MOJISTAN - 21 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 21

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 21

મોજીસ્તાન (21)

વજુશેઠ આજ સવારથી બેચેન હતા.

તાલુકાના મામલતદારે એમની અરજી ધ્યાને લઈને એક તપાસ કમિટી મોકલી હતી. એ કમિટી ગામમાં ન નખાયેલી ગટરલાઇન અને નાખવામાં આવેલી પાણીની લાઇનની તપાસ કરવા આજે આવવાની હતી.

ગામના માજી સરપંચ અને વર્તમાન સરપંચની પૂછપરછ થવાની હતી એટલે એ પૂછપરછ દરમ્યાન આ અરજી કોણે કરી એ જાહેર થઈ ન જાય એ એમને જોવાનું હતું.

આ અંગે એમણે મામલતદારને ખાસ વિનંતી કરી હતી કે જે લોકો સામે તપાસ થવાની છે એ લોકો માથાભારે માણસો હોવાથી અરજી કરનારનું નામ ગુપ્ત રાખવું. મામલતદારે એમને આ બાબતની હૈયાધારણ પણ આપી હતી તેમ છતાં વજુશેઠને હુકમચંદની હોશિયારીને કારણે ડર લાગી રહ્યો હતો.

તખુભા આમ તો સારા માણસ હતા, પણ ગટરલાઇનના કૌભાંડમાં પંચાયતના ખવકુડિયા હોદ્દેદારોએ એમને પરાણે પાડ્યા હતા એટલે તમામ જવાબદારી એમની જ બનતી હતી.

"પડશે એવા દેવાશે...તું બીક રાખ્યમાં....એમ ડરી જઈએ તો અન્યાયનો સામનો કેમ થાય? જે ખોટું છે એને ખોટું કહેવામાં કોઈના બાપની બીક નો રખાય. તું તારે મારું નામ દઈ દેજે. ભલે મને ભડાકે દેવો હોય તો દઈ દે. એકવાર ડગલું ભર્યું તો હવે પાછા નો હઠવું. સરકારનો પૈસો પ્રજાને માટે વાપરવાને બદલે ગુંજા ભરે તોય કોઈ ફરિયાદ નો કરે તો તો એમની ફાટ્ય વધતી જ જાવાની. આ હુકમો ઈ સાટું જ સરપંચ થયો છે...પણ એને ફાવવા દેવાનો નથી." કેસાશેઠે એમના દીકરા વજુશેઠને ચિંતામાં પડેલા જોઈને કહ્યું.

સવારના પહોરમાં દુકાન ખોલીને વજુશેઠ બેઠા હતા. એ વખતે તાલુકાથી ફોન આવ્યો એટલે એ ચિંતામાં પડી ગયા.
દરેક બાપ પોતાના દીકરાનું મોં જુએ એટલે સમજી જ જાય કે દીકરાને કંઈક ચિંતા સતાવી રહી છે. કેસાશેઠ તો અનુભવી માણસ હતા. બાપદીકરો, બાપ દીકરા કરતા ભાઈબંધ વધુ હતા.

"આ તખુભા અને હુકમો પછી આપણને કનડશે. જો કે અત્યારે તો બેયને કૂતરાં બિલાડાનો સંબંધ છે પણ પછી બેય એક થઈ જશે. પાણીમાં રહેવું ને મગરમચ્છ હાર્યે વેર કર્યું છે આપણે...એટલે જરીક મુંઝારો થાય છે...કદાચ આપણું નામ આ કમિટીવાળા આપી દે તો ?" વજુશેઠ છાપું એકબાજુ મૂકતાં બોલ્યા.
"જોયું જાશે..કરી કરીને એ લોકો શું કરી લેશે? કંઈ મારી તો નહીં નાખેને..? અને મારી નાખે તોય આપણી વાંહે હવે કોણ રોવાવાળું છે? હવે બીડું ઝડપ્યું જ છે તો તું મોળો ન પડીશ બટા." કેસાશેઠે હિંમત આપી.
કલાક પછી તાલુકાપંચાયતની જીપ ઘૂળ ઉડાડતી આવીને ગ્રામપંચાયતમાં ગઈ.

