MOJISTAN - 28 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 28

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 28

મોજીસ્તાન 28

"સરપંચજી, આ મીઠાલાલનું કંઈક કરો..આજ જે કંઈ બયનું ઈનું કારણ ઈ મીઠીયો જ સે..બેય બાપદીકરાને ક્યાંક ફિટ કરી દ્યો ને..!" નગીનદાસે પોતાના ઘરે ચા પાણી પીવા પધારેલા હુકમચંદને કહ્યું. તભાભાભા અને હુકમચંદ નગીનદાસની ઓસરીમાં ઢાળેલી ખુરશીમાં બેઠાં બેઠાં આજ બનેલી ઘટનામાં નગીનદાસનો કંઈ વાંક હતો જ નહીં એમ વાતો કરી રહ્યા હતા. મીઠાલાલની દુકાનેથી ઝઘડો કરીને આવેલો નગીનદાસ ગુસ્સામાં હતો.

હુકમચંદે રસોડામાં ચા બનાવતી નયના સામે જોઈને સ્મિત વેર્યું. એ સ્મિત ઝીલીને નયના આડું જોઈને હસી રહી હતી. હુકમચંદ સમજી ગયો હતો કે નયનાને હવે હાથવગી કરતા વાર લાગવાની નથી. કામુક માણસ પરસ્પરની નજરોને ઓળખી લેતા હોય છે..!
નયનાને નીરખી રહેલા હુકમચંદનું નગીનની વાતમાં કંઈ ધ્યાન રહ્યું નહીં.

એ જોઈ નગીને રસોડામાં જોયું. નયના ચા બનાવતી બનાવતી વારે વારે હુકમચંદ સામે જોઈને હસી રહી હતી..!

નગીનદાસ એ જોઈને વધુ ગુસ્સે થયો,
પણ હુકમચંદને તો એ કંઈ કહી શકે તેમ ન હોવાથી એણે ખુરશી ખસેડીને રસોડાના દરવાજા આડી મૂકીને હુકમચંદની સામો બેઠો; પણ હુકમચંદને એનાથી કોઈ ફેર પડયો નહીં.. એ તો આજ નયના નામની નદીમાં તણાઈ જ ગયો હતો જાણે !

"તભાભાભા, આ સરપંચને ક્યોને...
દેવાનું છે ઈ વાતમાં ધ્યાન દેવાને બદલે બીજે આંખ્યું નો તાણે..."
નગીનદાસે જરાક ઊંચા અવાજે કહ્યું.

તભાભાભાને હુકમચંદે લાડવાનું વચન આપ્યું હોઈ એ હવે વેચાઈ ગયા હતા.
એટલે હુકમચંદને કંઈ કહેવાને બદલે એમણે નગીનને જ કહ્યું, "તે તું શું સમજશ..ક્યાં ધ્યાન દે છે એ સરપંચ..."

તભાભાભાનું વાક્ય સાંભળીને હુકમચંદ ભાનમાં આવ્યો હોય એમ ચમક્યો...

"અલ્યા હું તો રસોડામાં તેં જે ઊભું રસોડું બનાવ્યું છે ઈ જોવ છું. નાની જગ્યામાં ઈમ કે સારી ગોઠવણ કરી છે. વાસણનો ઘોડો અને મસાલાના ડબલા મૂકવાનો કબાટ પણ ઈમ કે સારો બનાવ્યો છે." કહી હુકમચંદ હસી પડ્યો.

"તે આવોને માલીપા. ન્યાકણેથી હરખું નો દેખાયને. હરખું જોવું હોય તો માલિકોર વયા આવો. લ્યો હું તમને દેખાડું." રસોડામાંથી નયનાએ નયનબાણ છોડતા કહ્યું.

ભોળિયા નગીનદાસને પસ્તાવાનો પાર રહ્યો નહીં.
"અરેરે મેં સર્પસ વિશે કેવું વિચાર્યું." મનમાં એમ બબડી એ તરત ઊભો થયો.

"તે ઈમ કયોને ભલામાણસ, હાલો જોઈ લ્યો રસોડું..મને ઈમ કે તમે મારી વાત નો હાંભળી."

"અરે નગીનદાસ, તારી વાત સાંભળી એટલે જ તો તને માફ કર્યોને ! આ નયનાએ તે દી' મારી ઉપર એંઠવાડ નાયખો'તો પણ આજ ઈમને પંચાયતમાં આવવું પડ્યું ઇનો મને કાંય ઓછો અફસોસ નથી. આ તો ગામની શરમેં બે શબ્દ ઈમ કે મારે કે'વા પડ્યાં." કહી હુકમચંદે રસોડામાં ઊભેલી નયનાની આંખમાં આંખ પરોવીને ઉમેર્યું, "મને હવે પારકો નો ગણતા..આપડે હવે ઈમ કે એક જ રહેવાનું..બરોબર છે ને !"

