Red Ahmedabad - 21 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 21

Featured Books
Categories
Share

રેડ અમદાવાદ - 21

૨૦૧૭

હાર્દિક પટેલને મળવા તેમના ઘરે આવ્યો હતો. લાંબી ચર્ચા પછી પણ હાર્દિક, પટેલ અને તેના સાથીઓની વાત માનવા તૈયાર નહોતો. આથી પટેલ ગુસ્સામાં સોફા પરથી ઉઠી, ટીવીની પાસે ખૂણામાં રાખેલ ટેબલ પાસે ગયો. ખાનામાંથી પિસ્તોલ કાઢી અને હાર્દિક તરફ તાકી, ‘સામ અને દામ, તું માનતો નથી. તો હવે ત્રીજો રસ્તો, દંડ ભોગવવા તૈયાર થઇ જા.’, પટેલે સાયલેન્સર લગાડ્યું અને ટ્રીગર દબાવ્યું. ગોળી છુટી.

પટેલના દિવાનખંડમાં અજબની શાંતિનું આવરણ પથરાઇ ગયું. ભટ્ટ અને રાજપૂત પણ એકતરફ ચૂપચાપ ઊભા હતા. પટેલના હાથને બારોટે પકડીને ઉપરની તરફ કરી ગોળીની દિશા બદલી હતી. શાંત વાતાવરણમાંથી અચાનક હાર્દિકે ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભટ્ટ અને રાજપૂતે તેને દબોચી લીધો, અને ખુરશી પર બેસાડી દીધો. દરેકને એક કણસતો અવાજ સાંભળ્યો. પટેલની પિસ્તોલમાંથી છુટેલી ગોળી હાર્દિકને તો વીંધી ન શકી, પરંતુ તેના નિશાને અન્ય વ્યક્તિ આવી ગઇ. તેનો જ તડપવાનો અવાજ દિવાનખંડમાં પ્રસરવા લાગ્યો. રાજપૂતે દરવાજા તરફ જઇને જોયું. ગોળીથી થયેલો શિકાર અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. ભટ્ટ પણ રાજપૂતની પાછળ પાછળ દરવાજા પાસે પહોંચ્યો. તે પરિસ્થિતિ પામી ગયો. તુરત જ તેણે રાજપૂતને ઇશારો કર્યો. રાજપૂત સમજી ગયો કે શું કરવાનું હતું? આ સંપૂર્ણ ગતિવિધી દરમ્યાન પટેલની પિસ્તોલ પરની પકડ ઢીલી પડી ચૂકેલી. તેની આંખો પલકારો લેવાનું ચૂકી ગઇ હતી. તેની બરોબર સામે સોફા પર બેઠેલ હાર્દિક સ્તબ્ધ હતો. પકડ ઢીલી થતાં જ પિસ્તોલ જમીન પર પટકાઇ, અને ભોંયતળીયા સાથેના ટકરાવને કારણે બીજી ગોળી છુટી, તે ગોળી ચીલ ઝડપે હાર્દિકની છાતીમાં ઘુસી ગઇ. તેના પ્રાણપંખેરૂ પળવારમાં જ ઉડી ગયા. આ વખતના ગોળીના અવાજે દરેકનું ધ્યાન પિસ્તોલ તરફ ખેંચેલુ. એક ધમકી આપવાની પ્રક્રિયા, બે વ્યક્તિઓના મૃત્યુ પર આવીને અટકી હતી. પટેલનું લોહી ઠંડું પડવા લાગ્યું અને તે સોફા પર પટકાયો. બારોટે પટેલને ઝીલી લીધો. ભટ્ટ અને રાજપૂત પણ પટેલની નજીક આવ્યા. પટેલના ચમકતા સફેદ ભોંયતળીયા અને સોફા પર બે મૃતદેહ પડ્યા હતા અને સફેદીની ચળકાટ રક્તરંજિત થઇ ચૂકેલી. રાજપૂતે પટેલને પાણીનો પ્યાલો આપતા સાંત્વના આપી કે ચિંતા કરવા જેવું નહોતું. બધું જ તે સંભાળી લેવાનો હતો, અને તેમાં રાજપૂત માહેર હતો. ભટ્ટ અને બારોટને પણ રાજપૂત પર પૂરો વિશ્વાસ હતો. રાજપૂતે તેના ફોનથી અન્યને ફોન જોડ્યો. આશરે પંદરેક મિનિટમાં તો બે મજબૂત બાંધાના વ્યક્તિઓ પટેલના ઘરે પહોંચ્યા. રાજપૂતના ઇશારા સાથે જ તે બન્ને જણાએ મૃતદેહને સગેવગે કરવાની પ્રક્રિયા હાથ પર લઇ લીધી. પળવારમાં તો બન્ને મૃતદેહ ભોંયતળીયા પરથી જાણે કંઇ થયું જ ન હોય તેમ અલોપ થઇ ગયા. પટેલના ખભા પર રાજપૂતે હાથ મૂક્યો, ‘બધું જ નિયત્રંણમાં છે. આ મૃતદેહ હવે પરમાત્મા પણ શોધી નહિ શકે.’

