MOJISTAN - 13 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 13

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 13

મોજીસ્તાન 13

હબાની દુકાને થયેલો ડખો જોઈને હુકમચંદ ઊભા રહ્યા. થોડા દિવસ પહેલા ધમૂડીએ ટેમુડાની દુકાને પોતાને સલવાડી દીધેલા એ હુકમચંદને યાદ આવ્યું. ધોળી ડોશીના હાથમાં રહેલી તેલની બરણીને એ બરાબર ઓળખી ગયા એટલે મનોમન આ ડખામાં ન પડવાનું નક્કી કરીને એ ઊભા પણ રહ્યાં નહીં...પણ તભાગોરે એમને ઝડપી લેતા કહ્યું,
"એમ ગામના સરપંચ થઈને ન્યાય કરવાને બદલે આંખ્યું આડા કાન કરશો તો કોઈ મત નહીં દે...ઈમ પડખે થઈને મૂંગું મૂંગું વયું જતા તો અમનેય આવડતું'તું...તમારી જગ્યાએ તખુભા સરપંસ હતા ઈ બરોબર હતું."
હુકમચંદને હવે આ લપ ગળે લગાવવી પડે એમ હતી.
"મારે ઘણાય કામ છે હો ગોરબાપા..ઈમ જ્યાં હોય ન્યા ઊભા રેવી તો કામ કેદી પૂરાં કરવા અને તમે ઊભા હોવ પસી મારે ઉપાધી જ નો હોય ને..હે..હે.. હે..!" કહીને સરપંચ હબાની દુકાનથી થોડે દુર નગીનદાસની ખડકી પાસે ઊભા રહ્યા.
નગીનદાસની વહુનું નામ તો નયના હતું પણ એના નયનોમાં નીર નહોતું..! બેઉ આંખે સોડા બાટલીના તળિયા જેવા જાડા કાચવાળા ચશ્માં એને પહેરવા પડતા...શરીરે લાંબી અને પાતળી હોઈને કમરેથી થોડી વળી ગયેલી. બિચારીને બારે માસ શરદીનો કોઠો રહે એટલે આગળની તરફ ઝુકેલા ચહેરાની શોભા જેવું એનું નાક ઘડીક પણ નવરું પડતું નહોતું.
જાડા કાચનું વજન પણ ઘણું હોઈ એના ચશ્માં નાક ઉપરથી અને પ્રવાહી સ્વરૂપે શરદી નાકની અંદરથી લસરતી રહેતી.
નગીનદાસની ખડકી પાસે જ એના ઘરની ચોકડી હતી. જ્યાં અત્યારે નયના વાસણ ઘસી રહી હતી. વધેલા દાળશાક અને બીજા એંઠવાડથી એક મોટી તપેલી છલોછલ ભરાઈ જવા આવી હતી. રોજની જેમ નયનાએ એ તપેલી ઉપાડીને ખડકીના ખુલ્લા દરવાજામાંથી તપેલીમાંનો એંઠવાડ બજારમાં ફેંક્યો..! એના જાડા ચશ્માંમાંથી એની ઊંડા કૂવાના તળિયે ઝબુકતા પાણી જેવી કીકીઓએ જોયું તો કોઈકનું ઉજળું ધોતિયું એંઠવાડને ઝીલી ચૂક્યું હતું.
"હાય..હાય..કોણ નયાં ઊભું સે..
ખડકી મોર્ય જ કોને મોત આવ્યું સે..? " નયનાએ ધ્રાસકો ખાઈને રાડ પાડી.
હુકમચંદને ખબર હતી કે અહીં ઊભા રહેવામાં જોખમ છે જ...!
એમના દૂધ જેવા ઉજળા ધોતિયા પર નગીનદાસના ઘરનો એંઠવાડ પોતાની સરકાર રચી રહ્યો હતો એ જોઈને હબાની દુકાને બેઠેલી ધોળીડોશી,
તભાભાભા, આવી પડેલી ઉપાધીનો જરીક પણ ખ્યાલ ન ધરાવતો નગીનદાસ અને મફતનો તમાશો જોવા ભેગા થયેલા બેચાર નવરા જણ હસી પડ્યાં...એ નવરાઓમાંથી એક જણને તરત જ મોબાઇલ કાઢીને આ ઘટના રેકોર્ડ કરવા લાયક લાગી...!
