પુનર્જન્મ 15
છેલ્લા ચાર દિવસથી અનિકેત મોનિકાની દિનચર્યા પર ચાંપતી નજર રાખતો હતો. મોનિકાનો એક જ રૂટિન કાર્યક્રમ રહેતો હતો. ફક્ત શનિવાર તથા રવિવારે એ પ્રોગ્રામ અલગ રહેતો. જેનો એને અંદાઝ આવવો મુશ્કેલ હતો. આજે સાવંત એનો રિપોર્ટ આપવાનો હતો.
સાંજના ચાર વાગ્યા હતા. મૈસુર કેફેમાં અનિકેત એની રાહ જોતો હતો. ચાર અને દસે એ આવ્યો. અને આવતાની સાથે જ એણે નાસ્તાનો ઓર્ડર આપ્યો.
' દોસ્ત , હું આવું એ પહેલાં તમારે નાસ્તો મંગાવી રાખવા નો. સાલું રેસ્ટોરન્ટમાં પગ મુકતાની સાથે જ જબ્બર ભૂખ લાગે છે. '
અનિકેત હસી પડ્યો.
' જરા પેટ ઉપર દયા રાખજે. વધવા લાગ્યું છે. '
' હવે કોને બતાવવું છે. છોડો એ વાત. તમારું કામ પૂરું થયું. લો રિપોર્ટ.'
એક મોટું કવર એણે બેગ માંથી કાઢી ટેબલ પર મુક્યું. અનિકેતે કવર બેગમાં મુક્યું અને એક કવર ટેબલ પર મુક્યું.
' પુરા પાંચ વતા 500 એક્સ્ટ્રા છે. '
' થેન્ક્સ. '
સાવંતે કવર બેગમાં મુક્યું અને વેઈટર નાસ્તો મૂકી ગયો. અનિકેત ચ્હાનો કપ લઈ સાવંતને જોઈ રહ્યો.
' દોસ્ત , એક વાત છે. આ રિપોર્ટ પરથી કોઈ સારો ડાયરેકટર ફિલ્મ બનાવે તો સુપરહિટ જાય. '
' એમ ? તો તમે જ બનાવી દો. '
સાવંત એક પળ અનિકેત સામે જોઈ રહ્યો. પછી એનું મુક્ત હાસ્ય લાવી બોલ્યો.
' શ્યોર , ફાઇનાન્સ તમે કરો. તો બાકીનું હું ફોડી લઈશ. તમને મઝાક લાગતી હશે , પણ રિપોર્ટ વાંચજો. પણ પછી ફિલ્મ બનાવવાની ઈચ્છા થાય તો ફોટોગ્રાફર મને બનાવજો. મસ્ત ફોટોગ્રાફી કરી આપીશ. '
***************************
સાંજે સાડા પાંચ વાગે મોનિકાની ઓફીસથી થોડે દુર અનિકેત જીપ લઈને ઉભો હતો. મોનિકા રોજની જેમ એની સેક્રેટરી સાથે ગાડીમાં બેઠી અને ગાડી રવાના થઈ. અનિકેતે એની જીપ સ્ટાર્ટ કરી અને એના મગજમાં એક ચીજ ખૂંચી. યસ. આ મોટરસાયકલ હંમેશા પોતાની જીપ પહેલા સ્ટાર્ટ થાય છે. બની શકે કે એ જોગસંજોગ હોય. બન્નેનો ટાઈમ એક જ હોય. પણ એનું મન કહેતું હતું કદાચ આ એક સંજોગ હોય તો પણ એ આને ચેક કરશે.
મોનિકાની ગાડી એના વિશાળ બંગલામાં જતી રહી. એ મોટરસાયકલ સીધી જ જતી રહી.
ચાર દિવસથી બાબુને કોઈ કામ આપ્યું ન હતું. એણે બાબુ ને ફોન લગાવ્યો.
******************************
ચોથું નોરતું હતું આજે. નવરાત્રિનો ઉમંગ માઇક માંથી રેલાતો અનિકેતના કાનમાં આવતો હતો. ગામના યુવકો સાથે એ કાયમ ગરબા જોવા જતો. ગામમાં છોકરાઓ એ ગરબા ગાવા હોય તો એની અલગ લાઈન થતી. જ્યારે સ્નેહા ગરબા રમતી ત્યારે એ સાઈડમાં ઉભો રહી એને જોતો. એ જ્યારે નજીકથી પસાર થતી ત્યારે અનિકેત એના હદયની એકાત્મકતા એ અનુભવી શકતો હતો. સ્નેહા ગોળ ફરતી અને એક પળ માટે બન્નેની નજર એક થતી પછી સ્નેહાની પીઠ અનિકેત તરફ આવતી. રાઉન્ડ પૂરો થતાં અડધો કલાક થતો. અને એ અડધો કલાક અનિકેતને બહુ લાંબો લાગતો.
ક્યારેક સ્નેહા થાકીને બહાર નીકળી જતી ત્યારે અનિકેત એના મિત્રો સાથે બે ત્રણ ચક્કર ગરબાના રમી લેતો. ગરબાની ઢોલ ઉપર પડતી દાંડીઓ પગમાં એક અજબ ઉલ્લાસ આપતા હતા. આજે પણ અનિકેતના પગ ગરબા માટે જવા તત્પર હતા. પણ હૈયું. હૈયું એના માટે જરા પણ તૈયાર ન હતું. હવે જઇ ને શું કરવાનું. કોના માટે ?