"જીપ તો આવી ગઈ. હમણે બધાને બોલાવીને પૂછશે. ગટરલાઇન નાખી જ નથી તો શું બતાવશે? પાણીની લાઇનનું મટીરિયલ ચેક કરશે એટલે પોલ ખૂલવાની છે. લ્યો હું જાઉં પંચાયતમાં..જોઉં તો ખરો કે કેવી તપાસ કરે છે." કહીને વજુશેઠ ઊભા થયા.

પંચાયતમાં તલાટી તિકમલાલ હજી આવ્યો નહોતો. એને હાજર થવાનો સમય દસ વાગ્યાનો હતો.
સાડા અગિયાર થયા તો પણ એ લાલ તિકમનો બચ્ચો હાજર થયો નહોતો.

તાલુકામાં ખુદ મામલતદાર આવ્યા હતા.એટલે ઑફિસમાં દોડધામ મચી હતી.
ઑફિસનો પટ્ટાવાળો જીવલો જીપ આવતી જોઈને બીડીના ઠુઠાનો ઘા કરીને ભાગ્યો.

"અલી સંપલી ઝટ ઑફીસ સાફ કર્ય...તારી ડોહી તાલુકેથી જીપ આવી સે." કામવાળી ચંપાને જીવલાએ રાડ પાડીને કહ્યું.

ચંપાએ ઝાડુ લઈને વાળવા માંડ્યું. જીવલો એની ઝળુંબતી છાતી જોવા ત્યાં જ ઊભો રહ્યો.

"મર્ય મુવા..આમ આઘો જા કે નય..." કહીને ચંપાએ સાડીનો છેડો આડો કર્યો.

"એમ પડદા કર્યે જોબનીયા ઢંકાય નય..ઈ તો વેતી ગંગા કે'વાય. એક ડૂબકી મારવા દે તો તારું કંઈ લૂંટાઈ નહીં જાય."જીવલાએ એનું જ્ઞાન રજૂ કરતા ઉમેર્યું.

"આજ તો તલાટી સાયેબનું આવી બનવાનું સે..માળા ઠેઠ બપોરે આવે. ચયારેક વળી નોય આવે. પગાર આખા દી'નો ખાય સે ને કામ અડધો વારોય કરવું નથી. બસાડા ખેડુ ધક્કા ખાય..એક કાગળીયું કાઢવું હોય તોય વજન મૂકાવે સે..મને પૂસશે તો હું હાચુ જ કય દેવાનો સુ."

"એવું નો કરાય..અલ્યા કોકના પેટ ઉપર હુંકામ પાટુ મારવું સે તારે..? બાર્યનું કામકાજ રેતું હોય સાયબને તો મોડા આવે. આપડે ઇમની વતુમાં કાંય નો જાણવી ભૂંડા.. તું તારું કામ કર્યને." ચંપાએ ઝાડુ કાઢીને પોતું કરવા ડોલ ઉપાડી.

એ જ વખતે જીપ પંચાયતમાં આવીને ઊભી રહી.
મામલતદાર પ્રેમજી પંડ્યા અને ટીડીઓ સાહેબ સાથે બીજા બે જણ જીપમાંથી ઉતર્યા.

જીવલો દોડાદોડ જીપ પાસે જઈ "સલામ સાહેબ, કંઈ શેમાન બેમાન ઉતરવાનો સે?" એમ કહી ઊભો રહ્યો.

"કોણ હાજર છે પંચાયતમાં..?"
સાથે આવેલા બે જણમાંથી એકે પૂછ્યું.

"હાજરમાં હું ને કામવાળી સંપા સવી..માલિકોર કસરુ પોતું થઈ જયું સે...બાર્ય બાકી સે.." જીવલાએ કહ્યું.

