મોજીસ્તાન (17)
રઘલો ટેમુની દુકાને આવ્યો ત્યારે ભીમો અને ખેમો જાદવને પાટાપિંડી કરીને ઘરે લઈ ગયા હતા.
ચેવડો અને પેંડાની રાહ જોઈ જોઈને થાકેલા તભાભાભા નગીનદાસની ખડકી પાસે હુકમચંદ સાથે જે ટેબ્લો પડ્યો હતો એમાં વ્યસ્ત હતા.
બરાબર એ જ વખતે વીજળી ટેમુની દુકાને ખારી સીંગ લેવા આવી હતી.
વીજળીને જોઈને ટેમુનું દિલ એની છાતીના પિંજરામાં જોર જોરથી ધડકી રહ્યું હતું અને એના પેટમાં ટાઢા શેરડા પડી રહ્યા હતા. છતાં આદત મુજબ એ દુકાનના થડા પર લાંબો થઈને કોઈ નવલકથા વાંચી રહ્યો હતો.
"કેમ બહુ ચગ્યો છો હમણાં...?
ઊંધો એકડોય આવડતો નથી પણ ભાઈશાબ ચોપડીમાં માથું ખોસીને બેઠા છે. આમ ઘરાક સામું જો નહીંતર મીઠાકાકા પાણીમાં મીઠું ઓગળે એમ ઓગળી જશે." વીજળીએ દુકાનનો ઓટલો ચડીને કાઉન્ટર પાસે આવીને હસતાં હસતાં કહ્યું.
ટેમુએ નવલકથામાંથી નજર ઊંચકીને વીજળી પર સ્થિર કરી.
"કોને મને કીધું...?"
"આંય બીજું કોઈ છે તારી વગર? હું કંઈ તારી દુકાન સાથે વાત નથી કરતી...કેમ બહુ વાયડો થાશ. બહુ ચગી ગયો છો તું..
પણ યાદ રાખજે હું કાંઈ હાલીમવાલીની છોકરી નથી, તે તારી જેવો બે બદામનો બબૂચક મને કેડબરીની લાલચ આપીને ચાર કોડીના ચમચા જેવા ચંચા હાર્યે દુકાને આવવાનું કહેવડાવે. તે હેં અલ્યા ટેમ વગરના ટેમુડા... તું સમજે છે શું તારા મનમાં ? હેં.. હેં... હેં...?
વીજળીની જીભ કરવતની જેમ ચાલતી હતી, પણ એના હોઠ પર હાસ્ય રમતું હતું અને આંખોમાં તોફાન મચી રહ્યું હતું.
ટેમુ થડા પરથી હલ્યા વગર એકધારો વીજળીને આંખો વડે પી રહ્યો હતો.
"ચાલ, લાવ કેડબરી ખવડાવવાનો હોય તો..અને ખારી સીંગ આપી દે પાંચ રૂપિયાની. તારી જેવા ઢીલા ઢફ ઢોલકા સાથે વાતો કરવા હું કંઈ નવરી નથી...હું દસ ગણું ત્યાં સુધીમાં મારું કામ પતી જવું જોઈએ...અને હા, હું એક મિનિટ પણ અહીં ઊભી નહીં રહું સમજ્યો...એક...
બે...ત્રણ..."
ટેમુને જાણે કરંટ લાગ્યો હોય એમ એ ઉઠ્યો. નવલકથા એકબાજુ મૂકીને એ દુકાનમાંથી ઘરમાં દોડ્યો. ફ્રીજમાંથી ડેરીમિલ્કની કેડબરી લઈને તરત જ પાછો આવ્યો. ખારી સીંગનું ડબલું ઊંધું વાળીને છાપાના કાગળમાં ઠાલવી પડીકું પણ બાંધી આપ્યું. વીજળી દસ બોલી કે તરત એના હાથમાં પડીકું વીજળીના હાથમાં પકડાવીને બોલ્યો, "બસ..?"
"આમ અઘો ખસ...મને તારામાં જરાય નથી રસ...આલે તારા પૂરા દસ રૂપિયા..!" કહીને વીજળી દુકાનનો ઓટલો ઠેકીને નીચે પણ ઊતરી ગઈ. જતા જતા ટેમુ તરફ મારકણું સ્મિત વેરીને બોલી, "મોઢામાંથી કાંઈક તો ભસ..!"
