Stree Sangharsh - 13 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 13

Featured Books
Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 13

સહાપુર એક અંતરિયાળ ગામ છે ગામની વસ્તી બહુ વધારે નથી ત્યાંના લોકો વ્યવસાયે ખેતી કરે છે અને તેમનું જીવન સુખમય છે. અહીં પ્રાથમિક શિક્ષણ માટે માત્ર એક જ શાળા ઉપર સહારો છે.. જેની પરિસ્થિતિ પણ વધુ સારી નથી કોઈ શહેરી શિક્ષક તો વધુ સમય અહીં ટકી શકે નહીં પરંતુ રાજીવ નો પરિવાર અહીં ખૂબ જ ખુશ છે.

ગામમાં રાજીવ નું ખુબ જ માન છે. જેનો શ્રેય માત્ર રાજીવે કરેલી મહેનતને જાય છે. જ્યારે તે પ્રથમ અહીં આવ્યો ત્યારે તો માત્ર બે જ શિક્ષકો શાળા માં હતા. બાળકો પણ વધુ શાળાએ આવતા ન હતા . ગરીબીને કારણે બાળકો ખેત મજૂરી કે નજીકના ગામમાં કામ પર ચાલ્યા જતા. જેથી શાળા તો સાવ ખાલી જ હતી શરૂઆતમાં રાજીવને પણ આ બધું અજીબ લાગ્યું પરંતુ ગામની પરિસ્થિતિ સમજી ને તેણે બધાને ધીરે-ધીરે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેમના માટે અનુકુળ સમય પણ શાળાનો ગોઠવ્યો. જેથી હવે બાળકો શાળા તરફ વળ્યા હતા વળી રાજીવે તો સરકારની ખાસ મંજૂરી મંગાવીને અહીં સાંજના સમયે પ્રોઢ શિક્ષણ પણ શરૂ કર્યું હતું જેથી ગામના ખેત મજુરો અને ખેડૂત ભાઈ બહેનો પણ શાળાએ આવતા થયા હતા જેથી રાજીવની ગામમાં સારી એવી શાખ ઉભી થઇ ગઇ હતી .

આમા રેખા પણ રાજીવના મદદ કરતી હતી પોતે પણ મહિલાઓ માટે શિક્ષણ જાગૃતિ અને લોક કલ્યાણ નું કામ કરવા લાગી હતી. એક શિક્ષકની પત્ની તરીકે નહીં પરંતુ ગામની સ્ત્રીઓ તેને સખા દીદી કહીને સંબોધવા લાગી હતી. પોતાની દીકરી રુંચા પણ તે જ શાળામાં ભણતી હતી આથી ગામના લોકોને રેખા અને રાજીવ પર વધુ વિશ્વાસ આવી ગયો હતો રાજીવ અને રેખાની બીજી દીકરી મીરા પણ હવે સાત મહિનાની થઈ ગઈ હતી જે હવે ગોઠણભેર ચાલવા લાગી હતી રેખા કોઈ કામસર બહાર જતી તો તેને સાથે જ લઈ જતી હતી ગામના લોકો ખુબજ પ્રેમાળ હતા એક સંપૂર્ણ પરિવાર તરીકે બધા હળી-મળીને રહેતા હતા .રાજીવ_ રેખા અને બંને ની દીકરીઓ પણ અહીં આ જ રીતે ભળી ગયા હતા. ભારે હદયે જ્યારે પોતાનો પરિવાર અને ઘર રેખાએ અને રાજીવે છોડ્યું ત્યારે બંને એકલા કઈ રીતે અહીં રહેશે તેવો વિચાર રેખાને ખુંછતો હતો. કિરણ બહેને પણ ઘરમાં ખૂબ જ ધમાલ કરી હતી પરંતુ રાજીવ મક્કમ રહ્યો રેખા પણ રાજીવની આ જીદ્ ઓળખી શકી નહીં પોતે પણ અસહાય બનીને સમય સાથે જે થઇ રહ્યું હતું તે જોઈ રહી.
જોકે અહીં પરિવારના સૌ કોઈ વારી વારી આવી ચૂક્યા હતા બંનેની સાથે રહી ગયા પણ હતા પરંતુ કિરણબેન આવ્યા જ નહીં રાજીવે રેખા ના કહેવા પર ફોન પણ કર્યો પરંતુ કિરણબેન માન્યા જ નહીં.

