Punjanm - 11 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 11

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 11

પુનર્જન્મ 11

એક મહિના પછી દિવાળી હતી. ગામના લોકો પોતાના ઘરોની સાફ સફાઈ અને રંગરોગાન કરવામાં લાગી ગયા હતા. એક માસી અને મગન સિવાય આખા ગામે અનિકેતનો બહિષ્કાર કર્યો હતો. અને અનિકેત પણ વધારો નો થઈ કોઈને કરગરવામાં માનતો ન હતો. સમય આવે પોતે પોતાનું સ્થાન જરૂર બનાવશે. ત્યાં સુધી કોઈ કામ માટે કોઈ માણસ આવે એ શક્ય ન હતું. એણે પૈસા ચેક કર્યા. પચાસ લાખ માંથી મોટી રકમ હજુ અકબંધ હતી. એણે ઘર તરફ નજર કરી. આજુબાજુના મકાનો પાકા હતા. એટલે ઘરની બન્ને બાજુમાં પાક્કી દિવાલ હતી પણ પ્લાસ્ટર ન હતું. પણ નીચે છાણનું લીંપણ અને ઉપર નળીયા. છતાં બાપુ એ એક કામ સારું કર્યું હતું. ખાળકુવો અને સંડાસ બાથરૂમ.
જેલ માંથી લાવેલ લિસ્ટ એણે ચેક કર્યું. બે માણસ કન્સ્ટ્રકશનનું જાણતા હતા. બન્નેને ફોન કરી બીજા દિવસે બોલાવ્યા. ફર્નિચર અને લાઈટનું કામ તો એ પોતે જાણતો હતો એટલે એ કોઈ સમસ્યા ન હતી. રૂપિયાને એણે બાપદાદાના જુના પણ મજબૂત , ખટારા જેવા ભંડકીયામાં છુપાવ્યા. ઉપર કચરો સામાન મુક્યો અને એના ઉપર બે લોખંડી તાળાં માર્યા. અને ઉપર ઘરનો જૂનો સામાન ગોઠવ્યો.

બીજા દિવસે બન્ને માણસો આવ્યા. જરૂરી સામાન મંગાવી લીધો અને પછીના દિવસ થી કામ ચાલુ કરવાનું નક્કી થયું.

**************************

બાપુજી બે વિઘા જમીન મૂકીને ગયા હતા. સવારે માણસોને કામ સોંપી જીપ લઈ એ ખેતરે ગયો. ખેતરની અવદશા જોઈ એની આંખમાં આંસુ આવી ગયા. આખા ખેતરમાં જંગલી છોડવા અને વેલા ઊગી ગયા હતા. એક બાજુ બનાવેલી ઓરડી વેલાઓથી ઢંકાઈ ગઈ હતી.

એણે મન મક્કમ કર્યું. જીપ માંથી એણે લાવેલ કુહાડી , ધારીયું , દાતરડું વગેરે કાઢ્યું. અને એ કામે લાગી ગયો.

**************************

આજે સાંજે મોનિકાનો પ્રોગ્રામ જોવા જવાનું હતું. બપોરે બાર વાગે એ ખેતર સામે નજર કરી ઉભો રહ્યો. આખું ખેતર સ્વચ્છ હતું. ઓરડી થોડી મરમ્મત માંગતી હતી. ઘરનું કામ પતાવી એણે ઓરડી પણ રિપેર કરાવવાનું નક્કી કર્યું.

એ ઘરે આવ્યો. બન્ને બાજુની દિવાલો પાકી હતી. થોડા જરૂરી બીમ ખેંચ્યા હતા. પછી ધાબુ , દિવાલનું પલાસ્ટર અને ફ્લોરીંગ અને બીજું પરચુરણ કામ. એ મન માં વિચારતો હતો દિવાળી પહેલાં પતી જાય તો સારું. મનમાં વિચાર આવ્યો નહિ પતે તો ય શું ફરક પડે છે ? કોણ દિવાળી પર મળવા આવવાનું છે.