"ઓ વીજળી...તું મારી નસનસમાં વસ...
તારા વગર જીવનમાં જરાય નથી કસ...
હજી એકવાર તું હસ...!" ટેમુએ સુકાઈ ગયેલા મોંમાં તાળવે ચોંટી ગયેલી જીભ હોઠ પર ફેરવીને કહ્યું.
જવાબમાં વીજળીએ એક હાથની મુઠ્ઠી વાળીને એને અંગૂઠો બતાવ્યો.
"ટાઢિયો..ટાઈમ વગરનો ટેમુડો..જા જા તારી સામે તો ગામનું ગધેડુંય ના હસે..." કહીને વીજળી ચાલી ગઈ..
ટેમુ થડા પર ફસડાઈ પડ્યો. વીજળીના આવા વર્તનની કળ વળે એ પહેલાં રઘલાએ દુકાનનો ઓટલો ચડીને મોટેથી સાદ પાડયો,
"અલા એ...ય..ટેમુડા..."
ટેમુએ ઝબકીને રઘલા સામે જોયું.
માથામાં એરંડિયાનું ચીકણું તેલ નાખીને ચપોચપ સીધા ઓળેલા ટૂંકા વાળ, બે આંગળી જેટલા પહોળા એના કપાળમાં બરાબર વચ્ચોવચ ઉપસેલું ઢીમચું, કાળી કાથીનું દોરડું ચોંટાડયું હોય એવા એકબીજા સાથે ભળી ગયેલા નેણ, એ નેણ નીચે પતરામાં હથોડો મારીને પાડી દીધેલા ગોબા જેવું નાક, નાકના બંને નસકોરા જેટલી લંબાઈ અને નસકોરા વચ્ચેની દિવાલથી ઉપરના હોઠની કિનારી સુધીની પહોળાઈનો ગુણાકાર કરતા જે ક્ષેત્રફળ મળે એટલા વિસ્તારમાં ચોંટાડી હોય એવી ચાર્લી ચેપ્લિન ટાઇપની પણ પીળા રંગની મૂછ, મૂછ નીચે બખોલ જેવું અને કાયમ અધખુલ્લું રહેતું મોં, ચહેરા સાથે ચોંટી ગયેલા ગાલ, ત્રિકોણાકાર દાઢી અને માથા સાથે કાયમ માટે વાંકુ પડી ચૂક્યું હોય એવા માથાથી સહેજ દૂર વાંકા રહેતા એના કાન..! આવા કાનને કારણે રઘલાને ગામમાં કાનફટીયો પણ કહેવામાં આવતો.
રઘલો પણ જાદવાની જેમ બેઠી દડીનો હતો. એના શરીર પર બંને બાજુ પાતળા તૂરિયા ટીંગાડયા હોય એવા એના હાથ હતા...! છાતીનો ભાગ સાંકડો હતો. પેટ વચ્ચેથી ઉપસીને નાના માટલા સાથે હરીફાઈમાં ઉતર્યું હતું. રઘલો એના શર્ટના ઉપરના ચાર બટન કોઈ દિવસ બંધ કરતો નહીં એટલે સપાટ મેદાનમાં કોઈ ટેકરી ઉપસી આવી હોય એમ એનું પેટ દેખાતું.
એના પાતળા પગને છુપાવવા એકદમ ખુલતા પાંયસાવાળો વાદળી પટ્ટાવાળો લેંઘો એ પહેરતો. એણે પહેરેલા સ્લીપર રજા માગી માગીને તૂટી મર્યા હોવા છતાં રઘલો એને રજા આપતો નહીં. તખુભાને ત્યાં વગર પગારની નોકરી કરતો હોવાથી ગામમાં એનો ફાંકો પડતો.
'એને બાપુની હવા છે ' એવું ગામલોકો કહેતા..!
મફતમાં નાસ્તો મેળવવાની મંછા હોવાથી રઘલાએ ટેમુ ઉપર રોફ જમાવવો હતો...!
ટેમુએ રઘલાની હાકલ સાંભળીને અનુભવેલો ઝબકારો સમાવી લીધો.
