સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે... કે... નયનને મારા માટે સોફ્ટ કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?”
“ના, હું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું.
“એટલે?" મનીષા વધુ ગૂંચવાતી હતી.
“એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય...”
“તો પછી તું શૂન્યમાંથી કેમ સર્જન કરે છે?” મનીષા ચિડાઈને બોલી.
“મોનુ, બધું જ સર્જન શૂન્યમાંથી જ થતું હોય છે. જવા દે, એ વાત તને નહિ સમજાય. પણ એટલું કહી દઉં કે નયનના મનમાં આવી કોઈ લાગણી પ્રગટ થશે તો પણ એ તને ઝટ કહેશે નહિ...” સોનલ શૂન્યમાં તાકતી હોય એમ જોઈ રહી.
“એનું કારણ મને સમજાવ!” મનીષાએ આગ્રહ કર્યો.
“એનું કારણ એ છે કે નયન ભલે પુરુષ હોય, એનું ચિત્ત તો સ્ત્રીનું જ છે. જેમ હું સ્ત્રી છું. પણ મારી પાસે પુરુષનું ચિત્ત છે!” સોનલે કહ્યું.
“ફિલોસોફી ઝાડવાનું બંધ કર અને સમજાય એવી સીધી સીધી વાત કર. પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત એટલે તું શું કહેવા માગે છે?" મનીષાને એની વાત સમજાતી નહોતી.
“હું એમ કહેવા માગું છું કે, પુરુષ-ચિત્ત આક્રમક હોય અને બુધ્ધિથી વધુ વિચારે, જ્યારે સ્ત્રી-ચિત્ત સમર્પિત થઈ જાય અને લાગણીથી વિચારે... મતલબ કે નયન એની લાગણી ઝટ તારી પાસે વ્યક્ત નહિ કરે...”
ચલ, છોડ યાર, અત્યારે આ વાત જવા દે!” મનીષાએ અણગમાના ભાવ સાથે કહ્યું.
“ઓ.કે. વાત પૂરી! પણ એક છેલ્લી વાત કહી દઉં. આજે નહિ તો કાલે. મારી વાત સાચી પડે ત્યારે મને કહેજે.” સોનલનો આત્મવિશ્વાસ તો હજુય એવો ને એવો જ હતો.
બહાર બેલ વાગ્યો. સોનલ ઊભી થવા જતી હતી ત્યાં મનીષા બોલી, “ઓ દાદીમા, તું બેસ. બહાર બધાં છે અને તારું કામ હશે તો તને બોલાવશે.” એમ કહી સોનલને બેસાડી દીધી.
પિનાકીનભાઈનો દીકરો નિહાર આવ્યો હતો. કુલુ-મનાલી ટ્રેકિંગ પછી સિમલા થઈને એની ટુકડી પાછી ફરી હતી. મનહરભાઈ અને વિનોદિનીબહેનને જોતાં જ એ આશ્ચર્યમાં પડી ગયો હતો. એણે પૂછયું પણ ખરું. “મનીષા બહેન ક્યાં છે? પિનાકીનભાઈએ એને ટૂંકમાં બધી વાત કરી. ઉદયની આત્મહત્યાની વાત સાંભળીને એને આંચકો લાગ્યો. એ સહેજ સ્વસ્થ થયો એટલે પિનાકીનભાઈએ સોનલ અને મનીષાને બૂમ પાડી. એ વખતે બંને કપડાં બદલતાં હતાં અને પાછાં પોતપોતાના મૂળ પહેરવેશમાં આવી ગયાં હતાં. કપડાં બદલીને બંને બહાર આવ્યા. સોનલ એક ક્ષણ તો નિહારને જોઈ જ રહી. મનીષાએ માત્ર આંખથી જ એની ખબર પૂછી લીધી અને નિહારે જાણે આંખથી જ પોતાની લાગણી વ્યક્ત કરી. પિનાકીનભાઈએ સોનલને કહ્યું, “આ મારો દીકરો છે નિહાર! અને નિહાર. આ સોનલબહેન છે. મનીષાબહેનની ખાસ ફ્રેન્ડ!”
સોનલે તરત હાથ લાંબો કરીને નિહાર સાથે હાથ મિલાવતાં કહ્યું, “હાય, હેન્ડસમ! આટલા દિવસ ક્યાં હતો? ખરા વખતે અમને કંપની ન આપી ને?”