ગામથી બે કિલોમીટર દૂર એક બાલિકા આશ્રમ હતો. અનાથ બાળકીઓ માટે અહી રેહવાનું કેન્દ્ર બનાવેલું હતું. આ બાળકીઓ પોતાના શિક્ષણ માટે શહાપુર ગામ ની શાળામાં આવતી હતી. જ્યાર થી રાજીવ અહીં પોતાનું ટ્રાન્સફર કરાવી ને આવ્યો હતો ત્યારથી શાળાની આ પરિસ્થિતિમાં ઘણો સુધાર આવ્યો હતો. આ કેન્દ્ર સરકારી હતું પરંતુ અંતરિયાળ ગામ હોવાને કારણે કર્મચારીઓનો અહીં અભાવ હતો. આથી જ્યારે અહીંની કાર્યકર્તા રેખાને મળી ત્યારે તેણે રેખાને અહીં જોડાવાનો આગ્રહ કરેલો. એક-બે વાર રેખા અને રાજીવ બંને અહીં મુલાકાત પણ લેવા આવેલા હતા, પરંતુ પોતાની દીકરીઓ નાની છે એમ કહી આ વાત ને ટાળી હતી પરંતુ તેની બાળકીઓ સાથે રેખાને થોડો લગાવ થઈ આવ્યો હતો એક સ્ત્રી તરીકે પોતે આટલી બધી અનાથ દીકરીઓને જોઈને રેખા નું હૃદય ભરાય આવતું હતું. કોઈ તીથી કે શુભ દિવસે તે અહીંની બાળકી ઓને મળવા આવતી રૂચા અને મીરા પણ અહીંની બાળકીઓ સાથે સમય ગાળતી હતી. જેમાંથી એક છોકરી તો રેખાની વધુ નિકટ આવી ગઈ હતી. રેખાને પણ તેનાથી વધુ લગાવ થઈ ગયો હતો. જે એકંદશે રુંચા કરતા થોડી જ મોટી હતી. રેખા ઘણીવાર આ છોકરીને પોતાની સાથે પોતાના ઘરે પણ લઈ જતી હતી.

બાપુજી સિવાય ઘરના બીજા કોઈ સભ્યને રાજીવ ના પોતાના પરિવારના સભ્યો સાથે અલગ ગામમાં જઈને રહેવું તે વિશે શંકા ન હતી. આ તો કદાચ એક સરકારી આદેશ છે અને એ પણ ટૂંક સમય માટે જ એવું બધાએ વિચારી લીધું હતું . જોકે રાજીવે બધું જ સહજ અને સરળ છે તેવું જ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો તે જતો ન હતો કે પોતાના ગયા પછી કોઈ તેની માતાને અપશબ્દ બોલે. પરંતુ બાપુજી જાણતા હતા કે આનું કારણ કદાચ કિરણ અને રેખા વચ્ચેનો મતભેદ છે વળી બીજી દીકરી આવવાથી કિરણ રેખાને વધુ કોઈ કડવા વેણ ન આપે તે પણ એક કારણ હતું. રજાઓમાં રાજીવ પરિવારને લઈને અહીં આવતો જતો હતો પરંતુ કિરણબેન આ માટે પણ રેખાને જ દોષ આપતા હતા તેમની નારાજગી હજી સુધી અકબંધ હતી. પરંતુ રેખાએ આ પરિસ્થિતિને સ્વીકાર કરી લીધી હતી તે હવે એ તો સમજી ગઈ હતી કે જેરામ પોતાની માતા વગર રહી શકે તેમ ન હતો તે આજે પોતાના પરિવાર માટે આવી ર સહન કરે છે મીરાના આવ્યા પહેલા જે પણ દીકરાનો મૂકે કદાચ લાલચ કહી શકાય તે હવે આ કોમળ દીકરીને જોઇને બદલાઈ ચૂકી હતી.