પટેલે રાજપૂતના હાથ પર હાથ મૂક્યો, ‘ધન્યવાદ મિત્ર...! મારી પ્રતિષ્ઢા સાચવી લેવા બદલ...’

‘ચાલો હવે આપણે બધા નીકળીએ... પટેલ...! તમે આરામ કરો...’, બારોટે દરવાજા તરફ જતાં કહ્યું.

ઘરમાં ચાલી રહેલી અને પૂરી થઇ ગયેલી પ્રત્યેક રમતો, તેજ આંખો નિહાળી રહેલી. કાન બધી જ ચર્ચાઓ સાંભળી રહેલા. મગજ સમજી શકતું નહોતું. શરીર ધ્રુજારી અનુભવી રહ્યું હતું. આંખોમાંથી સતત વહેતાં ઝરણાંઓને કારણે લાલ બની ચૂકી હતી. ગુસ્સાથી મુઠ્ઠીઓની પકડ મજબૂત બની ચૂકેલી. આ ગભરાયેલી, ચિંતિત, ગુસ્સાથી ભરેલી વ્યક્તિ હતી સમીરા... પટેલની પત્નિ...

*****

ભાવિનને બારોટના ઘરે, તેની મુલાકાત અર્થે દિપલ લઇને આવી હતી. બારોટ તરફથી હાર્દિકને શોધવા માટે આશ્વાસન મળતા ભાવિન ત્યાંથી રવાના થયો. વાસ્તવિકતા તો બારોટ જાણતો જ હતો. દિપલે ભાવિનને પ્રેમ કરવા બાબતે ખુલાસો કરેલો. જેના પ્રત્યાઘાતરૂપે બારોટે દિપલ પર હાથ ઉપાડ્યો હતો. બારોટ ખુરશી પર બિરાજ્યો. તેના ગાલ ગુસ્સામાં લાલ થઇ ગયેલા. જીવનમાં પહેલી વખત તેણે દિપલ પર હાથ ઉપાડ્યો હતો. તેણે મુઠ્ઠી વાળી. દાંત ભીંસ્યા, ‘ભાવિન...! કાલે તારા જીવનનો ખેલ ખતમ...’,

બારોટે દિપલના લગ્ન રોહન, પટેલના પુત્ર સાથે કરાવવા માટે પટેલ સામે પ્રસ્તાવ મૂક્યો. તે સમયગાળા દરમ્યાન રોહન અમદાવાદ આવ્યો હતો. રોહન અને દિપલનો માધ્યમિક સુધીનો અભ્યાસ એક જ શાળામાં થયેલો. બન્ને સારા મિત્રો હતા. પરંતુ બન્ને એકબીજાને પરણી જાય તેવું નહોતું. રોહને પટેલને તેને વિદેશમાં અન્ય છોકરી પસંદ હતી અને તેની સાથે જીવન ગાળવા બાબતે જણાવેલું. જેના લીધે પટેલ તેના પર અત્યંત ગુસ્સે હતો. બીજી તરફ બારોટને કેવી રીતે ના પાડવી, તે પણ પટેલ માટે મોટો પ્રશ્ન હતો. દિપલ પણ ભાવિન સાથે જ જીવન વ્યતીત કરવા બાબતે મક્કમ હતી.