"હા, હા..બરોબર સે. તમી તો સર્પસ કે'વાવ. અટલે ચયારેક કાંયક બોલવુંય પડે. મેં જ જોવોને તમને ચેવું ચેવું કહી દીઘું'તું...પણ ઈ વખતે મને ચ્યાં ખબર હતી કે તમે આટલા બધા હારા માણસ છવો" નયનાએ હસીને કહ્યું.

હુકમચંદ નગીનદાસનો વહેમ દૂર કરવા અમસ્તો જ રસોડામાં ગયો. નગીનદાસ પણ પાછળ ગયો. તભાભાભાને કંટાળો આવી રહ્યો હતો.

સાવ ન ગમે એવી વ્યવસ્થાના ખોટા વખાણ કરીને હુકમચંદ બહાર નીકળ્યો.
નીકળતી વખતે નગીનદાસ ન જુએ તેમ નયનાનો હાથ પકડીને જરાક દબાવી લીધો. નયનાએ પણ હુકમચંદની એ હરક્તનો જવાબ સામું બળ કરીને આપ્યો.

હુકમચંદ અને તભાભાભા હજી ચા પીતા હતા ત્યાં જ ધોળીડોશી માથા પર બાંધેલો પાટો દબાવતી આવી. સાથે ધમૂડી અને ધરમશી પણ આવ્યાં.

"સરપંચ ઉઠીને નિયાય નો કયરો...મારા જમઈને માર્યો ઈનું સુ..? મારી સોડીને બજાર વસાળે બે કોડીની કરી નાયખી ઈનું સુ..? મારું માથું ફોડી નાયખું ઈનું સુ..? આંય બેહીને સાના સબડકા બોલાવો સો પણ અમને કોઈ ટાઢું પાણીય પાતું નથી ઈનું સુ..?"
કહી ધોળીડોશી નગીનદાસની ઓસરીની ધારે બેસી પડી.

"અલ્યા આમને ટાઢું પાણી પાવ...અને બસો ત્રણસો રૂપિયા આપીને રવાના કર, ભઈ નગીન." કહી હુકમચંદે ધમુ તરફ નજર નાખીને ઉમેર્યું, "જે મળે ઈ લયને હવે ઘર ભેગા થાવ. નગીનદાસ સાવ નમાલો માણસ નથી. એવું હોય તો ચણિયા બ્લાઉઝ સિવડાવી જાજે.
સિલાઈ માફ તારી." વળી નગીનદાસ તરફ જોઈને હસતા હસતા બોલ્યો, "કેમ બરાબરને નગીન?"

"હા, તે ઇની હું ચ્યાં ના પાડું છું પણ આ તો દસ હજાર માગતી'તી.આ ડોશી દસ હજારનો ખોરાક ખમી હકે ઈમ છે ? તને દસ હજાર દઉં ઇના કરતા તો તભાભાભાને લાડવા ખવડાવું તોય મને પુન થાય."

"ગરીબનું કોઈ બેલી નથી બાપા...આ...
ગરીબનું કોઈ બેલી નથી... લ્યો..." ધોળીડોશીએ માથું કૂટતા નિસાસો મૂક્યો.

નયનાએ પાણીનો લોટો ભરીને ધોળીડોશીને આપ્યો.ત્રણેય જણે પાણી પીધું. નગીનદાસે બસ્સો રૂપિયા કાઢીને ધરમશીને આપતા કહ્યું, "હવે કોઈ દી' મારી આડો નો ઉતરતો..નકર હાલીને ઘરે જાવા જેવો નઈ રે'વા દઉં. એક તો પારકા ગામમાં આવીને રળી ખાવું છે અને પાછા વાઇડીના થાવ છો...!''

ધરમશીએ સરપંચ અને તભાભાભા સામે જોઈને કહ્યું,
"ખાલી બસ્સો જ ? થોડાક તો વધુ દેવરાવો...અને જોવો હજી ધમકી મારે સે આ.."

"હવે ભાઈ જે મળે ઈ લયને હાલતો થા ને..! અમથો અમથો શીદને લાંબુ કરછ."
કહી તભાભાભાએ નગીનના હાથમાંથી બસ્સો રૂપિયા લઈને ધરમશીને પકડાવ્યા.