"આમ જોયા વગર બજારમાં એંઠવાડ ફેંકીને ગંદકી ફેલાવવાની છે...? અલી એ..ય..જરાક જોતી તો હોય...મારા ધોળા ધોતિયાની પથારી ફરી ગઈ." હુકમચંદે મોઢું બગાડીને જોરથી કહ્યું...
પછી આ ઘર નગીનદાસનું છે અને નગીનદાસ સામે ઊભો ઊભો હસી રહ્યો છે એ જોઈને એમણે લાગલો જ નગીનદાસને પકડ્યો...
"તારી જાતના...તારા બયરાને આટલીય અક્કલ નથી...? આમ બજારમાં એંઠવાડ નાખવાનો છે...? ચાલ અત્યારે ને અત્યારે એક હજાર રૂપિયા દંડ ભરી દે..પાસો દાંત કાઢસ હાળા કપાતર..!"
દીવો ઓલવાઈ જાય એમ નગીનદાસના ચહેરા પર થોડીવાર પહેલા રમી રહેલું હાસ્ય ઓલવાઈ ગયું..! એ કંઈ જવાબ આપે એ પહેલાં નયના એનું નાક ઠલવવા બહાર આવી. નાક ઉપરથી લસરી પડતા ચશ્માંને ઉપર ચડાવીને એણે હુકમચંદ તરફ જોયું.
"તો ધોળું ધોતિયું નો પેરતા હોય તો...
અતારે તો ચેટલાય કલર આવે સે...
અમારી ખડકી મોર્ય આવીને મરવાનું મેં કીધું'તું...? અને અમે કાંય જાણી જોઈન તમારા ધોતિયા ઉપર એંઠવાડ નહોતો નાયખો...તમે પોતે સરપંચ ઉઠીને અમારા એંઠવાડમાં અટવઈ જ્યા ઈમાં અમે સ્હું
કરવી." પછી નગીનદાસ સામે જોઈને રાડ પાડી...
"આમ હંચે બેહો કે નય...ન્યા સ્હું તમારા ડોહાનું ડાટયું સે તે ઈ હલકીનાની દુકાન મોર્ય ખોડાણા સો..હાલો આમ ઘર ભેગીના થાવ."
નગીનદાસ દયામણું મોં કરીને હુકમચંદને તાકી રહ્યો.
"સરપંચ સાહેબ, માફ કરી દ્યો..
બયરાવના બોલ્યા સામું નો જોશો ભૈશાબ..ઈને નો'તી ખબર્ય કે તમે ન્યા ઊભા સો. નકર કંઈ આમ થોડું થાય." કહી નગીનદાસે બે હાથ જોડ્યા.
પોતાને હલકીનો કીધો એ સાંભળીને હબો દુકાનની બહાર આવ્યો...એ જોઈને ધોળી ડોશીએ બરણી ઊંચી કરી...
તભાભાભા આગળનો ખેલ જોવા અધીરા બન્યા...હુકમચંદ બગડેલા ધોતિયામાંથી એંઠવાડ નીતરતો હોવાથી પહોળા પગે ચાલતા ચાલતા નગીનદાસ પાસે આવ્યા અને નગીનદાસનો કોલર પકડ્યો....
"તું હમજશ સ્હું હેં...? તારી બયરીને કય દે..બોલવામાં જરીક ધ્યાન રાખે...બજાર કાંઈ તારા બાપની નથી...હાલ્ય તારા ઘરમાંથી મને નવું ધોતિયું દે...અને તારી બયરીને કય દે આ ધોતિયું ઈને ધોઈ દેવું પડશે..અને હજાર રૂપિયા દંડ ભરવો પડશે, ગંદકી કરી ઇનો.. સ્હું હમજ્યો..?"
"બરોબર સે..હલકીનું કોણ સે ઈ હવે ખબર પડશે. રોજ બજારમાં એંઠવાડ નાખીને ચેટલી ગંદકી કરી મૂકી સે..ખરી લાગમાં આવી હવે...સરપંચ સાહેબ, બે હજારનો દંડ ઠોકો...ઈ જ લાગના મુવા સે."
હુકમચંદની હાકલ સાંભળીને હબાએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો.
