Vandana - 5 in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | વંદના - 5

Featured Books
Categories
Share

વંદના - 5

વંદના-૫
ગત અંકથી શરૂ..

વંદના તેની માતા દ્વારા પૂછાતા પ્રશ્નોથી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. થોડી વાર કંઇક વિચારીને કહે છે" કાઈ નથી થયું મમ્મી પણ મને આજે આરામ કરવો છે. એટલે ના પાડતી હતી.

" દીકરા તારી તબિયત તો સારી છે ને તું કાલે ઓફિકથી આવી છે ત્યારથી હું જોવું છું કે તું કંઇક મૂંઝવણમાં હોય એવું લાગે છે. શું થયું છે તું મને નહિ કહે? સવિતાબહેન પોતાની દીકરીને લાડ લડાવતા કહ્યું..

વંદના તેની માતાની વાત સાંભળીને અમન ના વિચારોમાં ખોવાઈ જાય છે. વંદના અસમંજસમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. વંદનાની માતા તેને આમ વિચારોમાં ખોવાયેલી જોય ને ફરી પૂછે છે" વંદના હું તારી સાથે વાત કરું છું બેટા! ક્યાં ખોવાઈ ગઈ છે? આવ બેસ અહીંયા ને જો બેટા હું ફક્ત તારી મા નથી પણ હું તારી સખી પણ છું. માનું બીજું સ્વરૂપ એટલે દીકરી હોય છે. માં દીકરીનો સંબંધ એક એવા તંતુથી સધાઈ જાય છે કે એકાબીજા ની લાગણીઓને સ્પર્શી શકે છે. પછી એ લાગણીઓ સુખની હોય કે દુઃખની. હું જાણું છું કે તારી ઉંમરમાં કેવી લાગણીઓ ઉદભવતી હોય છે. ક્યારેક મન કોઈનું સહવાસ માટે ઝંખતું હોય તો ક્યારેય એકલતા ઇચ્છતું હોય. આ જ તો ઉંમર છે તારી નવા નવા સપનાઓ ગૂંથવાની. તારા આ બદલતા હાવ ભાવ એક માં થી વિશેષ કોણ સમજી શકે. હું જોવુ છું કે મારી આ ખીલતા ગુલાબ જેવી દીકરી સાવ મૂર્જાય ગઈ છે. શું વાત છે બેટા?

" મમ્મી અમન મને પોતાની જીવન સંગિની બનાવવા માંગે છે. અમન મને પ્રેમ કરે છે." વંદના એ નીચી નજરે સહેજ અચકાતા સ્વરમાં કહ્યું..

"શું ખરેખર! તો પછી એમાં આટલી મુંઝાય છે કેમ અમન જેવો લાઇફ પાર્ટનર તો ભાગ્યેજ મળે. અમન થી હું કે તું અજાણ નથી. અને આ પળ તો તારા જીવનમાં આજ નહિ તો કાલ આવવાની જ છે ને. શું તને અમન પસંદ નથી." સવિતાબેન પોતાની દીકરી માટે ખુશ થતા બોલ્યા..

" એવું નથી મમ્મી પણ તું જાણે છે કે મે મારું જીવન મારા સપનાઓ, મારા સિદ્ધાંતો ને આપી દીધું છે. શું એક સ્ત્રીનું જીવન આ જ છે લગ્ન કરો, બાળકોને જન્મ આપો ને આખી જિંદગી એ લોકોની સેવામાં વિતાવો અને અંતે મરણ પથારીએ અફસોસ કરતાં કરતા મૃત્યુની ગાઢ નિંદ્રામાં પોઢી જાવ." વંદનાના શબ્દો માં આગ વરસી રહી હતી.

" બેટા આ જ તો જીવન છે સ્ત્રીનું મરજી હોય કે ના હોય હસતા મોઢે બધું જ સ્વીકારવું પડે છે."