"કેમ? તલાટી નથી આવ્યા હજી..? કેટલા વાગ્યે આવે છે? તું ચા-નાસ્તાની વ્યવસ્થા કર.. અને સરપંચને બોલાવી લાવ..જા જલ્દી." પેલા સાહેબે કડકાઇથી કહ્યું.

"જી સાયેબ!" કહીને જીવલો ઝડપથી પંચાયતમાંથી બહાર નીકળ્યો.

અડધી કલાકમાં તો પંચાયતમાં હકડેઠઠ ભીડ જામી હતી. ગામમાં મામલતદાર તપાસ કરવા આવ્યા હોવાની વાત સાંભળીને ખેતરમાં કામ પડતું મૂકીને માણસો પંચાયતમાં ટોળે વળ્યાં હતાં.

મુખ્ય ઑફિસમાં તખુભા, હુકમચંદ, વજુશેઠ, મોડા આવેલા તિકમલાલ તલાટી, રવજી, ગંભુ અને બીજા પંચાયતના માજી અને વર્તમાન સભ્યો હાજર હતા. ચંચો ઑફિસના દરવાજે ઊભો રહી ગયો હતો જેથી પરવાનગી વગર કોઈ ગામનો માણસ ઘૂસી ન જાય.

"હા, તો માજી સરપંચ તખુભા... તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે કે તમે ગટરલાઇનના પૈસા ખાઈ ગયા છો અને ગામમાં ગટરલાઇન નાખી નથી..અમે તપાસ કરીને સત્ય શોધી કાઢીએ એ પહેલાં તમારે જે ખુલાસા કરવા હોય એ કરી શકો છો."
તખુભાએ હુકમચંદ સામે ડોળા કાઢ્યા પણ હુકમચંદે તખુભાના હાથ પર એનો હાથ મૂકીને 'હું તમારી સાથે જ છું' એવો ઇશારો કર્યો.

તખુભાએ થૂંક ગળીને મામલતદાર અને ટીડીઓ સામે જોયું.

"ઈમાં એવું છે સાહેબ કે ઈ રૂપિયા અમે ખાઈ નથી ગિયા..પણ અમે જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું એની મથરાવટી મેલી હતી..એટલે અમે બીજા કોન્ટ્રાક્ટરની તપાસ કરતા હતા, ત્યાં મારો સમયકાળ પૂરો થઈ ગયો..બીજી વખત હું ચૂંટણી જીતી શક્યો નહીં એટલે એ કામ થઈ શક્યું નથી..આપ સાહેબ કહેતા હોવ તો ગટરલાઇનના જેટલા રૂપિયા સરકારે અમને ચુકવ્યા છે એ હંધાય દૂધે ધોઈને સરકારમાં પાછા જમા કરાવી દેવી..બાકી હરામનો રૂપિયો ખાઈને આ ધોળામાં ધૂળ નાંખવા હું નથી માંગતો. ભગવાનની દયાથી ખાધેપીધે સુખી છું...અને ઘણા વરસથી હું જ સરપંચ હતો. મારો રેકોર્ડ એવું હોય તો જોઈ લેજો..ક્યાંય એક રૂપિયાનું પણ કાળું ધોળું કર્યું હોય તો મૂછ મુંડાવી નાખીશ."

તખુભા બરાબર લેશન કરીને આવ્યા હતા. હુકમચંદ, રવજી વગેરે તખુભાનું ભાષણ સાંભળીને સડક થઈ ગયા.

"એ વાત સાચી હશે, તખુભા. પણ તમે ગટરલાઇન નાખી જ નથી તો આ બધા બીલ કેમ મૂક્યા છે...? સરકારમાંથી તમે દસ લાખ રૂપિયા ગટરલાઇન નાખવાના ખર્ચ પેટે પાસ કરાવી લીધા છે અને ગામમાં ગટર તો હજી બજાર વચ્ચેથી ખુલ્લી જ ચાલી જાય છે.. જે કામ થયું નથી એના બીલ કેવી રીતે તમે મૂક્યા..? હવે એમ ન કહેતા કે મને ખબર નથી.. કારણ કે આ દરેક બીલમાં તમારી સહી છે.."