"ઈમ કોય નવરીનું નથી તે તમારા ધોતિયા ધોવે." સરપંચ સામે સોડા બાટલીના કાચમાંથી તાકીને નયનાએ કહ્યું...પછી નગીનદાસ તરફ હાથ લાંબો કરીને કહેવા લાગી, "જો હું તમને કય દવ સુ...હું
આમનું ધોતિયું નઈ ધોવ...તમે હા નો પાડતા..નકર તમારે ધોવું જોશે...અને ગંદકીની વાતું કરો સો તે બજાર વસોવસ ઇમની ડોહી આ ગટર હાલી જાય સે ઈ નથી ભાળતા..? પાંસતમાં સે ઈ હંધાય આંધળીના સે..? ભોંમાં ભૂંગળા નાંખવાના હતા ઈ પોતે ખઈ જયા અન
હવે હજાર રૂપિયા દંડ ઈમ ? પેલા તમારી ડોહી આ ઉઘાડી ગટરને ઢાંકો પસી કોકને કે'વા આવજો..અને ઈમ કોકની ખડકી હામુ બપોર વસાળે ખોડાઈ રીયો તો ધોતિયાં જ બગડે..આ તો મેં ભૂલમાં એંઠવાડ નાંખ્યો..પણ હવે જો કાંય આડીઅવળી વાત કરી સે ને..તો ધોતિયું માલિકોરથી હોતે બગડી જાહે.. મને હજી તમે ઓળખતા નથી... હમજયા...? જાવ આમ સાનીમુનીના ઘર ભેગા થાવ...!"
નયનાએ હાથ લાંબાટૂંકા કરીને સરપંચને બોલવા જેવું રે'વા દીધું નહીં. હજી એ નાક પરથી લસરતા ચશ્માંને ઉપર ચડાવી રહી હતી.
"નગીનદાસ.. તારા બયરાને કે...માપમાં રે..
ધોતિયું તો ઈને ધોવું જ પડશે..નકર જોવા જેવી થાશે."
હુકમચંદે નગીનદાસનો કોલર ખેંચીને હુંકાર કર્યો.
"વહુની વાતમાં વજન છે હો. આ ગટરનું કાંયક કરવું જ પડે ઈમ છે. આ ધોળીડોશીનું તેલ ઢોળાઈ જવા પાછળ આ ગટર જવાબદાર છે." તભાભાભાએ લાગ સાધ્યો. નગીનદાસની નયનાને જાણે આ ઘટના સાથે કંઈ લેવાદેવા ન હોય એમ એ ટોળામાં ઊભેલા એક જણને હળવું સ્મિત આપીને જાડા કાચ પાછળથી નયનબાણ મારી રહી હતી. તભાભાભાએ નવીન સંભાવનાઓ સળવળી રહેલી જોઈને એમના ગુસ્સાનો પાર ન રહ્યો. તભાભાભા પણ તખુભાની જેમ શુદ્ધ ચારિત્ર્યના હિમાયતી હતા. પોતે ફરતા ગામમાં કથાઓ દ્વારા લોકોને શુદ્ધ ચારિત્ર્યના માત્ર ઉપદેશ જ નહોતા આપતા, જીવનમાં પણ એમને પોતાની કથની અને કરણી એકસમાન રાખી જાણી હતી. ભલે તેઓ યજમાનો પાસેથી દક્ષિણા લેવામાં પાછી પાની નહોતા કરતા પણ શાસ્ત્રોનું વિધિવિધાન સંપૂર્ણપણે કરતા. પોતાની નજર સામે આ હલકટ સ્ત્રી એનું ચરિત્ર સરેઆમ ઉજાગર કરી રહેલી જોઈને એમની ચોટલી ઊભી થઈ ગઈ પણ અત્યારે પોતાના વિરોધી હુકમચંદને હેરાન કરવાની તક જતી કરવા તેઓ માંગતા નહોતા એટલે તરત જ ગોરે નગીનનો પક્ષ લેવાનો નિર્ણય કર્યો.
"ઈમ પોતાનું ધોતિયું બગડ્યું એટલે પાધરોક હજાર રૂપિયા દંડ ઠોકી દીધો. આ ઉઘાડી ગટરનો દંડ કોણ ભરશે..આ હબલાના દાંત આ ગટરને કારણે જ તૂટી જ્યાં..બિચારો ભરજુવાનીમાં બોખો થઈ જ્યો..આ ડોશીનું તેલ ઢોળાણું.. સરપંસ, પેલા તમે આ ડોશીને તેલ અલાવો..મને ફરાળી ચેવડો અલાવો, આ હબલાના દાંત તૂટ્યા ઈનું કાંક કરો..પસી નગીન તમારું ધોતિયું ધોઈ દેશે..." કહીને તભાભાભાએ ફરી નયના તરફ જોયું પણ એતો એની ઊંડી કીકીઓમાંથી પોતાની નજરનું તીર મારીને પેલાને ઘાયલ કરવા સ્મિત વેરતી હતી.