નિરાંતે સૂતેલું કૂતરું માથું ઊંચકીને બિનહાનિકારક ઉંદરને જોઈ પાછું સૂઈ જાય એમ ટેમુએ રઘલા પરથી નજર હટાવીને પોતાની પ્રિય નવલકથામાં ધ્યાન પરોવ્યું.
પોતાના હાકોટાને બેઅસર થયેલો જોઈ રઘલો ખીજાયો.એ પોતાને તખુબાપુનો જમણો હાથ સમજતો હોવાથી એને આ ટેમુ નામનું બચ્ચું મગતરા જેવું ભાસ્યું.
"અલ્યા ચીમ હાંભળતો નથ્થ કે સુ...? હાલ્ય આમ ઝટ લઈને બે કિલો તીખો ચેવડો અને બે કીલો પેંડા આપી દે..અને હા, એક એક કિલો ફરાળી ચેવડો પણ બાંધી દે...હાલ્ય ઝટ, મારે મોડું થાય સે..
બાપુએ કીધું સે...!" કહીને રઘલો ડાબા હાથ વડે એના બે પગ વચ્ચે થયેલી ધાધર ખણવા લાગ્યો...!
બરાબર એ જ વખતે નગીનદાસની નીના દુકાનનો ઓટલો ચડી. ટેમુએ ગુલાબી ડ્રેસમાં લપેટાઈને આવેલી મારકણી અદાની માલિકણ નીનાને જોઈને આંખો પહોળી કરી. પુસ્તક
એકબાજુ મૂકીને તરત જ વેપારી બની ગયો.
"આવ..આવ..આવ.....આવ આવ.." ટેમુએ ધાધરની મીઠી ખંજવાળ માણતા રઘલાને નજરઅંદાજ કરીને નીનાને આવકારી.
"હું કાંઈ કૂતરું નથી તે તું મને રોટલો નાખવા આવ આવ કરે છે. હું તો ચા ખાંડ લેવા આવી છું." નીનાને ટેમુનો આવકાર ગમ્યો નહીં એટલે એણે મોઢું બગાડીને કહ્યું.
"તારે વળી ખાંડની શી જરૂર છે..? તું પોતે જ ખાંડ કરતાંય મીઠી છો..તું જાતે ચા બનાવે તો તારી ચાહ આપોઆપ વધી જાય...!'' ટેમુએ ચહેરા પર પુષ્કળ પ્રમાણમાં સ્મિત ઢોળી નાખતા આંખ ઉલાળી.
નીનાને પણ એનું આ વાક્ય ગમ્યું હોય એમ એ હસી પડી.
"ટેમુડા..તું આવું બોલતા ક્યાંથી શીખ્યો..?
શું વાંચતો'તો તું..?"
રઘલા તરફ તુચ્છકારભરી નજરે જોઈને નીનાએ કહ્યું.
"માથાભારે નાથો નવલકથા છે, એમાં મગન નામનું એક પાત્ર જબરું બોલે છે." ટેમુએ ઊભા થઈને ચા ખાંડની બરણીઓ કાઉન્ટર પર મૂકતાં કહ્યું.
"અલા એ..ય..ટેમુડા..હું તને દેખાતો નથી..ચયારનો ગાંગરુ છું પણ હાંભળતો ચીમ નથી.. કવસુ કે ચેવડો..." રઘલાએ પોતાના ઓર્ડરને ધ્યાન પર લેવામાં ન આવ્યો એ જોઈને ફરી મોટેથી કહ્યું.
" રઘુભાઈ, એમ મારી દુકાને આવીને ગાંગરવાનું નહીં. બહુ ઉતાવળ હોય તો જાવ, બીજેથી લઈ લો. ગામમાં ઘણી દુકાનો છે..બાકી અહીં તો લેડીઝ ફર્સ્ટ..અમારી દુકાનનો નિયમ છે કે લેડીઝને બહુ રાહ જોવડાવવી નહીં. મારા બાપાને ખબર પડે તો ખીજાય...અને તમે નિરાંતે ખંજોળોને યાર..તમારી પાસે આખો દિવસ ચાલે એવું કામ પણ પ્રભુએ તમને આપ્યું છે...એક હાથ થાકી જાય તો સ્પેરમાં બીજો હાથ પણ આપેલો જ છે..પણ જરા આમ આઘા જઈને તમારી ખૂજલી ખંજવાળો...લેડીઝની હાજરીમાં આવી રીતે ખંજવાળો એ બીભત્સ કહેવાય એની તમને ખબર નથી.
