સારા બનીને રહેતા તા... છતાં.. લોકો ઠોકર મારતાં તા.., ખરાબ બનીને રહીએ છીએ તો પણ લોકો પગમાં પડતા તા.., કપાય એ ઝાડ જે હોય સીધું સટ, વાંકા ઝાડ ને તો કોઈ અડે પણ નહિ, શાંત પાણી માં નાખે પથ્થર સૌ કોઈ, ના નાખે ઘૂઘવતા દરિયામાં કદી પણ, સાપ ના રાફડા થી તો ભાગે દૂર સૌ કોઈ, પરંતુ ભોળી સુઘડી નો માળો પિંખે સૌ કોઈ, શિંગડા મારતાં ઢોર થી તો સૌ કોઈ ભાગે આઘા,પરંતુ સોજા ઢોર ને બે પરોણા વધારે પડે, સૂતેલા કૂતરાની પૂંછડી તો સૌ કોઈ ખેંચે પરંતુ સૂતેલા સિંહ થી સૌ કોઈ ભાગે દૂર દૂર,
ઉકરડો ગામને પાદર અને ગાંડો બાવળ વગડામાં જ શોભે અને સારો લાગે, એ બન્ને જણા ને ઘરમાં સ્થાન ના અપાય, ઉકરડા ઉપર ગમે તેટલું વ્હાલ હોય... પ્રેમ હોય પરંતુ તેને ઘરમાં તો ના જ લવાય, અને જો ઘરના ખૂણા માં પણ ઉકરડાને જગ્યા આપી કે સ્થાન આપ્યું તો નક્કી આખું ઘર ઉકરડો બનતા વાર નહિ લાગે, જેનું જ્યાં સ્થાન હોય ત્યાં જ તે વસ્તુ શોભે, ભગવાનની મૂર્તિ મંદિરમાં જ મોહક અને સુંદર લાગે, શિલ્પકાર મૂર્તિઓ બનાવે, સંતો તે મૂર્તિમાં પ્રાણ પૂરે ત્યારે તે મૂર્તિ પૂજવા લાયક બને, ઉખાડી ફેંકવું સહેલું છે પરંતુ જોડવું ખૂબ અઘરું છે, જે સહેલાઈથી મળી જાય છે તેની કોઈ કિમંત હોતી નથી, જે દુર્લભ હોય છે તે જ અમૂલ્ય બની જાય છે, મીઠા ઝાડ ને લોકો મૂળિયા સમેત ઉખાડી ફેંકી દેતા હોય છે, જે ઝાડ મીઠા મધુર ફળ આપતું હોય છે તેને જ લોકો પથ્થરો મારતા હોય છે, કાંટાળા વૃક્ષો નથી છાંયો આપતા કે નથી ફળ આપતા,. છતાં ફળ આપતા વૃક્ષો ને જ પથ્થરો નો માર સહન કરવો પડતો હોય છે તે નિર્વિવાદ છે
ઘઉં અને કાંકરા ક્યારેય ભેગા શોભે નહિ અને ગોઠે પણ નહિ, એતો કાંકરા ને અલગ કરીને ફેંકવા જ પડે, આકાશ અને પાતાળ જુદા જ શોભે એને ભેગા કરવાનો પ્રયત્ન નિષ્ફળ જ થાય,
નિંદા અને વખાણ બન્ને મૂળ માલિક સુધી યેનકેન પ્રકારે પહોંચી જ જાય છે,તેમાં જરા પણ મોડું થતું નથી, જેના માટે નિંદા કરી હોય કે જેના માટે વખાણ કર્યા હોય તેને અવશ્ય અચૂક પહોંચી જાય જ છે, તો પછી નિંદા કરતા વખાણ કરવાથી લાભ માં રહીએ છીએ, કોઈક નું ઘસાતું બોલવું કે કોઈના વિશે ખરાબ બોલવું તે વળી વળી ને પાછું આપણી જોડે જ પાછું આવે છે, એ પ્રમાણે કર્મ નો સિદ્ધાંત સાચો ઠરે છે કે ખરાબ કરે તેનું ખરાબ થાય જ,સારું કરે તેનું સારું થાય,નિંદા નું ગાડું ભરીને ક્યાંક ઠાલવવું તેના કરતાં વખાણ ભરી ને નાનકડું પિપડું ઠાલવશો તો અવશ્ય ગાડું ભરીને લાભ થશે તે નક્કી છે, નિંદા કરવી ખૂબ ગમે અને બીજાની નિંદા સાંભળવી પણ ખૂબ ગમે પરંતુ જેના માટે થઈ હોય તેને કડવી વખ જેવી લાગે, અને પીડા જનક પણ ખરી, નિંદા... કરનાર માટે આનંદ દાયક હોય છે, રસ પ્રવૃત્ત હોય છે, મીઠી મધુર હોય છે, પણ બીજા માટે પીડાદાયક હોય છે,ગમે તેટલી છૂપી નિંદા પણ જાહેર થાય જ છે, કડવા કારેલા ને કડવા વખ જેવા કહેવા એના કરતાં તેના ગુણ ને મોટા કરીને કહેવાથી માણસાઈ નું માપ આપોઆપ ઉંચકાય છે તે નિર્વિવાદ છે
જુદા જુદા ખેતર ખેડવાથી જ જમીન ની ફળદ્રુપતા નો ખ્યાલ આવે, તે જ પ્રમાણે જુદા જુદા માણસોને વારંવાર મળવાથી જ માણસ ની માણસાઈ નો ખ્યાલ આવે, સામાન્ય પરિસ્થિતિ માં તો સૌ સારા બની ને રહી શકે, પરંતુ અસામાન્ય પ્રતિકૂળ સંજોગો માં માણસનું વર્તન કેવું રહે છે તેનાથી માણસના માનસ નો અને સ્વભાવ નો ખ્યાલ આવી શકે, ખેતર આપણું જ ખેડવું જોઈએ.. બીજા ના ખેતર માં હળ ના ચલાવાય, આપણા ખેતરમાંથી જ પાક ની લણણી કરાય, પાડોશી ના ખેતર માંથી તો બાજરી નું નાનકડું ડુંડું પણ ના લેવાય તેવું નીતિ શાસ્ત્ર કહે છે,હડપ કરવું, પચાવી પાડવું કે પછી ખાઈ જવું જેવી મનોવૃત્તિ યેનકેન પ્રકારે જે તે વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખે છે,જેમ ભારે ખોરાક પચતો નથી તેમ બીજાનું પચાવી પાડેલું ધન અંતે તો માણસ ને પાયમાલ કરે છે અને જીવનને દોજખ બનાવી વેરણછેરણ કરી નાખે છે તે નિર્વિવાદ છે
--- રસિક પટેલ, સેટેલાઇટ,અમદાવાદ