"તો હાલો મારું માપ લઈ લ્યો. હું બે જોડ ચણિયો બ્લાઉઝ સિવડાવી જશ..હવે આમાં કાંઈ બીજું નો બોલતા..આટલું તો કરી દેવું જ પડશે.'' ધમૂડીએ વધુ લેવાય એટલો લાભ લઈ લેવાના ઈરાદાથી કહ્યું.

"બે જોડ નહીં હો..હું તો એક જોડ જ સીવી દઈશ.. ઈમ કાંય હું નવરીનો નથી." નગીનદાસે ડોળા કાઢ્યા.

"સીવી દે ને ભાઈ... અને મૂકને વાતમાં હવે પૂળો." તભાભાભાએ કંટાળીને કહ્યું અને ખડકી બહાર નીકળ્યા. હુકમચંદ પણ નયના સામે સ્મિત વેરીને ખડકી તરફ આગળ વધ્યો એટલે નયનાએ હાથની મૂઠ્ઠી કાન પાસે રાખીને કહ્યું, "આવજો પાછા.''

હુકમચંદ સમજી ગયો કે નયના ફોન કરવાનો ઇશારો કરી રહી હતી. મીઠું હસીને હકારમાં એણે ડોકું હલાવ્યું.

એ વખતે નગીનદાસ ધમૂડીનું માપ લેતો હતો એટલે એનું ધ્યાન ધમૂડીમાં હતું.

"સાલું આને તો કાયમ બ્લાઉઝ સીવી દેવા પડશે." મનોમન બબડીને નગીનદાસે મીટરપટ્ટી ધમૂડીના ખભે મૂકી..!! એ વખતે ધરમશી ડોળા કાઢીને એને જોઈ રહ્યો હતો.

* * *

"કેમ છો બાબાલાલ...? આવોને માવો ખવડાવું." બજારે ચાલ્યા આવતા બાબાને હબાની દુકાને બેઠેલા ચંચાએ સાદ પાડ્યો. ચંચો હબાની દુકાનના બારણાં વચ્ચે બેઠો હતો. હબો દુકાનમાં બેઠો બેઠો ખારીશીંગ ફાકતો હતો.

બાબો નવાઈ પામીને હબાની દુકાન આગળ આવીને ઊભો રહ્યો. હબાએ ડોળા કાઢ્યા.

"દે ભાઈ એક માવો. પૈસા મારી કનેથી લઈ લેજે." ચંચાએ હસીને હબાને કહ્યું.

હબાએ માવામાં સારીપટ ચૂનો નાખીને એકદમ તેજ માવો બનાવીને ચોળ્યો. એનો ઇરાદો બાબલાનું મોઢું ફાડી નાખવાનો હતો.

"અલ્યા તમાકુ જાજી નાખજે."
કહી બાબાએ ચંચા સામે જોયું.
"કોય દી' નય ને આજ કેમ અમને માવો ખવરાવ્યો...?"

"અરે બાબાકાકા...તમે તો પુનશાળી આતમા કે'વાવ. અમારે તો તમારા પગ ધોઇન પાણી પીવું જોવે..આજ જાદવભાઈની વાડીએ ભજીયાનો પોગરામ સે..નવરા હોય તો હાલો..તમારી હાર્યે ભાઈબંધી કરવાનો વસાર કર્યો સે. હું તમને બોલાવવા આવવાનો જ હતો. તાં તમે આંય કણે જ મળી જ્યા." ચંચાએ જાદવાની યોજના અમલમાં મૂકતા કહ્યું.

"હંકન..ભજીયા તો મને બવ. ભાવે...પણ જાદવાને મેં ભેંસનું ગોથું ખવડાવ્યું'તું...તો ઈ મને ભજીયા શેંનો ખવડાવે ?" બાબાએ હબાએ લંબાવેલો માવો લઈને શંકા કરી.

"તમે મારા ભયબન સવો..પસી સ્હું
બીવાનું. હું છવ પસી સ્હું ચંત્યા.. હાલોને મજા આવશે." કહી ચંચો ઊભો થયો.

બાબાએ થોડીવાર વિચાર કર્યો.પછી કહે, " તો ચાલ. પણ બહુ મોડું નહીં કરવાનું..
પાંચ વાગ્યા છે..સાત વાગ્યે હું પાછો ઘરે આવતો રહીશ, અને ભાભાને કહેવાનું નહીં."

"હા, હા..તે ઈ તો ઈમ જ હોય ને..
આપડે ભયબન ભયબન જાવી ઈમાં ભાભાને થોડું કે'વાનું હોય વળી." કહી ચંચો હસ્યો.