નયનાને એકાએક ભાભા પોતાની હરક્ત જોઈ રહ્યા હોવાનો ખયાલ આવ્યો.
એમની નજરનો તાપ જીરવી ન શકી એટલે આડું જોઈ ગઈ...તભાભાભાના દિલના દરિયામાં, દોડીને એને એક તમાચો વળગાડી દેવાની ઇચ્છાઓનું એક મોટું મોજું ઉત્પન્ન થયું.
"સારું કર્યું હું તખુભાની ડેલીમાં ચેવડાની વાટે બેહી નો રીયો...આ નગીનદાસની બયરી તો સાલી છીનાળ છે. આનું જીવન સુધારવું પડશે...નહિતર આ બિચારી નરકમાં પડશે."
નગીનદાસની એમને ખૂબ દયા આવી.
મનોમન એમણે ક્યારેક ઉપદેશ આપીને નયનાનું જીવન સુધારવાનો સંકલ્પ કર્યો.
"મારા દાંત કાંય ગટરને કારણે નથ્થ ટૂટ્યા..તમારો બાબલો મારી દુકાનમાં થૂંકીને ભાગ્યો'તો ઈ ભૂલી જ્યા ? હું ઈને મેકવાનો નથી. ગટરની ગ્રાન્ટ તો તખુભા સરપંસ હતા ઈ વખતે આવી'તી.. ઈમાં હુકમસંદ સ્હું કરે. આમ બજાર વસાળે એંઠવાડનો ઘા કરે ઈને દંડ કરવો જ જોવે..." હબાએ તભાભાભાને વિચારમાં પડેલા જોઈને મોટેથી કહ્યું.
"ભઈ, તમે બધા જે કરવું હોય ઈ કરો.
મને તેલ જોખી દે..ઝટ..ધરમશી..."
ધોળીડોશી હજી તેલનો રાગ આલાપતી હતી.
"પણ આમ બજાર વસાળે તમે મારો કોલર પકડ્યો સે ઈ તમને શોભે સે..? ભલામાણસ સરપંસ થઈને આમ દાદાગીરી કરો સો."
નગીનદાસ તભાગોરે કરેલી તરફેણથી થોડો તાનમાં આવ્યો.
"હાલ્ય અત્યારે ને અત્યારે બીજું ધોતિયું દે...ધોળું નો હોય તો મારે ગમે ઈ કલર હાલશે." હુકમચંદે ધોતિયાની સમસ્યાને પ્રાધાન્ય આપવાનું મુનાસિબ માન્યું. જેમ બને તેમ જલદી અહીંથી હંકારી જવામાં જ સાનુકૂળતા છે એમ તરત એમને સમજાઈ ગયું.
"ધોતિયું તો એકેય નહીં હોય...ઈમ કરો મારો લેંઘો લેતા જાવ...હાલો મારા ઘરમાં...પણ પેલા મારો કાંઠલો તો મૂકો, બાપા....."
નગીનદાસની લેંઘાની ઓફર પણ અત્યારે લઈ લેવામાં જ લાભ છે એમ સમજી હુકમચંદે પહોળા પગે ખડકી તરફ ચાલવા માંડ્યું.
એ જોઈ તભાભાભાએ ખડકીના બારણાં પાસે ઊભી રહીને મોઢું મરકાવતી નયનાને કહ્યું, "વહુ, બગડેલાં મન કરતા બગડેલાં તન સારા..સરપંચના તો કપડાં જ તમારા એંઠવાડથી બગડ્યા છે પણ તમારી માલિકોર જે એંઠવાડ ભર્યો છે ઈ તમને જ સાવ બગાડી મેલશે..ભ્રષ્ટ બુદ્ધિ ચરિત્રની શુદ્ધી થવા દેતી નથી, અને આજે જે સારું લાગે છે, જે તને તારું લાગે છે ઈ હકીકતમાં તારું નથી. થોડામાં ઝાઝું સમજી જાજે દીકરી, નહિતર આ બજાર વચ્ચે હાલી જાય છે એવી જ પાપની ગટરમાં તું ડબકા ખાઈશ."
