂતનો કબ્જો છે. આપણે સ્વાલાના શરીરને નહીં એના મનને જયનાના ભૂતથી મુક્ત કરવાનું છે. જે કામ ભગતજી કે ગુરૂજી માટે પણ અશક્ય બની રહ્યું છે..."

જાગતીબેન એમની વાત સાંભળવા માગતા ન હોય એમ બોલ્યા:"તમે કબૂતરની જોડીને છોડી દો..."

જાગતીબેન શું કરવા માગતા હતા એ કોઇને સમજાતું ન હતું.

ચિલ્વા ભગતે બીજા કબૂતરને કાઢવા માટે થેલામાં હાથ નાખ્યો અને ચમકીને બોલ્યા:"આ શું?"

વધુ આડત્રીસમા પ્રકરણમાં...