સુધાને બધી ખબર હતી. હાલ તે દરવાજા સામે ઊભી હતી. દરવાજો બહુ મોટ્ટો હતો. તે કાળા રંગ નો હતો. લાકડાનો.
સુધાએ સ્મિત આપ્યું. આજે તેની બહેનના લગ્ન હતા. પેલો સ્મિતાએ ફોટો નહોતો બતાયો ? ગીતાંજલિ રાઠવાનો? એ સુધાની બહેન છે. ના, આ કોઈ જુઠ્ઠાણું ન હતું. આ હકીકત હતી. ગીતાંજલિ સ્મિતાની બહેન હતી. અને ખબર છે *અત્યારે* સ્મિતા કોણ છે?
સુધા.
એની બાની લાડલી સુધા. એના ભાઈને પ્યારી સુધા. બાપુને લાડક્વાઇ સુધા. ના. હવે સ્મિતા.
દરવાજા પર સુધાએ હાથ મૂક્યો.
એ તમને ખબર છે? આજે સ્મિતા (અત્યારે સુધા) ની બહેનના લગ્ન છે. તેના લગ્ન પ્રતિક જોડે થઈ રહ્યા છે. પેલો છોકરો યાદ છે? ફોટા વાળો? હા એની જોડે.
જેવી રીતે સુધા અંદર આવશે, તેમ સ્મિતા (અત્યારે સુધા)ની મેર (સ્મિતા તેની મમ્મીને ‘મેર’ કહી બોલાવે છે. ફ્રેંચ ભાષામાં મમ્મીને મેર કેહવાય, એવું સ્મિતા એ કહ્યું હતું.) છક રહી જશે. તે તો સ્મિતા (અત્યારે સુધા)ને ભેટીજ પડશે. અને બધાતો જોતાંજ રહી જશે.
પણ સ્મિતા (અત્યારે સુધા)ના ડેડી (પપ્પા માટેનું વિશેષણ) તો ત્યાં નહીં હોય. એ તો દાર્જિલિંગ ગયા છે. ત્યાં એમને કામ ચાલુ છે. પણ હા, જો હોય તો તે સ્મિતા (અત્યારે સુધા) ને ખૂબ પ્રસન્ન કરવા જોઈએ.
‘રોકાય કેમ ગઈ? ચલ.’ અમેય બોલે છે, એકદમ ધીમે થી. તેના હાથમાં ચાર મોટ્ટા સૂટકેસ છે.
સુધાએ છેને એકવાર સૂટકેસ જોયુ હતું. તેના ગામનો એક મોટો વ્યક્તિ તેના દીકરાને બહારગામ મોકલવા સૂટકેસ લાયો હતો. એ દીકરાની મૃત્યુ અકાળે આવી, છ મહિના બાદ.
તે અમેય ને જોઈ ઊંડા શ્વાસ લેવા લાગે છે. પછી બોલે છે, ‘મને તમારું નામ ખૂબ ગમ્યું.’
‘ના. યાદ રાખ સુધા. સ્મિતાને મારુ નામ સહેજ પણ નથી ગમતું.’
‘મને બીજું કોઈ નામ નથી સુજતું. હું શું નામથી બોલાઉ?’
‘તને જે પણ પ્રિય હોય તે. ચલ હવે. લગ્ન પછી પહોચવું છે તારે?’ એ હસ્યો.
ના હવે નઈ થાય. સુધાને ડર લાગતો હતો. સુધા કોઈ અજાણી જગ્યાએ હતી, અજાણ્યા માણસો વચ્ચે; અને એ પણ એકલી. તે ખુશ પણ કેટલી થાય? થઈ થઈ ને કેટલી બદલે? સ્મિતા ક્યા, અને સુધા ક્યા.
હા, હવે સ્મિતાના પ્રિય અંગ્રેજી શબ્દ બોલતા આવડતું હતું. એનો મતલબ એમ ન હતો કે તે સ્મિતા હતી. અને ઓળખાઈ જવાનો ડર કોને ન રહે? તે હતી કોણ અને શું બનવાનો પ્રયાસ કરી રહી હતી.
સુધા એ દરવાજો ખોલ્યો. તેના મુખ પર, અચાનકથી, હવનનો ધુમાડો આવ્યો. તે પગથિયાં ઉપર ઊભી હતી. નીચે મોટ્ટા મંડપમાં હસ્તમેળાપની વિધિ ચાલુ હતી. લોકોનું ધ્યાન સુધા તરફ ફર્યું હતું. તેની પાછળ ઊભા અમેય પર પણ.
અમેય. તે કોણ હતો? શું હતો? એ બધુ પણ સુધાને ક્યાં.. ના! સુધા. લોકો પર ધ્યાન દે. તું ખુશ છે, તો તારી ખુશી દેખાડ. તારા દાંત દેખાડ. અને ગા લગ્ન ગીત (એટલે હવે ગાવાના લાગતી હોં).
પગથિયાં નીચે ઉતરે, ત્યાં તેનું ધ્યાન રાકેશ રાઠવા પર ગયું (સ્મિતાના ડેડી). તેમના મુખ પર અંધકાર છવાયો. અને સુધાને જોતાં તે કઇ કરવા લાગ્યા. છાતી પકડી લીધી, નીચે બેસવા લાગ્યા. શ્વાસ ફૂલતો ગયો. અને ફૂલતો ગયો.
જાણે કોઈએ બોચી પકડી લીધી હોય. અને જોત - જોતાંમાં લોકો આવવા લાગ્યા. તેમની મદદ કરવા ગીતાંજલિ મંડપ પ થી ઊભી થઈ ગઈ. તે દોડતી આવી.
પણ સુધાનું ધ્યાન સાધના મેર પર તો ગયુજ નહીં. જ્યારે તે બોલ્યો, ‘સ્મિતા!’ ત્યારે તેમણે સાંભળ્યું. અમેયના હાથમાં ફોન હતો. પણ સ્મિતા શું કરે? અત્યારે સ્મિતા શું કરે? અરે! સુધાને કઇ રીતે ખબર હોય? તે તો સ્મિતાને ચાર દિવસ પેહલા મળી હતી. સ્મિતા શું કરેત?
સુધાને તેતો ખબર ન હતી. પણ એક વસ્તુ ખબર પડવાની હતી. રાકેશ રાઠવાએ તેણે જોતાંજ દેહ ત્યજ્યો હતો.
ભાગ એક –
‘પ્રલય’
સમાપ્ત: