લેખ:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આપણો દેશમાં દેશની આઝાદી માટે ઘણાં બધાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમાંના ઘણાં ક્રાંતિવીરો જગજાહેર છે, જ્યારે ઘણાં બધાં ઓછાં જાણીતા છે અને અમુક તો ગુમનામ જ થઈ ગયા છે. આજની પેઢીને આમનો પરિચય મળે એ હેતુથી મેં આ ધારાવાહિક શરુ કરી છે.
આજ સુધી તમારા સૌનાં આ ધારાવાહિક માટે મળેલા પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ લાંબા સમય પછી ફરીથી લેખ લઈને આવી છું. આશા રાખું છું કે હવે પછી પણ તમારો આવો સહકાર મળતો રહેશે.
આપણાં દેશમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા છે, જેમણે દેશની આઝાદીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કેટલાકે જીવ ગુમાવ્યા તો કેટલાકે આઝાદી મળ્યા પછી પણ દેશની સેવા કરી. આવા જ એક ક્રાંતિકારી એવા શ્રી ગણેશ ઘોષને આજે આપણે જાણીએ.
દેશનાં સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને કુશળ રાજકારણી એવા શ્રી ગણેશ ઘોષનો જન્મ 22 જૂન, 1900નાં રોજ બંગાળના જૈસોર જીલ્લામાં થયો હતો. તેમનાં પિતાનું નામ બિપીનબિહારી ઘોષ હતું. તેમણે ભણતાં ભણતાં જ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. ઈ. સ. 1922માં ગયા શહેરના કૉંગ્રેસમાં બહિષ્કારનો ઠરાવ પસાર થયો ત્યારે ગણેશ ઘોષ અને તેનાં સાથી અનંતસિંહે મળીને શહેરની સૌથી મોટી સ્કૂલ બંધ કરી દીધી હતી. એ બંનેએ ચટગાવની સૌથી મોટી મજૂર હડતાલનું પણ નેતૃત્વ કર્યું. ગાંધીજીએ અસહકાર આંદોલન રદ્દ કર્યું ત્યારબાદ ગણેશ ઘોષ કોલકાતાનાં જાદવપુરની ઈજનેરી કૉલેજમાં જોડાયા.
ચટગાવ કેસ સાથે સંકળાયેલા તેઓ પોતાનાં સાથી પ્રતુલ ભટ્ટાચાર્ય સાથે બરેલી સેન્ટ્રલ જેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ જેલમાં તેમની મુલાકાત કાકોરી કેસના ક્રાંતિકારીઓ મન્મથનાથ ગુપ્તા, રાજકુમાર સિંહા, શચિન્દ્રનાથ બક્ષી અને મુકુંદીલાલ સાથે થઈ હતી.
ઈ. સ. 1923માં તેમની મણિકટલા બૉમ્બ કેસમાં ધરપકડ થઈ, પરંતુ તેમની વિરૂદ્ધ પુરાવા મળ્યા નહીં. આથી તેઓ સજામાંથી બચી ગયા, પરંતુ સરકારે તેમને 4 વર્ષ માટે નજરકેદ રાખવાનો હુકમ કર્યો. ઈ. સ. 1928માં કોલકાતામાં કૉંગ્રેસ સત્રમાં હાજરી આપી તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી સૂર્યસેનને મળ્યા. તેઓ બંનેએ થઈને બ્રિટીશશાસનને સશસ્ત્ર લડાઈથી સમાપ્ત કરવા માટે ચટગાવમાં રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરવાનું નક્કી કર્યું. સ્થાપનાની બધી તૈયારીઓ પછી આ બંને ક્રાંતિકારીઓએ મહત્ત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડ્યા. તેમનો હેતુ શસ્ત્રાગારને પકડવા અને એ જ શસ્ત્રોની મદદથી બ્રિટીશ સૈનિકો પર હુમલો કરવાનો હતો.
અચાનક થયેલા હુમલાથી અંગ્રેજ અધિકારીઓ ચોંકી ગયા. પરંતુ જે શસ્ત્રાગાર પર હુમલો કરી ક્રાંતિકારીઓએ શસ્ત્રો મેળવ્યા ત્યાં માત્ર શસ્ત્રો જ મળ્યા. દારૂગોળો અંગ્રેજોએ બીજે છુપાવ્યો હતો, આથી મળી શક્યો નહીં. માટે તેમની યોજના સફળ થવા છતાં પણ નિષ્ફળ ગઈ. આથી તેઓ સૂર્યસેન સાથે જલાલાબાદની ટેકરીઓ તરફ જતા રહ્યા.
આ દરમિયાન તેઓ પોતાના સાથીઓથી વિખૂટા પડી ગયા અને તેઓ ફ્રેન્ચ વસાહત ચંદ્રનગર પહોંચ્યા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી તેમને કોલકાતા લઈ જવામાં આવ્યા. ઈ. સ. 1932માં તેમને આજીવન કેદની સજા કરવામાં આવી અને આંદામાન જેલમાં મોકલી દેવામાં આવ્યા.
જેલના સાથીદારો સાથે રહેતા એઓ સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા. ઈ. સ. 1946માં જેલમાંથી છૂટ્યા બાદ તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીનાં સભ્ય બન્યા. ઈ. સ. 1964માં કમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન થતાં તેઓ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા.
ઈ. સ. 1952, ઈ. સ. 1957 અને ઈ. સ. 1962માં બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ઈ. સ. 1967માં દક્ષિણ કોલકત્તાથી લોકસભામાં ચૂંટાયા હતા. ઈ. સ. 1971માં ફરીથી આ જ સીટ પરથી લોકસભામાં ઉમેદવાર હતા. પરંતુ આ વખતે તેઓ કૉંગ્રેસ તરફથી પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડનારા 26 વર્ષીય પ્રિયા રંજનદાસ મુનશીથી હારી ગયા હતા.
આ મહાન ક્રાંતિકારી ગણેશ ઘોષનું અવસાન 16 ઑકટોબર 1994નાં રોજ કોલકાતા ખાતે થયું હતું.
વાંચવા બદલ આભાર🙏
- સ્નેહલ જાની