એક દિવસ રુંચા અને મીરા ગામ ની કેડીમાં અન્ય બાળા સાથે રમતી હતી. રુંચા પોતાની સખી સાથે રમતી હતી જ્યારે મીરા એક ઝાડ નીચે બેઠી હતી ત્યાં તેને એક જીવજંતુ એ ડંખ માર્યો અને તે ચીસ પાડી ઉઠી.... એક તો દર્દ એહસાસ થતા તે રડી પડી . રુંચા આ બધાથી અજાણ તેને રડતા જોઈ શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગી અથાગ મહેનત છતાં પણ જ્યારે તે શાંત ન રહી ત્યારે તે દોડીને તેને પોતાની માતા પાસે લઈ ગઈ જ્યારે રેખાએ તેના શરીર ને તપતું જોયું ત્યારે તે ભાગતા ગામના એક પ્રાથમિક ચિકિત્સા તરફ લઇ ગઈ. અચાનક બની ગયેલી આ ઘટનામાં રેખા બેબાકળી બની ગઈ. છોકરીને લીલી પડતી જોઈને જ ચિકિત્સક સમજી ગયા કે કદાચ આને કોઇ જંતુ એ ડંખ માર્યો છે અને અહીં તેની માત્ર પ્રાથમિક સારવાર જ થઈ શકશે આથી તેને બની શકે તેટલી જલ્દી શહેર માં લઈ જવી જોઈએ આ સાંભળી રેખા અસમંજસ માં પડી ગઈ લથડતા અવાજ સાથે તેણે રાજીવ ને ફોન લગાડ્યો . મીરા ને કંઈ થઇ ગયું છે તેની જાણ ગામની સ્ત્રીઓને પણ થઈ તેઓ પણ દોડતી પ્રાથમિક કેન્દ્રમાં આવી પહોંચી અને રેખાને ઢીલી પડતી જોઈ દિલાસો આપવા લાગી થોડી જ વારમાં રાજીવ પણ ત્યાં પહોંચી ગયો અને એમ્બ્યુલન્સમાં મીરા ને બીજા દવાખાને લઈ જવામાં આવી. જ્યારે રુચા તો એ સમયે કોઈને યાદ આવી નહીં પરંતુ પડોશની એક મહિલા તેને પોતાની સાથે ઘર લઈ ગઈ.

આ ઘટનાને પચાસેક દિવસ વીતી ગયા પરંતુ પોતાની દીકરી મીરા નો શોક્ રેખાના મનમાંથી ગયો નહીં એક સામાન્ય ઘટનામાંથી ન બનવાનું ઘણું બધું બની ગયું રેખા ઘરના ઉંબરે નિષ્પ્રાણ બેઠી આકાશ તરફ તાકી રહી હતી. જાણે કે તે વગર કોઈ શબ્દ બોલે કેટલા એ પ્રશ્ન કુદરત ને પૂછી રહી હતી.

રુચા ક્યારની ," મા....મા...' ...'..." કહીને તેને પંપાળી રહી હતી ક્યારેક તે રેખાના ખોળામાં માથું ઢાળતી તો ક્યારેક તેના મોઢે હાથ ફેરવીને તેને પોતાનો અહેસાસ કરાવી રહી હતી પરંતુ રેખાનું તો જાણે મન અહીં છે જ નહીં માત્ર શરીરથી તે અહીં બેઠી છે... અચાનક એક નાનો હાથ અને તે હાથમાં રહેલો ભોજન નો કોળિયો રેખા ના મોઢા તરફ આવ્યો આ જોઈ રેખા પાછી ભાનમાં આવી જાણે કોઈ ગાઢ નિંદ્રામાંથી પોતે ઘણા સમય પછી બહાર આવી હોય તેમ તે પેલી નાની બાળકી અને તેનો હાથ જોવા લાગી .."

તમે કંઈ ખાધું નથી,

થોડુંક તો ખાઈ લો.

તમે નહિ ખાવ તો મીરા પણ નહીં ખા ". ...