" આ તું કહે છે મમ્મી જેને પોતાની આખી જિંદગી વિધવા સ્ત્રીઓના હક્ક માટે આપી દીધી. તને ખબર છે મમ્મી એક સ્ત્રી જ્યારે માતા બનવાની હોય છે ને ત્યારે તેના ઉદરમાં શું હશે છોકરો કે છોકરી એ જાણવાની ઉત્સુકતા તો બધા ને હોય છે પરંતુ એ સ્ત્રીના હૃદયમાં શું છે તે જાણવાનું કોઈને જરૂરી પણ લાગતું નથી. મમ્મી મારા આ હાથ મહેંદી મૂકવા માટે કે પછી ફકત ઘરના કામ કરવા માટે જ નથી બન્યા. મે મારી અંદર જે મશાલ પેટાવી છે તે મશાલ મારા હાથમાં લઈને દુઃખી અને લાચાર સ્ત્રીઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવવા માંગુ છું. અખબારો સામયિકો માં આવતા રેપ કેસ વિશે જ્યારે પણ વાંચું છું ને તો મારું લોહી ઉકળી જાય છે માં! આપણા સમાજમાં જે રીતે સ્ત્રીઓ સાથે વ્યવહાર થાય છે. જે રીતે સ્ત્રીઓનું શોષણ કરવામાં આવે છે. જો હું એમાં થોડો પણ પરિવર્તન લાવી શકું ને તો હું મારા જીવન ને ધન્ય માનીશ. માં! તને તો ખબર છે ને કે હું આવી લાચાર સ્ત્રીઓ જે પોતાના જ ઘરમાં પતિ કે સાસુ સસરા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા શોષણનો ભાગ બને છે તે લોકો માટે એક Ngo ખોલવા માંગુ છું. અને મારા આ સપના પાછળ શું હકીકત છે તે પણ તને ખબર છે"

સવિતાબેન વંદનાની હકીકત વાળી વાત સાંભળીને તે અંદર થી એકદમ હલી જાય છે. કઈક યાદ આવતા એ અજીબ ગભરાહટ મહેસૂસ કરવા લાગે છે. થોડીવાર કઈક ઊંડાણ માં વિચારીને એક ઊંડો નિસાસો નાખતા બોલ્યા" બેટા તારા વિચારો ખરેખર અદભૂત છે હું તારી મનઃસ્થિતિ સમજુ છું અને તારા વિચારોનું સન્માન પણ કરું છું. પરંતુ આ જ આપણા સમાજની વાસ્તવિકતા છે. જો બેટા તને તો ખબર છે કે હું ને તારા પપ્પા બંને Ngo માં કામ કરીએ છીએ. તારા પપ્પા એ પણ સમાજના કલ્યાણ અર્થે ઘણો ભોગ આપ્યો છે અને મે પણ વિધવા સ્ત્રીઓ માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પરંતુ આ સમાજનું કલ્યાણ ત્યારે જ થશે જ્યારે આપણા સમાજની સ્ત્રીઓ પોતે આમાં કોઈ બદલાવ લાવવા ઈચ્છે. ઘણી સ્ત્રીઓ તો પોતાના પતિ કે માતાં પિતા તેનાથી નારાજ ના થઈ જાય એ ડર થી ચૂપ ચાપ સહન કરી લેતી હોય છે તો ઘણી સ્ત્રીઓએ તો આ બધું સ્વાભાવિક ગણીને સ્વીકારી લીધું છે."

" હશે પણ હું નથી સ્વીકારી શકતી. એક સ્ત્રીને પણ એટલા જ હક્ક મળવા જોઈએ જેટલા એક પુરુષને મળે છે. એક સ્ત્રી શું વિચારે છે એક સ્ત્રીની શું ઈચ્છા છે તેનું સન્માન પણ થવું જોઈએ."

" જો દીકરા તું જે પરિવર્તન લાવવા ઈચ્છે છે એ માટે પુરુષ જેટલો જવાબદાર છે એટલી જ સ્ત્રી પણ જવાબદાર છે. આપણા સમાજ માં સ્ત્રી સશક્તિકરણના ઘણા કાર્યક્રમો થાય છે પરંતુ આ બધા જ કાર્યક્રમો એક દેખાડો છે. જે આ કાર્યક્રમનું સંચાલન કરે છે તે લોકો પણ આ કાર્યને સાચા અર્થમાં અનુકરણ નથી કરતા. અને હું તારી વાત સમજી શકું છું બેટા પરંતુ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આ જ વિચારોને તું લગ્ન પછી પણ સાર્થક કરી શકે એમ છો" સવિતાબહેને વંદનાને સમજાવતા કહ્યું..