**************************

સિટી મેમોરિયલ હોલના પાર્કિંગમાં જીપ પાર્ક કરી અનિકેત નીચે ઉતર્યો. ગ્રે કલરનું લાઈટ પેન્ટ, ઉપર મેચિંગ ડાર્ક શર્ટ , ઉપર બ્લેઝર. ગ્રે પાર્ટી શૂઝ , ગોલ્ડન વોચ , લાઈટ બ્લ્યુ ગોગલ્સ અને બેફિકરાઈ થી ઓળેલા વાંકડિયા વાળ.

શો શરૂ થવામાં પંદર મિનિટની વાર હતી. એની પાસે બે ટીકીટ હતી. પણ એ એકલો જ આવ્યો હતો. હોલની બહાર ઘણા બધા લોકો ઉભા હતા. કોઈ ફેમિલી સાથે , કોઈ કપલ હાથમાં હાથ નાંખી ઉભા હતા. કોઈ એકલા પણ હતા.
સામે સચદેવા , સુધીર એના મિત્રો સાથે ઉભા હતા. એમાં બે ત્રણ સુંદર છોકરીઓ પણ હતી. સચદેવા અને અનિકેતની નજર એક પળ માટે એક થઇ અને સચદેવા એ નજર એવી રીતે ફેરવી દીધી કે જાણે એ ઓળખતો જ નથી.

અનિકેત ત્યાંથી દૂર જઇ ઉભો રહ્યો. નજીક માં જ ટીકીટ કાઉન્ટર હતું. હાઉસફુલનું બોર્ડ હતું. એક છોકરીઓનું ગ્રુપ ત્યાં આવ્યું. અને હાઉસફુલનું બોર્ડ જોઈ અફસોસ વ્યક્ત કરતું હતું.
' તું તો કહેતી હતી ને કે તારે ઓળખાણ છે. તો ટીકીટ કેમ ના મળી ? '
' એ ચાંપલી સાત ટીકીટ લાવી હતી. તારી દોસ્ત લાસ્ટ ટાઈમે પ્રોગ્રામ બનાવે તો હું શું કરું.'
અનિકેતને આખી વાતની મઝા આવતી હતી. અનિકેતને શું વિચાર આવ્યો એ સમજમાં ના આવ્યું પણ એ સહજ ભાવે બોલ્યો.
' મિસ , સોરી... આઈ હેવ એ વન એક્સ્ટ્રા ટીકીટ , ઇફ યુ વોન્ટ ઇટ ? '
' કેટલા માં આપશો. '
' એ જ ભાવે આપીશ. પણ પહેલાં કહી દઉં મારી મિત્ર આવી નથી એટલે આ ટીકીટ મારી બાજુની સીટની છે. '
' ઓ.કે. ડોન્ટ વરી. અહીં ટીકીટ મળે એ જ બહુ છે. '
અનિકેતે એને ટીકીટ આપી દીધી.

*****************************

અનિકેતે એની સીટ પર સ્થાન ગ્રહણ કર્યું.દસ મિનિટ પછી લાઇટો બંધ થઈ. સ્ટેજ પર એન્કરે આવી પ્રોગ્રામ ચાલુ કરી દીધો હતો. પરંતુ બાજુની સીટ હજુ ખાલી હતી.

એટલામાં ડોરકીપર ટોર્ચ લઈ કોઈને સીટ બતાવવા આવ્યો. એક સુમધુર સુગંધ અનિકેતને આવી. અનિકેતે એ સીટ તરફ જોયું. અંધારામાં વધારે કંઈ ખબર ના પડી પણ એટલું ખબર પડી કે એ કોઈ છોકરી છે.

સીટના હાથા પર એ છોકરી એ મુકેલા હાથનો સ્પર્શ અનિકેત ને થયો. અને અનિકેતે એનો હાથ દૂર લઈ લીધો.