આ સાંભળી રેખા બાજુમાં ઊભેલા રાજીવ સામે જોવા લાગી અને તે બાળકી નો હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.... આ છોકરી બીજું કોઈ નહીં પરંતુ પેલી અનાથાશ્રમ માં રેહવાવાળી અનાથ બાળકી હતી. જેની સાથે રેખા સૌથી વધુ નિકટ હતી. પ્રથમ વખત જ્યારે રેખા તેને મળી હતી ત્યારથી જ તેની પાસે કંઈક અલગ જ આકર્ષણથી ખેંચાઈ ગઈ હતી. જોકે અનાથાશ્રમમાં બીજી ઘણી બાળાઓ હતી પરંતુ રેખા નો હાથ આ બાળકી ઉપર અલગ જ મમતાથી પ્રસરી જતો. જ્યારે પણ તે ને અનાથાશ્રમ જવાનું થતું આ મીરા ને મળવું તેનું મુખ્ય કારણ રહેતું. જાણે પોતાની બંને પુત્રીઓ કરતા રેખાને આ બાળકી વધુ મોહક અને પોતાની લાગતી હતી . મીરા નો સમય અને પરિસ્થિતિ એ તેને ઉમર કરતા વધુ સમજદાર બનાવી દીધી હતી. રાજીવ આ વાત સારી રીતે જાણતો હતો. જ્યારે તેણે પોતાની સાત મહિનાની દિકરીને ગુમાવી ત્યારે રેખાના શોક્ અને પોતાની ભૂલ ના દોષમાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં કોઈ અસર ન દેખાતા આં અનાથ બાળકી મીરા જ તેની મદદ કરી શકશે એવું રાજીવ ને લાગ્યું હતું. જે ઘરના સભ્યો કરતાં પણ વધારે રેખાને સમજતી હતી.જે પોતાની કાલીઘેલી ભાષામાં વધુ સરળ રીતે સમજાવી શકે એમ પણ હતી. પરંતુ તે ઉંમર માં રુંચા કરતા થોડી મોટી હતી.

ગામમાં સૌ કોઈ આ પ્રેમાળ પતિ પત્નીના શોક ને ગંભીરતાથી સમજતા હતાં. બધાએ પોતાના થી બનતી બધી રીતે તે બંનેને આશ્વાસન પણ આપ્યું પરંતુ પોતાના બાળકને ગુમાવવાનો દર્દ કોઈ નાની વાત ન હતી. ઘરના સદસ્યો તો રેખાની લાપરવાહી સમજતા હતા આટલા મોટો પરિવાર હોવા છતાં બંને એકલા અલગ રહેતા હતા આ વાત કિરણબેન ને તો પહેલેથી જ ખૂંચતી હતી તેમને તો પહેલેથી લાગતું હતું કે આ બધું રેખાની જીદ્દ નું જ પરિણામ છે .જેને પરિવાર ના સભ્યો નું કામ કરવામાં અને સાથે રેહવામાં કઈ બળ પડે છે. જેથી આ ઘટના પછી રેખા અને રાજીવનો પોતાના પરિવાર સાથે નો મન મુટાવ વધી ગયો. આ વખતે તો બાપુજી પણ થોડા નારાજ દેખાતા હતા કશું ન બોલી ને પણ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મોહન પણ પોતાના ભાઈને ઠપકો આપવામાં બાકી રહ્યો ન હતો કારણકે તેને લાગતું હતું કે ભાઈ ખોટી જીદ કરીને પોતાના પરિવારને આવા અજાણ્યા વિસ્તારમાં સાથે લઈ ગયા.

ધીરે-ધીરે રાજીવને પણ પોતાની જીદ નું પરિણામ મળ્યું હોય એવું લાગવા લાગ્યું હતું. આ બધી જ પરિસ્થિતી થી અજાણ રેખા પોતાની માનસિક સ્થિતિ ને સંભાળી શકતી ન હતી પહેલા પુત્રનો આંધળો મોહ અને હવે નાની દીકરીની અકાળે મૃત્યુ તેને કચોટી ખાતી હતી . તે એક શ્રેષ્ઠ માતા બનવામાં નિષ્ફળ ગઈ છે તેવું તે મનોમન ધારી રહી હતી .હદય પર કોઈએ પથ્થરના ઘા માર્યા હોય એવી અસહ્ય પીડા તે ભોગવી રહી હતી. રાજીવ પણ હવે આં જોઇ શકતો નહોતો..

આ અનાથ બાળા ના ઘરે આવ્યા પછી રેખા થોડી સ્વસ્થ થઇ ગઇ હતી જાણે તેનું મન બીજી પરિસ્થિતિમાં પરોવાયું હતું. આ બાળકીએ તો જાણે પોતાના ખિલખિલાટ થી ઘરમાં પાછી ચેતના ભરી દીધી હતી. એક ખૂણામાં ઉભી રુંચા આ બધું જોઇને થોડી ચિડાઈ રહી હતી .સાત વરસની રુંચા એટલી તો જાણવા લાગી હતી કે તેની માતા પોતાનાથી વધુ બીજાને પંપાળે છે, વહાલ કરે છે....