“મને તો ખબર જ નહિ કે... હું તો કુલુ-મનાલી ટ્રેકિંગ માટે ગયો હતો. પછી અમે લોકો સિમલા ગયા હતા...”
“હું તો અહીં જ ટ્રેકિંગ કરું છું!” સોનલે ગંભીર થતાં કહ્યું.
“અહીં? ક્યાં?" નિહારના ચહેરા પર આશ્ચર્યના ભાવ ઉપસી આવ્યા.
“આ જિંદગી જ ઉબડખાબડ અને નદી-પર્વત જેવી છે. જીવવું એ જ આપણા માટે ટ્રેકિંગ છે...સોનલે ખૂબ જ ઠાવકાઈ સાથે કહ્યું.
“નિહાર, તને સોનલબહેન સાથે વાતો કરવાની મજા આવશે. અમને તો બહુ મજા આવી છે.” પિનાકીનભાઈએ કહ્યું.
“અંકલ, અમે ક્યાંથી વાતો કરવાનાં હતાં? આજે તો તમે અમને કાઢી મૂકવાના છો!” સોનલે દયામણો ચહેરો કરીને કહ્યું.
“જો જો, ખોટું ના બોલ! હું તો હજુય કહું છું કે, તું અને મનીષા રોકાઈ જાવ. મનહર અને ભાભીને જવા દો. એમ કહે ને કે તારે જ રોકાવું નથી અને દોષ મારો કાઢે છે!” પિનાકીનભાઈએ સામી ફરિયાદ કરી.
મનીષા થોડી થોડીવારે નયન સામે પણ જોઈ લેતી હતી. નયનનો હાથ પ્લાસ્ટિકની કોથળી અને એમાંના પેકેટ પર જ હતો. એ પેકેટમાં શું છે એવું પૂછવાનો પણ એને વિચાર આવ્યો. પણ એ બોલી નહિ. મનીષા નયનના હાથમાંના પેકેટ તરફ જ નજર કરી રહી છે અને કંઈક વિચારી રહી છે એ વાતનો સોનલને ખ્યાલ આવી ગયો. એ મોટેથી બોલી પડી. “મનીષા, તું એ જ વિચારે છે ને કે નયનભાઈ પાસે આ ભેદી પેકેટમાં શું છે? પણ એ તને નહિ કહે. જો ને, કેવું જીવની જેમ સાચવીને બેઠા છે.”
“ના, ના, હું તો બીજું જ વિચારતી હતી.” મનીષા વાતને ફેરવવા માટે બોલી.
“તમને એવું લાગતું હોય તો તમને બતાવી દઉં.” એમ કહીને નયને પેકેટ હાથમાં લઈને પ્લાસ્ટિકની થેલીમાં હાથ નાખ્યો.
સોનલ એના તરફ જોતી રહી. એનો હાથ થેલીમાં જ અટકી ગયો. સહેજ વાર રહીને સોનલ બોલી. “તમારો હાથ અટકી ગયો એ જ બતાવે છે કે તમે રહસ્ય ખુલ્લું કરવા માગતા નથી. હવે રહેવા દો!” સોનલ આંખો ઝીણી કરતાં બોલી.
“એમાં કશું ખાનગી કે રહસ્યમય નથી. પછી હું તમને એ બતાવીશ. પણ હમણાં પ્લીઝ...” નયન જાણે આજીજી કરતો હોય એમ બોલ્યો.
નિહાર, હમણાં તારી બેગ પ્રાચીના રૂમમાં મૂકી દે. તારો રૂમ મનીષા અને સોનલ વાપરે છે!” સરોજબહેને કહ્યું.
“પ્રાચી હજુ આવી નથી?” નિહારે પૂછયું.
પરંતુ એના સવાલનો જવાબ મળે એ પહેલાં સોનલ બોલી, “અમે હમણાં જ તારી રૂમ ખાલી કરીએ છીએ. ભાડાની રૂમ ખાલી તો કરવી જ જોઈએ ને! ભલે ભાડું ન આપતાં હોઈએ. એથી શું થઈ ગયું?"
આપણો તો નિયમ જુદો છે. રહે તેનું ઘર અને રહે તેની રૂમ. એટલે એ તમારી જ રૂમ કહેવાય. નિહારે વિવેક કર્યો.
