ગતાંકમાં આપણે જોયું કે, વિકીનો ફોન આવે છે એટલે રૂપાલી જરાય રાહ જોયા વગર દિવ્યેશને ગાડી સ્ટોપ કરવા કહે છે અને તરત અધવચ્ચે જ ઉતરી જાય છે. એ વિકીને મળવા પહોંચે છે પણ વિકીનું વધુ ધ્યાન ફોનમાં હોય છે માટે રૂપાલી ગુસ્સે થઈને એના હાથમાંથી ફોન લઈ લે છે.
હવે આગળ...............
એ ઝડપથી મારી સામે આવીને ઊભો થઈ જાય છે અને ફોન મેડળવા આજીજી કરે છે જાણે કે આ ફોનમાં જ એની દુનિયા સમાયેલી છે, મેં એની વાત ન માની એટલે એતો ગુસ્સે થઈ ગયો.
એટલામાં જ એના ફોનની રિંગ વાગી. નામ હતું સ્વીટી એટલે મેં રિસીવ કર્યો અને હું કંઈ બોલું એ પેહલાં જ " તને કેટલીવાર લાગશે? જલદી આવ, હું ક્યારની રાહ જોવ છું. જો ભૂલતો નહીં તેં મને પ્રોમિશ કર્યું હતું કે તું પેહલાંની જેમ આજે મારા માટે રેડ રોઝ લાવીશ. તું કંઈ બોલતો કેમ નથી? કંઈ તો જવાબ આપ." આ સાંભળીને મારી આંખો સામે અંધારા છવાઈ ગયા. જાણે હું હમણાં જ ચક્કર ખાઈને પડી જઈશ એવું લાગ્યું.
એણે પેહલાં તો મારા હાથમાંથી એનો ફોન લઈ લીધો ને પછી મારા ખભે હાથ રાખીને "રૂપાલી!..... એય!.... રૂપાલી!......." એમ બોલતાં મને ઢંઢોળી જાણે હું કોઈ તોફાનમાં એકલી જ ફસાઈ ગઈ હોય અને એમાંથી બહાર આવવા વલખાં મારતી હોવ એમ લાગ્યું, હું અસહ્ય વેદના અનુભવી રહી હોય એમ લાગ્યું.
મારી ધીરજની પાડ તૂટી ગઈ મારો પોતાના પર મારો કોઈ કાબુ ન રહ્યો હું ધ્રુસકે - ધ્રુસકે રડતાં ત્યાં જ ફસડાઈ પડી.
એ થોડીવાર મને અવાક થઈને જોતો રહ્યો. પછી મને ઊભી કરતા "તું આવું કેમ કરે છે? મેં ક્યાં ના પાડી છે લગ્ન માટે ફક્ત સમય માંગ્યો છે અને આટલું બધું લાગણીવશ થવું યોગ્ય નથી સમજી?" એ બોલ્યો.
એના આ શબ્દો સાંભળીને મને સમજાયું નહીં હું એને શું કહું મેં ગુસ્સામાં એને ગાલ પર લાફો ઝીંકી દીધો અને ચાલવા લાગી. એ કંઈપણ બોલ્યા વગર મને જોતાં સ્ટેચ્યુની માફક ત્યાં જ ઊભો રહ્યો. એણે મને રોકવાનો પણ પ્રયત્ન ન કર્યો.
હું ઘરે પહોંચી તો મમ્મી - પપ્પા બંને મારા સગપણની વાત કરી રહ્યા હતા. "શું થયું તને? તારો ચહેરો જો! કેમ રડમસ લાગે છે?" મમ્મીના પ્રશ્નોથી મને ડૂમો ભરાઈ આવ્યો અને હું ઝડપથી કંઇપણ બોલ્યા વગર રૂમમાં ચાલી ગઈ.
રૂમનો દરવાજો બંધ કરીને મેં બેગને ગુસ્સામાં બેડ પર નાખીને મારી બંને હથેળીમાં ચહેરો છુપાવીને રડવા લાગી. ત્યાં જ છ - સાત મેસેજ આવ્યા. મને થયું ચોક્કસ વિકી જ હશે એને મારી ચિંતા થતી હશે માટે જ એણે મેસેજ કર્યા હશે. મેં ફટાફટ બેગમાંથી ફોન બહાર કાઢીને જોયું તો વિકી નહીં પણ દિવ્યેશના મેસેજ હતા. જાણે ફરી કોઈએ મારા ઘા પર ઘા કર્યો હોય એટલી વેદના મેં અનુભવી મારી ધીરજ ખૂંટી ગઈ હોય અને હિંમત તૂટી ગઈ હોય એમ હું બેડ પર બેસી ગઈ.
મને વિકી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો મેં બંને મુઠ્ઠી ભીંસી લીધી. એટલામાં જ ફોનની રિંગ વાગી જોયું તો દિવ્યાંશનો ફોન હતો. મેં કટ કર્યો અને એનાં વોટ્સએપ મેસેજ ચેક કર્યા. "હાઈ! શું કરે છે? તું અચાનક આમ કઈ જણાવ્યા વગર જ જતી રહી!! બધું બરાબર તો છે ને? એક ફોન તો કરવો જોઈએ ને તારે!!" એના આવા મેસેજ વાંચીને મને આશ્ચર્ય થયું આ કેવું કેહવાય?
