સાંજ થઈ ગઈ હતી. સૂરજ આથમી ગયો હતો. બધાં ચામુંડા માતાજીનાં મંદિરેથી હવેલીએ પાછા આવી ગયાં હતાં. પ્રોફેસર શિવે બધાને હવેલીનાં હોલમાં બેસવાનું કહ્યું હતું. પ્રોફેસર શિવ હોલમાં આવ્યાં અને બોલ્યા, "Hello Everyone! આજે આપણે, આપણાં રીસર્ચનાં પહેલાં સ્થળની મુલાકાત લીધી. તમને યાદ હશે, મેં તમને કોલેજમાં જણાવ્યું હતું કે આપણે એક દિવસ પ્રેક્ટિકલ કરીશું અને એક દિવસ થીયરી. મતલબ આજે આપણે મંદિરે જઈ આવ્યા છીએ એટલે કાલે તમારે તેનું રીસર્ચ પેપર બનાવવાનું છે. મને આશા છે કે આજે આપણે જ્યાં ગયાં હતાં, ત્યાં તમે મજાક-મસ્તી સિવાય ત્યાંનું નિરીક્ષણ પણ કર્યું હશે! Ok, તો મને લાગે છે કે તમે બધાં થાકી ગયાં છો. તમે તમારાં રૂમમાં જઈને આરામ કરો. હું રામકાકાને કહીને તમારું રાતનું ભોજન, તમારાં રૂમમાં જ મોકલાવી દઈશ." બધાં બોલ્યાં, "Ok Sir." પછી બધાં પોતપોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં.
ભક્તિને લઈને સ્નેહા તેમનાં રૂમમાં ગઈ. તેણે ભક્તિને બેડ ઉપર સૂવડાવી. થોડીવાર પછી રામકાકા જમવાનું લઈને તેમનાં રૂમમાં ગયાં. બધાએ એકસાથે જમી લીધું. સ્નેહા, રીયા, અવની, રવિ, ભાવિન, વિશાલ અને ધ્રુવ બધાં એકસાથે બેઠાં હતાં. વિશાલ બોલ્યો, "ભક્તિને સાપ કરડ્યો, એ વાતમાં મંદિરનું નિરીક્ષણ કરવાનું તો ભૂલાઈ ગયું. હવે કાલે હું રીસર્ચ પેપર કેમ બનાવીશ?" ભાવિન બોલ્યો, "અરે! એમાં શું મોટી વાત છે? આપણે બધાં સાથે બેસીને રીસર્ચ પેપર બનાવી લેશું." ધ્રુવ બોલ્યો, "અને એમ પણ, એ એક જ સ્થળ ક્યાં હતું? હજી તો આપણે ઘણાં સ્થળોની મુલાકાત લેવાની છે." અવની બોલી, "હા! મેં સાંભળ્યું છે કે આ ગામમાં વર્ષો જૂનો કૂવો, વડનું વૃક્ષ, તળાવ અને એક જૂનું ઘર છે. આપણે ત્યાં પણ રીસર્ચ માટે જવાનું છે." રીયા બોલી, "તમને ખબર છે ફ્રેન્ડસ્? મેં ગઈકાલે રાત્રે શું જોયું?" ધ્રુવ બોલ્યો, "શું જોયું તે?" રીયા બોલી, "કાલે રાત્રે જયારે મારી ઊંઘ ખુલી, ત્યારે મેં જોયું કે અમારાં રૂમની બારી ખુલી હતી. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી સ્નેહાએ સૂતાં પહેલાં બારી બંધ કરી હતી. પછી હું બારી બંધ કરવાં માટે ગઈ. ત્યાં મેં જોયું કે કોઈ દંપતી હવેલીની પાછળ રહેલાં કૂવા તરફ ગયું અને તેમાં કૂદી ગયું. આ જોઈએ હું ખૂબ ડરી ગઈ. હું દોડીને હવેલીની બહાર ગઈ. બહાર ખૂબ અંધારું છવાયેલું હતું. કૂતરાઓનાં રડવાનો અવાજ આવી રહ્યો હતો. પછી હું તે કૂવા તરફ ગઈ. ત્યાં જઈને કૂવામાં જોયું તો કોઈ ન હતું. પછી મારો વહેમ હશે એવું સમજીને હું પાછી જવા લાગી. જેવી હું કૂવાથી થોડી દૂર ગઈ, ત્યાં એક સ્ત્રી અને પુરુષની ભયાનક ચીસ સંભળાઈ. હું ખૂબ ડરી ગઈ હતી. મને પાછળ જોવાનું યોગ્ય ન લાગ્યું એટલે હું ઝડપથી રૂમમાં જઈને સુઈ ગઈ." સ્નેહા બોલી, "તારી સાથે આટલું બધું થઈ ગયું અને તે મને જણાવ્યું પણ નહિ?" રીયા બોલી, "મને થયું કે હું તમને એ વાત કહીશ તો તમે મારાં પર વિશ્વાસ નહી કરો અને મારી હસી ઉડવશો." વિશાલ મોટેથી હસીને બોલ્યો, "તું આટલી મોર્ડન છોકરી થઇને આવી વાતો કર, તો અમે તારી હસી ન ઉડવીએ તો બીજું શું કરીએ?"