બંને ચાલતા થયા. થોડે દૂર જઈને ચંચાએ જાદવને ફોન કર્યો.

"જાદવભાઈ, વાડીએ છો ને ? હું બાબાકાકાને લઈને આવું સુ. તમે તિયારી કરી રાખજો. પસી સાત વાગ્યે બાબાકાકાને પાસું ઘરે પોગવાનું સે."

"ઑપરેશન બાબલો" શરૂ થઈ ગયું હતું.
જાદવની યોજના મુજબ ચંચો બાબાને લઈને જાદવની વાડીએ આવે એટલે જાદવ એના બે દોસ્તો ખીમા અને ભીમા સાથે ત્યાં હાજર રહેવાનો હતો.

ભજીયાના બહાને બાબાને વાડીએ બોલાવીને ઠમઠોરવાનો પ્લાન જાદવાએ ઘડ્યો હતો. તે દિવસે ગટરના પાણીમાં પથ્થર ફેંકીને બાબાએ જાદવનો જે ખેલ પાડેલો એનો બદલો લેવાનો હતો.
સારીપટ ખોખરો કરી રહ્યા પછી તખુબાપુની એન્ટ્રી થવાની હતી. તખુભા ખાલી ખાલી ગાળો દઈને જાદવાની ટોળીને ખદેડી મૂકવાના હતા.

આમ, બાબાને બચાવવાનો ઉપકાર તખુભા ભાભા ઉપર કરે એટલે લાડવા ન ખવડાવવા બદલ નારાજ થઈને હુકમચંદની પાર્ટીમાં ભળી ગયેલા તભાભાભા ફરીવાર તખુભાના ઉપકાર નીચે દબાઈને એમની પાર્ટીમાં આવી જાય.

જાદવની આ યોજના આમ તો જડબેસલાક હતી. જાદવ એમ માનતો હતો કે પોતે ખીમા અને ભીમા સાથે મળીને બાબાને ઢીબી નાખવા સક્ષમ હતો, પણ બાબો ચોખ્ખા ઘીના લાડવા ખાઈને માતેલા સાંઢ જેવી તાકાત ધરાવતો હતો; એની એ બાંઠીયા જાદવાને ખબર નહોતી.

હબાએ વધુ પડતો ચૂનો નાખીને માવો ખવડાવ્યો હોવા છતાં બાબા પર એની કોઈ અસર થઈ નહોતી.

જાદવની વાડીએ જતા રસ્તામાં બંને તરફ ઊંચી થોરની વાડ હતી.
જાદવ ભેંસ લઈને જતો હતો એ વખતે રવજી અને સવજીએ આ વાડ પાછળથી કાળું કપડું ઓઢીને ઊભા થઈ ભેંસને ભડકાવી હતી...અને ભડકેલી ભેંસે તખુભાની ઘોડીને ગોથું માર્યું હતું એ ઘટના આપણે જાણીએ છીએ.

આ માર્ગે બાબો અને ચંચો એક એક ગાડાચીલા પર ચાલ્યા જતા હતા. બાબો માવો ચાવતો ચાવતો પિચકારી મારતો હતો.

હબાએ સેંથકનો (ખૂબ વધુ પડતો) ચૂનો નાખ્યો હોવા છતાં આ જમ જેવો બાબલો માવો ચાવી ગયો એનું આશ્ચર્ય ચંચાને થતું હતું. ટેમુની દુકાને પોતાને ધૂળ ચાટતો કરી મૂકનાર આ બાબલાને આજ મેથીપાક ચખાડવાનો હોવાથી એના હાથમાં ખજવાળ આવી રહી હતી.

"તારી જાતના..આજ જો તારા લાડવા શેરાવી નો નાખું તો મારું નામ ચંચો નઈ.. બહુ ફાટ્યો ફરસ પણ આજ મારી મારીને તારી હવા કાઢી નાખવાનો સવ. કોય દી' સામું જો એવો રે'વા દવ તો કે'જે ને..." એમ મનમાં મનમાં ચંચો ગાળો દેતો હતો.