તખુબાપુને ખબર પડશે તો બેય હાથ પાછળ બંધવી દેશે. પછી કેમ ખંજવાળશો..? એટલે ધીરજ રાખો હો.." ટેમુએ રઘલાની વિકેટ લઈ લીધી એ જોઈને નીના ખડખડાટ હસી પડી.
રઘલો એકાએક ખંજવાળતો બંધ થઈ ગયો.
"પણ બાપુએ જ મને તારી દુકાને જ મોકલ્યો સ...એમને નાસ્તો કરવાનો સ. તું આ છોડી હાર્યે વાતું કરછ. મન કારણ વગરનો ખોટી કરછ. બાપુને કયને તને ખોખરો કરવો પડશે."
રઘલાએ અવાજમાં થોડી નરમાશ લાવીને કહ્યું, પણ ટેમુએ નીનાનો કેસ જ હાથ પર લીધો...!!
"હા..તો બોલને નીના..તારો નંબર આપને.
તને સાહિત્યમાં રસ છે એ જાણીને આનંદ થયો. આપણે ચેટ કરીશું. હું તને લિંક મોકલીશ. હવે તો ઑનલાઈન પણ વાંચી શકાય છે યાર..." ટેમુએ પોતાનો મોબાઇલ કાઢીને સ્ક્રીનલોક ખોલતા કહ્યું.
"મને તો વાંચવું બહુ ગમે. મને શું ખબર કે તને પણ રસ છે. મારો નંબર સેવ કરી લે પછી મને રિંગ માર..નાઇન એઇટ નાઇન એઇટ..." કહીને નીનાએ નંબર લખાવ્યો.
ટેમુ મોબાઇલમાં નંબર સેવ કરવા લાગ્યો એ જોઈ રઘલો ફરી ઉકળ્યો.
"અલા ભઈ, તું ઈ બધું પસી કરજે કવસુ.
ઝટ મને મેં કીધું ઈ આલી દે."
ટેમુએ રઘલા સામે જોયું પણ નહીં.
"મને તો બહુ જ રસ છે...અને તું પણ સરસ છે...તારી દોસ્તી મારા માટે બસ છે...'' ધીરે રહીને એમ બબડીને ટેમુએ નંબર લખીને ડાયલ કર્યો.
''હમ તુમ એક કમરે મેં બંધ હો.. ઔર ચાબી ખો જાય..." નટખટ નીનાના મોબાઇલની રીંગ વાગી. એ સાંભળીને ટેમુ પુષ્કળ પ્રમાણમાં ખુશ થઈને ઝૂમી ઉઠ્યો. અને મનોમન બબડયો...
"લે આલે..તો તો જામી જ જાયને..હે હે હે..અલી નીનાડી તું પણ મારી જેમ જૂનાં પિક્ચરની શોખીન લાગે છે...મારે હવે મારી જીવનનૌકાની દિશા તારી તરફ વાળવી પડશે...!"
"આજકાલ જોને કેટલા ચીપ સોંગ આવે છે? હોઠ રસીલે તેરે હોઠ રસીલે...આવા તો કાંઈ હોતા હશે...?" કહીને નીનાએ મોં મચકોડયું.
"અલી એ..ય..તું બહુ ડાઈ થ્યા વગર આંયથી ઉપડને... તારા લીધે આ ટેમલો મારો ઑડર લેતો નથી." રઘલો હવે નીના ઉપર ગરમ થઈ રહ્યો હતો.
''પણ હોઠ તો રસીલે જ છે તારા..તને
ખબર જ નથી નીનકી કે તું શું ચીજ છો...!" ટેમુ ફરી મનમાં બબડયો...ત્યાં જ એના ખભા પર રઘલાએ હાથ મૂક્યો.
"એ..ય..ટેમુ, ભઈલા હવે મારામાં ધ્યાન આપ્ય..મને બાપુ ખીજાહે."