તભાભાભાની વાત કોઈને સમજાઈ નહીં. નયના થોડીવાર વિચારમાં પડી, પછી તરત જ મોટેથી બોલી પડી.
"ઈમ શીના ઘરમાં ઘરશે..તમારી વાત હું હમજી ગઈ સુ..ગોરબાપા હવે કોઈને ઘરમાં ગરવા જ નો દઉં ? " કહીને એણે જોરથી ખડકીના બારણાં બંધ કરી દીધા.
"અલ્યા..ગોર શીદને હેરાન કરો છો..આ મારું ધોતિયું તો જોવો." હુકમચંદે સળગતામાં ઘી હોમ્યે જતા ગોરને નરમ અવાજે કહ્યું.
"જ્યાં જ્યાં અન્યાય હશે ત્યાં ત્યાં આ તભા ભટ્ટ કોઈની પણ શરમ નહીં ભરે." સરપંચને જવાબ આપીને ગોરે પોતાની ચોટલી પકડીને ઊંચી કરી. એ સાથે જ એમનું મસ્તક પણ ઉચકાયું. નયના મેડા પર ચડીને કઠોડી પાસે ઊભી હતી..!
સરપંચે ગોરની આશા છોડીને નગીનદાસને ધમકાવવા માંડ્યો.
"જો નગીન..તને તો ખબર જ છે કે હું કોણ છું..? તારી બયરીને કે... કે બારણાં ઉઘાડે...નકર પસી મજા નહીં રહે..નગીન હું તારી ખાલ ઉતારીશ...મારા મોઢામાંથી ગાળ નીકળે ઈ પે'લા તું બારણાં ઉઘડાવ્ય."
"ભાભા, આ સરપંસ તો ગાળ દેવાની વાત કરે સે..મને ધમકી આપે સે..." નગીનદાસ ગોરના શરણે ગયો.
"એક તો બિચારા ઉપર ગંદવાડ નાખ્યો.
હવે સાફ કરવું નથી. તમે મુંજાતા નહીં સર્પસ સાબ્ય...હું તમારી કોર્ય સુ.. ઊભા રીયો હું પંસાતમાંથી કોકને સાદ કરતો આવું...ઈમ બજાર વસાળે ખુદ સર્પસના લૂગડાં બગાડે ઈ થોડું હાલે...આજ સર્પસનું ધોતિયું બગડ્યું..કાલ્ય ઉઠીને મારું પેન્ટ બગાડશે...આ તો નય જ હાલે..
ગામમાં ગટર હાલી જાય સે તે ચ્યાં સર્પસના ઘરેથી નીકળી સે..આખા ગામનો ગંદવાડ સે." કહી હબો દુકાન બંધ કરીને સરપંચના સમર્થનમાં આગળ આવ્યો.
"ઈમ તું જાતો'તો ચ્યાં.. મારું તેલ ઢોળય જયું ઈનું કોણ કરશે...?" કહી ધોળીડોશીએ હબાનો હાથ પકડ્યો.
નગીનદાસે મેડા તરફ નજર કરી. નયના
ત્યાં ઊભી હતી. એનું મોં સહેજ ઊતરી ગયું હતું. તભાભાભા ટોળામાં ઊભેલા એક જણને તાકી રહ્યા હતા. એ માણસ ઓળખાતો નહોતો. કદાચ બીજા ગામનો હશે... ફરતા પાંચ ગામના મોટાભાગના લોકોને તભાભાભા ઓળખતા હતા પણ આ માણસની ઓળખાણ પડતી નહોતી. હજી એ નયનાને તાકી રહ્યો હતો પણ નયના હવે કેમ એની સામું જોતી નથી એ એને સમજાયું નહીં.
નગીનદાસે પણ ટોળામાં ઊભેલા એ માણસને જોયો. તરત જ એના મગજમાં ચમકારો થયો.
બે દિવસ પહેલા બપોરે બહારગામથી પોતે આવ્યો ત્યારે આ જ માણસ કપડાંની જોડી સિવડાવવા આવ્યો હતો.