' હાથ પકડવો હોય તો ઘોડે ચડીને આવવું પડે. '
' કેમ. લગ્ન પહેલાં સ્પર્શ ના થાય. '
' ના.'
' લગ્ન પહેલાં હાથમાં હાથ પરોવી ફરતા યુગલો ખોટા છે ? '
' હા. '
' તને ખબર છે. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમનો એક અલગ ભાવ હોય છે. '
' એમ ? '
' હા , તું મારી સાથે એક દિવસ પણ વાત કર્યા વગર રહી શકે છે ? '
' ના. '
' બસ એમ જ હું જ્યારે તારા હાથનો સ્પર્શ કરું છું ત્યારે એમાં આગળ વધવાની કોઈ તમન્ના નથી હોતી. પણ એક અહેસાસ હોય છે કોઈના સાથનો , કોઈના જીદંગીભરના સાથનો , શરીરમાં ખૂટી પડેલી ઉર્જાનો પ્રવાહ તારા હાથમાંથી મારા શરીરમાં આવે છે. જે જીવન જીવવાનું બળ આપે છે. '
' એમ. '
' હા , પણ તું એ નહિ સમજે. '
' કેમ હું ના સમજુ ? હું પણ તને પ્રેમ કરું છું. અને તારા પર વિશ્વાસ પણ કરું છું. '
અને એણે એનો કોમળ હાથ અનિકેત તરફ લાંબો કર્યો. અનિકેત એની આંખોમાં જોઈ રહ્યો અને એનો હાથ પોતાના હાથમાં લઇ , આંખો બંધ કરી એના ધબકતા હદયના ધબકારાની સાથે ધબકતા પોતાના નામની અનુભૂતિ કરી રહ્યો.
' હવે ખુશ? '
' સ્નેહા , આઇ લવ યુ. '
' અનિકેત આઈ ઓલસો લવ યુ. '
હોલમાં તાલીઓનો ગડગડાટ થતો હતો. અનિકેત તંદ્રામાંથી બહાર આવ્યો. પ્રોગ્રામ ચાલુ હતો. એને પ્રોગ્રામ માં કોઈ રસ ન હતો. એને ફક્ત મોનિકાનું પરફોર્મન્સ જોવામાં રસ હતો. બાજુમાં બેઠેલી છોકરી પ્રોગ્રામ એન્જોય કરતી હતી અને દરેક પરફોર્મન્સ પછી તાળીઓ પાડતી હતી.

***************************

ઈન્ટરવલ પડ્યો. અનિકેતને ઉંઘ આવતી હતી. એ આંખો બંધ કરી બેઠો. થોડી વાર માં એક સુમધુર અવાજ આવ્યો.
' હેલો મિસ્ટર , સુઈ જવા આવ્યા છો કે શું ? પ્રોગ્રામ એટલો બોરીંગ લાગ્યો ? '
અનિકેતે આંખો ખોલી. હોલની લાઇટો ચાલુ હતી. જે છોકરીને અનિકેતે ટીકીટ આપી હતી એ આઈસ્ક્રીમ લઈને ઉભી હતી.
' ઓહ નો , પ્રોગ્રામ સરસ જ છે. આ તો જસ્ટ રિલેક્સ થતો હતો. '
' ઇટ્સ ઓકે. લો આઈસ્ક્રીમ. ડોન્ટ સે નો. પ્લીઝ. '
એ છોકરીએ અનિકેતને આઈસ્ક્રીમ આપ્યો અને અનિકેતની બાજુમાં બેઠેલી છોકરીને બાય કહી ચાલી ગઈ. અનિકેતની નજર બાજુમાં બેઠેલી છોકરી પર પડી. એ પણ આઈસ્ક્રીમ ખાઈ રહીએ હતી. અને એનું હદય એક ધબકારો ચુકી ગયો. સેઇમ સ્નેહા.
અને હોલની લાઇટો બંધ થઈ. એન્કરે પ્રોગ્રામ આગળ ચલાવ્યો. અનિકેત નું હદય હજુ જોર જોર થી ધડકતું હતું.


( ક્રમશ : )