સોનલ કંઈક કહેવા જતી હતી. પરંતુ ચૂપ જ રહી. પિનાકીનભાઈને ખ્યાલ આવી ગયો. એમણે તરત કહ્યું, “સોનલ, તું કંઈક કહેવા જતી હતી... શું કહેતી હતી?”
“કંઈ નહિ...હું તો નિહારને કહેવા જતી હતી કે મારું ન હોય એને પણ મારું માની લેવામાં જ પીડા છે. બધાં જ ઘર એમનાં એમ રહે છે. માત્ર એના રહેવાસીઓ જ બદલાય છે...” સોનલે કહ્યું.
“હું તમારી વાત સમજ્યો નહિ." નિહારે કહ્યું.
એની વાતમાં કંઈ સમજવા જેવું પણ નથી. એને થોડી થોડીવાર આફરો ચડે છે અને કંઈક બોલવા જોઈએ છે!” મનીષા વચ્ચે બોલી. સોનલ એને મારવા ધસી ગઈ એટલે મનીષા ત્યાંથી ઊભી થઈ ગઈ અને રૂમમાં દોડી ગઈ. સહેજવાર પછી મનીષાએ બૂમ પાડી. “સોનુ, હવે તૈયારી કરવા માંડ... પાછી તું તો છેક ટ્રેનના ટાઈમે તૈયાર થઈશ...
સોનલ બહારથી જ બોલી, “ઉતાવળ શેની કરે છે? આ જગતમાં કોઈ તારા જેવી ઉતાવળ કરતું નથી!” સોનલે બેફિકરાઈથી કહ્યું.
“કેમ એવું કહે છે?” પિનાકીનભાઈએ એને ઉશ્કેરવા કહ્યું. એ તરત જ બોલી, “તમે જ કહો, અંકલ! આ દુનિયામાં કોઈ ઉતાવળ કરે છે? આપણે માણસો જ ઉતાવળા થઈએ છીએ...”
“કેમ એમ?” પિનાકીનભાઈ આંખો ઝીણી કરતાં પૂછયું.
“તો શું? મને બતાવો, કોઈ ઉતાવળ કરે છે? સૂરજને આપણે કહીએ છીએ કે આજે જરા ઉતાવળ કરજે અને વહેલો ઊગજે. મારે બહાર જવું છે કે એપ્રિલ-મે મહિનામાં વરસાદને કહીએ છીએ કે જરા વહેલો આવી જા, બહુ ગરમી લાગે છે? આંબાનો છોડ વાવીને આંબાને કહીએ છીએ કે જલ્દી જલ્દી ઊગી જા. મારે કેરી ખાવી છે? ઉતાવળ કરવા માટે તો જાણે એકલી બિચારી સોનલ જ હાથમાં આવે છે!” સોનલે, ગરીબડું મોં કરતાં કહ્યું અને પછી બોલી, જવા દો ભાઈ, અત્યારે એ શહેનશાહ છે અને સત્તા આગળ શાણપણ કરવાનો અર્થ નથી...” એના આ શબ્દો સાંભળીને સૌ કોઈ હસી પડયાં.
મનહરભાઈ ગુમસુમ હોય એવું લાગ્યું. એટલે પિનાકીનભાઈએ કહ્યું, “મનહર, શું વિચારે છે?”
“કંઈ નહિ. મને વિચાર આવે છે કે સમય ક્યાં પસાર થઈ જાય છે એ જ ખબર પડતી નથી. આટલા બધા દિવસ તારે પણ રજા પાડવી પડી અને નયનને પણ દોડાદોડી કરવી પડી... હું આ ઉપકારનો બદલો ક્યારે ચૂકવીશ?” મનહરભાઈ સહેજ ઢીલા થઈ ગયા.
“પહેલી તો વાત... મારી પાસે રજાઓ ભેગી થઈ ગઈ છે અને હવે રજા ન લઉં તો લેપ્સ થઈ જાય... નકામી જતી રહે... અને અમે કોઈ ઉપકાર કર્યો નથી. અમે તો અમારી ફરજ બજાવી છે. મારો તારા ઉપર ઉપકાર ક્યારે ચડે? તું મને પારકો માનતો હોય ત્યારે!" પિનાકીનભાઈએ અણગમા સાથે કહ્યું. પછી નયન તરફ ફરીને બોલ્યા, “તું શું કહે છે. નયન?”
“તમારી વાત સાચી છે. જેને પોતાનાં માનતાં હોઈએ એની બાબતમાં આવું વિચારવું જોઈએ નહિ.” નયને પણ પિનાકીનભાઈની વાતમાં સૂર પુરાવ્યો.