પટેલના કહેવાથી ભટ્ટે ભાવિનને મુલાકાત માટે બોલાવ્યો હતો. એક સાહજીક મુલાકાત થઇ હતી... ભાડજ રાધાકૃષણ મંદિરની પાસે આવેલ શાળાના પટાંગણમાં, કેમ કે આ ચારેય મિત્રો તે શાળાના ટ્રસ્ટી હતા. ભાવિન ભટ્ટની વાત કંઇ સમજ્યો નહોતો. તે તેની શોધની ઘણો નજીક હતો, જે રોહને પણ વિદેશમાં કરી હતી. શોધ હતી જમીનમાં રહેલા યુરેનિયમના જથ્થા બાબતની. ભાવિને ભારતના વિવિધ વિસ્તારમાંથી માટી એકઠી કરેલી. તેના પર પરીક્ષણ કરીને જાણ્યું હતું કે રાજસ્થાનના શીકરના ખંડેલા ગામની જમીનમાં ૪૦૦ ફૂટ નીચે યુરેનિયમનો જથ્થો હતો. આ જ માહિતી રોહને સેટેલાઇટ અભ્યાસ દ્વારા મેળવેલી અને પટેલને જણાવી હતી. જેના સંદર્ભે પટેલને એવોર્ડ મળેલો. આ શોધ વર્ષો સુધી રાજસ્થાનને વિજળીની માત્રા પૂરી પાડવાની હતી. ભાવિનની જીદ આગળ ભટ્ટે નમતું જોખ્યું, પ્રલોભનો આપ્યા, પરંતુ ભાવિન ટસનો મસ ન થયો, અને આખરે તેણ પોતાનો જીવ ગુમાવ્યો.

દિપલે ભાવિનની તપાસ અર્થે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ભાવિનનો કોઇ પત્તો નહોતો. તેનો ફોન પણ બંધ આવતો હતો. તેણે શંકાના વાદળોનો વરસાદ બારોટ, તેના પિતા પર જ નોંધાવ્યો હતો. વિક્રાંત ઝાલા કેસની તપાસમાં લાગી ગયેલો. તે દરમ્યાન જ રોહન દિપલને મળ્યો. દિપલે રોહનને ભાવિનને લગતી વિગતવાર વાત કહી સંભળાવી. પછી તો બન્ને જણા ભાવિનની શોધમાં લાગી ગયા. ત્રણ દિવસ પછી ઝાલાના અકસ્માતમાં મૃત્યુના સમાચાર વર્તમાનપત્રકોમાં છપાઇ ચૂકેલા. દિપલ અને રોહન ચિંતિત હતા. આખરે તેઓએ પટેલની સમક્ષ ભાવિન વિષે વાત કરવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ જાણતા નહોતા કે પટેલ તો પહેલેથી જ જાણતો હતો. રવિવારની સવારે દિપલ રોહનના ઘરે પહોંચી. પ્રત્યકે રવિવારની માફક જ પટેલ અને તેના ત્રણ મિત્રો ત્યાં હાજર જ હતા. રોહને દિપલને બેસવા માટે ઇશારો કર્યો. ફરીથી દિવાનખંડમાં ચાર મિત્રો અને તેમની સામે દિપલ અને રોહન હતા. દિપલે ભાવિન, તેની શોધ, તે અને તેનો ભાઇ હાર્દિક ગાયબ હતો... તે દરેક બાબત સવિસ્તાર કહી. તેની આંખોમાંથી નીર છલકાવા લાગ્યા હતા. રોહને દિપલના ખભા પર હાથ મૂક્યો અને રાજપૂતના મતે જે ચાર સિંહો હતા, તેમને ભાવિન બાબતે તપાસ માટે વિનંતી કરી હતી. રોહને કહેલું કે તે ચારેય અમદાવાદના માંધાતાઓ હતા, તો કેમ એક સામાન્ય વ્યક્તિને શોધી ન શકે?