" કેવી રીતે માં! એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને સંસાર માંડે છે ત્યારે તેના સપનાઓનું કોઈ મૂલ્ય રહેતુ જ નથી તેના સપનાઓનું સ્થાન જવાબદારી માં ફેરવાઈ જાય છે. હા જો જીવનસાથી સમજુ હોય મારા પપ્પા જેવો તો કદાચ થઈ શકે. પણ મમ્મી તું તો જાણે છે ને અમન ના પરિવારના લોકો કેટલા રૂઢિચુસ્ત માણસો છે. એ લોકોના સમાજમાં તો સ્ત્રીઓ ગુંઘટમાંથી પણ બહાર ના નીકળી શકે એવામાં હું એ પરિવાર સાથે રહીને મારા સપના કેવી રીતે પુરા કરી શકીશ.

એટલામાં દરવાજાની ડોરબેલ વાગવાથી બંને ની વાતમાં ભંગ પડે છે સવિતાબહેન ઘડિયાળ સામે જોઈને કહે છે" લાગે છે તારા પપ્પા આવી ગયા છે. વંદના તું જા જલ્દી નાહીને ફ્રેશ થઈ જા હું જમવાનું ટેબલ પર લાગવી દવ છું. હું ને તારા પપ્પા જમવામાં રાહ જોશું" એમ કહેતા સવિતાબહેન દરવાજો ખોલવા જાય છે અને વંદના પોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે. સવિતાબેન દરવાજો ખોલતા વંદનાના પિતા પ્રમોદભાઇ ને કહે છે" આવી ગયા તમે, કેમ આજે રવિવારના દિવસે ઓફિસ જવું પડ્યું અને આવતા પણ મોડું થયું?"

"હા આજે Ngo ઓફિસમાં એક બાળક પર અત્યાચાર કરવાનો કેસ આવ્યો હતો. એટલે એમાં થોડું મોડું થયું. અને તને તો ખબર છે જ્યાં સુધી તે બાળકને ન્યાય ના મળે ત્યાં સુધી મને ચેન ના પડે" પ્રમોદભાઇ એ જવાબ આપતા કહ્યું..

" બાપ દીકરી બંનેના વિચારો સરખા જ છે" સવિતાબેન ધીમા અવાજે ગણગણતા બોલ્યા.

" અરે વંદના ક્યાં છે હજી ઉઠી નથી કે શું? તબિયત તો સારી છે ને એની? પ્રમોદભાઈ એ વંદનાની ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું..

" હા તેની તબિયત સારી જ છે. રાતે મોડે સુધી નવલકથા વાચતી હતી એટલે સૂવામાં મોડું થયું પાછો આજે રવિવાર છે એટલે ઓફિસ જવાની પણ કોઈ ચિંતા હતી નહિ એટલે મોડી ઉઠી. બસ હમણાં નહિ ને આવતી જ હશે ત્યાં સુધી તમે પણ હાથ મો ધોઈને ફેશ થઈ જાવ"

" અરે વાહ એટલી બધી રસપ્રદ નવલકથા હતી કે રાત જાગીને વાચવી પડી સારું ચાલો એ આવે પછી સાથે જમવા બેસીએ."

એટલામાં ફરી ડોરબેલ વાગે છે અને સવિતાબહેન દરવાજો ખોલવા જાય છે. સવિતાબહેન દરવાજો ખોલતા સામે અમન ને જોઇને ચોંકી જાય છે ને કહે છે" અરે અમન તું આટલો જલ્દી આવી ગયો! તું તો ચાર વાગે આવવાનો હતો ને? સવિતાબહેન આશ્ચર્ય સાથે બોલ્યા..

" હા આન્ટી તેના માટે સોરી કે હું થોડો વહેલા આવી ગયો પણ શું હું અંદર આવી શકું?"

" અરે આવ બેટા અંદર આવ હું તો કહું તું બહુ સારા સમય પર આવ્યો છે બસ જો જમવાનું તૈયાર છે તું પણ આજે અમારી સાથે જ જમજે" સવિતાબહેન એ અમન ને આવકારતા કહ્યું..

ક્રમશ...

મારી વાર્તા લખવામાં જો કોઈ ઉણપ રહી હોય તો જરૂર થી જાણવા વિનંતી 🙏 તમારા કીમતી પ્રતિભાવ અને રેટિંગ આપવાનું ચૂકશો નહીં. તમારા અમૂલ્ય પ્રતિભાવ મને વધુ સારું લખવા માટે પેરિત કરશે...