સ્નેહા બોલી, "વિશાલ! તું રીયા સાથે આવી રીતે વાત ન કર. તેની વાત સાચી હોઈ શકે છે, કેમકે મને ખુદ આવો અનુભવ થયો છે." રવિ બોલ્યો, "શું? તને પણ આવો અનુભવ થયો છે?" સ્નેહા બોલી, "હા. જયારે હોળીની રાત્રે આપણે અહીં આવતાં હતાં ત્યારે જેવાં આપણે ગામમાં પ્રવેશ્યા ત્યારે આપણી બસ બંધ થઈ ગઈ હતી. પછી જ્યારે બસ આગળ વધી રહી હતી, ત્યારે મને એવું લાગ્યું કે બસની બહારથી કોઈ ખૂબ ઝડપથી પસાર થયું. પહેલાં તો મને એવું લાગ્યું કે મારો વહેમ છે, પછી બીજી વાર મેં બહાર જે જોયું તે જોઇને હું ખૂબ ડરી ગઈ." રવિ બોલ્યો, "તે બસની બહાર શું જોયું હતું?" સ્નેહા બોલી, "બસની બહાર એક લાલ આંખોવાળો, મોઢામાં લોહી ભરેલાં ચહેરાંવાળો પુરુષ મારી સામે અટ્ટ હાસ્ય કરી રહ્યો હતો." આ સાંભળી બધાં આશ્ચર્યમાં પડી ગયાં. રવિ બોલ્યો, "સ્નેહા! તારે મને આ વાત પહેલાં જણાવવાની જરૂર હતી." સ્નેહા બોલી, "પણ હું ખૂબ ડરી ગઇ હતી." રવિ બોલ્યો, "મને પણ આવો એક અનુભવ થયો છે. જયારે આપણે હોળીનાં દર્શન કરીને પાછા આવ્યાં તે રાત્રે મને અમારાં રૂમની બહાર કોઈ સ્ત્રીનાં ઝાંઝરનો અવાજ આવ્યો હતો. પછી કોઈ અચાનક રૂમની બારી પાસેથી ખૂબ વેગથી દોડીને ગયું. જયારે મેં બહાર જઈને જોયું તો ત્યાં કોઈ ન હતું. પછી હું મારો વહેમ સમજીને સૂઈ ગયો."
ભાવિન બોલ્યો, "આ હવેલીમાં જરૂર કંઇક તો છે જ. કેમકે વહેમ એક વ્યક્તિને થઈ શકે, ત્રણ વ્યક્તિઓને તો વહેમ ન જ થઈ શકે. આપણે આના વિશે તપાસ કરવી પડશે." રવિ બોલ્યો, "જે હોય તે, તમે બધાં કાળજી રાખજો." ભાવિન બોલ્યો, "અને એક વાત સાંભળી લો, રાત્રે રૂમની બહાર કોઈ ન જતાં. જો કોઈ પણ પ્રકારનો અવાજ આવે કે બીજું કંઈ થાય તો ચીસ પાડીને બધાને ઉઠાડી દેજો. અમે બાજુનાં રૂમમાં જ છીએ, એટલે જરૂર પડે તો બોલાવી લેજો." રવિ બોલ્યો, "ચાલો! હવે સૂઈ જઈએ." સ્નેહા બોલી, "Ok, Good Night." બધાં એકબીજાને Good Night કહીને સૂઈ ગયાં.
#રાત
#horror #romance #travel