આ વાર્તાલાપ દરમ્યાન પટેલે દરેકને ચાનું આમત્રંણ આપ્યું. ચારેય મિત્રોના હાથમાં ચાના કપ હતા. પટેલે દિપલને પણ કપ આપ્યો. પટેલે દિપલને સમજાવી કે રોહન વિદેશમાં ગોઠવાઇ ચૂક્યો હતો અને તેનું ભવિષ્ય રોહન સાથે ઘણું ઉજ્જવળ હતું. શા માટે એક ભાવિન જેવા છોકરા પાછળ ભવિષ્ય બગાડવું? બારોટ દિપલ તરફ કોઇ ધ્યાન આપતો નહોતો. તેણે તો દિપલ નથી રહી, તેવું સ્વીકારી લીધું હતું. દિપલ પટેલની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતી. દિપલની હઠ સામે બારોટનો ગુસ્સો વધતો જતો હતો. ગુસ્સાની વધતી ગતિના કારણે બારોટે ટીપોઇ પાસે ગોઠવેલ ફૂલદાની ઉઠાવી અને દિપલના માથા પર પ્રહાર કર્યો. એક જ પ્રહારમાં દિપલના હાથમાંથી ચાનો પ્યાલો છટકી ગયો. ચા તેના સફેદ પંજાબી ડ્રેસ પર રેલાઇ. પ્યાલો ગબડીને ટીપોઇના પાયા સાથે ટકરાયો. રોહનનું મુખ અધખૂલ્લું થયું, આંખો પહોળી થઇ ગઇ. દિપલના વાળના ગુચ્છાને વીંધી રક્ત ગરદનથી ખભા પર અને ખભાથી સફેદ ડ્રેસને લાલ બનાવતું ગયું. દિપલની આંખો ઘેરાઇ, બંધ થઇ અને તે સોફા પર ઢળી પડી. રોહને તેને હચમચાવી, પાણીનો છંટકાવ કર્યો, પરંતુ દિપલ તો ચિરવિદાય લઇ ચૂકેલી. રોહનની આંખોમાંથી ગરમ નીર વહ્યા, ગુસ્સો અને દુ:ખ બન્ને એકસાથે દેખાયા. રોહન બારોટ તરફ ઝડપથી આવવા લાગ્યો. પરંતુ ભોંયતળીયા પર દિપલની ચાના પ્યાલામાંથી ઢોળાયેલી ચાના કારણે તેનો પગ લપસ્યો અને તે ટીપોઇ પર પટાકાયો. લાકડાના પાયા પર ગોઠવેલ કાચને તોડી રોહન જમીન પર પડ્યો. કાચના બારીક ટુકડાઓ તેના ચહેરા પર તેમજ તન પર ચોંટી ગયેલા. ઝીણા ઝીણા રક્તના ડાઘાઓ મોટા કુંડાળાઓમાં રૂપાંતરીત થવા લાગ્યા. જોતજોતામાં તો રોહનના શ્વાસ અટકી ગયા.

એક વાર ફરી પટેલનું ઘર સ્તબ્ધ હતું, શાંત હતું, અને મૃતદેહનો ખડકલો થતો હોય તેવું સ્થાન હતું. રાજપૂતે પટેલને બધું જ સંભાળી લેશે તેવો ઇશારો કર્યો. હાર્દિકના મૃતદેહને ગોઠવ્યો, તે જ કાર્ય પુન: દિપલ અને રોહન માટે થવાનું હતું. રાજપૂતે બારોટને તેનો ફોન બંધ કરી દેવા જણાવ્યું, અને સાથે સાથે દિપલ અને રોહનના ફોન તેણે બંધ કરી દીધા.

આ વખતે પણ દિવાનખંડની બાજુના ઓરડામાંથી આ રમતો, તેજ આંખો નિહાળી રહેલી. કાન બધી જ ચર્ચાઓ સાંભળી રહેલા. મગજ સમજી શકતું નહોતું. શરીર ધ્રુજારી અનુભવી રહ્યું હતું. આંખોમાંથી સતત વહેતાં ઝરણાંઓને કારણે લાલ બની ચૂકી હતી. ગુસ્સાથી મુઠ્ઠીઓની પકડ મજબૂત બની ચૂકેલી. આ ગભરાયેલી, ચિંતિત, ગુસ્સાથી ભરેલી વ્યક્તિ હતી સમીરા... પટેલની પત્નિ...

*****

પટેલે સમીરાને સમજાવી કે જે કંઇ પણ થોડા દિવસોમાં ઘરમાં બન્યું હતું, તે વાત બહાર જાય નહીં. સમીરાએ કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો. તે ચૂપચાપ આંખો નીચી કરીને ઘરમાં રહેતી અને સમય પસાર કરતી.

આમ, લગભગ બે વર્ષ વીતી ગયા. ચારેય મિત્રો બધું જ ભૂલી પોતાના રોજીંદા જીવનમાં વ્યસ્ત થઇ ગયા. સમીરા રવિ પર ધ્યાન આપવા લાગી. તેના સાથે તે ઘર કે જેમાં ઘટનાઓ બનેલી, તેમાં સમીરાનો સમય રવિ સાથે પસાર થઇ જતો.