વિનોદિનીબહેન બેગ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન સરોજબહેને મેથીની ભાજીનાં ઢેબરાં બનાવી દીધાં. ઢેબરાં, અથાણું અને ચાનું ભોજન કર્યા પછી બધાં ધીમે ધીમે નીકળવા તૈયાર થયાં. સોનલ બોલી, “મને તૈયાર થતાં જરાય વાર લાગી નથી. હકીકતમાં મારે કશું તૈયાર કરવાનું જ નહોતું. જેની જરૂરિયાતો જ ઓછી હોય એને શું વાર? મનીષાને જ વાર થઈ છે...”
“એ તો બહેન, અત્યારે તું આઝાદ પંખી જેવી છે ને એટલે ! ઘર-ગૃહસ્થી થશે ત્યારે ખબર પડશે!” સરોજબહેન બોલ્યાં.
“આન્ટી, હું આઝાદ પંખી જ રહેવા માંગું છું. એટલે જ મારે ઘર-ગૃહસ્થી જોઈતી નથી. આવી આઝાદીનો કોણ ભોગ આપે?” સોનલે બેફિકરાઈથી જવાબ આપ્યો.
“ એ તો બધું અત્યારે બોલવું છે! સમય આવશે ત્યારે એ બધું ભૂલાઈ જશે!” સરોજબહેને કહ્યું.
“આન્ટી, મને શંકા છે કે ક્યારેય મારા જીવનમાં કદાચ એવો સમય નહિ આવે!” સોનલે ઊંડા આત્મવિશ્વાસ સાથે કહ્યું.
“શરત લગાવ મારી સાથે... એવો દિવસ આવશે જ.” સરોજબહેન જુસ્સામાં આવી ગયાં.
“આન્ટી, ભવિષ્ય વિષે શરત મારવામાં હું માનતી નથી. એનું કારણ કે છે કે કાલે ભવિષ્ય કેવો વળાંક લે છે એ કોઈ જાણતું નથી. શક્ય છે કે તમે સાચાં પણ પડો! હું તો આજની મારી માનસિક સ્થિતિની વાત કરું છું...” એટલામાં મનીષા પણ આવી ગઈ. એ પિનાકીનભાઈને અને સરોજબહેનને પગે લાગી. એની આંખ ભીની હતી. એવી ભીની આંખે જ એણે પહેલાં નિહાર તરફ અને પછી નયન તરફ જોયું.
સોનલે પણ નયન તરફ નજર કરી. નયન તરત જ બોલ્યો, “સોનલબહેન, તમે લોકો જાવ છો એ નથી ગમતું. સૂનું સૂનું લાગશે...”
“અમે એટલે કોણ...” સોનલે વેધક નજરે જોતાં પૂછયું.
“તમે એટલે તમે બધાં જ..." નયન સહેજ ઝંખવાણો પડી જતાં બોલ્યો.
“જુઓ નયનભાઈ, આપણું અસ્તિત્વ જ આવન-જાવનનું છે. જે આવે છે એણે જવું જ પડે છે અને સૂનું લાગવું એ તો આપણા મનનો સવાલ છે. હું તો કહું છું કે મને તમારાં બધાં વિના સૂનું લાગવાનું નથી...” સોનલ એની રમતિયાળ અદામાં બોલી.
“કેમ? અમારી આટલી જ કિંમત ને?" પિનાકીનભાઈએ ફરિયાદના સૂરમાં કહ્યું.
“ના, જરાય નહિ... તમે ખોટું સમજ્યા, અંકલ! અહીંથી ગયા પછી પણ તમે બધાં તો મારી સાથે હાજર જ હશો. એટલે મારી હાજરીને અનુભવવી એ તમારા હાથમાં છે.” સોનલ જાણે પડકાર ફેંકતી હોય એમ બોલી.