"સાહેબ, આ બાબતનો ખુલાસો હું આપને એકાંતમાં કરવા માગું છું. ગામ આખું સાંભળે એવી રીતે હું જવાબ આપી શકું તેમ નથી."

મામલતદારે તખુભા સિવાયના દરેકને બહાર મોકલ્યા.

"જુઓ સાહેબ, સાવ પેટછૂટી વાત કરું છું કારણ કે જે છે ઈ સામે છે. ખોટું બોલીને મારે તમને ગોળ ગોળ ફેરવવા નથી. મારી પેનલના માણસોએ મારી મતી ફેરવી નાખી હતી. એ લોકોને હું દોષ આપવા નથી માંગતો..પણ મેં ક્યારેય આવા કાળા ધોળા કર્યા નથી...એ લોકોની વાતમાં હું આવી ગયો. કોઈ તપાસ કરવા નવરું નથી એમ હમજીને આ કૌભાંડ કર્યું છે. પંચાયતના માણસોએ મને એવું પણ કહેલું કે તાલુકે અને જિલ્લા સુધી ભાગ વહેંચ્યો છે. ધારાસભ્યને પણ ભોગ ધરવી દીધો છે. હવે એ જે હોય તે..હું પોતે મારો ગુન્હો કબૂલ કરું છું અને કોન્ટ્રાક્ટના બધા જ રૂપિયા હું મારી જમીન વેચીને પણ સરકારમાં ભરવા તૈયાર છું..પણ મારી ઈજ્જતના કાંકરા નો કરશો. તમે કહેતા હોવ તો ગટરલાઇન હું મારા ખર્ચે નંખાવી આપવા પણ તૈયાર છું..કોણ કોણ ખાઈ ગયું એની પંચાતમાં હું પડવા માંગતો
નથી. હું પકડાઈ ગયો ન હોત તો પણ મેં આ કામ કરાવી આપવાનું નક્કી કર્યું હતું. તમે તપાસમાં આવ્યા એટલે હું આમ નથી કહેતો. મેં ગટરલાઇન નાખવા માટે ભૂંગળા, રેતી અને સિમેન્ટ પણ મંગાવી લીધા છે. જુઓ આ રહ્યા ફોટા..મારા વંડામાં આ બધું મટીરિયલ પડ્યું છે." તખુભાએ એમના મોબાઇલમાં મટિરિયલના ફોટા સાહેબને બતાવીને આગળ બોલવા માંડ્યું, "હું ઘોડી પરથી પડી ગયો નો હોત તો કામ પણ ચાલુ થઈ ગયું હોત. ખોટું કામ થતા થઈ જ્યુ છે.હવે સારું એ તમારું.. જો તમે મને ઉઘાડો પાડશો તો હું એક રૂપિયો નહીં આપું..અને જેણે જેણે આ ભ્રષ્ટાચારની ગંગામાં હાથ ધોયા છે એ બધાને હું લઈને ડુબીશ...
હવે તમારે જે નિર્ણય લેવો હોય એ લઈ શકો છો."

તખુભા આવી બેટિંગ કરશે એવી કોઈને કલ્પના પણ નહોતી.

સામાન્ય રીતે કોઈની ચોરી પકડાય ત્યારે કોઈ સામેથી સ્વીકારતું નથી હોતું. એની ચોરી સાબિત કરી બતાવવામાં આવે તો પણ એ વ્યક્તિ પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાયા કરતો હોય છે.
પણ તખુભાએ પોતાની ભૂલ સ્વીકારીને એ ભૂલ સુધારવાનો વિકલ્પ રજૂ કર્યો હતો.

મામલદાર અને ટીડીઓ સાહેબે એકબીજા સામે જોઇને સ્મિત વેર્યું. ટીડીઓ સાહેબે તખુભાને કહ્યું,

''તખુભા, તમે જઈ શકો છો. અમે તમારા કેસમાં શું કરવું એ વિચારીશું. તમારી વાત અમને ગમી છે, તમને જે થયું એનો અફસોસ છે એ તમારી વાત પરથી અમને સમજાય છે એટલે તમે ચિંતા ન કરતા.અમે કંઈક રસ્તો કાઢીશું..પણ તમેં પાછળથી ફરી જતા નહીં."