એ વખતે ખડકી બંધ શું કામ કરવી જોવે એ સવાલનો જવાબ હજી નગીનગદાસને મળ્યો નહોતો. પોતે ઘણીવાર ખડકી ખખડાવી પછી નયનાએ બારણું ખોલ્યું ત્યારે એ અજાણ્યો ઓસરીમાં બેઠો બેઠો બીડી પીતો હતો.
"ચીમ બવ વાર લાગી...?" પોતાના એ સવાલનો જવાબ નયનાએ એમ કહીને આપેલો કે હું તો આ ભાઈને આંય બેહાડીને મેડા ઉપર જઈને હુઈ જઈ'તી."
"તો ભાઈ તમારે તો ખોલવું જોવે ને...હું ચયારનો ખખડાવતો'તો ઈ તમે હાંભળતા નો'તા..?" પોતે આ માણસ પર ખિજાઈને કહ્યું હતું
"હું કોઈના ઘરના બારણાં સ્હું કામ ઉઘાડું..? જીને બન કયરા હોય ઈ ઉઘાડે..લ્યો હવે લપ મેલો..લ્યો આ એક જોડ્ય જલદી સીવી દેજો." એમ કહીને પેલો જવા લાગ્યો.
"પણ માપ તો લેવા દ્યો..." નગીનદાસે મીટરપટ્ટી કાઢતા કહ્યું.
"માપ તો તમારા ઘરનાએ બહુ ફિટોફિટ લીધું સે..ઈ પરમાણે સીવી નાખજો." કહી એ ચાલતો થયેલો...! નગીનદાસને નયના છપ્પરપગી હોવાની શંકા ત્યારથી જ ગયેલી... તભા ગોરે થોડીવાર પહેલા નયનાને ચરિત્રની જે વાત કરી એ હવે નગીનદાસના મગજમાં ઊતરી. લાળ ટપકાવી રહેલા પેલા માણસને જોઈને એનો મગજ ગયો. એ સરપંચના હાથમાંથી પોતાનો કોલર મૂકાવીને પેલા પાસે આવ્યો.
"એલા કોણ છો તું ? કોકના બયરા સામું ચીમ ચ્યારનો કીમ તાકી રીયો સો..!''
"શું બોલ્યો તું..? અરે.. ઓ નીચ નગીન....
આવા હલકા વિચારો તારા મગજમાં આવ્યા જ કેમ ? શું તું મને ઓળખતો નથી ? હું આવડો મોટો ઉઠીને મારા ધોળામાં ધૂળ નાખીશ..? તારી વહુ તો વહુ છે... તને એની કદર નથી...એની હિંમત તો જો...સરપંચ જેવા સરપંચને મોઢામોઢ કેવો રોકડો જવાબ દીધો.
આપડા દેશને આવી સ્ત્રીઓની ખૂબ જરૂર છે."
પેલાએ જરાય ડર્યા વગર નગીનને ખખડાવ્યો.
"પણ તું છો કોણ આવડો મોટો..? ક્યા ગામનો છો..?" નગીનદાસે જોરથી કહ્યું.
"ઘરાક છું ઘરાક..મારા કપડાં લેવા આવ્યો'તો. મને શું ખબર્ય કે આંય આવો ડખો થાશે." પછી પેલાએ મેડા પર ઊભેલી નયના તરફ જોઈને ઉમેર્યું, "હવે હું નિરાંતે આવીશ..કપડાં તીયાર રાખજો."
એમ કહી, નગીનદાસ કંઈ સમજે એ પહેલાં એ માણસ ચાલતો થયો. દૂર ઊભેલું એનું રાજદૂત બાઇક પર બેસીને ફરી નગીનદાસની મેડી તરફ નજર કરી, પણ નયના મેડી પરથી નીચે ઊતરી ગઈ હતી. પેલાએ કીક મારીને એનું રાજદૂત ઉપાડ્યું. ટોળા તરફ આવીને ગટરમાં
નાખ્યું. રાજદૂતનું આગળનું ટાયર ખુલ્લી ગટરમાં સ્પીડમાં ચાલ્યું અને ગટરના પાણીની છાલક ઉડી.
એ છાલકથી બચવા ટોળામાં નાસભાગ મચી..તભાભાભા હબા ઉપર અને હબો ધોળી ડોશી ઉપર પડ્યો. ધોળી ડોશીની બરણી ફરીવાર બજારમાં દડતી દડતી ગટરમાં જઈ પડી. નગીનદાસ બીજી તરફ ખસી ગયો હતો. એણે ઝડપથી એક પથ્થર શોધીને પેલા પાછળ ઘા કર્યો..પણ ત્યાં સુધીમાં એ રાજદૂત સવાર ઘણો આગળ નીકળી ગયો હતો.