બધાં સ્ટેશન પર આવ્યાં ત્યારે ટ્રેન પ્લૅટફૉર્મ પર આવી ગઈ હતી. નિહારે કમ્પાર્ટમેન્ટ શોધી કાઢ્યો. અંદર જઈને સામાન પણ મૂકી દીધો. થોડીવાર બધાં બહાર જ ઊભા રહ્યાં. આડી-અવળી વાતો કરતાં રહ્યાં. મનહરભાઈના મન પર હજુય આભારનો ભાર હતો. નયન હજુય પેલું પેકેટ કાળજીથી બગલમાં દબાવીને ઊભો હતો. સોનલે મજાક કરી, “નયનભાઈ, તમે આ ખજાનો તો ન જ બતાવ્યો. તમે છો તો હોશિયાર હોં!” નયન સહેજ હિંમત કરીને બોલ્યો, આટલી ધીરજ રાખી છે તો થોડી વધારે રાખો ને! હું તમારાથી નહિ છુપાવું!” સોનલે નયનના આ બીજા વાક્યની નોંધ લીધી અને તરત મનીષા સામે જોયું.
પિનાકીનભાઈએ કહ્યું, “મનહર, હવે પત્ર લખવાનો જમાનો તો ગયો. એટલે પત્ર લખજે એમ કહેતો નથી. પરંતુ અઠવાડિયે પંદર દિવસે ફોન તો કરજે જ. કદાચ એકાદ મહિના પછી મારે મુંબઈ આવવાનું થશે. એ વખતે એકાદ દિવસ રોકાવાય એ રીતે આવીશ.” પછી મનીષા તરફ ફરીને બોલ્યા, “બેટા, હવે જે બન્યું છે એ ન બન્યું બનવાનું નથી. થોડી સ્વચ્છતા રાખજે. સમજીને કામ કરજે. તારાં મા-બાપનો તું એક જ આધાર છે. અમે બધાં જ છીએ, પણ તું સૌથી વધુ નજીક છે. એમને દુઃખ ન થાય એની કાળજી રાખજે અને એમની વાત માનજે. બીજું તો શું કહું?” પિનાકીનભાઈ ભાવુક થઈ ગયા હતા. મનીષા કંઈ બોલી નહિ. એ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મની ટ્યૂબલાઈટ તરફ તાકી રહી હતી.
સહેજવાર રહીને પિનાકીનભાઈ સોનલ તરફ ફર્યા અને કહ્યું, “સોનલ, વળી પાછી ક્યારેક અહીં ભૂલી પડજે. તને અમારી સાથે મજા આવી કે નહિ એ તો ખબર નથી. પણ અમને તારા આવવાનું ગમ્યું જ છે. અમને તારા માટે માયા બંધાઈ છે...”
“અંકલ, એ ખોટું! માયા બંધાય એ ખોટું!” સોનલ બોલી.
“કેમ? એમાં ખોટું શું છે?" પિનાકીનભાઈએ આશ્ચર્ય સાથે પૂછયું.
“ખોટું એટલા માટે કે આપણને માયા બંધાય એટલે આપણે આપોઆપ બંધાઈ જઈએ છીએ. એથી હું તો માનું છું કે માયા પેદા કરીને બંધાવું જ નહિ. બંધાઈ જઈએ તો દુઃખ ને? મને તો મારાં મા-બાપની પણ માયા નથી." સોનલ લગભગ એકી શ્વાસે બોલી ગઈ.
“હા, ઠીક યાદ આવ્યું. હું કદાચ મહિના-દોઢ મહિના પછી મુંબઈ આવું તો મારે તારાં મમ્મી-પપ્પાને પણ મળવું છે અને તારા જેવી દીકરી હોવા છતાં બદલ એમને અભિનંદન આપવા છે... લઈ જઈશને મને એમની પાસે?” પિનાકીનભાઈએ વિનંતી કરતાં હોય એમ કહ્યું.
“અંકલ, મારાં મમ્મી-પપ્પા મને તો વંઠેલી ગણે જ છે. તમે મારા વિષે કંઈ પણ સારું કહેશો તો એ તમારા માટે પણ એવું વિચારશે કે આ ક્યાંક મેન્ટલ હૉસ્પિટલમાંથી જ આવ્યા છે!” સોનલ હસતાં હસતાં બોલી.
“સોનલ, તું આટલી બધી ડાહી અને સમજદાર છે, તો પણ તારાં મમ્મી-પપ્પા માટે કેમ આવું બોલે છે? સારાં છોકરાં કદી મા-બાપને દુઃખી કરતાં નથી." પિનાકીનભાઈ એમના વિચારો જણાવી રહ્યા હતા.