"સાહેબ, હું ક્ષત્રિયનો દીકરો છું...
એકવાર બોલેલું ફરી જાવું એ તો થૂંકેલું ગળવા બરાબર છે. મને મારી ભૂલ સુધારવાની તક આપશો તો હું મારું બોલેલું પાળી બતાવીશ." કહી તખુભા ઊભા થઈને ઑફિસમાંથી બહાર નીકળ્યા. એમના ચહેરા પર એકદમ તાજગી ફરી વળી.

બહાર બેઠેલો હુકમચંદ ઊભો થઈને તખુભા પાસે આવ્યો.

"તખુભા તમે મુંજાતા નહીં... આપણે આ લોકોનો છેડો ગોત્યો છે. થોડાંક ઝારવા પડશે...બાકી બધું પતી જાશે. હમણે જ ધારાસભ્ય ધરમશી ધંધુકીયા સાથે વાત થઈ..એમણે કીધું છે કે હું કંઈ નહીં થવા દઉં."

"મારું તો પતી ગ્યું છે. હવે તમે તમારું પતાવો." કહીને તખુભા ચાલવા લાગ્યા.

તખુભાને જતા જોઈ હુકમચંદના અચરજનો પાર રહ્યો નહીં.

"માળા તખુભા ધાર્યા કરતાં વધુ હોશિયાર નીકળ્યા..જોવી હવે ગટરમાંથી લૂગડાં બગાડ્યા વગર બારા કેમ નીકળે છે..! અમે તો પાણીની લાઇન નાખીએ તો છીએ..તમે તો કાગળ ઉપર જ ગટરલાઇન પાથરીતી..અટલે તો વર્ષોનું સરપંચપદુ ગુમાવવું પડ્યું. હવે જેલમાં જાવાની તિયારી કરો તખુભા... ભેગા રિયા હોત તો પતી જાત..પણ તમે તમારી રીતે પતાવી લો ઈ અમારા ગળે તો ઉતરતું નથી."

હુકમચંદ આમ વિચારતો હતો ત્યાં જ જીવલો એમને બોલાવવા આવ્યો.

"સરપંચ સાબ્ય, હાલો તમને માલિકોર બોલાવે સ."

હુકમચંદ અને ગંભુ ઑફિસમાં પ્રવેશ્યા ત્યારે મામલતદાર અને ટીડીઓ સાહેબ, તખુભાના કેસ બાબતે ચર્ચા કરી રહ્યા હતા..!

હવે હુકમચંદનો વારો હતો. ગામમાં ચાલી રહેલા પાણીની લાઇનની તપાસ કરવાની હતી.
એ કામમાં એકદમ હલકી ગુણવત્તાની પાઇપલાઇન ખરીદીને ઊંચા બીલ મૂકવામાં આવ્યા હતા...

હુકમચંદના પેટનું પાણી પણ હલતું નહોતું. એ એકદમ ખંધો માણસ હતો...એકદમ જાડી ચામડીનો..! રાજકારણી બનવા માટેની આ બે ઉત્તમ લાયકાત એ ધરાવતો હતો. એનું લક્ષ માત્ર સરપંચ સુધી સીમિત ન હતું એ આપણે જાણીએ છીએ.

મનોમન એ પોતાને રાજ્યનો ભાવિ મુખ્યમંત્રી સમજતો હતો... પણ અત્યારે કરવા ધારેલા પ્રથમ કૌભાંડનો ભાંડો ન ફૂટે એ માટે જરૂરી તમામ જવાબો લઈને એ આવ્યો હતો."ઉપરથી પ્રેશર" નામનું હથિયાર પણ એણે સજાવી રાખ્યું હતું...!



( ક્રમશ :)