હુકમચંદ પણ રાજદૂતથી બચવા નગીનદાસના ઓટલા પર ચડી ગયા હતા.
"તારી જાતનો ઘરાક...હું તો ઓળખતો નથી ને મારા ઘરે લૂગડાં સિવાડવા નાખી ગયો સે...હવે આવજે તું તારા લૂગડાં લેવા...મારી મારીને લૂગડાં ફાડી નો નાખું તો મારું નામ નગીન નહીં." નગીન ખિજાઈ ગયો હતો.
"હોય હોય...બાપલીયા..મને ડોહલીને કસરી નાખી..હે મુવા હબલા આમ આઘો મર્ય..હોય હોય બાપલીયા..." ધોળીડોશી તભાભાભા અને હબાના ભાર નીચે દબાઈ હતી.
"અલ્યા, ભાભા તમે તો હવે શું ધારી સે..શીદને મારો જીવ લેવા ઊભા થ્યા સવો...આમ ઊભા તો થાવ..આ ડોશી મરી જાહે તો હું કારણ વગરનો હેરાન થઈ જ'શ."
ભાભા નીચે દબાયેલા હબાએ ભાભાને ધક્કો મારતા રાડ પાડી.
"આ બધા કરમના ફળ છે... કરમના...
મારાથીય ઓલ્યા ભવમાં કોકનું કાંક આડુંઅવળું થઈ ગ્યું હશે..નકર આમ નો હોય..નીચ હબલા..તારી આ ગંધાતી અને ગોબરી કાયાને હું સ્પર્શ પણ ન કરું..એને બદલે પ્રભુએ મને તારી ઉપર પાડ્યો.. હે નીચ હબલા તું તો મારી પવિત્ર કાયાનો સ્પર્શ પામીને આ ભવસાગર તરી ગયો,
પણ હું તો સાવ અભડાઈ મર્યો..અને
તારી નીચે દબાયેલી પેલી ધોળી ડોશીને પણ આજ એના પાપ ધોવાનો અવસર સાંપડ્યો...હશે મારા હાથે તમારા બેઉનું કલ્યાણ લખ્યું હશે..ભોળાનાથ પંડ્યે તો કેટલાકનો ઉદ્ધાર કરે..અમારા જેવા પવિત્ર ખોળિયાઓનું નિર્માણ કંઈ અમથું કર્યું છે...?" તભાભાભા હજી ઊભા થઈ શકતા નહોતા.એમની ફાંદ અને ખૂંધનું વજન એમના ગોઠણ કોઈના સહારા વગર ઊંચકી શકે તેમ નહોતા.
"ભાળ્યું હવે તમારું ખોળિયું...આમ આઘા ખહો." કહીને હબાએ ભાભાને એક તરફ હડસેલી દીધા. ધોળી ડોશીનો હાથ પકડીને માંડ માંડ એને ઊભી કરી. ભાભા ગલોટિયું ખાઈને બેઠા થયા હતા.
ધોળીડોશીનો લવારો હજી ચાલુ હતો.
"હે ભગવાન..ચિયું ચોઘડિયું જોઈન હું તેલ લેવા નિહરી..મારો જમય ધરમશી ઇના ભાગ્યમાં ભજીયા લખાવીને નઈ આયો હોય..? ધમૂડીને મોકલી'તી તે ઈય તેલ લીધા વગર પાસી ગુડાણી...
ઓલ્યા ટેમુડાએ બપોર હુંધી બરણી જોખી..પસી કેસે કે તેલ નથ્થ વેસ્તા.. આજ હું તો ચયારની તેલ લઈને ઘરે પોગી ગઈ હોત...કોણ જાણે ચયાંથી ઓલ્યો કાળમુખો જાદવો આવ્યો ને મારું તેલ ઢોળાવી નાયખું...બાકી હતું તે આ મા'રાજ માથે પડ્યાં."