“તમને કોણે કહ્યું છે કે હું એમને દુઃખી કરું છું. જુઓ અંકલ, હું તો દ્રઢપણે એમ માનું છું કે આ દુનિયામાં કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી કે સુખી પણ કરી શકતું નથી. માણસ પોતાના સુખ કે દુઃખ માટે પોતે જ જવાબદાર હોય છે. એ પોતાના સુખ કે દુઃખની જવાબદારી બીજા પર નાંખે છે એથી જ દુ:ખી થાય છે. તમે મુંબઈ આવો ત્યારે વાત કરીશું... જુઓ ટ્રેનની વ્હિસલ વાગી.” એમ કહીને સોનલ ટ્રેનમાં ચડી ગઈ. મનહરભાઈ, વિનોદિનીબહેન અને મનીષા તો આ દરમ્યાન ટ્રેનમાં ગોઠવાઈ ગયાં હતાં. એક બારી પર મનીષા બેઠી હતી એની પાસે જઈને સોનલ ગોઠવાઈ ગઈ. બીજી બારી પર મનહરભાઈ બેઠા હતા અને વિનોદિનીબહેન એમની બાજુમાં બેસી ગયાં હતા. એ જ બારીમાંથી પિનાકીનભાઈએ મનહરભાઈનો હાથ પકડી રાખ્યો હતો. જાણે હવે જે કંઈ કહેવાનું બાકી રહ્યું હતું એ તેઓ સ્પર્શ દ્વારા કહી રહ્યા હતા.
વ્હિસલ વાગી ગયા પછી ટ્રેન ઉપડવાની ઘડીઓ ગણાતી હતી. આ દરેક પળ લાંબી લાગતી હતી. સોનલે નયનની બગલમાં દબાવેલા પેકેટ પર નજર નાખી. એ કંઈક બોલવા જતી હતી ત્યાં નિહારે સોનલને કહ્યું, “સોનલબહેન, હવે ફરી ક્યારે આવશો?” સોનલ તરત જ ઊભા થતાં બોલી, “ફરી ક્યારે અવાશે એ તો કોણ જાણે? પણ તું કહે તો અત્યારે જ ઊતરી જાઉં. મુદ્દતો પાડવામાં આપણને બહુ વિશ્વાસ નથી.” નિહારે તરત જ કહ્યું, “તો ઊતરી જાવ.” સોનલ પાછી બેસી ગઈ અને બોલી, “હવે બહુ મોડું થઈ ગયું. હવે તો જવું જ પડે. જો, આ ગાડી ઊપડી.”
ગાડીમાં સહેજ હલનચલન થયું. નયન બારી પાસે આવ્યો. જ્યાં સોનલ અને મનીષા બેઠાં હતાં. નયને કહ્યું, “બે-ચાર દિવસમાં બધા પેપર્સ ભેગા કરી લઈશ અને પછી જરૂર પડશે તો એકાદ દિવસ મુંબઈ આવી જઈશ. સોનલબહેન, તમે મળશો ને?"
“તમે આવો તો ખરા! પહેલાં તો હું મને મળું... પછી તમને મળવાનો સવાલ છે ને!” સોનલે મજાકના સ્વરમાં કહ્યું.
ધીમે ધીમે ગાડી ઊપડી. પિનાકીનભાઈ, સરોજબહેન અને નિહાર ગાડી સાથે દસેક પગલાં ચાલ્યાં. નયન પણ મનીષાની બારીનો સળિયો પકડીને ચાલ્યો. ટ્રેન ધીમે ધીમે ગતિ પકડતી હતી. નયન કંઈક કહેવા માગતો હોય એવું દેખાતું હતું. સોનલે એને મજાકમાં કહ્યું, “ચેઈન ખેંચું કે?"
જવાબમાં નયને બગલમાં પકડેલું પેકેટ બારીમાંથી મનીષા તરફ ધર્યું અને બોલ્યો, “નિરાંતે જોજો અને પછી મને જણાવજો, સોનલબહેન!"
ગાડીએ હવે બરાબર ગતિ પકડી હતી. ગાડી પ્લૅટફૉર્મની બહાર નીકળી ગઈ ત્યાં સુધી ચારેય જણ બારીમાંથી બહાર જોતાં રહ્યાં. મનહરભાઈને આટલે દૂરથી પણ એવું લાગ્યું કે જાણે પિનાકીનભાઈની આંખમાં ઝળઝળિયાં હતાં. નયન ઊભો ઊભો જોતો હતો અને હાથ હલાવતો હતો. મનીષા એણે આપેલા પેકેટ તરફ જોવા લાગી અને સોનલ મનીષાને જોઈ રહી.