"આમ આઘા રો..યાર તમે..ક્યા હાથે તમે મને અડયા...? ધાધર ખંજવાળીને પાછા મને અડ્યા..? ખબર નથી ધાધર ચેપી રોગ છે એ? અને તમારું ડાચું જોયું છે અરીસામાં કોઈ દિવસ..? ઘરડી ડોશીય તમારામાં ઘ્યાન નો દે..તમે યાર નીકળો અહીંથી...ચેવડો અને પેંડા ખલાસ થઈ ગયા છે...! હબાની દુકાનેથી લઈ લો." ટેમુએ રઘલાનો હાથ પોતાના ખભા પરથી ઝાટકી નાખતા ખીજાઈને કહ્યું.
"કેવા ગોબરા માણસો છે..છી...છી..છી..
આવા જીવલેણ રોગ થયા હોય તોય દવાખાને જતાં નથી..રાષ્કલ..ઇચી ડોગ."
રઘલો પોતાને ખહુરિયો કૂતરો કહેવામાં આવ્યો એ તો ન સમજ્યો પણ નીનાએ કરેલા ત્રણ વખત "છી"ને કારણે એટલું તો સમજ્યો કે નગીનદાસની આ છોડીએ પોતાને ન કહેવાનું કહ્યું છે.તખુભા બાપુના જમણા હાથને ઊભી બજારે છી છી છી કરીને હડધૂત કરનારને રઘલો સાંખી શકે એમ નહોતો.
"તારી જાતની છી છી વાળી.. હું ખંજોળું છું તે ચ્યાં તારા હાથે ખંજોળું સવ..તારે ચ્યાં મારું ઘર માંડવું સે તે તને નડે સે..આમ હાલતીની થા નકર એક ધોલ ભેગી આંયને આંય પાડી દસ..બે સોંપડી ભણી સો તે બવ બોલતા શીખી સો..હમ તુમ એક કમરે મેં બંધ હો..તે જાને આ ટેમુડા હાર્યે ઇના રૂમમાં જઈને પૂરાય જાને..મારા બાપનું શું જાય સે..હું દવાખાને જવ કે નો જવ ઈમા નગીનદાહનું કાંઈ ઘંહય નય જાય
વાયડીની હાળી..." રઘલો રાડો પાડીને બેઉ હાથે વલૂરવા માંડ્યો.
"ચાલ ટેમુ, હું પછી આવીશ. ધીસ ઇચી ડોગ ઇસ બાર્કિંગ નાવ. આઈ ડોંચ લાયક ટુ સ્લીપટ ઓન હીસ ફેસ..યાર..યુ નો..!" (આ ખહુરિયો કૂત્તો હવે ભસવા લાગ્યો છે. હું એના મોં પર થૂંકવા પણ રાજી નથી.)
નીના રઘલા તરફ ઇશારો કરીને જતાં જતાં બોલી.
"અરે એમ કોઈનાથી ગભરાવાનું નહીં યાર...તું તો એકદમ બોલ્ડ છો. આવા
તો સાંજ પડ્યે સત્તર આવે છે મારી દુકાને...તું તારે ઊભી રહે. હું તારી વસ્તુ કાઢી આપું છું."
ટેમુ હવે બરાબરનો બગડ્યો હતો. વીજળી થોડી ચમકીને ગઈ પછી આ નીના આવી હતી. ગામમાં જ બે જગ્યાએ પોતાનું સેટિંગ પડતું જોઈને ટેમુ પુષ્કળ પ્રમાણમાં ખુશ થયો હતો. એના દિલનો દરિયો પ્યારનું તોફાન ઉઠવાથી ઉફાન પર આવ્યો હતો...ત્યાં જ આ રઘલાએ એની ધાધર વલૂરીને પોતાના સ્વપ્નના મહેલને ચણાયા પહેલા જ ધરતીકંપનો આંચકો આપ્યો હતો.
રઘલા તરફ ફરીને એ બોલ્યો, "જુઓ રઘલાભાઈ, અમારા આખા ખાનદાનની હજામત તમે કરો છો એટલે હું તમને વધુ કાંય કે'તો નથી પણ હવે જો એક મિનિટ પણ મારી દુકાનના ઓટલે ઊભા રહીને તમારી ધાધર વલૂરશો તો મારે નાછૂટકે સોટો લેવો પડશે. ઇ સોટો તમારા પાછળના પ્રદેશ પર હું એટલો જોરથી ઠોકીશ કે તમારે એક હાથ પાછળ રાખવો પડશે. ઇ બિચારીએ તમારી મર્યાદા જાળવવા તમને અંગ્રેજીમાં ખહુરિયો કૂતરો કીધું છે પણ હું તો શુદ્ધ ગુજરાતીમાં જ કહીશ, હમજયા..?" કહીને ટેમુએ નીના સામે મીઠું સ્મિત વેર્યું.