"અરે...ઓ ધોળી ડોશી...તું તો આજ ધન્ય ધન્ય થઈ ગઈ. તારા સાત જન્મના પાપ બળીને ભષ્મ થઈ જ્યા.. તું તો મરીને હવે સ્વર્ગની અધિકારીણી થઈ ચૂકી...પણ હું આજ મારા કરમનું ફળ ભોગવી રહ્યો છવ...અલ્યા નીચ હબલા હવે ભેગાભેગ મને ઊભો તો કર્ય...તુંય આજ પુણ્ય કમાઈ ગયો." ભાભાએ હબા અને ડોશીને કહ્યું.
"એક તો મદદ લેવી...ને પાસું નીચ નીચ શેના કરો સો...જાવ અમારે એવું પુન નથી જોતું...હું કાંય ઊભા નઈ કરું." કહીને હબો એની દુકાનમાં જતો રહ્યો..
આખરે ભાભાએ લાચારીથી નગીન સામે જોયું. નગીન પણ ગુસ્સે ભરાયો હતો તોપણ ભાભાનો હાથ પકડીને એમને ઊભા કર્યા. હુકમચંદ નગીનદાસના ઓટલા પર પહોળા પગ કરીને ઊભા હતા. ટોળે વળેલા લોકો હસી રહ્યા હતા. કેટલાકના કપડાં પેલા રાજદૂતવાળાએ બગાડ્યા હતા.

"અલ્યા એ નગીન, યાર તું કંઈક સમજ...હું આમ બગડેલા ધોતીએ ઘરે જઈશ ?" નગીનના ઓટલેથી ઊતરીને મોળા પડી ગયેલા સરપંચે કહ્યું.
ગોર તરફ દયામણી નજરે જોઈને ઉમેર્યું, "મા'રાજ..તમે હવે કાંઈ બોલ્યા વગર ઘરે જાવ તો હારું.....ક્યારેક અમારીય જરૂર પડશે હો..હું હજી ચાર વર્ષ સરપંચ રે'વાનો છું."

"ઠીક છે, ચાલો તમે નગીનના ઘરમાં જઈને જાતે જ તમારું ધોતિયું ધોઈ લ્યો...તો જ તમારા રાજકારણીઓની આંખ ઉઘડશે,
સમજ્યા...પાણીની લાઈન નાખતા પેલા આ ગટરને અન્ડરગ્રાઉન્ડ કરાવવી પડશે, બોલો...છે મંજુર ?"
સરપંચ ઘડીભર ઘૂળ ખંખેરતા ગોરને તાકી રહ્યા.
"સાલાનો હડિયો જ ટીચી નાખવો જોવે.
મારો બેટો ગામનું મફતમાં ગળશી જાય છે અને સિદ્ધાંતવાદીનું પૂંછડું થઈ રિયો છે." મનોમન એમ વિચારીને હુકમચંદે વધુ દયામણો ચહેરો કરીને કહ્યું,
"બધું જ મંજુર છે...બાપા, પણ મારા આ ધોતિયાને ધોવા દ્યો."
"વહુ, હવે ઉઘાડો તમારી ખડકી...આમને ધોતિયું તો ધોવા દો..તમે આજ બવ સારું કામ કર્યું."
તભાભાભાએ જોરથી નયનાને કહ્યું.
"તમે કયો સો એટલે ઉઘાડું સુ હો..નકર હું તો કોઈના બાપનું માનું એવી નથી..."
નયનાએ ખડકીના બારણાં ખોલીને કહ્યું.

સરપંચ પહોળા પગે ચાલતા ચાલતા ખડકીમાં પ્રવેશ્યા. પોતાનું ધોતિયું જાતે જ એની ચોકડીમાં ધોવા લાગ્યા.
નગીનદાસ, નયના સામે ડોળા કાઢતો કાઢતો સરપંચને મદદ કરવા લાગ્યો.
ગટરમાં પડેલી બરણી લઈને ધોળી ડોશી પણ નગીનદાસની ખડકીમાં એ બરણી ધોવા સરપંચની પાછળ ઊભી હતી. હજી એને હબા પાસેથી તેલ મળવાની આશા હતી. એણે ભાભા સામે જોયું પણ ભાભા એમના ધોતિયાનો છેડો પકડીને એમના ઘર તરફ જઈ રહ્યા હતા.
ભેગા થયેલા ગામલોકોને આજ મફતનો તમાશો જોવા મળ્યો હતો.
પેલો રાજદૂતવાળો કોણ હતો ?

(ક્રમશઃ)