એ ખાટલામાં આડો પડ્યો હતો. એના હાથમાં સાવંતના કાગળ હતા. ત્રણ બંચ અલગ અલગ હતા. એક સચદેવા નું , એક સુધીર નું અને એક મોનિકા નું.
અનિકેતે સચદેવાનું બંચ હાથમાં લીધું અને સાવંતે આપેલો રિપોર્ટ વાંચતો રહ્યો. અને દરેક વિગત મગજમાં સેટ કરતો ગયો.
સચદેવા.. ઉંમર 55 , એક પત્ની , બે બાળકો , પુત્રી લગ્ન કરી લંડનમાં સ્થાઇ થઈ છે. પુત્ર ઓસ્ટ્રેલિયા માં હાયર એજ્યુકેશન લઈ રહ્યો છે. મોનિકાના પિતાનો વિશ્વાસુ , અંગત વ્યક્તિ હતો. મોનિકાના પિતાના અવસાન બાદ એ મોનિકાનો સહાયક રહ્યો છે. મોનિકાના લગ્ન બાદ સુધીર સાથે વધારે જોવા મળે છે.
બીજો રિપોર્ટ. મોનિકા...
ઉંમર 27 વર્ષ. પિતા મોટા ઉદ્યોગપતિ સુબ્રોતો રોય ની એક માત્ર દીકરી. માતા દીપા ચેટરજી. એવું કહેવાય છે મોનિકાની માતા મોનિકા કરતાં પણ સુંદર હતી. સુબ્રોતો રોયે. પહેલી પત્ની સાથે લગ્નના સાત વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. એ લગ્નથી એમને કોઈ સતાંન ન હતું. અને છૂટાછેડા માટે ઘણી મોટી રકમ આપી હતી.
દીપા અને સુબ્રોતો એકમેકના પરિચયમાં આવ્યા. અને એકાદ વર્ષ પછી બન્ને એ લગ્ન કર્યા ત્યારે સુબ્રોતો ની ઉંમર 40 હતી અને દીપાની 30 હતી. પરંતુ એવું કહેવાય છે બન્નેને ઉંમરનો તફાવત ક્યારેય ના નડ્યો. બન્ને જાણે એકબીજા માટે જ સર્જાય હતા. લગ્નના એક વર્ષ માં જ દીપાએ મોનિકાને જન્મ આપ્યો. પરંતુ મોનિકા 14 વર્ષની થઈ ત્યારે દીપા બીમાર પડી. સુબ્રોતોએ દીપાને બચાવવા આકાશ પાતાળ એક કર્યા. પણ એના પ્રયત્નો નિષ્ફળ રહ્યા. અને બે વર્ષની અસહ્ય યાતના પછી મોનિકા 16 વર્ષની હતી ત્યારે દીપાનું અવસાન થયું.
સુબ્રોતો દીપા અને મોનિકાને એટલો પ્રેમ કરતા હતા કે એમને ફરી લગ્ન ના કર્યા. એમણે એમનું જીવન મોનિકાની આસપાસ સીમિત કરી દીધું. અઢળક સંપત્તિના માલિક માટે સુંદર , સેલિબ્રિટી છોકરી તૈયાર હતી. પણ એ તૈયાર ના થયા. અને દીપાની જુદાઈ પણ એમને ખૂબ કઠતી હતી. એમનું જીવન જાણે શૂન્ય થઈ ગયું હતું. મોનિકા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. પરંતુ જીવનસાથીની ખોટ એમને નિર્બળ બનાવતી ગઈ.
મોનિકાએ પિતાની અઢળક સંપત્તિ અને બિઝનેસ ને સચદેવાની મદદથી ઉપાડી લીધો. મોનિકા ખૂબ જ ખુબસુરત હતી. પિતા ની પરમિશન લઈ 20 વર્ષે પહેલું મોડેલિંગ અને 21 વર્ષે પ્રથમ ફિલ્મમાં કામ કર્યું. પત્નીની જુદાઈએ સુબ્રોતોને ખતમ કરી નાખ્યો હતો. આખરે મોનિકા 23 વર્ષની થઈ ત્યારે સુબ્રોતો પણ મોનિકાને એકલી છોડી દીપા પાસે ચાલી ગયા. મોનિકાએ બે ફિલ્મમાં કામ કર્યા પછી ફિલ્મ લાઈનની ગંદકીથી દુર રહેવા ફિલ્મોને એક્ટ્રેસના રૂપમાં અલવિદા કર્યું.છતાં પોતાની ઈચ્છા પ્રમાણે પોતાને ગમે એવો રોલ કે એડ મળે તો કામ કરવાનું ચાલુ રાખ્યું.
રૂપ અને પૈસા બન્ને ભગવાને ખૂબ આપ્યા હતા. એટલે પુરુષોની લાઈન લાગેલી રહેતી. ફિલ્મના સુંદરમાં સુંદર એક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા પણ એક સુધીર સિવાય એનું નામ કોઈની સાથે આજ સુધી જોડાયું નથી.
( ક્રમશ : )