અચાનક એકદિવસ શાકમાર્કેટથી ઘરે આવવા માટે કરેલી રિક્ષામાં સમીરાની મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ. તેણે સમીરાને તે વ્યક્તિ વિષે પૂછ્યું, જેની હત્યા હાર્દિકની હત્યાના દિવસે જ તેના ઘર પર જ થઇ હતી. સમીરાના ચહેરા પર પરસેવાના થર જામવા લાગ્યા. તે સાડીના છેડાથી પરસેવો લૂછતી અને “કંઇ જ ખબર નથી”, એટલો જ જવાબ આપતી.

ત્રણ દિવસ પછી તે વ્યક્તિ ફરી સમીરાને શાકમાર્કેટમાં મળ્યો...તેણે ફરીથી તે જ પૃછા કરી... સમીરા કંઇ બોલી નહિ અને ચૂપચાપ માર્કેટમાંથી રવાના થઇ ગઇ.

આ મુલાકાતો ચાલતી જ રહી, અને આખરે સમીરા થાકી. ક્યાં સુધી રહસ્યની પેટીને છાતી પર રાખી મૂકવી? ક્યાં સુધી બધું તનના ગર્ભમાં દબાવી રાખવું? તેણે તે વ્યક્તિને બીજા દિવસે સવારે હિમાલયા મોલમાં આવેલા વિલેજ રેસ્ટોરન્ટમાં મળવા જણાવ્યું.

હિમાલયા મોલમાં દાખલ થતાં જ ડાબી તરફ બીજા માળે ખૂણાનો ભાગ વિલેજ રેસ્ટોરન્ટ દ્વારા રોકવામાં આવેલો હતો. તેમાં દાખલ થતાં જ ડાબા હાથ પર સિક્કો મારવામાં આવતો. પ્રવેશતાં ડાબી તરફ ખાટલાઓ, વાંસની બનેલી ખુરશીઓ, તો જમણી તરફ ટેરો કાર્ડ રીડર, પાણીપૂરી, ભેળ જેવા નાસ્તાઓની ગોઠવણ હતી. તમામ પ્રકારના વ્યંજનો, જેમ કે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અહીં મળતા હતા. વળી, એક સાઇકલ સવાર ચાની કિટલીમાં સૂપ વહેંચતો ફરે. આગળ વધતા, ડાબી તરફ ડિસ્કો માટેનો વિસ્તાર તો જમણી તરફ આઠ ટેબલ ગોઠવેલા, તેની સામે ઓટલા પર વાનગીઓ રાખેલી હતી. પસંદીદા વાનગીઓ જાતે જ પીરસવાની અને તેની મજા માણવાની. સંપૂર્ણ વાતાવરણ જાણે કે ગામડું જ હોય તેવું હતું. સમીરાએ આ જગા એટલે પસંદ કરી હતી કે, હરતાફરતા વાત થઇ શકે અને કોઇ જાણીતું મળી જાય તો તેને કોઇ શંકા પણ ન જાય. તે વ્યક્તિ એક નાની કાગળની ડીશમાં જલેબીના બે ટુકડા રાખી રેસ્ટોરન્ટમાં ચક્કર લગાવી રહ્યો હતો. સમીરા રેસ્ટોરન્ટમાં દાખલ થઇ. સમીરા આવતાની સાથે જ પાણીપૂરીની ગોઠવણ પાસે ગઇ. તે વ્યક્તિ પણ તેની બરોબર પાસે જ ગોઠવાયો. સમીરાએ ધીમા અવાજે વાત શરૂ કરી, વાત કરતા કરતા તેઓ જમવાનું ગોઠવેલું હતું તે તરફ આવ્યા. આમ, સંપૂર્ણ વાત થઇ. તે વ્યક્તિની આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હોય તેવું પ્રતીત થયું. સમીરા તેને હાથ જોડી માફી માંગવા લાગી. તેમજ કંઇ ન કરવા અને કોઇ તપાસ ન કરવા બાબતે વિનંતી કરવા લાગી. તે વ્યક્તિને હવે રોકી શકાય તેમ નહોતું. તેણે ટેબલ પર મૂકેલ પાકીટ ઉપાડ્યું, બગલમાં દબાવ્યું, જલેબીનો સ્વાદ ખૂબ જ મીઠો હતો તેવું તે બોલ્યો, બીજો જલેબી ટુકડો ઉપાડ્યો અને તે ખાતા ખાતા રવાના થયો.

*****