" જયારે આને હું પસંદ કરતી હતી તો આ ભાવ ખાઈને દૂર જતો રહ્યો. અને હવે જ્યારે હું સાચા હૃદયથી વિકીને ચાહું છું તો હવે........ અને એક તરફ વિકી જ્યારે હું એના વગર રહી શકું એમ નથી ત્યારે એ જાણે મારાથી દુર જઈ રહયો છે." અને આ સાથે જ મેં દિવ્યેશને મેસેજ કર્યા " જો !! તું મારી ચિંતા ન કર. તું તો એમપણ પેહલેથી ફકત તારું જ વિચારે છે ને?? તો તું એમ જ રાખ. અને બધું બરાબર જ છે. તું તારી બેનના સગપણ માટે આવ્યો છે ને તો એ તરફ ધ્યાન અને સમય આપ."
"રૂપાલી!!..... એ.... રૂપાલી!!...... તારી કોફી તારી રાહ જુવે છે." મમ્મીનો અવાજ સાંભળીને મેં પેહલાં તો મારા આંસુ લૂછયા અને પછી રૂમનો દરવાજો ખોલ્યો.
"હા મમ્મી!! આવું છું ફ્રેશ થઈને." એમ કહીને હું બેડ સરખો કરવામાં લાગી. મારી નજર સામે દર્પણમાં મારા ચેહરા પર પડી. હું દર્પણની નજીક ગઈ અને પોતાના ચેહરાને જોવા લાગી. "આ હું જ છું? આટલી દુઃખી? હું પોતાને આટલી નિસહાય કેમ સમજુ છું?" ત્યાં જ પાછા ફોનમાં મેસેજ આવે છે. મેં જોયું તો દિવ્યેશના મેસેજ હતા.
"મારી રાહ જોજે હું તારી કોલેજ પતશે એટલે મળીશ." મેં એના મેસેજનો જવાબ આપ્યો નહિ.
ચેન્જ કરીને ફ્રેશ થઈને હું ડ્રોઈંગ રૂમમાં જઈને કોફી લઈને પપ્પાની સાથે બેઠી. "બેટા!! કેમ આજે તારો ચહેરો મુર્જાયેલો છે?? શું થયું છે?? ચિંતા ન કર તું હા કહીશ તો જ હું સગપણ માટે હા કહીશ." કહીને પપ્પા મારી સામે જોઈ રહ્યા. મારામાં હિંમત નહોતી કે હું એમની સામે જોઈ શકું.
"હા !! બધું એનું જ સાંભળવાનું તમારે તો, એના કરતાં વધારે આપણે જાણીએ કે એના માટે શું સારું ને શું ખોટું! તમેં જ એની વાતો સાંભળી - સાંભળી ને એને બગાડી છે." આમ કહીને મમ્મી મારી સામે આંખો મોટી કરીને ગુસ્સાથી જોઈ રહી.
"એ મમ્મી!! તું મને એ સમજાવ કે તું કાયમ સાંજે મારી માટે મીઠી કોફી બનાવે અને પછી તારા કડવા શબ્દોનું રસપાન કરાવીને તું એને કડવી બનાવી દે છે. તું કેમ એનો સ્વાદ બગાડે છે??" તું હમણાં થોડા સમયથી કાયમ આ જ સમયે કંઈ ને કંઈ શોધી નાંખે છે. મને શાંતિથી કોફી પણ નથી પીવા દેતી." એમ કહીને મેં મોઢું બગાડ્યું.
ત્યાં જ લેન્ડલાઇન ફોનની રિંગ વાગે છે અને પપ્પા ફોન રિસીવ કરે છે અને વાત કરતા - કરતા એમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. ફોન પત્યો એટલે પપ્પા કઈ બોલે એની પેહલાં જ મમ્મી આતુરતાથી "શું થયું? વિજયભાઈનો ફોન હતો ને? શું કહ્યું એમણે?" બોલી.
"હા એનો જ ફોન હતો કેહતો હતો કે છોકરા પક્ષેથી 'હા' જ છે. આપણી ઈચ્છા શું છે એમ પૂછતો હતો." કહેતા પપ્પા મારી સામે જોઈ રહ્યા.
આ સાંભળીને મારી વેદના અને ચિંતા બંનેનો ભાર વધી ગયો હોય એમ મને લાગ્યું.
"તારી શું ઈચ્છા છે?" પપ્પાએ પૂછ્યું.
"એને શું પૂછવાનું આટલું સારું માંગુ આવ્યું છે ને એ લોકોની હા છે તો હવે શું વિચારવાનું હોય?" એમ કહીને મમ્મી મારી તરફ જોઈ રહી.
મને ગળે ડૂમો ભરાઈ આવ્યો. હું કંઈપણ બોલ્યાં વગર મારા રૂમમાં ચાલી ગઈ.
આગળની વાર્તા આવતા અંકમાં.............
આપના પ્રતિભાવ અવશ્ય આપજો 🙏