"શું..? આ નગીનદાહની સોડીએ મને ખહુરિયો કૂતરો કીધો ઈમ..? અને ઈ પાસું અંગરેજીમાં કીધું..? આજ તો હવે ઇનો વારો પાડ્યા વગર નો રવ..અતારે ને અતારે જઈને નગીનદાહને કે'વું પડશે.
મારી હાળીને નાનાં-મોટાંનું કાંય ભાન જ બળ્યું નથી.." કહીને રઘો નીના સામે ડોળા કાઢીને જોઈ રહ્યો.
"તો પછી બે જણ વાત કરતા હોય ત્યાં વચ્ચે ડાફોળીયા મારવાના ન હોય.
નોનસેન્સ..." નીના પણ પાછી પડે એમ નહોતી.
"હું તારી પે'લા આયો સુ..અટલે મને પે'લા વસ્તુ દેવી જોહે.તું આમ એકબાજુ ઊભી રે." કહીને રઘલો ટેમુ તરફ ફર્યો.
"હાલ્ય અય..બવ વાયડીનું થ્યા વગર મારી વસ્તુ જોખ્ય..!''
"ટેમુ, મને આપી દે એટલે હું જઉં યાર. મેન ઑફ ધીસ ટાઈપ આર કમ ફ્રોમ વ્હેર...? હું નોઝ?" નીનાએ રઘલા તરફ ઇશારો કરીને ફરી અંગ્રેજી દાબ્યું.
"અય છોડી..તું અંગ્રેજીમાં સ્હું બક બક કરછ..? હિંમત હોય તો ગુજરાતીમાં બોલ્ય ગુજરાતીમાં." રઘલો ભડક્યો હતો.
"ઈ જે કહેવા માગે છે એવું ગુજરાતીમાં નો આવે..રઘલાભાઈ તમે જાવ યાર અહીંથી.. મારા ઓટલે હું કૂતરાનેય કાન ખંજોળવા દેતો નથી...પણ તમે તો આવ્યા ત્યારના બેય હાથે ઢહડો છો..હું બાપુને ફોન કરું છું, ધાધર ખંજોળેલા હાથે તમે બાપુનો નાસ્તો લેવા આવ્યા છો..." કહીને ટેમુએ ફોનમાં તખુબાપુનો નંબર કાઢ્યો.
"અલ્યા પણ મેં લેંઘો તો પેર્યો સ..હું થોડોક ડાયરેક ખંજોળુ સુ?" રઘલાએ નરમ પડતા કહ્યું.
"કેટલા દિવસથી પેર્યો છે ?" ટેમુએ કહ્યું.
"ચેટલા દી'થી પેર્યો સ અટલે ? હજી પંદર દી' પેલા જ ધોયો'તો. અમે કાંઈ મયનો મયનો એકનો એક લેંઘો નથી પેરી રાખતા.
મેલાં લૂગડાં તો મને ઠામકા પેરવા નથ ગમતા..સ્હું હમજ્યો ? દર અઠવાડિયે સાબુ દય દયને નાવ સુ.. પણ તોય હાળી આ ધાધર કોણ જાણે ચયાંથી સોટી સે.તું બવ ડાયું થ્યા વગર હવે મને ઝટ જોખી દે તો સ્હારું નકર..."
"ઓ..ઓ...ઓ...એવરી વીક... ધીસ ડર્ટીમેન બાથ એવરી વીક..!ઓ..ઓ..ઓ..
રાસ્કલ..ઇચી ડોગ એન્ડ ઇચી રાસ્કલ ટુ..!" કહીને નીના મોં આડે હાથ દઈને હસી પડી. એને હસતી જોઈને ટેમુ પણ હસ્યો.