"આમ તો તારી જેવા સડી ગયેલા રીંગણા જેવા માણસો હાર્યે હું ભાઈબંધી ન કરું. કારણ કે હું કોણ..? તભાભાભા જેવા યુગપુરુષનું એક માત્ર સંતાન..અને ભગવાન સત્યનારાયણનો હું અવતાર છું..એટલે તારી જેવા તુચ્છ જંતુનું મારે કલ્યાણ કરવું પડે. ભગવાન આગળ તમામ માનવ સરખા છે. નાતજાતના ભેદભાવ તો હે માનવ મગતરા આપણે માણસોએ ઘડ્યા છે...બાકી ઉપરવાળાએ તો બધાને જ સરખો જીવ આપીને અલગ અલગ ખોળિયા દીધા છે..પણ મારું ખોળિયું પવિત્ર બ્રાહ્મણનું હોવાથી તારા માટે પૂજનીય કહેવાય. તું મારી સેવા કરીને પુણ્ય કમાઈ શકે તો તારો મોક્ષ થઈ જાય. જીવ માત્રનું કલ્યાણ કરવાની અમારી બ્રાહ્મણોની જ જવાબદારી છે એટલે હે ચંચા નામધારી તુચ્છ જંતુ, મેં તારા ભજીયા ખાવાનું સ્વીકાર્યું છે..કારણ કે પ્રભુ શ્રીરામે શબરીના એંઠા બોર ખાધાં હતાં..તો મારે તારા ભજીયા ખાઈને તારા પાપી આત્માનું કલ્યાણ કરવું રહ્યું, સમજ્યો..?"
બાબાએ માવાની પિચકારી મારીને બાજુમાં ચાલ્યા આવતા ચંચાની પીઠ પર જોરથી ધબ્બો માર્યો.

બાબાના ધબ્બાથી સુકલકડી ચંચો ગડથોલિયું ખાતો માંડ બચ્યો.

"અરે પણ બાબાકાકા..સું તમેય ભલામાણહ..હમણે પાડી દેત."
કહી ચંચો પરાણે હસ્યો.

જાદવની વાડીમાં જવા માટેનો ઢાળ આવ્યો. ચંચો થોડો આનંદમાં આવ્યો.
જાદવની વાડીનો ઝાંપો ખોલીને બંને વાડીમાં પ્રવેશ્યા. ઝાંપાથી વાડીની ઓરડી સુધી જવાના રસ્તે એક તરફ થોરિયાની ઊંચી વાડ હતી અને બીજી તરફ કપાસનો પાક લહેરાતો હતો.

ઓરડી આગળ ચાર-પાંચ લીમડાના અને એક પીપરનું ઝાડ હતું. એ ઝાડ નીચે ઢાળેલા ખાટલામાં જાદવ, ભીમો અને ખેમો બેઠા હતા.

ઝાંપો ખોલીને બાબો અને ચંચો વાડીમાં દાખલ થયા એટલે જાદવાએ તખુભાને ફોન લગાડ્યો.

"બાપુ, મુદ્દો આવી ગયો છે. તમે અડધાક કલાક પછી બુલેટ લઈને આવજો. અમે આમ તો અધમુવો કરી નાખીશું...પછી તમે બુલેટ પર નાખીને ઈને પેલા દવાખાને લઈ જાજો. દવાખાનેથી તભા ડોહાને ફોન કરી દેજો."

સામેથી તખુભાએ જાદવાને ધન્યવાદ આપ્યા. ભીમા અને ખેમાએ બાબાને ઝૂડવાના હજાર રૂપિયા હાથવગા કર્યા હતા.

આખા મામલામાં છેલ્લે તખુભા મધ્યસ્થી કરીને સમાધાન કરાવી નાખવાના હતા. સમાધાન પેટે તભાભાભાને લાડુ ખવડાવીને રાજી કરવાના હતા.

આમ, હુકમચંદની પાર્ટીમાં જતા રહેલા પોતાના ખાસ પ્રચારકને પુન: ઘરવાપસી કરાવવાની યોજના જાદવના કહેવાતા ફળદ્રુપ ભેજામાં પેદા થઈ હતી..!

શું લાગે છે વાચકમિત્રો ? શું આ ચાર જણ બાબાની ધુલાઈ કરી શકશે ? કે ધણખૂંટ જેવો બાબો આ ચારેય ઉપર ફરી વળશે..?
શું જાદવાની યોજના સફળ થશે કે ઊંઘી વળશે ? તખુભા અધમુવા બાબાને બુલેટ પર બેસાડીને દવાખાને લઈ જશે કે આ બાબાના હાથે લોથારાઈ ચૂકેલા આ ચાર જણને દવાખાને લઈ જવા કોઈનું ટ્રેક્ટર બોલાવવું પડશે..?

આવતા અંકમાં જોઈએ...
"ઑપરેશન બાબલો"

----*----*------*---- (ક્રમશ:)----*--