રઘલાને બે હાથ જોડીને કહ્યું, "સ્વચ્છ અને સુઘડ રઘલેશભાઈ તમે અહીંથી સિધાવો. હું તો તમારી આગળ ઘણો ગંદો કહેવાઉં..મારી દુકાનમાં તમારે લાયક માલ નથી.. પ્લીઝ હવે આપના સ્વચ્છ લેંઘામાં રહેલા આપના અતિ સ્વચ્છ શરીરને અહીંથી હંકારી જવાની કૃપા કરો મહારાજ.. નહીંતર મારે કૂતરાં ભગાડવાનો સોટો લઈને તમારા દક્ષિણ ભાગમાં આક્રમણ કરવા મજબૂર થવું પડશે."
રઘલો અધખુલ્લા મોંએ ટેમુને તાકી રહ્યો.
કૂતરાં ભગાડવાનો સોટો તો એ સમજ્યો પણ દક્ષિણ ભાગમાં આક્રમણ એના મગજમાં ઊતર્યું નહીં. નીનાથી હસવું રોકાતું નહોતું એ જોઈને એ એટલું તો સમજ્યો કે આ બેઉ પોતાની મજાક કરી રહ્યા છે એટલે એનો પિત્તો ગયો.
"એક અડબોથ ભેગું આંય ને આંય પાડી દશ હો..મારી પટ્ટી શીનો ઉતારસ." કહીને એણે ટેમુને મારવા હાથ ઉગામ્યો.
એ જોઈ નીના અને ટેમુ સિરિયસ થઈ ગયા.
"તારી જાતના ખહુરિયા...ઊભો રે'જે...
શુદ્ધ ગુજરાતીમાં કવ છું કે હાલતીનો થા તોય પાછો હમજતો નથી." કહીને ટેમુએ દુકાનના બારણાં પાછળ પડેલો સોટો લીધો અને કાઉન્ટર કૂદીને બહાર નીકળ્યો.
ટેમુને મારવા તૈયાર થયેલો રઘો કંઈ સમજે એ પહેલાં કૂલા પર સટ્ટાક સટ્ટાક બે સોટા ટેમુએ વાળી લીધા..
બજારમાં સામાન્ય અવરજવર હતી. બે ચાર જણ મફતનો તમાશો જોવા તરત જ "અલ્યા સુ થિયું...અલ્યા સુ થિયું." કરતા દોડી આવ્યા.
રઘલો બંને હાથ પાછળ ઘસતો ઘસતો ઓટલા પરથી નીચે ઉતર્યો. એના મોંમાંથી હવે ગંદી ગાળો નીકળવા લાગી હતી. એ સાંભળીને ટેમુ વધુ ઉશ્કેરાયો.
બે જણે દોડીને ટેમુને પકડ્યો. રઘલાએ એ દરમ્યાન બજારમાંથી એક પથ્થર ઉપાડી લીધો. ટેમુ પર ઘા કરવા જતાં રઘલાને પણ બે જણાએ પકડ્યો..
"આ ખહુરિયો ક્યારનો મારી દુકાને આવીને
ધાધર ખંજોળતો'તો. મેં કેટલીવાર ઈને જતા રે'વાનું કીધું તોય જાતો નહોતો." ટેમુએ લાકડી ખેંચતા પેલા લોકોને કહ્યું.
"મને ખહુરિયો કૂતરો કયને આ નગીનદાહની સોડી હાર્યે ઈ દાંત કાઢતો'તો.
હું આંય તખુબાપુ હાટુ નાસ્તો લેવા
આયો'તો. મારા હાળાએ બે સોટા વળગાડી લીધા..મને કેય સે કે ચેટલા દી'થી લેંઘો પેર્યો સે..અલ્યા હું હાવ નો પેરુ તોય તારા બાપનું સ્હું જાય સે..?" રઘલો પણ પોતાને છોડાવવા બળ કરતો હતો.
"એ..ય, બાપનું નામ લેતો નઈ. નકર માથું ફોડી નાખીશ..હાલ્ય આમ હાલતી પકડ." લાકડીનો આંચકો મારીને ટેમુ ગર્જયો.
"અલ્યા રઘલા તું બોલવામાં માપ રાખ.
આમ ઊભી બજારે ગાળ્યું નો બોલ્ય. હાલ જાવા દે..અને એય ટેમુ, તું પણ જા દુકાનમાં."
કહીને લોકોએ બંનેને છૂટાં પાડ્યા.
( ક્રમશ :)